Barbrakjishnu - Jaisingh Siddhraj - 33 books and stories free download online pdf in Gujarati

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 33

૩૩

જગદેવે શું કહ્યું?

મુંજાલ ઝાંઝણના શબ્દ ઉપર વિચાર કરી રહ્યો.

પાટણમા અમાત્ય-મહાઅમાત્યની જે પરંપરા ચાલતી આવતી હતી તે અદ્રશ્ય થશે કે શું – એ ભય આજે એને વધારે સ્પર્શી ગયો. એણે લાગ્યું કે મહારાજે આવા કાલ્પનિક કારણે રાજનીતિની રેખા લોપી એમાં એક ભયંકર ભૂલ થઇ છે. ખેંગારને એનાથી છૂટું દોરડું મળ્યું એ પણ ઠીક – જે રાજનીતિની રેખાને આટલાં ગાંભીર્યથી એણે ખેંગાર પાસે થોડા દિવસ ઉપર જ રજૂ કરી હતી – અરે, જે ગંભીરતાનો ખેંગાર જેવા પાસે એણે સ્વીકાર કરાવ્યો હતો તે ગાંભીર્યનો આજે મહારાજને હાથે ઉપહાસ થયો હતો – અને તે પણ એક વખત એમણે પોતાની નીતિ સ્પષ્ટ કર્યા પછી, એ વસ્તુ તો દેશવિદેશમા પાટણના સચિવમંડળને ઉપહાસપાત્ર બનાવે. એણે મહારાજને અત્યારે જ મળવાનો નિશ્ચય કર્યો. ‘ઝાંઝણ! મહારાજ ક્યારે જવાનાં હશે – ખબર?’

‘કૃપાણના કહેવા પ્રમાણે કનકચૂડને મદદ દેવા માટે જાય છે અને પછી ત્યાંથી પાછા ફરતાં બર્બરકને મળશે.’

‘જગદેવ પરમારને આ ખબર છે?’

‘ખબર તો લાગે છે.’

‘આ સંબંધે એ કાંઈ હિલચાલ કરે છે? દંડનાયકજી આ જાણે છે?’

‘ના, બીજું કોઈ જાણતું નથી. મહારાજે તો કનકચૂડની જ વાત ચલાવી છે. પરમાર જાણે છે, પણ એના મોં ઉપર મૌન વસે છે. એ કાંઈ કહી ન શકે – એની એ મર્યાદા છે!’

‘ત્યારે તું પૃથ્વીભટ્ટને કહી આવ – કેશવ નાયકને પણ એ કહી દે. આપણે આજે તૈયાર તો રહેવાનું છે. ને પછી ત્યાં આવ. હું મહારાજ પાસે જાઉં છું.’

‘અત્યારે?’

‘હા... હમણાં જ... મહારાજ જાય તે પહેલાં મારે મળી લેવું છું. તું ત્યાં જ આવજે.’

થોડી વાર પછી મુંજાલ મહારાજ પાસે જવા માટે પાલખીમાં બેઠો.

