Upla Dhoranma - 3 books and stories free download online pdf in Gujarati

ઉપલા ધોરણમાં - 3

3

તેને પોસ્ટરો ગોઠવવાનું અને બેનરો સંકેલવાનું કામ મળેલું. એક વખત પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ એક એવા સુત્રની શોધમાં હતા કે જે તેમની પાર્ટી જે નવી વસ્તુઓ કરવા માંગતી હતી તેના પ્રત્યે ધ્યાન ખેંચે. કોઈએ મજાકમાં તેને પૂછ્યું કે કોઈ સૂત્ર સૂચવે. થોડા વિચાર બાદ તે બોલી ઉઠ્યો “નયે તૌર સે લિખેંગે હમ મિલકર નઈ કહાની”. સહુની આંખમાં ચમક આવી ગઈ. “વાહ રે છોરા! તેં તો કમાલ કરી.” સહુએ કહ્યું.

તે ચા વેંચનારામાંથી પોસ્ટરો ચોંટાડતો અને એથી ઉપલા ધોરણમાં- સૂત્રો ડિઝાઇન કરતી ટીમનો પહેલાં સહાયક અને પછી ઇન્ચાર્જ બની ગયો.

નજીકની રાત્રિશાળામાં અભ્યાસ કરી તે ઠીકઠીક સારા ગુણ લઇ એસ.એસ.સી. પાસ થયો. તેનું ગણિત બહુ સારું પણ નહીં અને નબળું પણ નહીં. ભાષાઓ પર તેનું પ્રભુત્વ તેણે જાતે કેળવેલું. વિજ્ઞાન અને ભૂગોળમાં તેને ખુબ રસ પડતો. તેણે નવરાશે અખબારો અને પ્રચાર સાહિત્ય વાંચી ઘણું સામાન્ય જ્ઞાન મેળવ્યું. કોઈ પણ પ્રશ્ન તે ઊંડો વિચાર કરી સફળતાથી ઉકેલતો.

હવે તેને લાગ્યું કે પેલા સાહેબ કહેતા હતા તેમ એક.એક પગથિયું ચડી ઉપર જવાશે. એક વખત ચા વેંચનાર અને આજના વડાપ્રધાન વચ્ચેની મંઝિલ કદાચ આવા જ કોઈ રસ્તે તય થઈ હોવી જોઈએ. ‘હું ક્યાં સુધી પહોંચીશ? કેવી રીતે? કદાચ આ જ રસ્તે?’ તેણે વિચાર્યું અને પોતાને જ મનોમન કહ્યું કે ‘રસ્તો સાચો છે પણ બધાનો મુકામ એક નથી હોતો. કોઈનો દૂર કોઈનો થોડો ટૂંકો. હું તો મારો પંથ કાપીશ.’

એક વખત એક ઉચ્ચ વર્ગની વૈભવી સોસાયટીમાં એક પ્રચાર સભામાં લાઈટો ફિક્સ કરવા, માઈક ઓપરેટ કરવા અને એવાં પરચુરણ કામ માટે મુખ્ય નેતાએ તેને સાથે લીધો. સભાને દિવસે જોરદાર વરસાદ પડયો. મુખ્ય નેતા પાણીમાં ફસાઈ ગયા અને સભામાં પહોંચી શક્યા નહીં . તેણે નેતા જે વાત કરવાના હતા તે મુદ્દાઓ સિનિયરો પાસે માંગ્યા અને પોતાને એક વખત એ સભામાં બોલવા એક તક આપવા વિનંતી, આજીજી કરી. તે તો અગાઉથી પહોંચી ગયેલો પણ એ વિસ્તાર સુધી કાર્યાલયથી કોઈ પહોંચી શકે તેમ ન હતું. મુખ્ય નેતા તો ફસાઈ ગયેલા. તેને  અચકાટ સાથે એક તક આપવામાં આવી. તેનું વક્તવ્ય એવું તો જોરદાર રહ્યું કે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઇ અવાચક રહી ગયા. વક્તવ્ય પૂરું થતાં તાળીના ગડગડાટ સાથે તેને વધાવી લેવામાં આવ્યો. વક્તવ્ય તેણે શીઘ્ર, ફક્ત મુદ્દાઓ ધ્યાનમાં રાખી તૈયાર કરેલું. તેમાં ઘણાં અપીલ કરતાં વાક્યો હતાં અને ચોટદાર શૈલી હતી. તે સફળ થયો. “એક અઘરું પેપર પાસ કર્યું. હવે વધુ ઉપલા ધોરણમાં” તેણે પોતાને મનમાં કહ્યું.

