Kaho Poonamna Chandne - 3 books and stories free download online pdf in Gujarati

કહો પૂનમના ચાંદને - ભાગ 3

અર્જુન રૈનાને જતી જોઈ રહ્યો હતો. પાછળથી અજય આવીને અર્જુનને કહે છે, "સોરી અર્જુન, તે છોકરી ટેક્નિશિયન હતી. ઉપર મ્યુઝિકનો વાયર સરખો કરતી હતી. બેલેન્સ બગડી જતા તે નીચે પડી ગઈ હશે."

"તે છોકરીની દરેક માહિતી બે કલાકની અંદર મારે જોઈએ છે. બધી જ....." એટલું કહી અર્જુન પોતાની મા શાંતાદેવી પાસે ગયો. તેમના ભવાં ચડેલા હતા એના પરથી અર્જુન સમજી ગયો કે જેવી રીતે એ છોકરી ઉપરથી પડી અને અર્જુને તેને બચાવી પોતાના ખોળામાં ઉઠાવી લીધી તે એમની જુનવાણી વિચારો ધરાવતી માંને કદાચ ગમ્યું નહી હોય.

શાંતાદેવીને સમજાવવા અર્જુન તેઓ જે ખુરશી પર બેઠા હતા ત્યાં ઘૂંટણિયે બેસી એમના બન્ને હાથ પકડ્યા અને કહ્યું, "મા.... અત્યારે જે કાંઈ થયું...." અર્જુન પોતાની વાત પૂરી કરે એ પહેલાં શાંતાદેવીએ પોતાના હાથ પાછા ખેંચી લીધા. અર્જુનની સામું પણ ન જોયું અને ઉભા થઇ કહ્યું, "અર્જુન શેખાવત..... આજે રાત્રે જમવા મળીએ ત્યારે વાત કરીએ." એટલું કહી શાંતાદેવી ત્યાંથી ગુસ્સામાં જતા રહ્યા.

*******

આ બાજુ રૈના ફટાફટ દોડીને ઓડિટોરિયમની બહાર નીકળી રીક્ષા કરી પોતાના ઘર તરફનો રસ્તો બતાવ્યો. દોડવાના લીધે એ ઝડપથી શ્વાસ લઈ રહી હતી. તેના દિલની ધડકન પણ વધી ગઈ હતી. પોતે પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી.

રૈનાએ એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની આંખો બંધ કરી. આંખો બંધ કરતા ફરી એ જ દૃશ્ય એના નેત્રોમાં તરવરી ઉઠ્યું જ્યારે તે અર્જુન શેખાવતની બાંહોમાં હતી.

તેણીએ ફરી નેત્રો ખોલ્યા ત્યાં રિક્ષાચાલકે કહ્યું,"મેડમ.... તમે એ જ છો ને જે અત્યારે લાસ્ટ કન્ટેસ્ટન્ટ હતી. શું ધમાકેદાર ફિલ્મી એન્ટ્રી હતી તમારી. પણ તમારી સાથે પ્રશ્નોત્તરી થાય એ પહેલાં શો નો ટાઈમ પૂરો થઈ ગયો. કાલે પણ આવશે ને ઓડિશન આપવા? હું તમને લેવા આવી જઈશ." તે એકશ્વાસમાં બોલી ગયો.

રૈના આ સાંભળી સ્તબ્ધ બની ગઈ અને પછી અકળાતા બોલી, "હું કોઈ ઓડિશન આપવા નોતી આવી. તમે પ્લીઝ રીક્ષા ચલાવવામાં ધ્યાન આપો." રિક્ષાચાલક વિચારવા લાગ્યો કે ઓડિશન આપવા નોતી ગઈ તો શું બગીચામાં લટાર મારવા નીકળી હતી?

રૈનાને વિચાર આવ્યો કે આ રીક્ષા ચાલકે જોયું એનો મતલબ કે બીજા ઘણાબધા લોકોએ જોયું હશે. તે કોને કોને જવાબ આપશે? મારી સાથે જ કેમ આવું થતું હોય છે ભગવાન. તેણે પોતાના લમણે હાથ દીધો ત્યાં એના ફોનની રિંગ વાગી.