આ તરફ કેશવ તો મુંજાલ પાસેથી સીધો મદનપાલની હવેલીએ ગયો હતો. જેમ બને તેમ ત્વરાથી નિર્ણિત સ્થાનોમાં ઘૂમી લઈને એ જગદેવ પાસે જવા માગતો હતો. એક મહાન મનોમંથન એના દિલમાં પ્રગટ્યું હતું. મહારાજ સિદ્ધરાજને એણે ચેતવવા જોઈએ – એના મનમાં એ જ વિચાર કેન્દ્રસ્થાને હતો. પણ એમ લાગે કે એવી ચેતવણી વ્યર્થ જવાની છે, તો પોતાની અંગત જવાબદારી ઉપર પણ એણે મહારાજને સર્વનાશને પંથેથી પાછા વાળવા જ જોઈએ, એમ કરતાં એ પોતાનું પદ ગુમાવે તો પણ વાંધો નહિ. એ મનમાં ને મનમાં પોતાનો વિચાર ચલાવતો રહ્યો. ખેંગાર કદાચ હમણાં શાંત રહેશે એ અનુમાન કરીને મહારાજે એને ખાસ આજ્ઞા આપી ન હતી, પણ તૈયાર રહેવાનો મુંજાલનો સ્પષ્ટ સંદેશો પૃથ્વીભટ્ટે તો એને આપ્યો હતો. એને પણ લાગ્યું તો હતું જ કે ખેંગાર શાંત નથી રહેવાનો. એક જ વસ્તુ એને કદાચ હમણાં શાંત રાખનારી નીકળે: દેવડી. દેવડી માટે થઈને એ પોતાનો પાટણનો નિવાસ લંબાવે એ શક્ય હતું. એ નિવાસ લંબાવવાના હેતુથી એ હમણાં તદ્દન શાંત રહેવા મથે એ બનાવજોગ હતું. મહારાજના અનોખા પ્રકારના વર્તને એમને સૌને મૂંઝવણમા નાખી દીધા એટલે એણે જ્યારે મદનપાલની હવેલી પાસે હંમેશના જેવો જ તાલ જોયો – ગપાટા મારતો રા’નો ડાયરો બેઠેલો દીઠો ને હુક્કા ફરતા જોયા – ત્યારે એણે માની લીધું કે આ પડ તો સાચે જ શાંત છે. પણ એને એની પ્રતિષ્ઠાની પડી હતી. એના મનમાં બેત્રણ વિચારો ઝડપથી આવી ગયા: ‘રા’ કરીકરીને શું કરે? શું કરી શકે? એની પાસે આંહીં સૈન્ય તો હતું નહિ. આસપાસ ક્યાય હોવાનો સંભવ ન હતો. એટલે રા’ વધારે શું કરી શકે? એના કરતાં તો માલવાનો ભય ઊભો થતો હતો તે ખરો હતો. એના અનેક મદ્યવિક્રેતાઓને કેશવે ઓળખી લીધા હતા. એની દ્રષ્ટિ એમના ઉપર હતી. પણ રા’ એમનો જ ઉપયોગ કરી જાશે એ એની દ્રષ્ટિ બહાર રહી ગયું. એણે રા’ વિષે અનુમાનો કર્યા. રા’ પાસે અત્યંત નામી સાંઢણી હતી એ ખરું, એ એનું સામર્થ્ય હતું. પણ બહુબહુ તો એ ભાગી જાય – દેવડીને લઈને ભાગી જાય... કેશવને અચાનક વિચાર આવ્યો ને એ સ્તબ્ધ થઇ ગયો.

દેવડીને રા’ પાટણમાંથી લઇ જાય એમ? પાટણના કિલ્લામાંથી? તો-તો એની પોતાની પ્રતિષ્ઠા... પણ બીજી જ ક્ષણે એની પોતાની પ્રતિષ્ઠાનો વિચાર એણે મનમાંથી કાઢી નાખ્યો. પાટણ બચી જાય એ વસ્તુ એની પ્રતિષ્ઠા કરતાં વધારે મહત્વની હતી. દેવડીને રા’ લઇ જાય એ ઇષ્ટાપત્તિ ન હતી? એ સર્વનાશના બીજને જૂનોગઢના આંગણે લઇ જાય એમ તો એ પોતે જ ઈચ્છી રહ્યો ન હતો? એ જૂનોગઢ જતી હોય તો ભલે જાય! રા’ એણે ભલે લઇ જાય. પણ મુંજાલ મહેતાની આજ્ઞા હતી – તૈયાર રહેવાની – તેનું શું? તૈયાર રહેવું અને પછી જેવો સમો, એ પ્રમાણે જોવાશે. બાકી દેવડી જતી હોય. તો કેશવને એ આંખ આડા કાન કરવા જેવી વાત જ લઇ. એના કાનમાં હજી લચ્છીના શબ્દોના ભણકારા વાગી રહ્યા હતા. અને રુદ્રશર્મા – રુદ્રશર્માએ પણ એ જ વાત એને ન કહી? અને રુદ્રશર્મા કોણ હતો? એ કાંઈ જેવોતેવો માણસ હતો? એણે જ ત્રિભુવનપાલ દંડનાયકને, કુમારપાલના જન્માક્ષર કહીને સ્તબ્ધ નહોતો બનાવી દીધો? એણે નહોતું કહ્યું કે ‘આ કુમારને રાજયોગ છે. દંડનાયકજી?’ એણે ધાર્યું હતું કે દંડનાયક તો એ સાંભળીને નાચવા માંડશે, પણ દંડનાયકનું રૂંવાડેરૂંવાડું એ સાંભળીને ધગધગી ઊઠયું, ‘હું દીકરો દેવપ્રસાદનો!’ દંડનાયક બોલેલો, ‘મારો દીકરો રાજા થાય તે દી તો મારી ત્રણ પેઢી લાજે, જોષીજી! મારે આંગણે તો રાજભક્તિ ઉતરતી આવે છે, રાજવૈભવ નહિ.’ એ વાત તો ચાર કાનમાં તે વખતે દટાઈ ગઈ, પણ કેશવના બે સર્વ કાને એ વાત ખાંખાખોળા કરીને ખોળી કાઢી હતી. અને એના કોઠામાં એ એક મહાન રહસ્ય તરીકે હજી પડી હતી. એના જેવું જ બીજું દેવડીનું રહસ્ય હતું. એટલે તો એણે લચ્છીની વાતમાં સો એ સો ટકા સત્ય જોયું. બીજું જે થાવું હોય તે ભલે થાય, પણ દેવડી જૂનોગઢ જાતી હોય, તો ભલે જાય. પાટણનું એમાં જ કલ્યાણ હતું. મહારાજનો એમાં અભ્યુદય હતો. એણે તો મનમાં નિશ્ચય કરી લીધો. એનું પોતાનું એમાં પતન થતું હોય તો એ પતન ભલે હો!