એક ઝૂંપડપટ્ટીમાં તેને સભા સંબોધવા કહેવાયું. ત્યાં તેના જેવા અનેક ગરીબ, અનાથ, મજૂરી કરી ખાતા અને અત્યંત ગરીબ લોકો રહેતા હતા. મોટા ભાગના લોકો તેમને પૈસા,દારૂ અને મફત વસ્તુઓ આપે તેને માટે મત આપવા લલચાઈ જતા કે ધાકધમકીઓને વશ થઇ જતા. તેણે લોકોને પ્રશ્નો પૂછી, તેમના મનમાંથી જવાબો કઢાવી અને પછી સમજાવ્યું કે લોકશાહી શું છે, શા માટે મત આપવો જોઈએ, સાચી પાર્ટીને મત આપવાથી શું લાભ થશે, લાભ એટલે શું, કલ્યાણ એટલે શું વગેરે જે તેઓ જાણતા જ ન હતા અને તેમની ભાષામાં તેમના જેવા દેખાતા માનવીએ તેણે કહ્યું. તેણે સમજાવ્યું કે મત એ મફત શર્ટ, સાડી કે દારૂની બોટલ જેવી ક્ષુલ્લક વસ્તુઓ માટે નથી, તે ઘણી મોટી, અમૂલ્ય એવી લોક કલ્યાણ નામની વસ્તુ સાથે સંકળાયેલ છે.

બધા જ ઝુંપડાવાસીઓ તેની સાથે થઇ ગયા અને એ વિસ્તારમાં તેની પાર્ટીને અભૂતપૂર્વ જીત મળી.

“વધુ એક ઊંચું પેપર, અજાણ્યા અભ્યાસક્રમ સાથે” તેણે પોતાને કહ્યું. હવે તેને ભાગ્યે જ મત આપવા આવતા વૈભવી ભદ્ર લોકોને સંબોધન કરવા જવાનું કહેવામાં આવ્યું. પહેલાં તો તેઓ એકઠા થાય એમ જ ન હતા. અહીં તેણે ઘડાયેલા કાર્યકર્તાઓની સલાહ લેવાનું મુનાસીબ માન્યું. તેણે એક વખતના આ કાર્યાલયના બોસનો પણ સંપર્ક સાધ્યો અને તેમનું માર્ગદર્શન મેળવ્યું. તેમણે જ તો તેને પ્રથમ વખત ઓટલે ચા બનાવવામાંથી કાર્યાલયમાં પ્રવેશ આપેલો.

તેણે જેટલા પણ આવેલા તેમને સીધું પૂછ્યું, “ધારો કે તમને કોઈ પાર્ટી ગમતી નથી. સત્તા એક સરમુખત્યારની થઈ જાય છે. તો શું થાય?”

કોઈએ જે સૂઝે તે જવાબ આપ્યા પણ મુખ્યત્વે તેઓ મૌન જ રહ્યા.

તેણે કહ્યું “તે તમને ધંધો કરવા પણ દે અને બંધ પણ કરાવી દે. તેની સામે તમે અવાજ ઊંચો કરો તો જેલ, દેશનિકાલ કે દુનિયા નિકાલ થઇ જાય. ધારો કે રાજાશાહી આવે. તે કહે તે ધંધો તે કહે તે શરતે કરવો કે રાતોરાત બંધ કરવો પડે. લોકશાહી બીજા કરતાં અનેક ગણી પોતીકી વ્યવસ્થા છે અને તમારો, સાથે પુરા સમૂહ, પુરા દેશનો વિકાસ લોકશાહીથી જ શક્ય છે. અને એ માટે મત તો આપવો જ પડે, બલ્કે પાર્ટી માટે ફંડ પણ.“ તેણે એ લોકોના બધા સવાલોના જવાબ શાંતિથી આપ્યા. ધરાર ગુસ્સે થઇ અપમાન કરતા ‘ભદ્ર’ લોકોના પણ.

તેને પાર્ટીની કલ્પના બહારનું ડોનેશન મળ્યું અને પાર્ટીને ત્યાં સંપૂર્ણ જીત મળી. ત્યાં રેકોર્ડ મતદાન થયું. તે હવે પાર્ટીનો સ્ટાર પ્રચારક બની ગયો.

(ક્રમશ:)