common sense etle everywhere applicable books and stories free download online pdf in Gujarati

કોમનસેન્સ એટલે એવરીવ્હેર એપ્લીકેબલ!

‘કોમનસેન્સ’ એટલે શું ? કે ‘એવરીવ્હેર એપ્લીકેબલ થીઓરીટીકલ એઝ વેલ એઝ પ્રેક્ટીકલ !’ કોમનસેન્સ એ એવી ચાવી છે કે ‘એવરીવ્હેર એપ્લીકેબલ’ હોય. એનાથી ગમે તેવા કાટ ચઢેલાં તાળાં ઊઘડી જાય. નહીં તો આ તો સારાં, નવાં તાળાં હઉ વસાઈ જાય છે ! નઠારામાં નઠારા માણસનું તાળું આપણાથી ઊઘડે તો જાણવું કે આપણી પાસે ‘કોમનસેન્સ’ છે, નહીં તો ‘કોમનસેન્સ’ વગરની બધી વાતો કરે છે. એમાં કશું ય પોતાની સમજણ નથી.
‘કોમનસેન્સ’ વાળો માણસ ‘એવેરીવ્હેર એડજેસ્ટબલ’ હોય. કોઈ ગાળ ભાંડે તેની જોડે ય ‘એડજસ્ટ’ થઈને કહેશે, ‘આવો, આવો, બેસોને!, કશો વાંધો નહીં.’ એટલે કોમનસેન્સ જોઈએ. અને આ તો ‘અક્કલ વગરના છો.’ એવું કહ્યું કે તોબરો ચઢી જાય. અલ્યા, ‘કોમનસેન્સ નથી’ તારો તોબરો શું કરવાં ચઢી ગયો આમાં?! ‘અક્કલવાળો છું’ એવું તારી જાતને માની બેઠો છે તું? જો અક્કલના કોથળા! આ મોટા અક્કલના બારદાન આવ્યા!! વેચવા જઈએ તો ચાર આના ય ના આવે અને નકામો તડપડ તડપડ કર્યા કરે. અક્કલવાળો તો ‘એવરીવ્હેર એપ્લીકેબલ’ વાળો હોય. આ કાળમાં તો ખરેખર ‘કોમનસેન્સ’ની મુશ્કેલી પડી છે.
‘કોમનસેન્સ’ વાળો માણસ જોયેલો? કોઈ માણસ અત્યાર સુધી ‘કોમનસેન્સ’ વાળો જોયો જ નથી. તે મોટા મોટા ‘કલેકટર’ પૂછે કે, ‘કોમનસેન્સ તમે કોઈનામાં જોઈ જ નથી!’ ત્યારે કહેવું પડે છે કે, ‘કોમનસેન્સ’ ક્યાંથી લાવે? બૈરી જોડે વઢવાડ તો થાય છે, ‘કોમનસેન્સ’ વાળાને બૈરી જોડે વઢવાડ થતી હશે? જેની જોડે રહેવાનું છે, જેની જોડે ખાવાનું છે, જેની જોડે પીવાનું છે, જેની જોડે ટેબલ પર જમવા બેસવાનું છે તેની જોડે વઢવાડ થતી હશે? એનું નામ ‘કોમનસેન્સ’ કહેવાય? આવી ‘કોમનસેન્સ’ ક્યાંથી લઈ આવ્યા? આ તો ખોટા ઘુમરાટ મનમાં લઈને જગત આખું ફર્યા કરે છે. ‘હું કંઈક જાણું છું!’ અલ્યા શું જાણ્યું તે? ‘કોમનસેન્સ’ તો જાણી નથી હજુ, તો બીજું શું જાણ્યું? આ તો કર્મના ઉદયથી ફરે છે.
જેનાથી આખી દુનિયા ડરી જાય તો ય બૈરી જોડે કચકચ કર્યા વગર રહ્યો જ ના હોય ને! અલ્યા, બૈરી જોડે કચકચ શું કરવા કરે છે? બાર વર્ષમાં બે-ચાર વખત તો કચકચ કરતો જ હોય ને? અરે, આ તો રોજ જ ?! તો તો એને માણસ જ કેમ કરીને કહેવાય? અને પછી કહે ને, ‘અમારામાં સેન્સ છે.’ અલ્યા, પણ ‘સેન્સ’ ક્યાં હતી? અમથો શું કરવા બૂમાબૂમ કરે છે તે?! ‘સેન્સ’ હોત તો વહુ જોડે ભાંજગડ પડત શું કરવાં? વહુ જોડે મતભેદ પડે છે. એટલે આપણે ના સમજીએ કે કંઈક ‘સેન્સ’ ઓછી હશે?
