Site Visit - 11 books and stories free download online pdf in Gujarati

સાઈટ વિઝિટ - 11

11

અરબસ્તાનનાં રણમાં એટલે ઓમાન દેશમાં કાર્યરત આર્કિટેક્ટ, આ નવલકથાનો નાયક દુક્મ નામનાં એકદમ દૂર રણમાં આવેલાં સ્થળે જવા મધરાતે નીકળે છે અને જવલ્લે જ બને તેવી ઘટનાઓનો શિકાર બનતો જાય છે. એ બધી ઘટનાઓ આગળ જોઈ.  તે પછી આગલાં પ્રકરણમાં જોયું કે ગરિમાનું અપહરણ થાય છે સાથે નાયકનો પણ મોબાઈલ, પાકીટ અને ખુદ કાર ગાયબ છે.

ગરિમાને છોડાવવાનો કોઈ રસ્તો મળતો નથી તેથી આપણો મિત્ર નિરાશ થઈ જાય છે અને આ નવી સમસ્યા માટે કોઈ રસ્તો ગોતતો હાઇવે તરફ ચાલતો રહે છે. ત્યાં તેને પહાડ પરથી ખીણમાં દૂર એક ગામ દેખાય છે જ્યાં કદાચ પોલીસ સ્ટેશન હોય તો તે અપહરણની ફરિયાદ કરવા તે તરફ જાય છે. ત્યાં જતાં જંગલી ઊંટ તેની સામે હુમલો કરતું આવે છે. તેનાથી બચે ત્યાં જંગલી બકરા પાછળ પડે અને ભાગતો નાયક ઢાળ પરથી લપસી પડવા લાગે છે.

વાંચો આગળ.

**

જંગલી બકરા તેમનું વિકરાળ સ્વરૂપ બતાવતા પાછળ પડ્યા. મેં એમનું શું બગાડ્યું હતું? એમ તો પેલા બેદુઈન લોકોનું પણ શું બગાડ્યું હતું ?

બકરા ઓચિંતો માણસ જોવે એટલે ગભરાઈ જતા હશે કે ગુસ્સે થતા હશે?

બે કાળા, તગડા બકરાઓ મારી સામે શિંગડાં ઉગમતા ધસ્યા. મને ખ્યાલ હતો જ કે આ પાળેલા બકરા નથી. તેમની એક ઢીંક આખી કારને ઉથલાવી શકે છે.

બકરાઓ તો કુદતા, શિંગડાં ઉગામતા વેગથી ધસ્યા. હું એકદમ એના રસ્તામાંથી હટી ગયો. પેલાં ઊંટને કરેલું તેમ બુચકારા બોલાવ્યા પણ બકરા તેનાથી વધુ ગુસ્સે થયા.

મને નાનપણમાં કોઈ મદારીએ કહેલું કે સાપ પાછળ પડે તો સીધા દોડવાને બદલે વાંકીચૂંકી દોડ રાખવી જેથી સીધું જોતા સાપને આમ તેમ ડોકી કરતાં આખરે ધ્યાનભંગ થાય. એ કેટલું સાચું એનો ખ્યાલ નથી પણ અહીં એ અજમાવ્યું. હું દસ ડગલાં પાછલા પગે ઊંધો દોડું અને દસ ડગલાં સામે પણ સહેજ સાઇડે દોડું તેમ કર્યા કર્યું. આખરે એક છૂટું ઝાંખરું બાજુમાં જોયું. તેની થોડી જાડી સૂકી ડાળ હાથમાં રાખી. બકરો મોટેથી, ગાય જેવા મોટા અવાજે બ્રે.. બ્રે.. કરતો ધસ્યો અને મેં એને માથામાં એ ઝાંખરાંની ડાળી ફટકારી. તે મારી સામે જોઈ રહ્યો. હું ડાળ સાથે એની સામે અંદરથી ધ્રુજતા પગે કૃત્રિમ હિંમત રાખતો ઊભો. તેણે નવાઈથી મારી સામે જોયું. મેં ઝાંખરું તેના મોં પાસે ફેંક્યું. તેને કદાચ લાગ્યું કે મેં તેને ખાવા આપ્યું અથવા વગર મહેનતે સામે ખાવાનું જોઈ તેણે ડોક નીચી કરી ઝાંખરાંમાં ઊગેલ આપણા જીંજરા, લીલા ચણાને મળતી કોઈ ચીજ ખાવા માંડી. એ માણસથી ખવાય એવી નહોતી. કોઈ રણની કાંટાળી વનસ્પતિ હતી. બકરો નીચું જોઈ ખાવા લાગતાં હું તરત મારે રસ્તે પડ્યો.

આગળ સીધો ઉતરતો ઢાળ હતો. એને આમ તો ઢાળ કહેવાય જ નહીં. ભેખડ જ હતી. માંડ ઉપરથી જોતાં જમીન તરફથી 25 કે 30 અંશના ખૂણે હશે. એટલે નીચેથી તો 70 અંશ ગણી લો. જાણે વિશાળ ભીંત. લગભગ સીધી ભેખડો સાથે એકદમ steep ખડક. કદાચ ઉતરવા જાઉં તો પણ તેના પર કેટલાક પથરાઓ હતા. નકરી રેતી નહીં. પેન્ટ ફાટે તો ભલે, તેની દરકાર કર્યા વગર હું પથરાઓમાં હાથ ભરાવતો અત્યંત સંભાળપૂર્વક નીચે સરકવા લાગ્યો

હું બેઠેલી અવસ્થામાં પડતો આખડતો હતો તે સૂઈ ગયો એટલે ઉપલાં ધડને લાગતું ગુરૂત્વ બળ ઘટે. સૂઈને લસરતો લસરતો હું એક કાંટાળા છોડ પાસે આવી પડ્યો. એ એટલો જ ઊંચો હતો કે ઝાડ કહીએ તો છોડ લાગે અને છોડ કહીએ તો ઝાડ લાગે. મેં એ છોડ તેનાં મૂળ પાસેથી નીચે તરફ લાંબા થઈ પકડી લીધો. નીચે કાંટા ન હતા. ઉપર તો આપણા બાવળની શુળ પણ નાની કહેવાય એવા તીવ્ર કાંટા હતા. તેમાં મારું શર્ટ પવનમાં ઉડીને ભરાયું. મારે થંભી જવું પડ્યું.

