Barbrakjishnu - Jaisingh Siddhraj - 11 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 11

Featured Books
Categories
Share

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 11

૧૧

જગદેવ પોતાની વાત કહે છે

જગદેવ તરફ જયસિંહદેવે એક દ્રષ્ટિ કરી. એનામાં રહેલી અદભુત વીરતાની વાત ત્રિભુવનપાલે એને કરી હતી. એને જોતાં જ એ એને સાચી લાગી. મીનલદેવીએ એની ઊંચા પ્રકારની રાજપૂતીનો ખ્યાલ મેળવી લીધો. અત્યારે જ્યારે બર્બરક જેવાની વાત માથા ઉપર ગાજી રહી હતી, ત્યારે એના જેવા માણસની જ જરૂર હતી. પણ એ પરમાર હતો. ને કોઈ પ્રકારનો વિશ્વાસઘાત થઇ ન જાય એ પણ જોવાનું હતું. તેણે ત્રિભુવન તરફ જોઇને પૂછ્યું: ‘ત્રિભુવન! પરમારજી ક્યાંના? અવંતીના? નીકળ્યા છે કોઈ મનદુઃખથી કે કોઈ કારણથી? આમ ક્યાં સોમનાથ જાય છે?’

જગદેવે હાથ જોડ્યા: ‘માતાજી! હું તો બાર જ્યોતિર્લીંગધામનો જાત્રાળુ છું. મનદુઃખથી કે કોઈ કારણથી નીકળ્યો નથી!’

‘તમે અવંતીના, કાં?’

‘એક રીતે ગણો તો અવંતીનો; એક રીતે ગણો તો અવંતીનો નહિ – ક્યાંયનો નહિ!’’

‘એમ કેમ બોલ્યા?’ જયદેવે પૂછ્યું, ‘તમે શું પરમાર નથી?’

‘મહારાજ! છું તો પરમાર. અવંતીનો જ છું. પણ આમ બાર જ્યોતિર્લીંગની જાત્રાએ નીકળ્યો છું ને જાત્રા કરતો આવું છું. આમ મલ્લિકાર્જુન, ભીમાશંકર, ત્ર્યંબક, વૈદ્યનાથ બધે જઈ આવ્યો. સોમનાથ ને કેદારેશ બે રહ્યાં છે. એ બે થઇ જાય એટલે પછી હિમાચળ – હિમાળો! હવે હું તો જાત્રાળુ ઠર્યો એટલે હું ક્યાં કોઈનો રહ્યો? અવંતીનો ગણો તો ગણાય, ન ગણો તો ન ગણાય. –’ જગદેવ બોલ્યો. એની વાણી સ્પષ્ટ હતી. મુખમુદ્રા સ્વચ્છ હતી. એની વાત કરવાની ઢબમાં રહેલો સ્વચ્છતાનો રણકો જયદેવના કાનમાં રમી રહ્યો.

‘હિમાચળ – હિમાળો! શું ત્યાં જવું છે?’

‘નીકળ્યો તો છું! ભગવાન સોમનાથે ધાર્યું હશે તો એ પણ થાશે. રજપૂત માત્રનું છેલ્લું સ્વપ્ન તો, મહારાજ હિમાચળ જ છે નાં? ધર્મરાજના વખતથી ચાલ્યું આવે છે!’

‘સોમનાથ જવાના છો ત્યારે તો અમારી સાથે જ જાત્રામાં આવજો. હું જાવાની છું – થોડા વખત પછી – આ બર્બરક પ્રત્યે. તમને ત્રિભુવને વાત તો કરી હશે નાં? મીનલે કહ્યું.

‘દંડનાયકજી ત્યાં ભૃગુકચ્છમાં મળ્યા હતાં. એમણે કહ્યું કે આમ નીકળ્યા છો ત્યારે સિદ્ધપુરનો પણ ફેરો લ્યો. પાટણનગરી પણ જોવાશે. આ બર્બરકનું પણ સાંભળ્યું હતું. મારી ઉપાસના જ એવી કે સાંભળ્યું એટલે થોભવું તો રહ્યું જ.’

