AME BANKWALA in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | અમે બેંક વાળા - 33. ઝડપી સેવા

Featured Books
Categories
Share

અમે બેંક વાળા - 33. ઝડપી સેવા

1985 ની સાલ હશે. એ વખતે ટપાલ સેવા આજના પ્રમાણમાં ધીમી હતી, કોમ્પ્યુટર જેવી વસ્તુની કોઈને કલ્પના ન હતી. આંગડિયા તો એના પણ પચાસ વર્ષ અગાઉથી હતા જે સોની લોકોનાં ઘરેણાં કે શરાફ લોકોની નોટોનાં બંડલો એક થી બીજે ગામ લઈ જતા. કુરિયર કદાચ શરૂ થવામાં હતા.
હવે બેંકમાંથી કોઈ વેપારી કે સામાન્ય માણસ અન્ય શહેરમાં પૈસા મોકલવા ડ્રાફ્ટ કઢાવે તો એની જે તે બ્રાન્ચ સામેની બ્રાન્ચ ને એડવાઇસ મોકલે કે અમે આજે આટલી રકમના અને આ નંબરના ડ્રાફ્ટ તમારી ઉપર ડ્રો કર્યા છે જે ચૂકવશો. એ બેંક ની એક બ્રાંચનો બીજી બ્રાન્ચને આદેશ છે અને બ્રાન્ચે ઇસ્યુ કરેલા કુલ ડ્રાફ્ટની રકમ એણે પૈસા સામી બ્રાન્ચને આપ્યા ગણાય. એ સામી બ્રાન્ચ માં ડ્રાફ્ટ ચૂકવાય એટલે મળી ગયા એમ તે બ્રાન્ચનું ડ્રાફ્ટ ચુકવણીની જવાબદારીનું બેલેન્સ ઓછું થાય. આથી હેડઓફિસ લેવલે એક થી બીજી બ્રાન્ચને પૈસાની લેવડદેવડ માં જમા હોય તે બ્રાન્ચે વ્યાજ આપવાનું, ઉધાર બેલેન્સ હોય તેને વ્યાજ મળે. થોડું ટેકનિકલ થઈ ગયું નહીં!
અમારી તે વખતે શાખા હતી રાજકોટ ઢેબર રોડ. ધમધમતા વેપારી વિસ્તારની, મેઇન રોડ પર. વેપારીઓ માલ મંગાવે કે ટેન્ડરો ભરે દૂર સુદુરનાં શહેરોનાં. મુંબઈ, વારાણસી, દિલ્હી જેવાં શહેરો પર રોજ કેટલાય ડ્રાફ્ટ જાય.
ડ્રાફ્ટ રજુ થાય કે તરત એનું પેમેન્ટ કરવું પડે જે ડ્રાફ્ટ પેઇડ વિધાઉટ એડવાઈસ ખાતું ડેબિટ કરી રજુ કરનાર ને જમા કે પૈસા મળે. આ વિધાઉટ એડવાઈસ એકાઉન્ટ એડવાઇસો આવે એટલે ડ્રાફ્ટ પેઈડ ખાતું ડેબિટ કરી બને ત્યાં સુધી નીલ એટલે શૂન્ય કરવો પડે. એને લગતો એક રમુજી પ્રસંગ ફરી ક્યારેક.
જો નીલ કરવાનો હોય તો બ્રાન્ચની જવાબદારી કે એ એકાઉન્ટમાં બેલેન્સ બને એટલું ઓછું રહે. જો થોડો વખત જાય તો સામેની બ્રાન્ચ ઊંચી નીચી થઈ જાય અને રીમાઇન્ડર, ટેલીગ્રામ અને છેવટ ટ્રંકકોલ પણ કરે.
તો હવે આપણો પ્રસંગ. અમે રોજ જે ડ્રાફ્ટ ઇસ્યુ કરીએ એ સામેની બ્રાન્ચ જલ્દી પહોંચે એટલે મેનેજરે પોસ્ટ ને બદલે નવી શરૂ થયેલી કુરિયર સેવા દ્વારા એડવાઈસ મોકલવાનું નક્કી કર્યું. એક સેવા થોડો વખત ચાલે પછી અમારી પાસેથી વધુ પૈસા લઈ એ ટપાલો પોતે સાંજે RMS સેવાથી જ મોકલે. બે ત્રણ આવા લોકો બદલ્યા પછી ફરીથી સાંજે અમારો જ પિયુન દ્વારા રેલવે સ્ટેશન જઈ RMS માં ટપાલ મોકલે એમ શરૂ થયું. છતાં દૂરના શહેરોમાં એડવાઈસ બાર પંદર દિવસે પહોંચતી. એ લોકોને તો ભારતભરની એડવાઈસ લેટ થાય એટલે કરોડોમાં બેલેન્સ જાય. પૈસા વાપર્યા બદલ હેડ ઓફિસ ને વ્યાજ આપવું પડે એટલે નફો પણ ઘટે.