આ આજની છોકરીઓ શું કહે છે? આપણે પૂછીએ કે, ‘બેન, આ છોકરાઓ માટે શો અભિપ્રાય છે?’ ત્યારે એ કહે છે, ‘એ તો બબુચક છે.’ આ શરમ ભરેલી વાત ના કહેવાય, આ છોકરીઓ આવું બોલે તે?! કારણકે કુદરતની રીત એવી હોય છે કે દસ વર્ષનો છોકરો હોય ને દસ વર્ષની છોકરી હોય, પણ દસ વર્ષની છોકરીમાં પંદર વર્ષના છોકરા જેટલું વધારે જ્ઞાન હોય છે, એટલું વધારે ડહાપણ હોય. કહેવાય દસ વર્ષની છોકરી, પણ એનામાં અગમચેતી હોય છે. એટલે સ્ત્રીઓને આમ આગળ પડતું જ્ઞાન, વહીવટ બધું ય વધારે હોય છે.
એટલે જેને ‘કોમનસેન્સ’ ના હોય એ લઢે અને લઢે એટલે થઈ રહ્યું, એને ને તમારે તૂટી ગયું. એટલે પોતાના અહંકારને એટલો બધો ડાઉન કરજો કે બધાંની જોડે ભળી શકાય. હવે અહંકારને કંઈ આંટા હોય છે કે આમ ફેરવીને એને ડાઉન કરાય?! એટલે સમજણ હોવી જોઈએ અને સમજણનો અહંકાર થયેલો હોય તેનો ય વાંધો નથી. પણ આ તો અણસમજણનો અહંકાર એ કઈ જાતનું કહેવાય ?
એથી તો ‘દાદા ભગવાને’ કહ્યું છે કે બધા લોકોની જોડે બેસીએ તો લોકોનો પ્રેમ આપણી ઉપર ઉત્પન્ન થાય અને બીજી વાતોચીતો ચાલે, પોતપોતાની વાતો કરે, એમાં બીજાની વાતો આપણે જાણીએ અને પકડી લઈએ તો ‘કોમનસેન્સ’ વધે આપણી. બધાંય માણસોની જોડે ભાળીને ચાલવાથી ‘કોમનસેન્સ’ વધે.
આ તિરસ્કાર કર્યા છે તેથી આવું થઈ રહ્યું છે ને! માટે હવે તિરસ્કાર કાઢી અને બધાંની જોડે હળીમળીને ચાલો તો મહીં ‘કોમનસેન્સ’ વધે. તિરસ્કાર તો ગાયો-ભેંસોનો ય ના કરાય, તો આ મનુષ્યોની જોડે કેમ કરીને કરાય ? ‘કોમનસેન્સ’ વાળો હોય, એ તો બધા બહુ જાતના ઉકેલ લાવે. વ્યવહારની બધી ગૂંચો કાઢી નાખે. અથડામણ ઓછી થાય. અથડામણ નહીં કરવા દેનારી વસ્તુ હોય તો એક ‘કોમનસેન્સ’ જ છે! એટલે ‘કોમનસેન્સ’ હોય ને, તો અથડાય નહીં. ‘કોમનસેન્સ’ વાળો તો તરત મેળવી દે, અવળું થયું હોય તો ય ફેરવી નાખે. તરત જ, એને કશી વાર ના લાગે. એનું નામ જ ‘કોમનસેન્સ’ ને ! ‘એવરીવ્હેર એપ્લીકેબલ!’
‘કોમનસેન્સ’ એ અનુભવની વાત છે. એ રાગદ્રેષને લાગતી વળગતી નથી. સંસારનો, વ્યવહારનો અનુભવ હોય તે ‘કોમનસેન્સ’!