એ શર્ટ ધજાની જેમ ફરકતું જોઈ એક બકરો બીજી તરફથી ખોરાક શોધતો ઉતરવા લાગ્યો. મેં તેના માર્ગનું નિરીક્ષણ કર્યું. તે જાય એમ હું સલામત રીતે ઉતરી શકું એમ હતો. પહાડમાં પગથિયાંની જેમ વચ્ચે નાની સપાટ જગ્યાઓ પર ચરતો બકરો નીચે જતો હતો. તેનાથી થોડું અંતર રાખી હું પણ એ જ રસ્તે જવા લાગ્યો.

સામે દેખાતાં મકાનો દૂર થતાં ચાલ્યાં. જેવું ઉપર હાઇટ પરથી દેખાય તેવું અંતર વાસ્તવિક રીતે સાચું હોતું નથી. ઉપરથી 'આ આવ્યું' લાગે પણ જેમ નજીક જઈએ તેમ બધું વધુ ને વધુ દૂર જતું દેખાય.

બકરો એક જગ્યાએ ઊભી ચરવા લાગ્યો. થોડું આજુબાજુ જોઈ હું પણ લગભગ ઉતરી ગયો હવે નીચે આવતાં પણ મકાનો નજીક લાગ્યાં. ત્યાં પહોંચવા ઉપરથી ન દેખાતા બે ટેકરાઓ હજી ઉતરવાના હતા અને પછી તળેટીમાં રણની રેતીનો એક દોઢ કિલોમીટરનો પટ્ટો હતો. મારા બુટ ફાટવા આવેલા. હું રણની રેતીમાં જેમતેમ કરી જવા લાગ્યો. બપોર બરાબર તપ્યો હતો. ચારે બાજુથી દઝાડતી લુ વાતી હતી. માથે સૂર્ય પૂરા જુસ્સાથી તપતો હતો અને નીચે ભઠ્ઠી જેવી રેતી.

શાહજહાંએ કહેલું કે સ્વર્ગ જો ક્યાંય હોય તો અહીં જ છે, અહીં જ છે. મેં મને જ કહ્યું, "અગર દોઝખ રુએ જમીનસ્તો , હમીનસ્તો હમીનસ્તો.. (જો નર્ક ક્યાંય હોય તો તે અહીં જ છે..)

બાકી હતું તે ક્યાંકથી બુટ ફાડી મોટી સફેદ અણીદાર શુળ મારા પગમાં ઘુંસી ગઈ અને લોહી નીકળવા લાગ્યું. મારું ગળું સખત શોષાતું હતું. કદાચ કાલ રાતથી કે નમતી બપોર પછી પાણી પણ પીધું નહોતું.

મારો પગ લંગડાવા લાગ્યો. ખિસ્સામાંનો રૂમાલ પણ ન હતો કે પગે બાંધી લોહી અટકાવું.

'બસ, જરીક જ.' સ્કૂલમાં ભણેલી રણમાંની વાર્તાનું વાક્ય મેં મને જ કહ્યું. ખાલી આશ્વાસન આપવા.

હવે થોડું જ ચાલવાનું હતું એમ લાગ્યું. એક કાંટાળું પણ ઘટાદાર ઝાડ આવ્યું. હું જેમતેમ કરી તેના છાંયડે ગયો. અત્યારે છાંયડો જે મીઠો લાગ્યો!

બધું ભૂલી હું શ્વાસ ખાવા તેની નીચે બેઠો. થોડા ઊંડા શ્વાસ લીધા. તેનો જ કાંટો જમીન સાથે ઘસી બુઠ્ઠો કરી મેં પેલી શૂળની પગમાં રહી ગયેલી ફાંસ કાઢી. દાંત અને હાથથી મારાં શર્ટ નીચેનાં બનીયનનો ટુકડો ફાડ્યો અને લોહી પર લગાવ્યો.

આગળ પાણી દેખાયું. ધ્યાનથી જોયું. એ મૃગજળ નહોતું. બાજુમાં ખજૂરી પણ ઉગેલી. મારે માટે મીની દ્વીપકલ્પ. બીજું શું?

થોડો થાક ખાઈ હું તે તરફ ગયો. એ ખાબોચિયાંમાંથી એક ખોબો ભરી મેં પાણી પીધું. ધગધગતી ગરમીમાં તેનું જલ શીતળ હતું! પહાડ પરનાં કોઈ ઝરણાંમાંથી આવતું હતું.

ખજૂરી પર નીચે જ અર્ધી પાકી પીળી નાની ખજૂરની ખારેકો હતી. આસપાસથી એક પથરા જેવું ગોતી મેં તે પાડી. ઊંચા થઈ ડાળ નમાવી મુઠી ભરી તોડી અને ખાધી.

આ તો અર્ધી કાચી ખારેક. મને મીણો ચડ્યો. નશો અને થાક એક સાથે. હું ત્યાં જ બેભાન થઈ જવામાં હતો. જેમતેમ એ છાંયડા વાળાં ઝાડ સુધી ગયો અને ત્યાં જ ઢળી પડ્યો.

હું બેભાન થઈ ગયો.

ક્રમશઃ