Kalpvruksh - 1 in Gujarati Fiction Stories by Divya books and stories PDF | કલ્પવૃક્ષ - 1

કલ્પવૃક્ષ - 1

કલ્પવૃક્ષ

“આવો, આવો, બિઝીએસ્ટ પર્સન ઓન ધ અર્થ .. તમારી જ રાહ જોતી તી” કંટાળેલી નેહા બોલી.

“હા, હવે સોરી પણ.. પ્લીઝ ને યાર નેક્સ્ટ ટાઇમ આવું નહીં થાય” આમ કહીને અમન નેહાની સામેની ખુરશીમાં બેસે છે અને બેગમાંથી 5 સ્ટાર કાઢીને નેહાની સામે મૂકે છે. 5 સ્ટાર જોતાં જ નેહાનો ગુસ્સો ઉતરી જાય છે.

“બડી, તું બહુ સ્માર્ટ છે તને ખબર છે કે હું 5 સ્ટાર જોઈને ગમે તેટલો ગુસ્સો હશે તોય પીગળી જઈશ”

“ઓફ કોર્સ આઈ નો, આઇ એમ સો.. હોશિયાર ... હા હા”

થોડું મોઢું બગાડતાં નેહા બોલી “હા હોં.. ડાહ્યા”

---------------

        હાઇ ! હું છું નેહા બેબીની ડાયરી... નેહા બેબી વિશે જે કોઈ નથી જાણતું તે બધું જ હું જાણું છું. આમ તો મારી વાત માત્ર નેહા સાથે જ થાય છે પણ ચાલો, આજે તમારી સાથે પણ થોડી વાત કરી જ લઉં...

તો આ હતા નેહા અને અમન, પાક્કા મિત્રો. બંને વચ્ચે એટલી સારી દોસ્તી કે લોકોને એમ જ લાગે કે તે બંને એકબીજાને ડેટ કરે છે... અને કેમ ના લાગે? તે બે જણા અઠવાડિયામાં 3 દિવસ તો સાથે કોફી પીવા જાય, રોજ ફોન પર વાતો કરે, બંને પોતાના અને એકબીજાના કરિયર માટે અતિશય સજાગ, અહીં અતિશય શબ્દ એટ્લે જ વાપરું છું કારણ કે બંને ને જ્યારે પોતે કામ કરતાં હોય ત્યારે આજુબાજુ શું ચાલે છે તેનું કઇં જ ભાન ન હોય બધું જ ભૂલી જાય એટલા મશગૂલ થઈ જાય. અહીં નેહા રાઇટર છે તો અમન સિનેમેટોગ્રાફર છે... બંને હમેશાં એકબીજાના કામમાં ભૂલો શોધે, સારું હોય તો વખાણ પણ કરે પરંતુ પેલું કહેવાય ને કે તેઓ એકબીજાના કામને એક ક્રિટિકની નજરે જુએ. મનમાં આવે તે બોલે, ખોટા વખાણ તો ક્યારેય ના કરે.... સાચા મિત્રો તેને જ તો કહેવાય ને....

        આમ તો નેહા અને અમન અત્યારે અલગ-અલગ કંપનીમાં કામ કરે છે પણ બંનેની દોસ્તી એટલી સારી છે કે બંનેની ઓફિસમાં શું ચાલે છે? કયા નવા પ્રોજેક્ટ્સ છે? એમાથી શું શીખવા જેવુ છે? આપણે આવું કરવું જોઈએ કે નહીં? કરીએ તો કેટલા પૈસા મળે? આ કરવાથી શું ફાયદો થાય? વગેરે...ની ચર્ચાઓ રોજ થાય અને આ ચર્ચાઓ પાછળ એક માત્ર ઉદેશ્ય કે આપણે ઇંડસ્ટ્રીમાં કઇંક નામ કમાવું છે. લોકોને ખબર હોવી જોઈએ કે નેહા એક સારી રાઇટર છે અને અમન ખૂબ સારો સિનેમેટોગ્રાફર.

હવે તમને લઈ જાઉં આ રાઇટર અને સિનેમેટોગ્રાફરની પહેલી મુલાકાતમાં...

---------------

નેહા પોતાના પી.સી માં કામ કરતાં કરતાં પાછળ જુએ છે અમન પણ તેના કામમાં વયસ્ત હોય છે, એટલામાં પ્રેહા આવીને અમન અને નેહાને ઓફિસની કેન્ટીનમાં કોફી પીવા જવા માટે બોલાવે છે, ત્રણે સાથે કોફી પીવા જાય છે ત્યાં બંનેની આંખો મળે છે પણ બંને ઇગ્નોર કરે છે અને કોફી પી ને પાછા ફરે છે. આવું 2-3 દિવસ ચાલે છે એટ્લે નેહા ઘરે આવીને તેની ફ્રેન્ડ ક્રિનાને કહે છે કે

“યાર, મારી ઓફિસમાં એક છોકરો છે ખબર નહીં એને કઈ વાતનો એટીટ્યુડ છે? સામે જોતો પણ નથી કોફી માટે હું સામેથી બોલાંવું તો જોડે આવશે પણ ઇગ્નોર તો એવું કરશે જાણે પોતે શુંય હોય? કાલે તો મારે એને પૂછી જ લેવું છે કે ભાઈ આટલો એટીટ્યુડ શેનો છે?”

