Shamna na Dankh - 3 books and stories free download online pdf in Gujarati

શમણાંના ડંખ.. (ભાગ - ૩)

આજે પ્રખર એકલો જ જીપ લઈને જંગલમાં નીકળ્યો.

એના ડ્રાઈવર દિવાનસિંગે કહ્યુ પણ હતુ. કે "સાહેબ તમે તો મને જીપ ચલાવવા જ નથી દેતા" દિવાનસિંગ મોજીલો માણસ હતો. જીપ ચલાવતા ચલાવતા કંઈ કેટલીય વાતો કર્યા કરતો..

પ્રખર ટોકતો ય ખરો, કે જીપ ચલાવતી વખતે વાતો ના કરે..
થોડી વાર ચૂપ રહીને દિવાનસિંગ વળી પાછો અલકમલકની વાતો કરવા લાગતો. એ પાછો જંગલનો જ માણસ..એટલે જંગલની કેટલીય વાતો એના ભાથામાં પડી હતી.. એની વાતો પર તો કંઈક કેટલાય પુસ્તકો લખાઈ જાય, જોકે પ્રખરને પણ, દિવાનસિંગની વાતો સાંભળવાની મજા આવતી હતી.


એક વાર આમ જ જંગલમાં જતા જતા, દિવાનસિંગે.. એનો એક કિસ્સો સંભળાવ્યો હતો..એની વાત કહેવાની રીત પણ ખુબ જ સરસ હતી.

પ્રખર યાદ કરવા લાગ્યો.
દિવાનસિંગના જ શબ્દોમાં કહીએ તો -

"સાહેબ.. તમને શું વાત કરું!!
એકવાર ઉનાળાની રાતે.. હું બહાર ટહેલતો હતો. એક તો સરસ પવન આવે, અને મને રાતે થોડું ચાલવાની આદત-
સુતા પહેલા કાયમ હું થોડી દુર સુધી ચાલી આવું.

એકવાર..
હું એ રીતે જ જમીને ચાલતો હતો. થોડે દૂર સુધી નીકળી ગયો હતો. અચાનક કોઈના કણસવાનો અવાજ આવ્યો. અવાજ બરાબર મારી બાજુમાંથી જ આવતો હતો. મેં એ બાજુ ફરીને જોયુ, તો એક દિપડો કણસતો પડ્યો હતો. પહેલા તો હું ગભરાયો- પછી ધ્યાનથી જોયું..

તેનો પગ ઝાડીમાં ફસાઈ ગયો હતો, છૂટવા માટે તે બહુ પ્રયત્ન કરતો હતો, પણ એનાથી છૂટી નહોતુ શકાતુ. હું તો ગભરાઈ ને ત્યાં જ ઉભો રહી ગયો. શું કરવું.. શું ના કરવું.. કંઈ જ ખબર ન પડી. પહેલા થયું કે.. ઘરે જતો રહું, દિપડો બિચારો બરાબરનો કણસતો હતો. આસપાસ કોઈ બીજુ હતું પણ નહીં.

શું કરુ??
એ દયામણી નજરે મારી સામે જોઈ રહ્યો હતો. પણ મને તો એની દયામણી નજરથી ય બીક લાગતી હતી.

છેવટે થોડી હિંમત ભેગી કરી. મારા હાથમાં લાકડી તો હતી જ, હું ધીરે ધીરે તેની પાસે ગયો. એનાથી થોડા દૂર ઊભા રહીને જ, લાકડીથી ઝાડી હટાવવાનો પ્રયાસ કર્યો.

એકદમ નજીક જવાની હિંમત જ ક્યાં હતી !
તેના પગ તો બરાબરના ઝાડીમાં અટવાયા હતા, મારે હજુ થોડું.. એની નજીક જવું પડે તેમ હતુ. છેવટે ભગવાનનું નામ લઈને હું એની નજીક ગયો. એકબાજુ લાકડીથી ઝાડીને ઊંચી પકડી રાખી, અને બીજી બાજુથી ધ્રુજતા હાથે,
એનો પગ ખેંચવાનો પ્રયત્ન કર્યો.

