Avantinath Jaysinh Siddhraj - 21 books and stories free download online pdf in Gujarati

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 21

૨૧

ઉદા મહેતાનું સ્વપ્નું!

અંદરના ખંડમાં એક જરિયાન મૂલ્યવાન બેઠક ઉપર મહારાણી લક્ષ્મીબા બેઠાં હતાં. એક ખૂણામાં બળી રહેલ દીપિકાના પ્રકાશથી આખો ખંડ ઉજાસભર્યો હતો. ઉદયને એક ત્વરિત દ્રષ્ટિ ચારે તરફ ફેરવી લીધી.બીજું કોઈ ત્યાં હતું નહિ. તે પાસે આવ્યો, મહારાણીબાને બે હાથ જોડીને નમ્યો, અને પછી તેણે ત્યાં સામે જ બેઠક લીધી. 

રાણીનો રૂપાળો, ગર્વીલો, અક્કડ અને સખ્ત ચહેરો અત્યારે વધારે સખ્ત જણાતો હતો. એની સીધી, જરાક લાંબી ગણાય તેવી ડોક ઉપર નાનું પણ તેજસ્વી મોં દીપ્તિમાન લાગતું હતું. એના મુખની રેખાએ રેખામાંથી એક પ્રકારની જાણે નિયમપાલનની છાપ ઊઠી હતી. એની હાજરીમાં દીવો પણ પ્રકાશ આપવામાં ભૂલ ન પડે એની સંભાળ રાખતો હોય તેમ, સ્થિર શાંત તેજ ફેલાવી રહ્યો હતો. 

ઉદયને રાણીના પ્રતાપી કડક સ્વભાવનો પરિચય હતો. સોમનાથમાં ભુવનેશ્વરીને દરિયામાં જ પધરાવી દેવા સુધીની પરશુરામને આપેલી એની આજ્ઞા એને અત્યારે યાદ આવી ગઈ. ત્યાગભટ્ટ વિશે કેટલી હદ સુધી મહારાણીબાને લઇ જવાં એનું મન મનમાં કાઢ્યું, તાણતાં તૂટી ન જાય – અને મહારાજ અત્યારે કુમારઅભિષેકની વાત પડતી મૂકી દે એટલે થયું, પછીની વાત પછી. 

એણે મહારાણીબાને જરાક અસ્વસ્થ દીઠાં. એમની મુખમુદ્રામાં ઉતાવળ અને આકરાપણું બેઠાં હતાં. પણ એમનો ગર્વીલો સ્વભાવ એમના આખા શરીર ઉપર બેસીને એકચક્રી શાસન ચલાવી રહ્યો હતો. પોતે જાણે કાંઈ જ અસ્વસ્થ ન હોય તેમ શાંત, સ્થિર અને સ્વસ્થ હોવાનો તેમણે દેખાવ કર્યો હતો. અંદર એમનું મન વધારે વેગ પકડી રહ્યું હતું. એક પળ એમને ઉદયનની સામે જોયું. પછી ધીમાં પણ જરાક ઉતાવળા વ્યગ્ર અવાજે પૂછ્યું:

‘ઉદયન મહેતા! તમે કાકભટ્ટને મોકલ્યો અચાનક, શું છે એ વાતનું? કોણ છે એ છોકરો?’

ઉદયન જવાબ આપતાં પહેલાં બે પળ થોભી ગયો. એને રાણીનું અક્કડ અને ગર્વીલા સ્વભાવનું ભાન હવે તો પૂરેપૂરું થઇ ગયું. એણે ‘છોકરો’ કહીને જ પોતાનું માનસ તો પ્રગટ કરી દીધું હતું. પણ એક વખત ત્યાગભટ્ટનું કુમાર – અભિષેકવાળું એ રોળી ટોળી નાખે એટલી જ વાતનું ઉદયનને કામ હતું. વધારે ખેંચાવનું એણે યોગ્ય ન લાગ્યું. પછી સામે મહારાજ હતા – વીફરે તો કોઈના નહિ.

તેણે બે હાથ જોડ્યા: ‘મહારાણીબા! મહારાજ કોઈ કોઈ વખત એવી દુનિયામાં જઈ ચડે છે, જ્યાંથી એમને પાછા આણવા માટે તમારા સિવાય કોઈ સમર્થ હોતું નથી. આંહીં અત્યારે કાંઈક એવું ચાલી રહ્યું છે બા!’

‘શું છે? શાની વાત છે?’

‘સોમનાથમાં પેલી ભુવનેશ્વરી હતી, યાદ છે મહારાણીબા?’

‘પેલી જે ભાગી ગઈ’ એમ મહારાણીએ અસ્પષ્ટ રાખ્યું.