બીજા દિવસે નક્કી કર્યા મુજબ નેહા અમનને પૂછવાની જ હોય છે એ પહેલા અમન નેહાને પૂછી લે છે “શું તમારું ઇનસ્ટાગ્રામ આઈડી મળી શકે?” નેહા ચોંકી જાય છે અને હા પાડે છે...

---------------

અહીંથી શરૂઆત થાય છે તેમની દોસ્તીની... ઇનસ્ટાગ્રામમાં રીલ શૅર કરવાથી શરૂ થયેલી દોસ્તી અત્યારે બધું જ શૅર કરવા સુધી પહોંચી ગઇ છે. તમને જણાવી દઉં કે નેહા અને અમન એક મીડિયા હાઉસમાં સાથે ઇન્ટર્નશિપ કરતાં હતા. ત્યાંથી જ તેમની દોસ્તીની શરૂઆત થઈ હતી પરંતુ દોસ્તી પાંગરી તે ઇન્ટર્નશિપ પછી જ...ત્યારે તેમની દોસ્તી માત્ર ને માત્ર હાઇ, હેલો... પૂરતી જ હતી એટ્લે જ જો અત્યારે ત્યાનાં કોઈ કર્મચારીને પૂછો કે નેહા અને અમન બેસ્ટ ફ્રેન્ડ્સ છે? તો કોઈ હા ના પાડે... કારણ કે તેમની હાઇ, હેલો વાળી દોસ્તી હરામી, નાલાયક, હોંશિયારી સુધી પહોંચી ગઈ છે તેનો તેમના નજીકના 5-10 લોકો સિવાય કોઈને ખ્યાલ જ નથી.

તમને હવે લઈ જાઉં તેમની ‘પ્લીઝ ને...હા સારું’ વાળી મુલાકાતમાં...

---------------

“હાઇ, આજે આટલી સજીધજીને કેમ આવી છે હેં?” અમને પૂછ્યું.

“કેમ ના અવાય?”

“હા સારું... પણ હવે મને એમ કેહ કે કાલે કેમ આવી ઠેકાણા વગરની સ્ટોરી લખી હતી બિલકુલ મજા ના આવી... આવું નહીં ચાલે” અમને કહ્યું.

“સારું હવેથી આવું નહીં થાય સાહેબ...” નિરાશા સાથે નેહાએ જવાબ આપ્યો.

“સારું શું હેં ? આવું ના જ ચાલે… ખબર છે ને તારે સારા રાઇટર બનવું છે ઇંડસ્ટ્રીમાં નામ કમાવું છે... આવું લખીશ તો કોઈ કામ નહીં આપે...” અમન ગુસ્સે થઈ જાય છે.

“સોરી, પ્લીઝ ને... માની જા ને... આ લાસ્ટ ટાઈમ હવે આવું નહીં લખું” નેહાએ કહ્યું અને અમને પણ તેમાં હુંકારો ભણ્યો.

“ઓય, હવે શું મંગાવીશું બોલ?”

“તારે જે મંગાવવું હોય” નેહાએ જવાબ આપ્યો.

“સારું, તો બે કોફી ઓર્ડર કરું છું” અમન ઓર્ડર આપે છે.

પછી બંને જણા મસ્તી કરતાં કરતાં કોફી પીવે છે થોડીવારમાં નેહા પોતાનો કપ અમન તરફ સરકાવે છે અને અમનને કોણી મારતા કહે છે “બડી, પી જા ને... મારાથી નહીં પીવાય”

“હું નથી પીવાનો… તારું આ દરવખતનું થઈ ગયું છે... ચલ પી જા વેસ્ટ ના કરાય...”અમન ગુસ્સાની નજરે નેહા સામે જોતાં કહે છે.

“હું એ જ કહું છું વેસ્ટ ના કરાય તું પી જા ને... પ્લીઝ ને બડી” નેહા સ્માઇલ સાથે અમનને કહે છે.

“છેલ્લીવાર પૂછું છું તારે પીવાની છે કે નહીં?”

“ના... ના.... ના...” હસતાં હસતાં નેહા માથું ધૂણાવે છે.

“પ્લીઝ ને બકું, પી જા...” અમન શાંતિથી કહે છે.

“પ્લીઝ ને… બડી નહીં પીવાય”

“હા સારું, આ લાસ્ટ ટાઇમ... હવે થી હું તારી જોડે કઈ ખાવા પીવાનો નથી તું હમેશાં આવું કરે છે.” અમન ગુસ્સો કરતાં કરતાં કોફી પીવે છે.

---------------

નેહા અને અમનની મોટાભાગની મુલાકાતોનો અહેમ હિસ્સો છે તેમનું ‘પ્લીઝ ને... હા સારું’ એ પછી કોઈ સિરિયસ વાત હોય કે ભલેને પછી એકબીજાને હેરાન જ કેમ ન કરતાં હોય... એમનું ‘પ્લીઝ ને... હા સારું’ તો વચ્ચે આવે આવે ને આવે જ જાણે તેમની તકીયાકલમ...

 

 

Rate & Review

Dt. Alka Thakkar

Dt. Alka Thakkar Matrubharti Verified 7 months ago

Share