Sahas books and stories free download online pdf in Gujarati

સાહસ

"સાહસ"




લગભગ ત્રણ વર્ષ પુરા થવા આવ્યા હતા સાહસને પોતાના ઘરે આવ્યા ને.
પણ સાહસની ઘરમાં આવવાની હિંમત નહોતી.
પણ કેટલીક મજબૂરીના કારણે પપ્પા અને મમ્મીને મળવા આવ્યો.

"પપ્પા, હું ઘરમાં આવું? મમ્મી છે ઘરમાં?" દરવાજા પાસે ઉભેલા સાહસની હિંમત ઘરમાં જવાની નહોતી એટલે દરવાજા પાસે ઉભા રહીને બોલ્યો.

"આવ..આવ..દીકરા. તું બહુ દિવસે દેખાયો.તારી મમ્મી બહાર નીકળી છે.થોડી વારમાં જ આવશે. તું ઘરમાં આવ.અને બેસ." સાહસના પપ્પા બોલ્યા.

પપ્પાની વાત સાંભળીને પણ સાહસની ઘરમાં આવવાની હિંમત નહોતી.
એ વિચારવા લાગ્યો કે ઘરમાં મમ્મી નથી એટલે પપ્પા મને બહુ વઢશે.

સાહસને ખચકાતા જોઈને સાહસના પપ્પા બોલ્યા:-" અરે પણ સાહસ બેટા ઘરમાં તો આવ. મારાથી બીવાનું ના હોય. હું તને લડીશ નહીં.પણ તારી સાથે વહુ બેટા નથી આવી?"

સાહસે હિંમત કરી.અને ધીરે પગલે ઘરમાં આવીને જુના સોફા પર બેસી ગયો.
સાહસે ઘરમાં નજર કરી તો ઘર તો એનું એજ હતું.
એ સાફ સુથરીવાળું અને એક નજરે એને ફરીથી પોતાનું ઘર ગમવા લાગ્યું.

સાહસના પપ્પા:-" બેટા,વહુ સાથે નથી આવી? તારી મમ્મી આખો દિવસ મને કહેતી હોય છે કે મારો સાહસ ચોક્કસ મને મળવા આવશે."

સાહસ આ વાત સાંભળીને લાગણીશીલ બની ગયો.
બોલ્યો:-" પપ્પા, મને માફ કરજો. ભૂતકાળમાં મારી જે ભૂલો થઈ હતી એ બદલ માફી માગું છું. મેં તમને અને મમ્મીને ના બોલવાના શબ્દો કહ્યા હતા. પ્રિતી આવી નથી.મને માફ કરજો.નહિતર મને જીવનભર અફસોસ થશે."

સાહસના પપ્પા:-"અરે બેટા, જે થયું હતું એ ભૂલી જા. અમે તો તને માફ કરી દીધો છે.તને અને તારી વહુને પણ માફ કરી દીધા છે. જાગ્યા ત્યારથી સવાર. તને તારી ભૂલો સમજાઈ અને અમને મળવા આવ્યો એ જ અમારા માટે ઘણું છે.પણ બેટા,આમ અચાનક આવ્યો? ઘર તારું જ છે.અચાનક આવી શકે છે પણ જાણ કરી હોત તો તારી મમ્મી તારા માટે શીરો બનાવી દેતી તેમજ તમારા બંને માટે જમવાનું પણ બનાવી દેતી. તું જમીને તો આવ્યો છે ને!"

સાહસ:-" હા... પપ્પા. મેં જમી લીધું છે. મમ્મીના હાથનું ભોજન મને યાદ છે. મમ્મી એટલે મમ્મી.એના જેટલું સરસ તો ઘરમાં તો ઠીક પણ હોટલમાં પણ બનતું નથી."

સાહસના પપ્પા:-"એટલે તું હોટલમાં જમીને આવ્યો છે? વહુ એના પીયરમાં છે? જો એવું થાય તો તું મને એક કોલ કરતો તો તારી મમ્મી જમવાનું બનાવી દેતી.તને તારી મમ્મીના હાથનું બહુ ભાવે છે."

આ સાંભળીને સાહસની આંખોમાંથી આંસુ આવી ગયા.
બોલ્યો:-" હા પપ્પા, પ્રિતી એના પીયર ગઈ છે."