‘જોઈ નગરી? કેવીક લાગી? દુર્લભસરોવર જોયું?’

‘નગરી તો જોયા પછી લાગ્યું કે જો ન આવ્યો હોત તો જીવનનો એક અમૂલખ અવસર રહી જાત. અદભુત છે – ને મહારાજ હજી વધુ અદભુત સરજી રહ્યા છે.’

‘તો પછી હમણાં આંહીં રહી જાઓ. મહારાજ આમંત્રણ આપે છે.’ ત્રિભુવનપાલ બોલ્યો.

‘હું તો રજપૂત છું. રજપૂતી ધર્મને વર્યો છું. ભગવાન સોમનાથનો જાત્રાળુ પણ છું. સોમનાથની આજ્ઞા ને આંહીંનાં અન્નજળ – રજપૂતી જીવનવ્રત જળવાય તો બે ઘડી આંહીં ગાળવાની છે તે ગાળી લઈએ. મને જાત્રાળુને તો વડની છાયા જાણે મળી ગઈ.

જયદેવ સાંભળી રહ્યો. એની ઉપાસનાની વાત એના મનમાં રમી રહી હતી. એણે જે ઉપાસનાથી મેળવ્યું છે તે શી રીતે મેળવ્યું હશે, એ જાણવાની ઉત્સુકતા એના ચહેરા ઉપર સ્પષ્ટ હતી. જે સાધના એણે કરી, એ બીજો કોઈ ન કરી શકે, એમ? પોતે ન કરી શકે? – એવી ઉત્કૃષ્ટ ઈચ્છા ત્યાં જન્મ લેતી હતી. મીનલદેવીના અંતરમાં એક પ્રકારનો છાનો આનંદ ફેલાઈ ગયો અને ભયસંચાર પણ થયો. તેણે વાતને જરા વધારે આગળ ખેંચવાની જરૂરિયાત જોઈ: ‘તમે જાત્રા તો ઘણી કરી છે. મલ્લિકાર્જુન સુધી જઈ આવ્યા કાં?’ રાજમાતા જાત્રામાં રસ લઇ રહ્યાં છે એ દ્રષ્ટિએ જ સૌ શાંત બનીને સાંભળી રહ્યા હતા. મુંજાલને એમાં જાત્રારસ કરતાં કાંઇક વિશેષ લાગ્યું. તે શબ્દને મનમાં તોળી રહ્યો.

‘ત્યારે તો મહારાજ વિક્રમાંકદેવનું કલ્યાણ જોયું હશે?’

‘હા મહાદેવી! કલ્યાણ જોયું છે. એમનું બીજું નગર વિજયપુર પણ જોયું છે. કાંચીપુરમ જનનાથનગરી, વિક્રમપુર –’

‘ગોપકપટ્ટન? એ જોયું?’

‘ગોપકપટ્ટનથી તો હું સીધો ચાલ્યો આવું છું. મહારાજ વિક્રમાંકદેવ જેવાનો યશ:સ્તભ્ભ તો ગોપકપટ્ટન છે. નગર તો સુંદર છે જ, પણ મહાસામંતરાજ અદભુત છે!’

‘ત્યારે તો વિષ્ણુવર્ધનના દ્વારસમુદ્રને પણ સાંભળ્યું હશે? સાંભળ્યું છે કે ત્યાં ત્રિલોકમાં ન હોય એવાં મંદિર બેઠાં થાય છે, એ સાચું? એક સ્તંભ જુઓ ને બીજો ભૂલો એવી સ્તંભાવલિઓ પ્રકટે છે એ સાચું? તમે જોયું કાંઈ?’

જગદેવ દ્વારસમુદ્રના નામે જરાક અચકાયો. એને શંકા પડી: રાજમાતા એને ઊંડા પાણીમાં ઉતારે છે કે શું? પણ તરત એને સાંભર્યું: મહારાણી પોતે જ ગોપકપટ્ટનનાં છે. દ્વારસમુદ્રની વાત સહજ કરી રહ્યાં લાગે છે. તે તરત સ્વસ્થ થઇ ગયો.

