Shikhar - 9 in Gujarati Classic Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | શિખર - 9

Featured Books
Share

શિખર - 9

પ્રકરણ - ૯

મનુષ્ય ઈચ્છે છે કંઈક અને થાય છે એથી કંઈક અલગ જ. તુલસી, પલ્લવી, નીરવ અને શિખરના જીવનમાં પણ કંઈક આવું જ બનવાનું હતું.

પલ્લવી અને નીરવનો અકસ્માત થતાં જ ગાડી પાણીમાં ખાબકી ત્યારે ત્યાં આજુબાજુમાં કોઈ હાજર નહોતું. રસ્તા પરથી થોડાં ઘણાં વાહનો પસાર થઈ રહ્યા હતા પરંતુ કોઈ મદદ કરવા માટે ઊભું રહેતું નહોતું. નકામો પોલીસ કેસ થાય અને ફસાઈ જવાય તો એવી બીકને લીધે કોઈ આ લપમાં પડવા ઈચ્છતું નહોતું. પલ્લવી તો બિલકુલ બેભાન જ થઈ ગઈ હતી પરંતુ નીરવ હજુ થોડો હોશમાં હતો એટલે એણે ગાડીના દરવાજામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો. મહામહેનતે એ ગાડીમાંથી બહાર નીકળી શક્યો. એ પછી એણે પલ્લવીને પણ બહાર કાઢવાની કોશિશ કરી. પલ્લવીની આવી હાલત જોઈને એ ખૂબ જ ઢીલો પડી ગયો હતો. પરંતુ ધીમે ધીમે એણે પલ્લવીને પણ બહાર કાઢી લીધી અને એમાં એ સફળ પણ રહ્યો પરંતુ હવે એથી વધુ કશું જ કરવાની એની ત્રેવડ નહોતી. એટલે એ બંને ત્યાં જ પડ્યા રહ્યાં. પરંતુ ત્યાં જ રસ્તામાંથી કોઈ એક માણસ પસાર થઈ રહ્યો હતો એ તરત જ એમની મદદે આવ્યો.
એ માણસે નીરવને પૂછ્યું, "શું થયું હતું? આ અક્સ્માત કઈ રીતે થયો અને તમે બંને અહીં કઈ રીતે ખાબકયા?" એટલે નીરવે એ માણસને પોતાના અને પલ્લવીના ટ્રક ડ્રાઈવર સાથે થયેલાં અક્સ્માત વિશેની બધી જ વાત કરી અને પછી એણે મદદ માટે પૂછયું એટલે પેલાં માણસે કહ્યું, "તમે લોકો ચિંતા ન કરો. મારું નામ ડૉ. અંગદ છે અને હું એક ઓર્થોપેડીક ડૉક્ટર જ છું અને અહીં નજીકમાં જ મારી હોસ્પિટલ છે ત્યાં હું તમને લઈ જઈ શકું છું. પરંતુ તમારા બંનેની ખરી પરિસ્થિતિનો ખ્યાલ તો હોસ્પિટલ ગયા પછી જ આવશે."

"થેન્ક્યુ ડોક્ટર! તમે પ્લીઝ અમને તમારી હોસ્પિટલે લઈ જાવ અને પૈસાની બિલકુલ ચિંતા કરશો નહીં. જે કંઈ પણ ખર્ચ થાય એ હું જ ચૂકવીશ."

"અરે! એક ડૉક્ટર તરીકે મારે મુશ્કેલીમાં ફસાયેલા દર્દીની સેવા કરવી જોઈએ. આ તો મારી ફરજ બને છે."

"ડોકટર! આપનો આ ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. પણ હજુ બીજી પણ એક મદદ કરશો?"

"શું?"

"મારાં ઘરે મારો નાનકડો દીકરો શિખર પણ એકલો જ છે. એમને પણ અમે આયા બહેન જોડે મૂકીને આવ્યા છીએ. એ બહેન પણ બિચારા અમારી ચિંતા કરતા હશે અને અમારા ફોન પણ પાણીમાં પડી ગયા હોવાથી ચાલી નથી રહ્યા તો પ્લીઝ તમે મને એક ફોન કરવા માટે આપનો ફોન આપી શકશો?"

"હા હા બિલકુલ. કેમ નહીં! આ લો તમારે જેમની જોડે વાતો કરવી હોય એમની જોડે વાત કરી લો."