એ સાથે જ દિપડાએ તો શું કૂદકો માર્યો !
ઘડી વાર માટે તો એવું લાગ્યું કે, જાણે મારું હૃદય બહાર આવી ગયું છે.. અને એ દીપડો મને મજેથી ખાઈ રહ્યો છે.

પછી વળી.. શું સુઝ્યું કે..
હું લાકડી લઈને જમીન પર પછાડવા લાગ્યો. જોર જોરથી કૂદકા પણ મારવા લાગ્યો. છેવટે હું જ થાકીને ઊભો રહ્યો.

છેક હવે આંખો ખોલી-
બિચારો દિપડો તો પગ છૂટતા જ ભાગી ગયો હશે !

પછી તો મેં શું દોટ મૂકી છે..પાછુ બીકમાં ને બીકમાં ભૂલથી જંગલ બાજુ દોડી જવાયુ, આંખ બંધ કરીને કેટલુય દોડયો, ત્યારે ખબર પડી કે.. આ તો ઉંધુ દોડાઈ ગયુ !!

વળી પાછો ગભરાયો-
પછી તો શું દોડ્યો.. શું દોડ્યો- સીધો ઘરે !!

દિવાનસિંગની આ વાત યાદ આવતા, પ્રખરને અત્યારે પણ હસવું આવી ગયું. આમ પણ દિવાનસિંગ કહેતો રહેતો હોય છે, કે સાહેબ.. તમને ક્યાંય દીપડો મળી જાય તો ગભરાવું નહીં, થોડા બૂમ બરાડા કરી લેવા.. કે જેથી દીપડો જ ગભરાઈને ભાગી જાય!!

એની વાત સાચી પણ હતી.
કારણ કે દીપડો બુદ્ધિશાળી અને ચતુર પ્રાણી છે. એની પ્રકૃતિ થોડી શરમાળ પણ હોય છે, તેથી જ માણસની હાજરી જોતાં એ દૂર ચાલી જાય છે.

પ્રખરને તો હવે જંગલ ગમવા લાગ્યુ હતુ, એટલે હમણાથી,
એ એકલો જ જીપ લઈને નીકળી પડતો હતો. પછી દિવાનસિંગ ફરિયાદ કર્યા કરે, કે સાહેબની જીપ ચલાવવાનો મોકો, એને કયારેક જ મળે છે!!

ઓફિસની પાછળ જ આવેલા, છુટા છવાયા ચારેક ઘરમાં,
ડ્રાયવર દિવાનસિંગ અને વોચમેન રતન રહેતા હતા, નજીક જ રહેતા હોવાથી, એ લોકો ટાઈમસર ફરજ પર હાજર થઈ જતા હતા.

પ્રખર જયારે એકલો જ જીપ લઈને નીકળી જાય, ત્યારે દિવાનસિંગ પાછો ઘરે જતો રહેતો હતો. કયારેક તો એવુ ય થતુ હતુ કે.. જંગલના રસ્તાઓ પર..દિવાનસિંગને બાજુમાં બેસાડીને, પ્રખર પોતે જ જીપ ચલાવવા લાગી જાય !

આજે તો થોડી વિઝીટ પણ કરવી હતી..એટલે પ્રખર થોડો વહેલો નીકળી ગયો, ઓર્ડરલી જયંતની પણ રાહ ના જોઈ.
પ્રખરને એકલો જતા જોઈને..દિવાનસિંગ પણ ફરિયાદ કરતો એના ઘરે જતો રહ્યો.

***********************

હવે પછીના રસ્તેથી ગાઢ જંગલ શરુ થતું હતું.
પ્રખર જોઈ રહ્યો જંગલના અસલી પ્રાકૃતિક અસબાબને !!
જેટલી વાર એ જંગલને જોતો, એટલી વાર જંગલ એેને નવુ જ લાગતુ ! દર વખતે પ્રકૃતિની નવી જ અનુભૂતિ થતી હતી.

ગીચ ઝાડીઓ.. વેલાઓ.. ઘેઘૂર વૃક્ષો.. કેટકેટલા વૃક્ષો..
એમાંય જયારે ખાખરાના વૃક્ષો પર કેસૂડાંના ફૂલો આવે,
ત્યારે તો વનરાજી શોભી ઉઠતી હતી..