રૈનાએ ફોન પર્સમાંથી કાઢી જોયું તો સાંવરીનું નામ હતું. તેણે ફોન ઉઠાવ્યો. તે કંઈ બોલે તે પહેલાં જ સાંવરીએ પ્રશ્નોનો વરસાદ કરી દીધો.

"રૈના તું ક્યાં છે? તું ઓડિશન આપવા ગઈ હતી કે કામ શોધવા? તું અર્જુન શેખાવતના ખોળામાં કેવી રીતે પડી?..." સાંવરીને વચ્ચે જ અટકાવતા રૈનાએ કહ્યું, "તું અત્યારે જ મારા ઘરે આવ. હું દસ મિનિટમાં ઘરે પહોંચું છું" કહી રૈનાએ ફોન કટ કરી નાખ્યો.

********

ઘરે પહોંચી રૈનાએ બાથરૂમમાં જઈ નળ ચાલુ કરી ફટાફટ ચાર-પાંચ વાર મોં પર પાણીની છાલક મારી ત્યાં જ એને પોતાના અવાજની બૂમ સંભળાઈ.

રૈના બાથરૂમની બહાર નિકળી જોયું તો સાંવરી ઉભી હતી. એની આંખોમાં અનેક પ્રશ્નો હતા.

"એવી રીતે ન જોઇશ મને.... બધી વાત કરું છું" એટલું કહી રૈનાએ ઓડિટોરિયમમાં જે કાંઈ બન્યું તે બધું સાંવરીને જણાવ્યું. સાંવરી આ બધું સાંભળી આશ્ચર્યચકીત થઈ ગઈ.

"ઓહ ગોડ.... યાર આખી દુનિયા તો એવું સમજે છે કે તું ઓડિશન આપવા આવેલી. બધા તને કન્ટેસ્ટન્ટ સમજી બેઠા છે. હવે તું શું કરીશ?" સાંવરીએ પૂછ્યું

"હું ફરી ત્યાં નહિ જાઉં" રૈનાએ ડરતા કહ્યું

*********

ઉદયપુરની ફાઈવસ્ટાર હોટલના એક આલીશાન સ્યુટમાં અર્જુન લેપટોપ પર ઓડિટોરિયમમાં જે કાંઈ બન્યું એનું ફૂટેજ જોઈ રહ્યો હતો.... રૈના તેની ઉપર પડી અને બન્નેનું એકમેકને નિહાળવું, રૈનાનું આમ દોડીને જતા રહેવું એ બધું અર્જુન ફરી ફરીને જોઈ રહ્યો હતો. એના મગજમાં કોઈ વાત ઘડાઈ રહી હતી. એટલામાં એના રૂમનો દરવાજો ખુલ્યો.

"અર્જુન.... એ છોકરી વિશેની બધી જ ઇન્ફોર્મેશન આવી ગઈ છે. નામ રૈના રાઠી, ઉદયપુરની પ્રતાપપોળમાં પોતાના દાદી અને ભાઈ સાથે રહે છે. માતાપિતા વર્ષો પહેલા અકસ્માતમાં મૃત્યુ પામ્યા. ત્યારથી બધી જ જવાબદારી રૈનાના માથે છે. ઓડિટોરિયમમાં તે કામ શોધવા આવી હતી." એટલું બોલી અજય અટકી જાય છે

અર્જુન એની વાતો ધ્યાનથી સાંભળી રહ્યો હતો અને પૂછ્યું "બીજું કાંઈ??"

"અત્યારે એને પૈસાની સખત જરૂર છે. અના દાદીને બ્રેઇન ટ્યુમર છે અને જલ્દીથી દસ લાખ રૂપિયા ભરી એમનું ઓપરેશન ન થયું તો એમનું બચવું મુશ્કેલ છે."

"હમ.... આવતી કાલે રૈના રાઠીને મારી ઓફિસમાં બોલાવો. એને કહેજો અર્જુન શેખાવત એને મળવા માંગે છે. એની માટે એક જોબ છે." અર્જુન સ્મિત સાથે કહે છે.

ક્રમશઃ

(વાચક મિત્રો,શું ચાલી રહ્યું છે અર્જુનના દિમાગમાં મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો.

આ ભાગ કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવજો.)