આટલું કહીને ડૉક્ટરે નીરવને ફોન આપ્યો એટલે નીરવે સૌથી પહેલાં તો શીલાને ફોન કર્યો અને પોતાના અકસ્માત વિશે જાણ કરી અને એને કહ્યું કે, તું શિખરને લઈને હોસ્પિટલ આવી જા અને હું મારી મમ્મીને પણ કહી દઉં છું તો એમને પણ સાથે જ લેતી આવજે.

શીલા જોડે વાત કર્યા પછી નીરવે તુલસીને પણ ફોન કર્યો અને એને પણ બધી હકીકત જણાવી. અકસ્માતની વાત સાંભળીને તુલસી ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ એટલે નીરવે એને શાંત પાડીને કહ્યું કે, "મમ્મી! તું બહુ ટેન્શન ના લે. અમે લોકો સારા છીએ અને અહીં અમારી સાથે એક ડૉક્ટર પણ અમને મદદ માટે મળી ગયા છે તો તેઓ અમને હોસ્પિટલ લઈ જશે. હું તને એ હોસ્પિટલનું એડ્રેસ મોકલું છું તો ત્યાં જ તું અને શીલા શિખરને લઈને આવી જાવ. મેં શીલા જોડે પણ વાત કરી લીધી છે."

"ઠીક છે દીકરા! હું જલ્દીથી શીલા અને શિખરને લઈને ત્યાં આવી જાવ છું."

આ બધી જ વાતચીત દરમિયાન પલ્લવી હજુ પણ બેભાન જ હતી.

નીરવે ડૉક્ટર જોડે વાતચીત કરી લીધી એટલે પછી તેઓ નીરવ અને પલ્લવીને પોતાની ગાડીમાં બેસાડીને પોતાની હોસ્પિટલ લઈ ગયા ત્યાં તેઓ બંનેને તપાસી રહ્યાં હતાં ત્યાં જ તુલસી અને શીલા પણ શિખરને લઈને આવી પહોંચ્યા.

ડોક્ટરે બંનેને તપાસ્યા પછી કહ્યું કે, નીરવને તો હાથમાં ફેક્ચર છે એટલે પ્લાસ્ટરથી સારું થઈ જશે પરંતુ પલ્લવીને થોડું વધુ વાગ્યું છે અને એ હજુ ભાનમાં પણ આવી નથી પરંતુ એ ભાનમાં આવશે એટલે એનું ઓપરેશન કરવું પડશે. ઓપરેશન બહુ ચિંતા કરવા જેવું નથી. સામાન્ય જ છે પરંતુ ઓપરેશન પછી એણે લગભગ ચારથી પાંચ મહિના જેટલો આરામ જ કરવો પડશે એટલે તમારે લોકોને એને ખૂબ જ સાચવવી પડશે.

"હા, હા એ તો અમે સાચવી લઈશું ડોક્ટર સાહેબ. આજથી એની બધી જ જવાબદારી મારી." તુલસીએ તરત જ કહ્યું.

ડોક્ટર અને તુલસી બંને વચ્ચે આ વાતચીત થઈ રહી હતી એ જ દરમિયાન પલ્લવી પણ ભાનમાં આવી ગઈ એટલે ડૉક્ટરે એને પણ હકીકતથી વાકેફ કરી. અને પલ્લવી પણ ઓપરેશન માટે હવે તૈયાર થઈ ગઈ.

પલ્લવીનું ઓપરેશન કરવામાં આવ્યું અને એ સફળતાપૂર્વક પાર પણ પડ્યું પરંતુ હવે પાંચ છ મહિના સુધી એણે માત્ર અને માત્ર આરામ જ કરવાનો હતો. ચાલવાની તો એને બિલકુલ મનાઈ જ હતી.

પલ્લવી તુલસીના ઘરે રહેવા રાજી તો નહોતી પરંતુ હવે એ કશું કરી શકે એમ પણ નહોતી એટલે નીરવ અને પલ્લવી બંનેને ફરીથી તુલસીના એ જ ઘરમાં રહેવા માટે જવું પડ્યું કે જ્યાંથી એ છ મહિના પહેલાં જ હજુ તો પોતાની નવી દુનિયા વસાવવા માટે નીકળી પડ્યા હતા. વિધિના લેખને આજ સુધી ક્યાં કોઈ જાણી જ શક્યું છે? પલ્લવી અને તુલસી પણ પોતાના ભાગ્યથી અજાણ જ તો હતાં!

(ક્રમશ:)