કેશવ મદનપાલની હવેલીએથી દેવડાની ઘોડાર તરફ ફર્યો, ત્યારે એના મનમાં હજી પણ આ જ ઘડભાંજ ચાલી રહી હતી. તેણે દેવડાની ઘોડાર પાસે બધું શાંત જોયું. સૈનિકો ત્યાં પહેરો ભરી રહ્યા હતા. એને હવે ઉતાવળ હતી – જગદેવ પાસે જવાની. જગદેવ પાસે એ પહોંચ્યો ત્યારે એણે જગદેવને કાંઈક ચિંતામાં જોયો. કેશવને મનમાં શંકા ઊઠી: ‘આ પરમાર... એ માલવાનો કોઈ ગુપ્તચર તો ન હોય?’ પણ એણે જગદેવ સામે નજર ધરી... અને એટલી પણ શંકા કરવામાં પોતે કોઈ ગુનો કર્યો હોય તેમ એને લાગ્યું. જગદેવની મુખમુદ્રા સ્પષ્ટ હતી. એમાં ક્યાંય કાંઈ પણ છુપાયેલું ન હતું. ‘સેનાનાયકજી!’ જગદેવનો અવાજ જરાક ખિન્ન હતો, ‘મેં આંહીં વધારે પડતું રોકાવાની ભૂલ કરી... દીધી. આજ હવે મારે માથે ધર્મસંકટ આવ્યું છે! તમે તો સાંભળ્યું હશે નાં?’

‘શું છે, પરમારજી!’

‘હું તો ચાલતી મુસાફરીનો આદમી હતો. સોમનાથ મારી મહેચ્છાનું ધામ હતું. હિમાચળ મારું લક્ષ્ય હતું. આંહીંથી નીકળ્યો, બર્બરકનું સાંભળ્યું અને સાંભળ્યા પછી એમ ને એમ ચાલ્યો જાઉં તો ઉપાસના મારી લાજે, એટલે હું રહી ગયો. બર્બરકને મહારાજે પોતે વશ કર્યો. નીકળું-નીકળું કરતાં બર્બરકનું શિલ્પ જોઈ મનમાં આકાંક્ષા થઇ આવી કે એણે સોમનાથ લઇ જઈ મહાદેવને ચરણે  થોડાંક શિલ્પાભરણ મૂકતો જાઉં. રાહ જોઈ કે રા’ કોઈ નામી આવે, શિવભક્ત હોય, મહારાજનો સહકારી હોય, તો વધારે સારું. ત્યાં તો આજે મહારાજની આજ્ઞા થઇ છે. આજ મધરાતે મહારાજ બર્બરકની વીરોપાસનાનો ભાર લેવા જાય છે! હવે?’

‘કેમ જગદેવજી! એમ કેમ બોલ્યા?’ કેશવ તો જે માટે આવ્યો હતો તે વાતને આવતી જોઈ મનમાં ખુશ થયો. મોટેથી એણે એ વાતનું વધારે રહસ્ય મેળવવા અજ્ઞાન બતાવ્યું.

‘એ ભાર લેવો સહેલો છે. નાયકજી! રાખવો મુશ્કેલ છે, ઉપાડવો અશક્ય છે! સિદ્ધીમાત્રના ભાર એવા છે.’

‘પરમારજી! તો-તો તમારે મહારાજને એ પ્રમાણે કહેવું ઘટે. તમારા ઉપર એમનો વિશ્વાસ છે!’