‘ઓહોહો! માતાજી! દ્વારસમુદ્રનાં બે મંદિરોમાં એકએક સ્તંભ ઉપર શિલ્પીઓએ જે આભરણ મૂક્યાં છે – સ્વર્ગની અપ્સરાઓએ જુએ, તો પછી સ્વર્ગમાં જાવાનું મન ન કરે! એની દર્પણકન્યાઓ, નૃત્યાંગનાઓ, ધનુષધારિણીઓ – એક જગ્યાએ કર્ણપુષ્પ છે! શી વાત કરું!’

‘કર્ણપુષ્પ?’ જયસિંહે પૂછ્યું. એને વાતમાં નવીન રસ પડ્યો.

‘હા પ્રભુ! એક નારીનાં કાનમાં એક કુંડલ પહેરાવ્યું છે – પણ દેશવિદેશના શિલ્પીઓ આવે છે, જુએ છે ને મોંમાં આંગળાં નાખી જાય છે. આ કુંડલ સરજનારે એને સર્જ્યું શી રીતે? પહેલી નારીને સરજીને પછી કુંડલ સર્જ્યું કે કુંડલ સરજીને પછી નારી સરજી? એ સર્જ્યું શી રીતે?’

‘કેમ સર્જ્યું શી રીતે?’ જયસિંહે પૃચ્છા કરી.

‘પાતળી રેખા જેવું, ફરી શકે તેવું, ગોલ કુંડળ નારીનાં કાનમાં સરજતાં – શિલ્પીએ પોતાનાં ટાંકણાં, આંગળી અને મન એ ત્રણ વચ્ચે જે એકાકારવૃત્તિની સાધના કરી હશે – એનું મનમાં પણ સ્મરણ થાય છે ને શિલ્પીને મસ્તક નમી પડે છે. મંત્રસાધના વિના મંદિર સરજાય નહિ દ્વારસમુદ્ર એ તો દ્વારસમુદ્ર – અદભુત છે!’

‘મા! આ તમે સાંભળ્યું?’ જયદેવ બોલ્યો, ‘લક્ષ્મીધર પણ...’

જયસિંહ આગળની વાત ગળી ગયો. લક્ષ્મીધર માલવનો શિલ્પી હતો. થોડી વાર પછી તેણે કહ્યું: એનો અવાજ અધીર હતો: ‘અને આપણને આંહીં ગુજરાતમાં કોઈ મળતું નથી? ગુજરાતમાં શું કોઈ શિલ્પી પણ નથી?’

‘એય થશે, જયદેવ! વિમળ જેવાએ પથ્થરમાં મહાકાવ્યો આંહીં જ કર્યા છે ને? દાદીમાની વાવ જ જો ને! શિલ્પી પણ એને સમયે આવી પહોંચશે – પરમાર જગદેવજી બોલ્યા એ તે સાંભળ્યું નહિ? આંગળી ટાંકણુ ને મન ત્રણે એકાકાર થયાં હશે! એ શિલ્પી કાંઈ રેઢા પડ્યા છે? આવશે, એય આવશે! વિમળ મંત્રીએ તો સોનાની રજ વેરી’તી.’

‘આપણે, મહેતા! ગામડે-ગામડે કહેવરાવો કે રુદ્રમહાલયનું પુનરરચિત મંદિર... સર્જન કરવું છે. એ જે શિલ્પી કરે... આપણે રત્નની રજ વેરીશું!’

‘મહારાજ! આ ઠીક સાંભર્યું. શિલ્પી તો આપણે આંગણે જ છે...’ મુંજાલે વાતને સ્થિર કરવાની તક પકડી લીધી. શબ્દમાં કાંઇક ઊંડો અર્થ હતો. એમ્દ્મ એ પકડાયો નહિ. સૌ એની સામે જોઈ રહ્યા.

‘કોણ? કોણ છે?’ જયસિંહે પૂછ્યું.

‘શિલ્પી તો બેઠો છે આંહીં – પાટણમાં જ છે, પ્રભુ!’