અહીં જાતજાતની વનસ્પતિઓ હતી.. જંગલનો લગભગ અડધા ઉપરનો ભાગ, ઔષધીય વનસ્પતિઓથી ભરપૂર હતો.

શિરસ.. રાયણ.. હળદરવો... ટીમરુ.. આવી કંઈક વનસ્પતિઓથી જંગલ ભર્યું ભર્યું હતુ. વળી, આયુર્વેદની દ્રષ્ટિએ ખજાનો ગણાતી, બ્રાહ્મી.. શતાવરી.. સંજીવની.. અશ્વગંધા.. વગેરે વનસ્પતિઓ પણ ભરપુર હતી.

જંગલમાં કઈ જગ્યાએ -
કેટલી વનસ્પતિ ઊગે છે.. કેટલા વૃક્ષો છે, કેટલી જાતના પ્રાણીઓ.. પક્ષીઓ... જીવજંતુઓ વગેરે છે, એ બધી જ માહિતી પ્રખરને લગભગ મોઢે થઈ ગઈ હતી, આખરે.. આ બધાનું ધ્યાન રાખવાની જવાબદારી, પણ તેની જ હતી ને!!

કેટલીય દુર્લભ જડીબુટ્ટીઓની અહીંયા ખાણ હતી. અમુક ગામવાળાઓ હતા, જે જંગલી જડીબુટ્ટીઓના જાણકાર હતા- એમાંય પંચોતેર વર્ષના ટીકુજી ખરા જાણકાર હતા.
અરે.. જમીન સુંઘીને કહી દે.. કે કયો પાક નાખવો,
કે પછી,
કઈ જમીન કેટલુ કાચુ સોનુ આપશે..
એમની આંખો જાણે જમીનની આરપાર જોઈ શકતી,

પ્રખરે પણ ટીકુજીની મદદથી, ઘણી મૂલ્યવાન વનસ્પતિની
યાદી તૈયાર કરી હતી. જંગલમાં એવી તો ઘણી જમીન હતી, જેમાં પાકતી વનસ્પતિ સોનાથી ય વધુ મુલ્યવાન હતી.. અહીં આવ્યા પછી.. પ્રખરને પહેલી વાર ખબર પડી,
કે આવી વનસ્પતિ પણ હોઈ શકે !!

જોકે એવી જમીનની જાણકારી બહુ ઓછાને હતી.એમાંના એક ટીકુજી પણ હતા. આ બધી જ માહિતી પ્રખર પોતાના લેપટોપમાં રાખતો હતો.

કુદરતની ખૂબ જ મહેર હતી અહીં..
જંગલની ચારે બાજુ પ્રખરની નજર ફરી વળી.આ જ રસ્તે,
એ રેશમને લઈને પણ કેટલીય વાર આવ્યો હતો. રેશમને ફોટોગ્રાફીનો બહુ શોખ.. ના પાડો તોય જીપમાંથી ઉતરીને ફોટા પાડવા લાગે. કયારેક તો દિવાનસિંગ પણ બૂમ પાડતો રહી જાય, કે બેન નીચે ના ઉતરો.. દિપડો આવી જશે તો??
તો ય રેશમ ઉતરીને ફોટા પાડી જ લેતી.

એકવાર નીલ ગાયનું ઝુંડ..એની જીપની નજીક આવી ગયુ હતું, ત્યારે જીપની ચારે બાજુ નીલ ગાય ફરવા લાગી હતી..
રેશમે એમના કેટલાય ફોટા પાડી લીધા.. એ વખતે પણ દિવાનસિંગ જોડે હતો.. એટલે એણે એની ભાષામાં કંઈક કહીને, નીલ ગાયને થોડી દૂર કરી હતી..

અત્યારે ય બે ત્રણ નીલ ગાય અને, જંગલી ડુક્કર તો રસ્તામાં મળ્યા જ હતા. કયારેક હરણા પણ મળી જતા હતા. પ્રખરે જીપની સ્પીડ ઓછી કરી.