જલ્દી ડ્રાફ્ટ એડવાઈસ મળે એ મેનેજરો ની પ્રાયોરિટી હતી.
એવામાં એક સ્ટાફ મિત્ર મેનેજરની કેબિનમાં ગયા ને કહે કે મારો મિત્ર બિચારો નવી કુરિયર સેવા શરૂ કરી રહ્યો છે. એના માણસો રાતે ટ્રેનમાં બેસી બીજા શહેર જાય છે, નજીકના શહેરોની ટપાલની આપ લે તરત કરે છે એટલે સહુથી ઝડપી સેવા એ આપી શકશે. બિચારાને ઉત્તેજન આપો.
સાવ નવા, કોઈ રેકમેંડેશન વગરના કુરિયરને આપતાં મેનેજર અચકાયા પણ પેલો સ્ટાફ મીઠું બોલી, કરગરી કોઈ રીતે પોતાનો જાદુ પાથરવામાં સફળ રહ્યો.
એ પોતે સાંજે આવી ટપાલ કલેકટ કરી લે. હવે એડવાઈસો ઝડપથી પહોંચવા લાગી. એટલે એ સાથે રીજીયન ઓફિસ કે હેડ ઓફિસ જતાં સ્ટેટમેન્ટ પણ એને અપાવા લાગ્યાં.
મેનેજરે બીજી બ્રાંચોને આનો રેફ્રન્સ પણ આપ્યો.
થોડા વખત પછી ફરીથી બ્રાંચોના રીમાઇન્ડર શરૂ થઈ ગયા. વાત ટ્રંકકોલો સુધી પહોંચી.
મને કહેવાયું કે ડ્રાફ્ટ જાય એની તારીખ બરાબર નોટ કરું. થોડો વખત કુરિયર જે રીસિટ આપે એની તારીખ પણ નોટ કરું.
અમુક દિવસ મેં ટ્રેક રાખ્યો. એક બે દિવસ એ જમાનામાં સાંજે ઓફિસરો માટે ખૂબ અગત્યનું, ડેઇલી કેશબુક મેળવવી એ કામ સાથે રેલવે સ્ટેશન જઈ એડવાઈસ ત્યાંથી ફરીથી પોસ્ટમાં તો જતી નથી ને? એની જાસૂસી કરી. એવું કાઈં ન હતું. તો સામે રેલવેમાં રાતે જતા આંગડિયા લોકોમાં એનો માણસ ક્યાં? કોઈ રીતે બીજા એક સ્ટાફની સહાયથી એને પણ ગોતી કાઢ્યો. એ થેલો તો લઈ જતો હતો પણ આખા રાજકોટની બ્રાંચોના પ્રમાણમાં સાવ નાનો. એ કઈ ટ્રેનમાં જતો હતો એ પણ ખ્યાલ ન આવ્યો. અમે ચૂપચાપ જાસૂસી કરી. કદાચ એ ટિકિટ લેવા જ નહોતો ઉભતો. હશે, પાસ કઢાવ્યો હોઈ શકે. પણ એ ટ્રેનમાં બેસતો જ ન હતો.
ટપાલો માટે ખાસ રિમાઇન્ડર આવતા ન હતા છતાં મેં મેનેજરને મારી શંકા વ્યક્ત કરી. એ પણ ખૂબ એલર્ટ અને સહકાર આપનાર વ્યક્તિ હતા.
એ જ સાંજે મેં એ કુરિયરના માણસને થેલામાં અમારી ટપાલ બતાવવા કહ્યું. એણે આનાકાની કરી. પછી કહે બધું સોર્ટિંગ મિક્સ થઈ જાય તો 'સાહેબ ધૂળ કાઢી નાખે.' થેલો ન જ બતાવ્યો.
એવામાં કોઈ બ્રાન્ચનો મેનેજરને ફોન આવ્યો કે દોઢ મહિનાથી કોઈ એડવાઈસ મળી નથી. બીજી કોઈએ વીસ દિવસ, કોઈએ બે વીક કહ્યાં.