દરેકને વધારેમાં વધારે શું વહાલું છે?! પોતાનો જીવ વહાલો છે. માન કરતાં ય જીવ વહાલો છે. માનની ય પડેલી નથી. ક્રોધની ય પડેલી નથી. લોભની ય પડલી નથી. પોતાનો જીવ વહાલો છે. છતાંય જુઓને લોકો આપઘાત કરે છે ને ? શાથી આપઘાત કરતાં હશે? એમને જીવ વહાલો નહીં હોય? ઘરનાં બધા લોકોએ કહ્યું હોય કે, ‘આપઘાતમાં પડશો નહીં, બહેન, શાંતિ રાખો. જાવ સુઈ જાવ નિરાંતે.’ એને સમજણ પાડ પાડ કરીએ તો ય પાછલી બારીએથી ઊઠીને નાઠી. અને સૂરસાગરમાં જઈને પડી. ત્યાર પછી બૂમો પાડવા માંડી કે, ‘મને બચાવો, મને બચાવો!’ ત્યારે તેને ના કહી હતીને પહેલેથી, તે શું લેવા પડી! અને પાછી હવે ‘બચાવો’ કરીને બૂમ પાડે છે! મહીં પડવાનું પૈણ ચઢયું હતું, તે પડી એટલે ઉતરી ગયું. આ બોલાબોલ કરે કે ‘મારે મરી જવું છે, મરી જવું છે, ‘ તેથી સાયકોલોજીકલ ઈફેકટ’ ( માનસિક અસર ) થઈ જાય તે ‘ઈફેકટ’ પછી ના ઉતરે. એ તો સૂરસાગરમાં પડ્યા પછી ભાન થાય, ત્યારે કહે, બચાવો, બચાવો.’આ તો ગુંચામણ થાય ત્યારે માણસ આત્મહત્યા કરે ચોગરદમ ગુંચામણ, કંઈ સુઝ ના પડે ત્યાર પછી ઈમોશનલ થઈને પડતું નાખે. પછી પાછો મોશનમાં આવે, પાણી અડે એટલે! પછી પાછો કહેશે, ‘બચાવો, બચાવો.’!
આપઘાત કરવાથી તો પ્રેત થવાય અને પ્રેત થઈને ભટકવું પડે, એટલે આપઘાત કરીને ઉલટી ઉપાધિઓ વહોરે છે. એક વખત આપઘાત કરે એના પછી કેટલાય અવતાર સુધી પડઘા પડ્યા કરે. અને આ જે આપઘાત કરે છે એ કંઈ નવા કરતો નથી. એ તો પાછલા કરેલા આપઘાત કર્મનું ફળ આવે છે અને આગળના પડઘાથી કરે છે. એ એવા પડઘા પડેલા હોય છે કે એ એવું ને એવું જ કરતો આવ્યો હોય છે. એટલે પોતાની મેળે આપઘાત કરે છે અને આપઘાત થયા પછી અવગતિયો થઈ જાય. અવગતિયો એટલે દેહ વગર ભટકતો હોય.
જે જે ક્રિયા કરે છે એ ક્રિયાની આગળ પાછળનું અનુસંધાન હોય, પહેલા કરેલી હોય તો જ અત્યારે કરે એટલે આવતો ભવ પાછો કરવાનો છે. એ પાંચ-પાંચ, સાત-સાત અવતાર સુધી સંસ્કાર બદલાય નહીં. કોઈ પણ વસ્તુમાં પેસતા પહેલા વિચાર કરવો કે સંસ્કારનું શું થશે ? જે સંસ્કાર પડે તે સાત-આઠ ભવ પછી જાય છે, એટલે આવા કોઈ ખોટા સંસ્કાર થી દૂર ભાગજો. હા, અહીં ગમે એટલું દુઃખ હોય તો તે સહન કરજો, પણ ગોળી ના મારશો, આપઘાત ના કરશો.
આપણા શાસ્ત્રોમાં ય એવું લખ્યું છે કે એક વખત આપઘાત કરે તો એને સાત જન્મ ફરી ફરી આપઘાત કરવો પડે. જે વધુ પ્રમાણ થઈ જાય ને તો એની સાત અવતાર સુધી અસર રહ્યા કરે. ચઢતા ચઢતા રિજ ( ) પોઈન્ટ ઉપર જાય ત્રણ અવતાર, ચોથા અવતારમાં રિજ પોઈન્ટ અને બીજા ત્રણ અવતારમાં ઉતરી પડે. એટલે દરેક ક્રિયામાં સાત અવતાર જાય.