આ દૂર દેખાય.. એ હનુમાનદાદાનું મંદિર -
મંદિર નાનુ પણ આસ્થા મોટી, આ મંદિર પર ખૂબ શ્રધ્ધા હતી ગામવાળાઓની !! તેમના દરેક સારા કાર્યની શરૂઆત અહીંથી થતી. અહીં દર શનિવારે ખાસ પૂજા પણ થતી હતી.

આજે પણ.. સારો દિવસ હતો.
વિનુભાઈના દીકરા મથુરનો જન્મદિવસ હતો, એ દસ વર્ષનો થયો હતો. મંદિરમાં બહુ જ ધૂમધામ હતી..આખરે વિનુભાઈ ગામના સરપંચ હતા. એટલે તૈયારી પણ એમને શોભે એવી જ હતી.

એક મોટો મંડપ બાંધ્યો હતો..
એની ઉપર ફૂલોનો શણગાર કર્યો હતો. એક તરફ ભોજન તૈયાર થતુ હતુ, બીજી તરફ સરસ મજાની બેસવાની વ્યવસ્થા કરાઈ હતી. અત્યારે બધા મંદિરના પ્રાંગણમાં જ હતા..

પ્રખરને પણ આમંત્રણ હતું -
વિનુભાઈ નાનાગઢના સરપંચ હતા.. એટલે મળવાનું તો થતુ જ રહેતું, પરંતુ આજે મથુરનો જન્મદિવસ હોવાથી,
ખાસ આમંત્રણ હતુ.. વિનુભાઈ અને એમના પત્ની રાજુલબહેન, છેક ઓફિસમાં આવીને કહી ગયા હતા.
અને એટલે જ પ્રખર થોડો વહેલો નીકળ્યો હતો, વિનુભાઈને મળીને તરત જ, જંગલની વિઝિટ લેવાનો પણ વિચાર હતો !

પ્રખરે મંદિરની પાછળ.. દૂર સુધી નજર કરી લીધી..
મંદિરની બરાબર પાછળ થોડી દૂર દેખાય..એ 'ઝાંખરી' નદી. આ નદી.. જંગલની સુંદરતામાં ઓર વધારો કરતી હતી.
તેનું પાણી ય, ઔષધીય દ્રષ્ટિએ અકસીર માનવામાં આવતું.
એના પાણીમાં કંઈક અલગ જ મીઠાશ હતી. ઝાંખરીના કિનારે કિનારે સાગી લાકડાના વૃક્ષો હતા.

ગામના લોકો ઝાંખરીને ખૂબ જ સ્વચ્છ રાખતા હતા. કયાંય કોઈ ગંદકી નહીં.. એક પવિત્ર નદીનો દરજ્જો તેમણે ઝાંખરીને આપ્યો હતો.

પ્રખર જીપમાંથી નીચે ઊતર્યો -
"અરે.. જુઓ.. જંગલના સાહેબ આવી ગયા"
ગામના લોકો ઉત્સાહિત થઈ ગયા.. વિનુભાઈ પ્રખરના સ્વાગતમાં આગળ આવ્યા..

એક સુંદર મજાનું પુસ્તક, પ્રખરે વિનુભાઈના દિકરા મથુરને ભેટમાં આપ્યુ.. રાજુલબહેન મીઠાઈને લઈ આવ્યા.
"શું પ્રખરભાઈ.. કેમ આજે એકલા એકલા?"

આ પહેલા.. એ કોઈ પ્રસંગમાં રેશમને સાથે લાવ્યો હતો,
એટલે રાજુલબહેને ટીખળ કરી- પ્રખર હસી પડ્યો.

રેશમ ય ખરી છે..
પહેલા કેટલુ આવતી હતી..ઘેલુ છે એને જંગલનું.. અહીંના પ્રાકૃતિક સૌંદર્યનું ! એક વાર તો એના પપ્પાને ય લેતી આવી હતી.. એના પપ્પા પણ મજેદાર છે,ખૂબ જ મોકળા મનના !

"શું વિચારમાં પડી ગયા.. પ્રખરભાઈ"
વિનુભાઈએ આગ્રહ કરીને પ્રખરને મીઠાઈ ખવડાવી. ગામનાં લોકો તો પ્રખરને જોતાં જ, ખુશ થઈ જતા હતા. અહીંની પ્રજા ખૂબ જ લાગણીશીલ હતી.. તનથી ગરીબ.. પણ મનની અમીરી ખૂબ જ હતી.