સાહસના પપ્પા:-" ફરી પાછું તમારા બંને વચ્ચે કોઈ પ્રોબ્લેમ તો નથી થયો ને! મને તમારા બંનેની ચિંતા થાય છે.તારી મમ્મીને ખબર પડશે તો રડી રડીને અડધી થઈ જશે."

સાહસ:-" પપ્પા,નાના મોટા પ્રોબ્લેમ તો થયા કરે..પણ...પણ... બન્યું એવું છે કે તમને કહી શકતો નથી."

આટલું બોલીને સાહસ રડી પડ્યો.

સાહસના પપ્પા એ સાહસને શાંત રાખતા બોલ્યા:-" બેટા,પતિ અને પત્ની વચ્ચે થોડા મનમુટાવ થયા કરે. એમાં રડવાનું શું? હિંમત રાખ. શું થયું એ મને કહે.તારી મમ્મી આવે એટલે વેવાણ સાથે વાત કરાવું."

સાહસ:-" પપ્પા,મારી નોકરી છુટી ગઈ છે. ઘરની બધી બચતો પુરી થઈ ગઈ છે. હવે તો ખાવાના ફાંફા થયા છે એટલે પ્રિતી એના પીયર જતી રહી. મેં એની સાથે વાત કરવાની કોશિશ કરી પણ એ મારી સાથે વાત કરવા જ નથી માંગતી."

સાહસના પપ્પા આ વાત સાંભળીને થોડા ચોંકી ગયા.
પછી સ્વસ્થ થઈ ને બોલ્યા:-" બેટા, તું ગભરાઈ ના જા. તને મદદ કરવા તૈયાર છું.પણ મને કહે કે તારી કંપની સારી છે.તને સારી સેલેરી પણ મળતી હતી. તો એમાંથી પણ બચતો સારી થઈ હશે. ઘર કેવી રીતે ચલાવવું એ તને તારી મમ્મી પણ ઘણી વખત કહેતી હતી પણ તને અને વહુને તો સ્વતંત્ર રહેવા જવું હતું. મને કહે કે હવે તું શું કરે છે? તારી જોબ ગુમાવવાનું કારણ કહે.મારાથી બનતી મદદ કરીશ."

સાહસ હવે ફરીથી રડી પડ્યો.
સાહસના પપ્પા સાહસની નજીક ગયા.માથા પર હેતથી હાથ ફેરવીને બોલ્યા:-" તું રડ નહીં.અને ફ્રેશ થઈ ને આવ.તારી મમ્મી આવતી જ હશે. મને વિગતવાર વાતો કર."

સાહસ રડતા રડતા બોલ્યો:-" પપ્પા, મને માફ કરજો. પ્રિતી અને મારી ભૂલો જ અમને નડી છે.મને અમારી ભૂલનો પસ્તાવો થાય છે. પ્રિતી સ્વતંત્ર મિજાજની છે એને સ્વતંત્રતા જોઈતી હતી તેમજ એનો હાથ પણ છુટો હતો. ઘરમાં વધુ કંકાસ ના થાય એ માટે જુદા રહેવાનો નિર્ણય કર્યો હતો જેથી તમે અને મમ્મી સુખ શાંતિથી રહી શકો."

સાહસના પપ્પા:-" બેટા, હવે જુની વાતો યાદ કરીને રડ નહીં.આખરે તને તારી ભૂલો ખબર પડી.પણ હજુ સુધી તેં માંડીને વાત કરી નથી. વહુ એના પીયર કેમ જતી રહી? તારા આવકના સાધનો ક્યા કયા છે? તેં કોઈની પાસેથી મોટી રકમ ઉછીની લીધી હતી?તારી જોબ જવાનું કારણ? વહુ પણ જોબ કરતી હતી તો એની સેલેરીથી ઘર ચાલી શકે. તું નવી જોબ શોધવાનો પ્રયત્ન કર. વહુને મનાવીને લાવ.તારી મમ્મી મદદરૂપ થશે."