‘પાટણમાં જ છે? તો-તો એને બોલાવો. કોણ છે, મુંજાલ?’ જયદેવ ઉત્સાહમાં અવી ગયો હતો.

‘પણ, પ્રભુ! હમણાં સિદ્ધપુર તરફ પગ માંડવાની પણ એનામાં હામ નથી...!’ મુંજાલે બે હાથ જોડ્યા.

‘કેમ?’ જયદેવે પ્રશ્ન તો કર્યો, પણ પ્રશ્ન કરતાંની સાથે જ એની અયોગ્યતા પણ એ કળી ગયો. પોતાની ઉતાવળ એ કળી ગયો. મુંજાલે હવે પ્રત્યુત્તર ન આપવામાં પ્રત્યુત્તર જોયો. તે સહેજ માથું નમાવીને  હતો તેમ શાંત બેઠો રહ્યો. એની એ કુશળતા જયદેવને ગમી લાગી. સાંતૂ કાંઇક અસ્વસ્થ જણાયો. જયદેવને મુંજાલની રીત આકર્ષક લાગી હતી. મીનલદેવીએ તરત કુશળતાથી વાતને મૂળ સ્વરૂપ તરફ આણી. ‘ત્યારે, મહેતા! આપણે જગદેવજીને બોલાવ્યા છે એટલા માટે. એમના જેવા પરમારવંશી આટલે આવ્યા – ઉપાસનાસિદ્ધિ એમને તો ભૂમિમાંથી મળેલી છે. એમની તો ચોસઠ જોગણીની ભૂમિ. તો આપણે બર્બરકના પ્રશ્નનો ઉકેલ મેળવી લઈએ. તમે પરમારવંશી કે પરમારના કુટુંબી, જગદેવજી?’

‘હું પરમારવંશી!’

‘રાજકુટુંબના નિકટના સંબંધી પણ હશો?’

‘ના, મહાદેવી! નિકટનો સંબંધી તો નહિ, પણ એક રીતે પરમારમાત્ર મહારાજ અવંતીનાથના નિકટના સંબંધી, એટલે નિકટનોસંબંધી નથી એમ પણ કેમ કહું? એટલે તો મેં એક જીવનવ્રત સ્વીકાર્યું છે!’        

‘હા, એ શું એ કહો ને!’ ત્રિભુવને કહ્યું કે, ‘એમનું જીવનવ્રત એ નથી લોપતા. તમારું વ્રત જાણ્યું હોય તો એનું ગૌરવ જળવાય.’

‘મહાદેવી!’ જગદેવે શાંતિથી કહ્યું: ‘હું રહ્યો પરમારવંશી; ગમે તેમ પણ પરમારમાત્ર મારા કુટુંબી. આતતાયી ન હોય, એવા કોઈ પરમાર સામે હું કદાપિ પણ શસ્ત્ર ન ઉગામું... ગમે ત્યાં હોઉં ને ગમે તે સ્થિતિમાં હોઉં, મારું આ અચલ જીવનવ્રત તો હું પાળું જ. મારું આ પહેલું જીવનવ્રત!’

‘તમારું આ જીવનવ્રત મહારાજ પાળશે. કેમ, જયદેવ?’ જયદેવે ડોકું ધુણાવ્યું. તેણે તો આ માણસની ઉપાસનાસિદ્દ્ધી વિષેની લગની હવે લાગી હતી. એણે એ મેળવી શી રીતે?

‘પરમાર પરમાર સામે શસ્ત્ર ઉગામે, એ તો અમે પણ નથી ઈચ્છતા. અમે પણ રજપૂતીને ઓળખીએ છીએ.’ ત્રિભુવન બોલ્યો. ‘હવે તમારું બીજું જીવનવ્રત શું છે એ કહો, એટલે મહારાજ તમને અધિકાર સોંપે. તમારે માટે તો આ જાત્રાનો વિસામો છે. રાજમાતા સોમનાથ જવાનાં છે ત્યારે સાથે જાત્રા તો થવાની જ છે. તમારી ઉપાસનાને કસોટીનો રંગ મળી જાય એટલો તમને લાભ ગણો તો લાભ ને ધર્મ ગણો તો ધર્મ!’