પ્રખરને એ લોકો 'જંગલના સાહેબ' કહેતા હતા..
પહેલા તો પ્રખરને એ સાંભળીને હસવુ આવતુ, પછી ધીરે ધીરે એ પણ.. આ ભોળી પ્રજા સાથે લાગણીથી જોડાઈ ગયો હતો. એમાંય જયારે પ્રખર એમના ફોટા પાડતો, ત્યારે તો બધા બહુ જ ખુશ થઈ જતા..આજે પણ પ્રખરે બધા સાથે.. ચાર પાંચ સેલ્ફી લઈ લીધી.

જમવાની તો બહુ ઈચ્છા નહોતી,
એટલે ફક્ત મોઢું મીઠું કર્યુ હતુ.. પછી.. વિનુભાઈની રજા લઈને પ્રખર ત્યાંથી નીકળી ગયો.. ઝાંખરી બાજુ ઘણા સમયથી અવાયુ નહોતુ, એટલે કિનારે કિનારે.. એ આગળ વધવા લાગ્યો.

દૂર સુધી નજર નાખી લીધી.
શાંત નિર્મળ ઝાંખરી..એનુ પાણી ખૂબ જ શીતળ, ગરમીમાં પણ એનુ પાણી ખૂબ ઠંડુ રહેતુ હતુ.. એકદમ હળવેથી વહેતી ઝાંખરી, થોડેક આગળ જતાં જ વેગ પકડતી હતી..
જયાં પાણીનો વેગ વધતો હતો, ત્યાંથી જ નાનકડો ધોધ બનીને, ઝાંખરી થોડુ નીચે સરી જતી હતી.. બસ એ જગ્યાએ જ, એક નાનકડું પીકનીક સ્થળ પણ હતું, અહીં મોટા શહેરમાંથી પણ, ક્યારેક લોકો ફરવા માટે આવતા હતા..

જોકે તેમને અહીં આવવાની પરવાનગી લેવી પડતી હતી.
વળી.. ઝાંખરીથી થોડે આગળ જતા, એક ઔષધીય મ્યુઝિયમ પણ છે, જેની મુલાકાત લેવા વિદ્યાર્થીઓ ખાસ આવતા હતા. પ્રખર આસપાસની સુંદરતા માણી રહ્યો.

ઝાંખરીને જોતા પ્રખરને.. સ્ટેફી અને મેક યાદ આવી ગયા.
સ્ટેફી અને મેક - એક જર્મન યુગલ..એ લોકો પહેલી વાર.. અહીં જ મળી ગયા હતા..નવા નવા પરણેલા હતા. અને ભારત ભ્રમણ માટે નીકળ્યા હતા.

હજુ મહિના પહેલાંની જ વાત..
એ જર્મન યુગલ.. અહીં મ્યુઝિયમ જોવા આવ્યુ હતુ, પછી તો ઝાંખરી જોતા જોતા એ યુગલ, જંગલના પ્રેમમાં પડી ગયુ હતુ. એ લોકો બધી જ સુવિધા વાળી,અદ્યતન વાન લઈને આવ્યા હતા.

લગભગ દસેક દિવસ સુધી- એ લોકો,જંગલનો ખૂણે-ખૂણો ફર્યા.. વળી દિવસમાં એકવાર તો પ્રખરને મળી જ જાય !
એ લોકો અંગ્રેજીમાં બોલતા હતા, એટલે પ્રખરને પણ એમની સાથે સારુ ફાવી ગયુ હતુ. કયારેક વળી.. એ લોકો જર્મની ભાષામાં વાત કરવા લાગતા હતા.

સ્ટેફી અને મેક સાથેની.. પ્રખરની યાદો તાજી થઈ ગઈ.
મેક બહુ ભલો હતો..આખો દિવસ જંગલના ફોટા પાડ્યા કરે.. અને સ્ટેફી.. એ તો બસ રંગબેરંગી પતંગિયાની જેમ,
ચારેબાજુ ઉડાઉડ કર્યા કરતી હતી. એમાં.. એકવાર એને કોઈ જંગલી જીવજંતુ કરડી ગયુ હતુ.