ચારિત્રનો ફેલ થયેલો માણસ હોય કે દારૂનું વ્યસન ચઢ્યું હોય તે સાત અવતાર સુધી એને ભોગવવું પડે. એ કેવી રીતે થાય ? તો કે જેમ એક બોલ આપણે ત્રણ ફૂટ ઉંચેથી નાખીએ એટલે બીજું એની મેળે અઢી ફૂટ આવીને પાછો પડે. ત્રણ ફૂટ આખો ના આવે, પણ પોતાના સ્વભાવથી અઢી ફૂટ આવીને પાછો પડે. ત્રીજો બે ફૂટ આવીને પાછો પડે. ચોથો દોઢ ફૂટ આવીને પાછો પડે. પછી એક ફૂટ પડે. એવા કુદરતના ગતિ નિયમ હોય છે. તે આ આપઘાત કરેને, એટલે એટલે એ સાત અવતાર સુધી કરવા પડે. હવે એમાં વત્તા ઓછા પરિણામથી આપઘાત આપણને ઓળખાય, અને પરિણામ ઓછા થતાં થતાં ખલાસ થઈ જાય. એ તો જ્ઞાની પુરૂષ મળે, તો સર્વ પાપો ભસ્મીભૂત કરે તો ઉકેલ આવે અને નહીં તો અસરો ભોગવે જ છૂટકો.
હવે આ આપઘાતનાં વિચારો કેમ આવતાં હશે? તો કે અંદર વિકલ્પ ખલાસ થઈ જાય છે તેથી.આ તો વિકલ્પના આધારે જીવાય છે. વિકલ્પ ખલાસ થઈ જાય પછી હવે શું કરવું, તેનું કશું દર્શન દેખાતું નથી. સહજ વિચાર બંધ થઈ જાય ત્યારે આ બધા ઉંધા વિચાર આવે. વિકલ્પ બંધ થાય એટલે જે સહજ વિચાર આવતા હોય તે પણ બંધ થઈ જાય, અંધારૂ ઘોર થઈ જાય પછી કશું દેખાય નહીં! સંકલ્પ એટલે ‘મારું‘ અને વિકલ્પ એટલે ‘હું’, એ બેઉ બંધ થઈ જાય ત્યારે મરી જવાના વિચાર આવે. એટલે આ વિકલ્પો ય કામના જ છે !!
હવે ભણેલા ગણેલા ચાર્ટડ એકાઉટન્ટ, વકીલો, ડોકટરો અને મોટા મોટા સંતો ય આપઘાત કરે. અભણ આપઘાત ના કરે. આપઘાતનું લાયસન્સ તો ભણેલા માટે છે, ભણેલા એટલે આપવું જ જોઈએ ને એને, લાયસન્સ જો એને ના આપે, તો બીજા કોને આપે. અભણને લાયસન્સ ન હોય. આપઘાતનું લાયસન્સ અભણને અપાતું જ નથી.
આપઘાતના વિચાર સ્ત્રીઓને વધારે આવે. એ માઈલ્ડ ( નરમ ) જાતિ છે અને બહુ લોંગ સાઈટ ( દીર્ઘ દ્રષ્ટિ ) નથી. એને હું આપઘાત કરીશ તો શું થશે કે સાત અવતાર જશે કે મારા છોકરાનું શું થશે, એવી બધી લોંગ સાઈટ નથી હોતી. જયારે ઉદ્વેગ ચઢે છે તે ત્યારે ઉદ્વેગ ભેગી એ ખલાસ થઈ જાય છે, જાતને ખલાસ કરી નાખે છે.
અને આ પુરુષ તો ક્યારે કરે? આ છોકરા નાની ઉંમરનાં હોય ને, તે કોલેજમાં ભણતાં હોય તે વખતે કરે, કાં તો બહુ દેવા થઈ ગયા હોય તો એવું હોય, નહીં તો ખાસ ના કરે. સ્ત્રીઓ વધારે કરે, જોખમ સ્ત્રીઓનું છે.
એટલે એક વાર જો આત્મહત્યા કરી, તે પછી ભવોભવ બગડે, એના અનંત અવતાર બગડે. આપઘાત કરીને શું કામ છે તે ? કો’કને ને આપણે શી લેવાદેવા ? કો’ક જે દુઃખ દેતો હોય એ તો આપણો હિસાબ છે, તેના દુઃખ દે છે. તું પોતે જ ભગવાન છે. વગર કામનો તારે આપઘાત કરવાની જરૂર જ શી છે તે? એટલે આત્મહત્યાવાળાનો ક્યારેય ઉધ્ધાર નથી !