‘હા બા... એ.’

‘શું છે એનું?’

‘એનો આ ચાહડ!’ ઉદયને પણ મહારાણીબાના ભાવને અનુસરીને ચારુભટ્ટનું ચાહડ કરી નાખ્યું!

‘ચાહડ! એ કોણ?’ રાણીને કાંઈ સમજ પડી નહિ.

‘ચાહડ તો મેં નામ એમ કહ્યું. મારા વાહડના નામે નામ ઝટ જીભે ચડી જાય. બાકી ખરું નામ તો ચારુભટ્ટ!’

‘ચારુભટ્ટ? એ કોણ છે?’

‘એના આંહીં તો સૌ ત્યાગભટ્ટ કહે છે.’ ઉદયને સ્ફોટ કર્યો. 

‘હાં, હાં ત્યાગભટ્ટ! એનું નામ સાંભળ્યું છે,’ રાણીએ કહ્યું, ‘શું છે એનું?’

‘એ ભુવનેશ્વરીનો છોકરો ગણાય છે.’

‘તે ભલેને ગણાતો. એમાં આપણે શું?’ રાણીના સ્વરમાં ભારોભાર ઉપેક્ષા હતી, ‘પણ કાકભટ્ટ તો કાંઈની કાંઈ વાત કરી રહ્યો હતો, એનું શું છે!’

‘ત્યારે એ જ વાત છે! તમે આવો નહિ ને એ થાળે પડે નહિ!’

રાણીનો સ્વભાવ તો એકદમ અશાંત થતો જતો હતો. પણ ઉદયનને તો શાંતિનું કામ હતું. પુત્રની ઈચ્છા ન હોય એવી કોઈ નારી એણે કદાપિ જોઈ ન હતી. તેમ મોટામાં મોટી વયે પણ સંતાનની આશા તજતી કોઈ નારી એણે જોઈ ન હતી. એમાં આ તો ગુજરાતની મહારાણી! એની એ ઈચ્છાને આશાને તંતુ આપવામાં શાંતિ રહી છે, એ એના ખ્યાલમાં આવી ગયું હતું. તેણે થોડી વાર પછી મીઠ્ઠા અવાજે કહ્યું: ‘મહારાણીબા! એક આશ્ચર્ય થયું છે: ‘આ મંદિરમાં – એ ને આ બહારના ઓટલે હું સૂતો હતો.’ ઉદયને ભૂમિકા તૈયાર કરવા માંડી. અંગુલિનિર્દેશ કરી જગ્યા બતાવી. ને આશ્ચર્યચકિત થયો હોય તેમ એક પળ થોભી ગયો. ‘ને એક દિવાસ્વપ્ન જાણે પસાર થઇ ગયું. મને તો લાગે છે, એ ફળશે. ભાવબૃહસ્પતિ જેવા ભગવાન સોમનાથને પ્રત્યક્ષ જોનાર પંડિત મહારાજને મળ્યા એનો જ આ પ્રભાવ ન હોય?

‘હું તો બા! આજ તમે ન આવ્યાં હોત તો આટલું કહેવા માટે જ ત્યાં દોડવાનો હતો! શું મારા ભગવાનની કિરપા છે! એક અદનો હું મારવાડો, એની સામે આવીને ગુજરાતના ભાવિની રેખાએ રેખા દેખાડી દીધી! હજી હું એ જોઉં છું ને અંદરનું આ ડોલી જાય છે!’ ઉદયનના ચહેરા ઉપર બોલતાં જાણે આનંદની છોળ રમી રહી હોય એમ જોનારને લાગે. તેણે મહારાણીબાને વાત કહેતાં ફરી પ્રણામ કર્યા ને કાંઈક હર્ષઘેલા અવાજે કહ્યું: ‘ભગવાન મહાવીર મને ત્યાં સુધી જીવતો રાખે બા – આટલું જોવા સુધી – પછી ભલે ઉપાડી લ્યે!’

‘શાની વાત છે ઉદા મહેતા?’ મહારાણીને કાંઈ સમજણ પડી ન હતી. 