ત્યારે, પ્રખરના ઘરે રસોઈ કરવા આવતા શારદબહેને એના મોઢા પર, કોઈ કુદરતી મલમ ચોપડી આપ્યો હતો, કાળા રંગનો એ મલમ મોઢા પર જ રહેવા દઈને, સ્ટેફી પાછી બધે શાનથી ફરતી હતી!

સ્ટેફી અને મેક- લાગણીશીલ પણ એટલા જ ! એકવાર તો શારદાબહેનને બાજુમાં બેસાડી દઈને, સ્ટેફીએ બધા માટે કંઈક નુડલ્સ જેવુ બનાવી દીધુ હતુ !!

એ લોકો દિવસમાં એકવાર એમના લેપટોપ દ્વારા, એમના પરિવાર સાથે.. વાત પણ કરી લેતા હતા. એમાંય સ્ટેફી તો એના પરિવાર સાથે.. પ્રખરને પણ વાત કરાવતી હતી.

અહીં જ ઝાંખરી પાસેથી જ.. એ પ્રેમાળ જર્મન યુગલે.. ભાવભીની વિદાય લીધી હતી.

પ્રખર ઝાંખરીનું નિર્મળ પાણી જોઈ રહ્યો.
ઝાંખરીને અડીને જ.. એક નાની ટેકરી હતી, જેના પર નાની પગદંડીઓ બનાવેલી હતી..એ લીલીછમ ટેકરી, ઝાંખરીની સુંદરતાને ચાર ચાંદ લગાવતી હતી.

"કોઈ ઉભુ છે ત્યાં??"
ટેકરી પરની એક પગદંડી પર.. પ્રખરની નજર અટકી ગઈ.

"શું ત્યાં સપ્તક હતો??" હોઈ શકે..આખરે એ પણ,
નાનાગઢની જ પોસ્ટ ઓફિસમાં કામ કરે છે ને..લાગે છે તો.. સપ્તક જેવો જ !

પ્રખર જીપમાંથી ઉતરીને પગદંડી તરફ ચાલવા લાગ્યો.
થોડુ ચઢાણ પણ હતું.. વળી ઝાડી- ઝાંખરા પસાર કરતા બે મિનિટ જેવું થઈ ગયુ હતુ..ત્યાં જઈને જોયુ તો કોઈ દેખાયુ નહીં. એ વ્યક્તિના માથામાં જથ્થાબંધ વાળ જોતા,લાગતુ હતુ કે સપ્તક જ છે. પ્રખર વિચારમાં પડી ગયો.

ખબર નહીં.. કદાચ કોઈ બીજું પણ હોય..વળી, પોસ્ટ ઓફીસ તો કયાંય ગામની વચ્ચે છે.. અને આ સમયે તો સપ્તક ઓફિસમાં હોવો જોઈએ.. દૂરથી તો સપ્તક જેવુ જ લાગ્યુ હતુ. પ્રખર ટેકરી પાસેથી પાછો વળી ગયો.

ટેકરીની બરાબર પાસે જ કેટલાંક છૂટાછવાયા ઘર પણ હતા, જે છાણ-માટીથી લીંપેલા હતા. એમાં બીજા નંબરનું ઘર જોતા જ પ્રખર અટકી ગયો..એને 'કલશોર' યાદ આવી ગઈ.કલશોર -
જ્યારે પહેલીવાર તેનું નામ સાંભળ્યું, ત્યારે પ્રખરને આશ્ચર્ય થયું હતું ! તેણે કલશોરને પૂછ્યું પણ હતું.."કેટલું સરસ નામ છે.. કોણે પાડ્યું?" ત્યારે કલશોર ફૂલ જેવું હસી પડી હતી.

પ્રખરે ફરીથી એ ઘર સામે જોયુ.
વધુ જોઈ ના શકાયુ..કંઈક વિચારીને એ જીપમાં બેઠો.. અને ત્યાંથી તરત નીકળી ગયો.

ક્રમશ..