Dariya nu mithu paani - 11 books and stories free download online pdf in Gujarati

દરિયા નું મીઠું પાણી - 11 - ભણતર


ખ્યાતિ પોતાની ઓફિસમાં બેઠી બેઠી એક નવાં પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી, ત્યાં શહેરના જાણીતા બિઝનેસમેન અતુલ શાહ આવ્યાં. એમનાં માતૃશ્રીની પ્રથમ પુણ્યતિથિ આવતી હતી, અને તેમને પોતાના ગામમાં એક અદ્યતન નવી સકૂલ બનાવવી હતી, અને એ અંગેની વાતચીત કરવા તે આવ્યાં હતાં. ખ્યાતિ એ એમનાં ગામનું નામ પુછ્યું! એમણે કહ્યું કિશનગઢ ! અને નામ સાંભળીને જ એની આંખોના ખૂણા ભીના થયાં, અને એણે કોઈ પણ જાતની ફી વગર એ સ્કૂલ માટેનાં એગ્રીમેન્ટ પર સહી કરી દીધી.

ખ્યાતિ લગભગ પાંચ કલાકની મુસાફરી કરી મર્સિડિઝ કારમાંથી, એક સાવ સામાન્ય એરિયામાં આવેલી નિશાળ આગળ ઉતરી, અને અંદર ગઈ. નાની નાની બેન્ચો પર થોડીવાર બેઠી, થોડીવાર ઓટલે બેઠી, થોડીવાર દરવાજા પાસે આવેલા ઝાડ આગળ બેઠી, એ તૂટલા ફૂટેલા બાથરૂમ આગળ ગઈ.

તો એક બાજુથી તૂટી ગયેલા બોર્ડ પર પોતાનું નામ લખ્યું, અને અચાનક તેના પગ એક જગ્યા તરફ વળ્યા અને એ જગ્યા હતી પોતાના જ ક્લાસ રૂમનાં ઓરડાનો ખૂણો!! એને લગભગ રોજ આ ખૂણામાં પનિશમેન્ટ માટે મુરઘો બનીને ઊભું રહેવું પડતું હતું! કોઈ વાર નોટ ન હોય, તો કોઈ વાર બીલ ન ભરાતાં લાઈટ કાપી જાય, અને હોમવર્ક ન કર્યું હોય, તો કોઈ વાર મોજા ના પહેર્યા હોય! તો કોઈ વાર યુનિફોર્મ મેલો હોય, અને મોટેભાગે ફી ભરવામાં આજે કાલે એમ કરીને મહિનો પૂરો થાય!

બસ આવા કોઈને કોઈ કારણથી તેને પનીસમેન્ટ થતું! અને એની આંખો ભરાઈ આવતી! એની માટે એ ગળગળો ખૂણો હતો, અને જ્યારે જ્યારે એ મૂર્ઘો બનતી બાકીની એની સહેલીઓ એને મુર્ઘો બનેલી જોઈ ખૂબ મશ્કરી કરતી,અને વધુ ગળગળી થઈ જતી. પરંતુ ખ્યાતિ પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, એ ભણવામાં પ્રમાણ માં તેજ હતી, પરંતુ ચોપડીઓ પૂરતી નહોતી, અને એ યુગમાં સ્ત્રી શિક્ષણ ફ્રી નહોતું.

આમ તો ભણાવવા માટે પણ એની માતાની જીગરને જ ધન્યવાદ દેવા પડે! કારણ કે ભણાવી શકાય એવી કોઈ પરિસ્થિતિ હતી જ નહીં, છતાં તેણે હિંમત કરી હતી. રોજ સ્કૂલ પહેલા એક કલાકે આવી જવાનું અને સ્કૂલ પછી એક કલાકે ઘરે જવા મળતું! કારણ કે એની મા અહીંથી 15 કિલોમીટર દૂર આવેલી એક સોસાયટીમાં કામ કરતી હતી, અને સવારનું કામ પૂરું થયા પછી છકડા રિશ્તા મા અહીંયા સુધી આવતી ત્યારબાદ બંને ઘરે જતા જેવું તેવું જમી અને વળી પાછી તે કામે જતી.

ખ્યાતિ ઘણીવાર એની માને કેતી કે મા તું આટલી બધી મહેનત શું કામ કરે છે, હું નહિ ભણું, બીજું શું! અને આમ પણ ભણી ને ક્યાં મને કોઈ નોકરી આપવાનું છે! પરંતુ હર્ષિદા એટલે કે ખ્યાતિની માતા કહેતી કે ના તારે ભણવાનું જ છે, અને ખૂબ મોટા એન્જિનિયર બનવાનું છે. ડોક્ટર બનવું હોય તો પણ મને વાંધો નથી, પણ સાંભળ્યું છે કે ડોક્ટરની તો ખૂબ ફી હોય, અને કદાચ એ આપણે ભરી શકીએ નહીં, એટલે એન્જિનિયર બરોબર છે. મા દીકરી બંને એકબીજાનો સહારો હતાં, પિતા તો ખ્યાતિના જન્મ પહેલા જ ઘર છોડીને ચાલ્યો ગયો હતો, અને એણે તો કહી દીધું કે મને આ લગ્ન કરવા નહોતાં. પરંતુ મારા માતા-પિતાએ મને ધરાર લગ્ન કરાવ્યા છે, એટલે હવે તું જાણ અને તારું આ બાળક જાણે!: પરંતુ હર્ષિદા એ ક્યારેય આ બધી વાત ખ્યાતી ને કરી નહોતી, અને દર વખતે એમ કહેતી કે તારા પિતા વિલાયત કમાવા ગયા છે, એક દિવસ ખૂબ કમાઈને આવશે, અને આપણાં સઘળા દુઃખ દૂર થઈ જશે!