હવે મેનેજરે મેં ડીસ્પેચ ક્લાર્ક પાસેથી માહિતી નોંધી જે રાખેલું તે જોવા માગ્યું. મેં એ બતાવ્યું. તે પરથી મેનેજરે સામેથી અમુક બ્રાન્ચને ફોન કર્યા કે અમારી એડવાઈસ મળી કે નહીં. નજીકનાં શહેરો જેવાં કે ભાવનગર, સુરેન્દ્રનગર વગેરેનો જવાબ હા આવ્યો પણ દિલ્હી કે વારાણસી જેવી બ્રાન્ચ કહે એક મહિનાથી કશું મળતું નથી.
મેનેજર તરત એક્શનમાં આવ્યા. એ કુરિયર શરૂ કરાવનાર સ્ટાફને બોલાવી વાત કરી. એ કહે હું કડકાઇથી પેલાને કહી દઈશ કે યોગ્ય રીતે કામ કરે નહીં તો કામ નહીં આપીએ. હવે આવું નહીં થાય, એને એક તક આપો.
ફરી એકાદ વીક જવા દીધું. નવી એડવાઇસો પહોંચી પણ જૂની નહિ. એની મોડે સુધી બેસી ડુપ્લીકેટ બનાવીને મોકલેલી એ પણ નહીઁ.
મેનેજર હોંશિયાર સાથે પહોંચેલ હતા. કોઈક રીતે પેલા કુરિયરને બોલાવી એ એડવાઇસો કોની સાથે મોકલી, એની પાસે શું નોટ છે, એ બધું માગ્યું. આટલી બધી એડવાઈસ એક સાથે લાંબો સમય ન મળવી એ ગળે ઉતરે એમ ન હતું. એના માણસોને એનાથી છાના બોલાવ્યા. માણસ કરીને એક જ વ્યક્તિ હતો જે નજીકના શહેર જતા એસ. ટી. ના ડ્રાઇવરો ને અમુક પૈસા આપી કવરો મૂકી દેતો. એ લોકો નજીક બ્રાન્ચ હોય તો આપી આવે બાકી ટપાલના ડબ્બામાં નાખે તો ઠીક, નહીં તો શ્રી હરિ.
એના 'શેઠ' તરફથી એને પૈસા જ મળતા ન હતા.
તો દૂરની એડવાઈસ કોણ લઈ જતું? મેં એને રેલવે મેઈલ પર કે કોઈ પોસ્ટ ઓફિસ ઉભતો જોયેલો નહીં. તો કોની સાથે કે કઈ રીતે એ જતી ને ક્યાં અટકતી?
કોઈ ધાક ધમકી પછી જે ખુલ્યું એ આંખ ઉઘાડવા સાથે મોં પહોળું થઈ જાય એવું હતું.
કોઈ માણસ કે સોર્સ ન મળે તો આ કુરિયર મહાશય રાજકોટ નજીક આવેલાં એનાં ગામ જતાં રસ્તે આવેલા કૂવામાં એડવાઈસો ફેંકી દેતા! અમુક તો, કહે છે આ ખબર પડ્યા પછી ત્યાંના લોકોની સહાયથી કૂવામાંથી કાઢેલી, ડૂચો વળેલી, પલળી ગયેલી, શાહી ભીની થઈ ગયેલી. અમુક એણે જ્યાં ત્યાં ફેંકી દીધેલી જે કદાચ ગાય બકરીઓનો ખોરાક બની ગયેલી કે વાયરો ઉડાવી ગયેલો.
યાદ છે ત્યાં સુધી મેનેજરે પેલા સ્ટાફની વિનંતી પછી પોલીસ ફરિયાદ ટાળેલી.
અન્ય ધંધાદારી કુરિયર મળ્યો ને રીજીયને બધી બ્રાન્ચ માટે કોમન કર્યો ત્યાં સુધી રોજ પિયુનનું રિક્ષાચાર્જનું લીલું વાઉચર ફાટતું રહ્યું પણ સાંજે લેટ માં પણ ટપાલો યોગ્ય જગ્યાએ પોસ્ટ દ્વારા રવાના થતી રહી. એટલીસ્ટ હવે અઠવાડિયે સામે મળતી રહી.
એ બધી ડુપ્લીકેટ એડવાઈસ બનાવવા મોકલવામાં હું ઓફિસર અને મારો કલાર્ક કેટલુંય લેટ બેઠા હશું એનો હિસાબ નથી.
પેલી બ્રાન્ચોના મેનેજરો અને છેક ઉપર સુધી સહુના શ્વાસ હવે નિયમિત એડવાઇસો મળતાં હેઠા બેઠા હશે.
**