‘બીજું વ્રત તો આટલું જ છે, પ્રભુ! હું હવે દેશ, ગ્રામ કે વિજય એવા હેતુ માટે જુદ્ધ કરતો નથી!’

ત્રિભુવન સાંભળીને સડક થઇ ગયો. જગદેવે અત્યાર સુધી પોતાની મશ્કરી કરી કે શું? તે જરાક વ્યગ્ર બની ગયો. સૌને આશ્ચર્ય થયું. સાંતૂને તક આવતી લાગી. તેણે એક શંકાભરેલી દ્રષ્ટિએ જગદેવ તરફ જોયું: ‘જગદેવજી! ત્યારે અમે તો તમને રણરંગી પુરુષ ધારીને બોલાવ્યા છે. જુદ્ધ તો અમારે ત્યાં અનેક કારણે નિત્યનાં થયાં.’

‘જગદેવજી!’ ત્રિભુવને એની વાત સમજવાનો પ્રયત્ન કર્યો, ‘તમે જાત્રાપંથે છો, એટલે કદાચ જુદ્ધ નહિ કરતા હો. પણ તો પછી અમારે તો આ બર્બરકયુદ્ધ જ આવી રહ્યું છે. મહારાજ પોતે સેના લઈને ચડવાના છે, એનું શું?’

‘હું કહું પ્રભુ! આ બર્બરકનું જોર છે – મેલી સાધના વિના આટલું જોર ન હોય!’

‘મેલી સાધના હોય કે ગમે તે હોય, યુદ્ધ આપવું છે ત્યાં વળી મેલી સાધનાની વાત શી? મેલી સાધનાને જુદ્ધમાં શું?’ જગદેવે સાંતૂની આશંકાની સહેજ મોં મલકાવીને ઉપેક્ષા કરી. એ કાંઈ બોલ્યો નહિ. પણ જયદેવને વાતમાં રસ પડ્યો હતો. તે જરાક આગળ આવ્યો.

‘કેમ બોલ્યા નહિ, પરમાર?’ ત્રિભુવને પૂછ્યું.

‘પ્રભુ! મહામંત્રી મહાઅનુભવી છે. હું તો એમની પાસે બાળક ગણાઉં. આ પ્રશ્નની ચર્ચા ન હોય. અમારે પણ આસપાસ કુંડાળું દોરીને એ રેખામાં રમવાનું હોય છે, મહારાજ!’

‘તો ભલે, એ પ્રશ્ન એમ ને એમ રહ્યો. પણ તમારા જેવા રણજંગી પુરુષ આંહીં અમારે આંગણે હોય – ને અમારે તો તમારા જેવા રણજંગી પુરુષનો ખપ પણ છે – ને જુદ્ધ થવાનું છે, તેનું શું? એ જુદ્ધ તો તમે  જ દોરો, દોરો? એ દોરી જ તમારા હાથમાં સોંપી દે!’

‘મહાઅમાત્યજી! હું તો આંહીંથી નીકળ્યો, મહારાજની પ્રીતિ દીઠી, દંડનાયકજીનો આગ્રહ જોયો, એટલે બે ઘડી આ છાયા દેખીને રહી જવાનું મન થયું. એમ ને એમ ચાલ્યો જાઉં, તો તો મારી ઉપાસના પણ લાજે. આંહીંની વાત જાણી – બર્બરક વિષે જાણ્યું – હવે તો મારે એનો તાગ લેવાનો રહ્યો. આંહીંથી હું એમ ખસી શકું નહિ. ખસું તો મારી ઉપાસનાને કલંક લાગે!’

