On a visit to Saputara - 1 books and stories free download online pdf in Gujarati

સાપુતારાની મુલાકાતે - 1

સાપુતારાની મુલાકાતે ભાગ-૧

તા.૧૫/૦૮/૨૦૨૨ થી તા.૧૮/૦૮/૨૦૨૨.

          ઘણા સમયથી અમે બહાર ફરવા જવાનું વિચારતા હતા. પણ સ્થળ નકકી નહોતું થતું. અચાનક રજાઓમાં સ્થળની પસંદગી થઇ જ ગઇ. એ પણ ઓગસ્ટ મહિનામાં. જયાં તહેવારોની રજાઓનો તો ભરમાર હતો. આપણે નોકરીયાત વર્ગ એટલે રજાના મેળથી જ કયાંક જવાનું વિચારીએ. આખરે અમે સાપુતારા જવાનું વિચાર્યુ. સાપુતારા અમે પહેલીવાર જતા હતા. આથી તેના વિશેની બધી જ માહિતી મેળવી અમે તૈયારી ચાલુ કરી. મારો નાનો પરિવાર એમાં હું મારા પતિશ્રી અને બે વર્ષનો બાબો. બીજા સાથે મારા નણંદશ્રી અને તેમનો પરિવાર હતો. 

            સૌ પ્રથમ તો અમે કપડાંની ખરીદી અને બીજી જરૂરી વસ્તુઓની ખરીદી કરવા ઉપડી ગયા. કારણ કે, સાપુતારામાં વાતાવરણ ઘણું ઠંડુ હોય છે. સાપુતારામાં અમારે ત્રણ થી ચાર દિવસ ફરવા જવાનું નકકી કર્યુ હતું. આથી અમે એ પ્રમાણે સામાન લઇ લીધો. સાથે-સાથે કયાંય જતા પહેલા તાવની, શરદી જેવી સામાન્ય દવાઓ લેવી ન ભૂલવી. એ પછી સામાન પેક કરીને અમે ગાડીમાં સાપુતારા જવા નીકળી પડયા. અમે ગાડીમાંથી નીકળ્યા ત્યાંથી સાપુતારા લગભગ ૮-૯ કલાક અને ૪૫૦ કિ.મી. જેટલું હતું. આથી અમે ૧૫ મી એ સાંજે ૫ વાગ્યાની આસપાસ સાપુતારા જવા નીકળ્યા. રસ્તામાં અમે ભરૂચ રોકાવાનું નકકી કર્યુ. ભરૂચ જતા રસ્તામાં બે બ્રિજ આવે છે. જેમાં તમને ટ્રાફિક બહુ જ નડશે. એનો કોઇ ટૂંકો રસ્તો નથી. તમારે ભરૂચ જવા માટે બ્રિજ તો ઓળંગવો જ પડે. આથી  થાય એમ હોય તો વહેલા જ નીકળવું. લગભગ નવ વાગ્યાની આસપાસ અમે ભરૂચ પહોંચ્યા. ત્યાં એક સંબંધીને ઘરે અમે બધા રાતવાસો રોકાવાના હતા. ત્યાંના સરસ મજાના ભોજનની અમે મજા માણી. ભરૂચમાં રાત રોકાઇને સવારે ચા-નાસ્તો કરીને અમે સવારે સાત વાગ્યે સાપુતારા જવા માટે રવાના થયા. ભરૂચથી સાપુતારા ૨૧૨ કિ.મી. એટલે કે, લગભગ પાંચ કલાક જેટલો સમય લાગે અને ભરૂચથી સાપુતારા જવાનો થોડા ભાગનો શરૂઆતનો રસ્તો ખાડા વાળો છે ને ટ્રાફિક પણ હોય છે આથી સમયસર કાં તો વહેલા નીકળવાનો પ્રયત્ન કરવો.

            સાપુતારાની વાત કરીએ તો એ ભારત દેશના ગુજરાત રાજ્યનું એકમાત્ર હવાખાવાનું સ્થળ છે. સાપુતારા ડાંગ જિલ્લામાં મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મીટર ઉંચાઇ પર આવેલું છે. અહીં ભરઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે. ગુજરાતમાં જંગલની વાત આવે તો ગીર બાદ બીજું સ્થળ સાપુતારાનાં જંગલો છે. ત્યાંનું વન વૈવિઘ્ય અને પ્રકૃતિ સમૃદ્ધિ પ્રવાસીઓને આકર્ષવા સક્ષમ છે. દૂર-દૂર સુધી ફેલાયેલી ખીણો અને લીલીછમ વનરાજીનાં દ્રશ્યો મનને હરી લે છે. એડવેન્ચર ટુરિઝમ તરીકે પણ સાપુતારા જાણીતું બન્યું છે. ડાંગના જંગલો, પર્વતો, સર્પાકાર રસ્તાઓ, નદીઓ ઝરણાંઓ જોતાં-જોતાં સાપુતારા પહોંચવાનો આનંદ જ કંઇક અનેરો હોય છે. નીચે ડાંગથી ઉપર સાપુતારા જવાનો જે ૫૫ કિ.મી. નો આડા-અવળો રસ્તો છે એનો નજારો જ કંઇ અલગ છે. રસ્તામાં ઘણા બધા સ્થળ આવે છે પણ અમે સીધા સાપુતારા જ ગયા. અમે રસ્તાઓમાં એટલા બધા નયનરમ્ય દ્રશ્યો જોયાં કે એમ થયું કે આનાથી વિશેષ કંઇ છે જ નહિ. મોઢામાંથી બસ ‘‘વાહ વાહ’’ જ કહેવાનું મન થઇ જતું. તેના અમુક દ્રશ્યો અમે અમારી આંખોમાં તો સમાવી લીધા પણ થોડા ફોનના કેમેરામાં પણ કેદ કરી લીધા.

રસ્તો પસાર કરતાં-કરતાં અમે લગભગ ૧૨.૦૦ વાગ્યાની આસપાસ સાપુતારા હીલ સ્ટેશનમાં નીચે પહોંચ્યા. ત્યાં તમને થોડી ખાણી-પીણી બજાર મળી રહેશે. હોટલો-રેસ્ટોરન્ટ પણ ઘણી બધી છે. પણ હા એક મહત્વની વાત છે સાપુતારાની મુલાકાત કરતાં પહેલા અગાઉથી હોટલ બુકીંગ કરાવી લેવું. આગળના દિવસે કરાવશો તો ભાવમાં ઘણો મોટો તફાવત જોવા મળશે અને આમ પણ ઓગસ્ટ મહિનામાં ભીડ પણ વધારે હોય છે. કેમ કે સાપુતારાની મુલાકાત લેવાનો સૌથી સારો સમયગાળો ઓગસ્ટ મહિનો જ છે આવું અમને ત્યાના સ્થાનિક લોકોએ જણાવ્યું. આથી હોટલબુક કરાવીને જ જવું. ત્યાં પ્રાઇવેટ અને સરકારી ખાતાની હોટલો પણ ઉપલબ્ધ છે. આથી આપને ગમે તે રીતે આપ હોટલ બુક કરાવી શકો. હોટલ પહોંચતાં થોડા સ્વસ્થ થઇને અમે સીધા જ જે હોટલમાં રોકાયા હતા ત્યાં જમવા ગયા. એ પછી તરત જ અમે સાપુતારા લેક જોવા ગયા.

(વધુ આવતા પ્રકરણે ભાગ-૨ માં)

-  પાયલ ચાવડા પાલોદરા