ધીરે ધીરે કરતાં ખ્યાતી હવે મોટી થવા લાગી હતી, અને પ્રાથમિક માંથી હાઈસ્કૂલમાં આવી. એણે કહ્યું કે મા તું એકલી કામ કરે છે, એની કરતા હું પણ તને કામ કરાવું આપણને બે રૂપિયા વધુ મળશે! ભણીને મને કાંઈ કામ નથી. પરંતુ હર્ષિદા એ ચોખ્ખું કહી દીધું કે નહીં, એવી જગ્યાએ એટલે કે વાસણ કપડા કરવા એ મારી દીકરીનું કામ નથી. એ તો મોટી ઓફિસર બનશે, અને બીજા બધાં પાસે આવું કામ કરાવશે!: હવે તો ખ્યાતિ પણ થોડી સમજદાર થઈ ગઈ હતી, એટલે પોતાનું કામ પોતે કરી લેતી હતી, અને વહેલી સવારે ઉઠીને ઘરનું કામ પરવારી જતી હતી, તેમજ થોડી ઘણી રસોઈ પણ કરાવતી હતી. ભણવામાં પણ તેને સ્કોલરશીપ મળી હોવાથી એ ગ્રેજ્યુએશન પણ કરી શકે એમ હતી, અને એને એની માતાનું સ્વપ્ન પૂરું કરવું હતું. માટે થોડા ટ્યુશન કરી અને રૂપિયા ભેગા કરતી હતી, ખ્યાતિ આગળ આવતા દર્શન નામના વિદ્યાર્થીના પિતા સાયન્સ કોલેજમાં પ્રોફેસર હતા. એ વાતની ખબર ખ્યાતી ને પડતા એણે તેમનો કોન્ટેક કરવાની કોશિશ કરી, અને કહ્યું કે સાહેબ મારે એન્જિનિયર થવું છે, પરંતુ એટલા રૂપિયા નથી! જો કોઈ સહેલો માર્ગ હોય તો કહો. બાકી આટલાં રૂપિયા પૈસા તો હવે ક્યાંથી કાઢવા!

હૃદયનાથ પોરબંદર વાળા એક એન્જિનિયરિંગ કોલેજ ના આચાર્ય હતાં અને તેમણે આખી સ્ટોરી સાંભળી! અને એણે કહ્યું કે તું બે દિવસ રહીને આવજે, હું પૂરેપૂરી તપાસ કરીને તને કહીશ. ખ્યાતિ મનોમન ખુશ થતી હતી, તો ક્યારેક દુઃખી પણ થઈ જતી હતી, કે પોતાનું પરિણામ શું આવશે; પરંતુ હૃદયનાથ મંગેશકર એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ સરવૈયા બાપુને આખી વાત કહી અને કહ્યું કે વિદ્યાર્થી તેજસ્વી છે, આપણે જો થોડુંક ખ્યાલ રાખીશું, તો એ જરૂરથી કોલેજનું નામ રોશન કરશે, અને એની માટે પણ આગળ જતા ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી શકે તેમ છે. આમ હૃદયનાથ પોરબંદર વાળા એ ખ્યાતિ ને એન્જિનિયરિંગની કોલેજમાં એડમિશન અપાવી દીધું.

યોગ્ય માર્ગદર્શન મળતા ખ્યાતિ પોતાના જીવનમાં આગળ વધતી જતી હતી, અને આમ એ એક આર્કીટેક બની. એક તબક્કો એ આવ્યો કે કોલેજના પ્લેસમેન્ટમાં તેને ખૂબ જ સારી કંપનીમાં સારા પગારથી નોકરી મળી ગઈ, અને એમનાં આર્થિક પ્રશ્નો સોલ્વ થઈ ગયા. ધીરેધીરે તેણે શહેરમાં નામ કાઢ્યું. એને બહુ સારી સારી કન્સ્ટ્રકટર્કશન કંપનીઓ સાથે કામ કરવાનું થયું, પોતે પણ શહેરમાં ની આવી એક સ્કીમમાં એક સુંદર ફ્લેટ રાખ્યો, અને મા ને પણ અહીં બોલાવી લીધી, અને અંતે એણે એની માતા નું સ્વપ્ન પુરું કર્યું.

અતુલ શાહ એ જ્યારે પુછ્યું કે તમે ફી લીધા વગર આટલું મોટું કામ શું કામ કરવા નાં છો! પહેલા તો એણે કહ્યું કે ઈટ્સ આ ચેરીટી! પણ જ્યારે દબાણ પૂર્વક કહ્યું ત્યારે કહ્યું કે આ નિશાળ નો એ ગળગળો ખૂણા નું મારી પર કર્જ છે! અને એ કર્જ ઉતારવા હું આ ચેરીટી કરવાની છું.