‘પણ, કેશવ નાયક! હું એમાં ના કહી શકું નહિ, હું હા પણ કહી શકું નહિ, તેનું શું? તમને મારી સ્થિતિનો ક્યાંથી ખ્યાલ હોય? મારે માટે દરેક ઉપાસના પવિત્ર વસ્તુ છે. એની દોષકથા મારી જીભ કેમ કહી શકે? એ ભાર ઉપાડવાવાળા એ બર્બરકને પૂછી જુઓ. એની પત્ની પિંગલિકા આર્તનાદે પોકારે છે: “કોઈક હવે એને છોડવો! કોઈક નરપુંગવ આવો! કોઈક એને હવે તો બે ક્ષણ આરામ અપાવો!” કેશવ નાયક! મહારાજ જુવાન છે, ઉત્સાહમાં છે, દરેકનું દુઃખ  હરવાની બુદ્ધિથી પ્રેરાયેલા છે. એમને સ્વપ્ન વીર વિક્રમનું દોરી રહ્યું છે. દુઃખ હરવાની બુદ્ધિથી પ્રેરાયેલા છે. પણ આ વીરોપાસના એમને મળશે, એક ક્ષણનો જીવનમાં આરામ નહિ હોય! કામ, કામ ને કામ! મારો ધર્મ મૌનનો. નાયકજી! તમે મહારાજના મિત્ર છો, મંત્રી જેવા પણ છો. અત્યારે તમે નહિ  બોલો, તો રાજા તમારો ભલે વીર વિક્રમ જેવો વિખ્યાત થશે, પણ એક ક્ષણ – એક પળ પણ એને જીવનમાં આરામ નહિ! હું તો કોઈક દિવસ, કોઈક પણ જાણે કે પરમાર જગદેવ હતો છતાં આ થયું – એ કલંક-કથા મારે નામે ન ચડે માટે તમને આ કહું છું! મારે તો મારો ક્ષત્રિયધર્મ જ રહ્યો, એટલે તમારી રાજકથામા મારું ધ્યાન નથી. પણ શું કોઈ કાર્યમાં નિષ્ફળ જવાથી મહારાજ આવો ભગીરથ ભાર ઉપાડવા મથી રહ્યા છે?’ 

કેશવ વિચાર કરી રહ્યો. પોતાને આ વાત ન સૂઝી એણે માટે એણે શરમ પણ આવી. એણે લાગ્યું કે ચોક્કસ મહારાજ દેવડી માટે નિષ્ફળ જતાં તો આ કામ કરતા ન હોય? એણે બે સંકટ – બંને સરખાં – સામાં ખડાં થયા: એક દેવડીનું. હવે આ બીજું ઉપાસનાનું આવ્યું. બંને પોતે જાણતો હતો. પણ દેવડી વિષે રાજાને કહેવાથી કાંઈ ફળ ન હતું એ એણે જોયું હતું. હજી એ ચિંતામાંથી રસ્તો કેમ કાઢવો એ વિષે એણે કાંઈક નિશ્ચયાત્મક વિચાર કર્યો-ન-કર્યો, ત્યાં આંહીં જગદેવ પોતે જ પાણીમાં બેસી ગયો. હવે?

એક વખતે એણે પોતે પ્રયત્ન તો કરવો. છેવટે કેશવે નિશ્ચય કર્યો: ‘પરમારજી! હું પ્રયત્ન તો કરું! પછી પરિણામ ગમે તે હો!’

‘એ તો દરેક સિદ્ધિ જ એવી લાગે આકર્ષક ને મોહક. બર્બરકે મહારાજને એવી વાત કરી હશે. મહારાજે લેવાની હા કહી હશે. હજી વખત છે. મહારાજે બર્બરકવિજય કર્યો છે એ બતાવે છે કે આ સિદ્ધિ સ્વીકારવાનો એમનો અધિકાર છે. પણ મહારાજ એક વખત સ્વીકારશે, પછી થઇ રહ્યું! પછી બીજો ભાર લેનાર નહિ મળે ત્યાં સુધી એમને એ રહી! સિદ્ધીમાત્રનો એક નિયમ છે, કેશવ નાયક! એના એક અણુ જેટલા નિયમનો ભંગ કરનાર હતો-ન-હતો થઇ જાય છે. એ એનું વેર છે! હજી વખત છે, નાયક!’

કેશવ ત્વરાથી મહારાજને જ મળવા માટે ઊપડ્યો.