સાહસ:-" પપ્પા, હું માનસિક રીતે તૂટી ગયો છું. મારા માથે દેવું થયું છે.પ્રિતીની બચતો તેમજ તેની આવક પણ ખલાસ થઈ છે. ફક્ત એનો પગાર જ આવે છે.મને બીજી જોબ મળતી નથી.કામ કરવામાં ચિત્ત રહેતું નથી.એક વર્ષથી ફ્લેટના હપ્તા ભર્યા નથી.તેમજ હપ્તેથી લીધેલા સામાનના હપ્તા પણ ભરાયા નથી.મને આખરી નોટિસ મળી છે.પ્રિતિ રિસાઈને જતી રહી એનું કારણ જ હું છું. મેં ગાંડપણ કરીને સાઈડ બિઝનેસમાં રૂપિયા લગાડ્યા એ ડૂબી ગયા. પાર્ટનરે દગો કર્યો.જોબમાં મારા પર રૂપિયા ચોરીનો આરોપ મુકાયો હતો. મને નોકરીમાંથી છુટો કર્યો.તેમજ મારી જમા રકમ પણ જપ્ત કરી છે. મને આખરી નોટિસ મળી છે.જો પંદર દિવસમાં રૂપિયા નહીં ભરું તો મારી સામે કેસ થશે.એક દિવસ પ્રિતી ઘરમાં હતી ત્યારે મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ પછી પ્રિતી ગભરાઈ ગઈ હતી અને એના પિયર જતી રહ્યી હતી. પપ્પા મને રસ્તો બતાવો. નહિંતર હું આ દુનિયા છોડીને જતો રહીશ. કંટાળી ગયો છું."

સાહસના પપ્પાએ સાહસને ધીરજ રાખવા કહ્યું.
સાહસના પપ્પા:-" સાહસ તું મને તારા દેવાની વિગતો, હપ્તા કેટલા અને કોના કોના બાકી છે એની વિગતો તેમજ તારા ઓફિસનું સરનામું આપ. કુલ કેટલી રકમ ચૂકવવાની છે એની ગણતરી કરીને તને મદદ કરીશ. ત્યાં સુધી તું અહીં આપણા ઘરે જ રહેજે.કોઈ ખોટું પગલું ભરતો નહીં. હું વેવાઈ સાથે મિટિંગ કરીને વાત કરીશ. તારી મમ્મી આવતી જ હશે."

સાહસે પોતાના બેગમાંથી ડાયરી કાઢી.
અને બાકી હપ્તાની અને દેવાની વિગતો આપી.તેમજ ઓફિસનું સરનામું અને સાહેબનો ફોન નંબર આપ્યો.

એટલી વારમાં સાહસની મમ્મી આવી.
સાહસના પપ્પા એ બધી વિગતો કહી.
મમ્મીએ કહ્યું કે સાહસને ચિંતા કરવાની જરૂર નથી.આપણે પુરતા પ્રયત્નો કરીશું.મારા દાગીના વેચીને પણ બધું દેવું ચૂકવી દેશું.

સાહસની મમ્મીએ વેવાણને ફોન કરીને સાહસના ખોટા પરાક્રમની વાત કરીને માફી માંગી. તેમજ એ માટે એક મિટિંગ કરવી જરૂરી છે એમ કહ્યું.

આખરે મિટિંગ કરવામાં આવી જેમાં પ્રિતીએ કબૂલ કર્યું કે એકલા સાહસની ભૂલ નથી.સ્વતંત્ર રહેવાની એની જીદના કારણે અલગ રહેવા ગયા હતા..પછી તો હાઈફાઈ લાઈફ સ્ટાઈલના મોહમાં ખર્ચા વધતા ગયા.ઘણી બધી મોંઘી વસ્તુઓ હપ્તેથી લીધી.જેના ડાઉન પેમેન્ટ માટે એણે ઓફિસમાંથી એક લોન ઉપાડી હતી એમાંથી ચૂકવ્યા હતા. પણ સાહસ એની ઓફિસમાં ચોરી કરે એ માનવા તૈયાર નથી.તેમજ તેની સખીઓ અને ફ્લેટમાં બધાને ખબર પડી કે સાહસની જોબ ગઈ છે તેમજ હપ્તા ભરવાના રૂપિયા નથી. રોજની કોમેન્ટના કારણે માનસિક રીતે અસ્વસ્થ થઈ હતી જેથી પીયર આવી હતી. હમણાં ઓફિસમાંથી એક નાનકડી લોન મળે એમ છે જેની એપ્લીકેશન કરી છે. જો સાહસ પણ પોતાની ભૂલો સ્વીકારીને ફરીથી પોતે કોઈ જોબ શોધે તો એ પોતાના ઘરે જવા તૈયાર છે.પણ એના માટે એણે બાંહેધરી આપવી પડશે.