‘જાણે તમે બા! નવાં નકોર રેશમી કપડાં પહેર્યા છે, બે હાથનો ખોબો વાળ્યો છે; એમાં સાચાં મોતીનો ઢગલો છે; પડખે બે અનુચર ચાલે છે; એમણે થાળમાં સોનાનાં કમળ ઉપાડ્યા છે; મહારાજ પોતે તમારી જરાક જ પાછળ ચાલી રહ્યા છે, ને એમની આંગળીએ... મહારાણીબા! મારાથી આ આનંદ સહ્યો જાતો નથી!’ ઉદયન હર્ષમાં ને હર્ષમાં જાણે નાચતો હોય તેમ શરીર આમ તેમ ડોલાવતો બોલી રહ્યો: ‘હો હો હો! શું ભગવાન મહાવીરની કિરપા છે? મને ડોસલાને આ આવ્યું દેખાડ્યું બા! મહારાજની આંગળીએ વળગીને પાંચ-છ જ વરસનો કુમાર ચાલી રહ્યો છે, પણ શું એનું રૂપ, રૂપ! ઓ હો હો, ઇન્દ્રકુમારને પાણી ભરાવે એવું રૂપ! તમે સૌ ભગવાન સોમનાથની પૂજા કરવા જાઓ છો. આગળ ભાવબૃહસ્પતિ ચાલે છે. પાછળ ગંગાજળની કાવડ આવી રહી છે બા! મેં આજ આ જોયું ને આજ તમે મળ્યાં, આ મહાદેવ જેવા મહાદેવનું મંદિર છે. હું તો હજી જાણે એ દ્રશ્ય જોઈ જ રહ્યો છું! ભગવાન સોમનાથનું આ વેણ છે બા! શેર માટીની ખોટ – એ હવે ગઈ સમજો બા! ભગવાન સોમનાથ – એના દરબારમાં શેની ખોટ છે? હેં મારા પ્રભુ! એ મહાવીર! મારું મરણ સુધારવા આટલી કિરપા હેં મારા નાથ! મુંજ રંક ઉપર કરજો... હેં મારા પ્રભુ!’ ઉદયનનો અવાજ ગળગળો થઇ ગયો. તેની આંખમાં આંસુ દેખાણાં. એણે ઉપવસ્ત્ર વડે આંખ લોવા માંડી. ને સાચની અવધિ બતાવતું વાક્ય ઉમેર્યું: ‘ભગવાન મારો એક દીકરો ઉપાડીને પણ...’ ઉદયન બે હાથ જોડીને જાણે મહાદેવમંદિર તરફ વળતો હોય તેમ સહેજ ફર્યો હતો. 

‘અરે! મહેતા! મહેતા! મહેતા! આ તમે શું માંડ્યું છે?’ રાણી ત્વરાથી બેઠી થઈને એના તરફ આવી, ‘આ શું કરો છો?’

‘મહારાણીબા!’ ઉદયને કાંઈક ખોખરા અવાજે કહ્યું: ‘મહારાણીબા! આ સહેવાતું નથી. મારી રાજમાતાનું દુઃખ...’ તેની આંખમાંથી ટપ ટપ આંસુ ખરી રહ્યાં હતાં!

‘આપણે આપણી વાત કરો. ચાલો, પછી? શું છે આ ત્યાગભટ્ટનું?’

‘બા! એનું નામ સ્થપાઈ જાય – ને આ સ્વપ્નું મને આવ્યું છે – મહારાજ સામે ઉઘાડું પડવું પડશે તો ઉઘાડો પડીને પણ હું આ નથી થાવા દેવાનો. હમણાં કોઈનું રાજગાદીએ નામનિશાન નહિ! કુમારપાલજી નહિ. હમણાં કાંચનબાની વાત પણ નહિ. અને આ અડુકદડૂક્યો તો નહિ જ નહિ!’

‘મહેતા! તમે ધરપત રાખો. હવે હું આવી ગઈ છું!’ મહારાણીએ ગૌરવથી કહ્યું.

‘એટલા માટે તો બા! મેં રાતોરાત – કાકભટ્ટને દોડાવ્યો.’

‘જુઓ ઉદા મહેતા! આ સિંહાસન ચૌલુક્યોનું છે,’ રાણીએ પછી પોતાની જગા લેતાં કહ્યું, ‘રાખેલીના તો ક્ષેમરાજ મોટા સસરા નોતા? રાજગાદી મળી એમને? ભુવનેશ્વરીનો છોકરો, રાજગાદીનો વારસ બને એમ? હું જીવતી છું ત્યાં સુધી તો એ નહિ બને.’

‘બા! મારું સ્વપ્નું સાચું પડવાનું છે. રાજ ઇન્દ્રરાજનું છે!’

‘ઇન્દ્રરાજ?’

‘એ દિલ હરી લેનારો કુમાર, હું એને હજી જોઉં છું બા!’

મહારાણીબા લક્ષ્મી આ દિવાસ્વપ્નની વાતમાં એટલો બધો આશાનો આનંદ દેખી રહ્યા હતાં કે ઉદયન, કુમારપાલનો જ એક પક્ષકાર છે એ વાત, પોતે જાણતાં હતાં છતાં, જાણે અત્યારે ભૂલી ગયાં હોય તેમ લાગતું. તેમણે પૂછ્યું:

‘કાકભટ્ટ તો કાંઈક અભિષેકનું કહેતો હતો ને?’