‘થયું ત્યારે –’

‘પણ પ્રભુ! જુદ્ધ તો હું કરતો નથી. હું તો ક્ષત્રિય છું. મેં ક્ષત્રિયનું અસલી વ્રત ધાર્યું છે. એટલો રજપૂતી સ્વાંગ હવે જીવનમાં નભી જાય એટલે બસ. હું મહારાજના પાટણનો ચોવીસે ઘડીનો પ્રતિહાર. મહારાજને સારુ મારું માથું મૂકું એ મારી પ્રતિજ્ઞા. મહારાજ તો રાજા છે – એ ભલે જુદ્ધે ચડે. જુદ્ધ એમને શોભે, હું તો રજપૂત. વિપત્તિમાં વહારે ચડવાનો અને રક્ષણ કરવાનો એ મારો અસલી રજપૂતી ધર્મ. પણ સેન લીધું છે ને ગામગરાસ માટે હું જુદ્ધે ચડું છું ને સેંકડો યોદ્ધાઓ રણમાં પડે છે ને – એ બધું હવે મને ન શોભે. હા, આ મારી તલવાર – એનો હજી હું જીવનસાથી રહ્યો છું. એટલે એ હાથમાં હોય ત્યાં સુધી જ્યાંજ્યાં વિપત્તિ નિહાળું ત્યાંત્યાં હું ખડે પગે ઊભો રહું. હિસાબ માંડવા ન થોભું જ્યાં-જ્યાં રક્ષણનો પ્રશ્ન હોય ત્યાંત્યાં ઊભો રહું. મહારાજનો વાળ વાંકો થાય તો માથું મારું ડૂલ કરું. એટલે મેં કહ્યું કે હું યુદ્ધ કરતો નથી!’

‘પણ બર્બરક સામે મહારાજ તો જુદ્ધે ચડવાના છે એનું શું?’ ત્રિભુવન બોલ્યો. ‘એ તો મહારાજનો નિશ્ચય છે.’

‘મહારાજ તો રાજા છે, પ્રભુ! એમને જુદ્ધ શોભે. હું મારો રજપૂતી કોલ આપું. આ જુદ્ધમાં જો મહારાજનો વાળ વાંકો થાય અને જગદેવ માથું ડૂલ ન કરે, તો એની રજપૂતીમાં ધૂળ પડે. હું તો રજપૂતીને વર્યો છું, તમે કહો છો તેવા યુદ્ધને વર્યો નથી. મારો આ રજપૂતીનો કોલ, પ્રભુ! મહારાજ મારું જીવનવ્રત જાળવે, હું આ કોલ જાળવું! મારે તો, બે ઘડી પંથમાં વિસામો થઇ જાય!’

‘જગદેવજી!’ જયદેવે આશ્ચર્યથી પૂછ્યું: ‘તમે કોઈ મંત્ર સાધ્યો છે?’

‘પ્રભુ! મંત્ર તો શું...?’ પણ સાધનાનો કોઈ અચલ નિયમ છે – સાધનાનો અર્થ જ અતિશય ગુપ્તતા. નહિતર એ સાધના ન રહે!’

જયદેવ સમજ્યો. પણ એની નજર સમક્ષ કોઈક અચિંત્ય શક્તિ – સાધનાનું સ્વપ્ન રમી ગયું. તે બે પળ સામેની ભીંત તરફ જોઈ રહ્યો. પછી દિવાસ્વપ્નમાંથી જાગતો હોય તેમ મનમાં બોલ્યો: ‘કાંઈ પણ અસાધ્ય નથી –’ ‘જગદેવજી!’ તેણે મોટેથી કહ્યું,’તમે જે સાધ્યું છે, તે બીજા ન સાધી શકે?’

‘એવું કાંઈ નથી, પ્રભુ!’

‘થયું ત્યારે, ત્રિભુવન!’ મીનલે સમજીને વાત ટૂંકાવી નાખી, ‘આપણને એમનો રજપૂતી કોલ મળ્યો તે બસ છે. જગદેવજી! તમે મહારાજ પાસે હમણાં રાજમહાલયમાં રહો. કનસડા દરવાજા પાસેની રાજગઢી – ત્રિભુવન! એમનો ઉતારો ત્યાં જ રાખો. કેશવને બોલાવો. સાથે જઈને બધો બંદોબસ્ત કરી આપે!’

કેશવ આવ્યો. બે ઘડી પછી જગદેવે રજા લીધી.

જગદેવ ગયો એટલે તરત સાંતૂએ બર્બરકનો પ્રશ્ન મૂક્યો.