સાહસે વડિલો દેખતા પોતાની ભૂલો સ્વીકારી લીધી.

એક અઠવાડિયામાં સાહસના પપ્પા અને પ્રિતીના પપ્પાએ બધા દેવાઓ વિશે સાચી માહિતી મેળવી ને ત્રણ મહિનામાં ચૂકવી દેવાની ગેરંટી આપી. તેમજ બાકી હપ્તાઓ પંદર દિવસમાં ચૂકવી દેશે.
સાહસના સાહેબની મુલાકાત કરીને સાચી પરિસ્થિતિ જાણવા પ્રયત્ન કરતા માલુમ પડ્યું કે કદાચ સાહસ નિર્દોષ છે.એક ગુપ્ત તપાસ ચાલે છે જેમાં સ્ટાફનો એક વ્યક્તિ સંડોવાયેલો છે.જે એક બે દિવસમાં પોતાના ગુનાની કબૂલાત કરશે.

એક મહિનામાં સાહસ નિર્દોષ સાબિત થયો ને પાછો જોબ પર લાગી ગયો.
પણ એને એ ખબર ના પડી કે એનું દેવું ચૂકવવા માટે પપ્પાએ સગવડો ક્યાંથી કરી?


આખરે પ્રીતિ સાહસ સાથે રહેવા આવી ગઈ.

પ્રીતિ:-' સાહસ તને નવતર જીવન મળ્યું છે એનો હવે સદુપયોગ કરજે. ને હવે પછી આત્મહત્યાનો પ્રયાસ કરીશ નહીં.મને એની બીક વધુ લાગે છે.'

સાહસ:-" તેં સાચું કહ્યું. પપ્પા એ જે રીતે કેસ હેન્ડલ કરીને બધું દેવું ચૂકવી દીધું એ માટે પપ્પાનો અને મમ્મીનો આભારી છું.પણ પપ્પાએ આ બધું કેવી રીતે કર્યું હશે?'

પ્રીતિ હસી પડી.
બોલી:-' ફક્ત તારા પપ્પા અને મમ્મી જ નહીં પણ મારા પપ્પા અને મમ્મીનો પણ ફાળો છે.બંને પપ્પાએ મમ્મીઓના દાગીના વેચવા દીધા નથી.પણ મારા પપ્પા એ પોતાનું એક જુનું ઘર છે વર્ષોથી બંધ હતું એ વેચી દીધું હતું તેમજ તારા પપ્પાની પાસે શેર હતા એ બધા વેચીને આપણું દેવું ચૂકવી દીધું છે. હવે હાઈફાઈ જીવન જીવવું નથી.પણ સંતોષી જીવન જીવવાનું છે.'

સાહસ:-' ઓહ્.. તું આટલું બધું જાણે છે અને મને ખબર નથી!'

પ્રીતિ:-' તને કહેવાની ના પાડી હતી. પપ્પા અને મમ્મી આ રવિવારથી આપણા ઘરમાં રહેવા આવવાના છે. મારા પપ્પા અને મમ્મીને પણ બે દિવસ માટે બોલાવ્યા છે.'

સાહસ:-' જો વડિલો ના હોત તો મારું જીવન નર્ક બની ગયું હોત. તેં સારું કર્યું કે એમને ઘરમાં રહેવા માટે બોલાવ્યા છે.ને તું વારંવાર સ્મિત કેમ કરે છે? કંઇક રહસ્ય લાગે છે.'

પ્રીતિ ફરીથી હસી.
બોલી:-' રહસ્ય તો છે જ. પણ આ તમારી બબાલમાં તમને કહેવા માંગતી નહોતી. મમ્મી મારું ધ્યાન રાખવા માટે આવવાના છે.ને પછી એમની મરજી હશે ત્યાં સુધી રહેશે તો મને વાંધો નથી.હવે થી હું કોઈ કચ કચ કરવાની નથી.'

સાહસ:-' પણ પણ.. તું રહસ્ય તો કહે. આ નવતર જીવન મળ્યું છે એની ખુશી છે?'

પ્રીતિ:-' નવતર જીવનની ખુશી તો છે જ.સાથે સાથે બીજા જીવન માટે પણ..આ તમને નહીં સમજાય.કારણકે તમે બુધ્ધુ છો. મમ્મી આવે એટલે એમને જ પુછી લેજો.'
- કૌશિક દવે