‘હા બા, મારે તમને એ જ કહેવાનું છે,’ ઉદયને બે હાથ જોડ્યા. ‘હું તો જાણે મહારાજનો મોકલ્યો અત્યારે ઇંગનપટ્ટનના માર્ગે છું, કોઈને ખબર પડે કે હું આંહીં છું તો થઇ રહ્યું. પણ તમે બા! કાલે પ્રભાતે – બરાબર અભિષેક ટાણે – જઈને ઊભાં રહો. પછી કોઈ પાછું ડગલું પણ નહિ ભરી શકે. નવી યોજના પણ નહિ કરી શકે; અને વાત ફેરવી પણ નહિ શકે. બરાબર સમયસર પહોંચો બા!’

‘તમે ક્યાં હશો મહેતા?’

‘બા! હું તો હવે આંહીંથી મારે કામે ન ભાગું તો આંહીં જ મારો ઘડોલાડવો થઇ જાય. તમને આ વાત કહેવા માટે જ હું રોકાઈ ગયો. બા જો મને રજા આપે તો, મારે હવે ઊપડવું જોઈએ. વખત છે ને કાંઈની કાંઈ વાત ફેલાણી હોય!’

‘કાલે પ્રભાતે છે? બે ઘડી વીત્યે?’

‘હા, બા, કાલે પ્રભાતે. પણ એવું છે મહારાણીબા! આ વાત હમણાં પડતી મુકાઈ ગઈ એટલે પૂરું થયું એમ ગણવું જોઈએ. એ ભલે આંહીં રહેતો. આપણે જાગ્યા, એટલે હવે એનો કાંઈ ગજ વાગે ને કારવે! એમ તો ગજનિષ્ણાત ગણાય છે. ને જુદ્ધમાં એની અનિવાર્ય જરૂરિયાત હોય. એટલે અત્યારે બા! આપણે આટલું જ રાખવું. પછીની વાત પછી. પછી રુદિયો તો કે’ છે કે, ભગવાન સોમનાથે આજ હાથોહાથ વેણ આપ્યું છે. નહિતર આવું ન હોય? તમે આવી ગયાં બા! – એ જ પહેલી તો શુભ શુકનની નિશાની. હવે ... હું... રાતમાં જ ભાગું તો જ કામ આવે... આંહીં સુખાસન છે, સાંઢણી છે, અનુચરો છે. આજ્ઞા ઉપાડવા તમામ ખડે પગે તૈયાર રાખ્યા છે. રજા આપો તો હું ઊપડું બા?’

ઉદયનને લાગ્યું કે મહારાણીબાને બરાબર તૈયાર કર્યા છે. હવે વખત ખોવો નકામો છે. 

રાણીએ એક વખત એની સામે જોયું. ઉદયન બે હાથ જોડીને ભક્તિથી એને નમી રહ્યો: ‘બા! એક છેલ્લી વાત. આ વાત કોઈને કહેતાં નહિ. પણ ત્યાં તો એમ કહેજો કે ભગવાન સોમનાથ છે, ભાવબૃહસ્પતિ છે, મહારાજની ભક્તિ છે, મારી શ્રદ્ધા છે – હજી એમાંથી કોઈ ઉપરનો મારો વિશ્વાસ ડગ્યો નથી – એટલે કુમારઅભિષેક હમણાં ન હોય. ‘કુમાર ભગવાન સોમનાથ પોતે મોકલશે જ મોકલશે!’ આટલું જ વેણ વાપરવાનું બા! આપણે તૂટે એમ ખેંચવું જ નથી. એ ગજનિષ્ણાત ભલે સેવા કરતો ને! આનકરાજ પણ હમણાં લોભ રાખે છે તો છો જાય – મને શ્રદ્ધા છે બા! આપણું આ સ્વપ્ન નથી, સત્યદર્શન છે. મહાઅમાત્ય દંડદાદાકજી પણ એ જ માન્યતા છે. એટલે આપણે અત્યારે આ અવસર સાચવી લ્યો. પછીની વાત પછી. ઠીક બા. હવે તમે છો એટલે મને ધરપત છે!’ એણે ઊભા રહીને બે હાથ જોડી માથું નમાવ્યું. પછી થોડી જ વારમાં એ અદ્રશ્ય થઇ ગયો.

એને ખાતરી હતી કે મહારાણી લક્ષ્મીબા હવે ધાર્યું કરશે જ કરશે.