Dariya nu mithu paani - 19 books and stories free download online pdf in Gujarati

દરિયા નું મીઠું પાણી - 19 - રોટલો


ગુજરાત ના હાલાર પંથક ના એક ગામ મા સંધ્યા એ કસુંબલ ચુંદડી ધારણ કરી આકાશ ને માંડવે પથારીવાળી..છે
એવી રુંજયુ પુંજ્યુ વેળા એ અજાણી ભોમકા ના એક આદમી એ આ ગામ ની બજાર મા પગ મુક્યો..
ઘેરદાર ચોરણો..ઉપર આછી પછેડી ની ભેંટ્ય..પાસાબંધી કેડ્યુ..ઉપર ચોવીસ આંટા ની ગોળ પાઘડી...દાઢીમુછ ના કાતરા મા કાબરચીતરી પ્રોઢતા કળાય છે પણ,ચહેરા ની ચામડી ની રતાશ એના સુખીપા ને છતી કરે છે..
ગામ ના નગરશેઠ સાંજ વેળા ના ઘરાક ને સાચવતા..ખાતાવહી રોજમેળ અને 'ઘડીયુ' જેવા ચોપડા ને ઉથાપતા જાય છે અને નામું ખતવતા જાય છે..ગામ મા શેઠ નો કરીયાણા ગંધીયાણા નો બહોળો વેપાર..અને ગામ ના દાનસ્તા વેપારી ની એની છાપ..એટલે સાંજ ના હટાણા ની ઘરાકો ની ઘીંઘ જામી છે...
"શેઠ....!!"ઘરાકો ની ઘેરા મા થી પેલો પાઘડીવાળો આદમી આગળ આવી ને બોલ્યો..."એક જણ ને થાય એટલું સીધુ તોળી દ્યો ને..!!"
સાવ અજાણ્યો સ્વર સાંભળીને શેઠ ની નજર દુકાન ના બારસાખ ભણી મંડાણી ચોપડા મા વચ્ચે ટચલી આંગળી ટેકવીને..ચશ્મા ને ખુણે થી ઉંચી થયેલી એક જ નજરે આગંતુક ના ગજ ને માપી લીધો...
પગ થી માથા સુધીના પહેરવેશ અને ચહેરા ની સુરખી ઉપર થી ચતુર વણીકે અનુમાન કર્યુ કે આ માલધારી સોરઠ નો જ હોવો જોઇએ...
"આમ કેણી'પા થી આવો છો..ભાઇ..? " શેઠે આગંતુક ની ઉપર માયાભરી આંખ ટેકાવી....."બૌ આઘે થી શેઠ..ગીર ના નેહડે થી"આવતલે ટુંકો જવાબ આપ્યો.
"ઓ..હો...અમારા હાલાર મા ?"
"હા બળદો વેંચવાના હતા.."
"વેંચાઇ ગયા..?"
'હા..'
"જ્ઞાતી..એ..?"
"દેવી પુતર છું મારુ નામ સામતભા.."
હવે શેઠ ગાદી એ થી ઉભા થયા...
"આ પંથક મા કોઇ સગું સાગવુ છે...ભાઇ..?
"સગુ તો માતાજી નું નામ શેઠ...પણ રાંધતા આવડે છે..હો.."કહી ને ચારણ હસી પડ્યો..
"અરે....દેવીપુતર...ને હાથે રાંધવુ પડે...?
શેઠે..ચોપડા ની દોરો બાંધી અને પોતાના દીકરા ની સામુ જોયુ..સંસ્કારી વાણીયા નો દીકરો આંખ ની ભાષા સમજી ગયો..
"હા..બાપુજી હમણા કે'વરાવી દઉ.."
દીકરા એ હળવુ હસી ને ટુંક મા જવાબ આપ્યો..
શેઠે સામતભા નો હાથ પકડ્યો..
"ભગવાન ની દયા છે..ગઢવી આજ વાળુ મારે ઘરે કરવાનું છે અને રાતવાસો પણ...સવારે તમતમારે સુખે થી નીકળજો.."
ગઢવી ને શેઠ ની વાણી મા આખા હાલાર ની ખાનદાની દેખાણી આ પંથક એને હરખાળો ભાસ્યો...પરાણે બાવડું પકડી ને શેઠ આ ગઢવી ને પોતાને ઘરે લઇ ગયા..
વિઘાવડ જેવડા ફળી મા દશેક ભેંશુ બાંધેલી હતી..એક ઓસરીયે ચાર મોટા ઓરડા વેપારવાણજ ની સાથે શેઠ નો દુધ-ઘી નો પણ મોટો વહીવટ ચાલતો હશે એવુ લાગ્યુ..ફળીયા મા ઢોલીયા ઢળાયા..ધડકલા પથરાય ગયા..ભેંશુ દોવહાણી...અને શેઠ ગઢવી સાથે વાળુ કરવા બેઠા...ઘી મા તરબોળ બાજરા ના સોડમદાર રોટલા ને છલકતી તાંસળી મા દુધ પીરસાણા...
શેઠ જમતા-જમતા ઉભા થાય..અને ગઢવી ની તાંસળી મા પરાણે દુધ પીરસે દીકરા પણ તાણ્ય કરે..બારસાખે ઉભા શેઠાણી પણ આગ્રહ કરે.."નિરાંતે વાળુ કરજો હો..ભાઇ,દેવી પુતર અમારે આંગણે ક્યાથી..!!"
આમ..વાળુ પાણી પરવારી ગઢવી અને શેઠે ફળીયા મા ઢોલીયે આવી દેહ ને લંબાવ્યા..પોત-પોતાના પંથક ની અને સુખદુખ ની આડી-અવળી વાતો કરી પછી સુખરાત કરી..
સવાર મા જાગ્યા ત્યારે..અજાણ્યાપણું ઓગળી ગયુ હતુ,હાલતી વેળા એ ગઢવી એ શેઠાણી ના હાથ મા પાંચ રૂપીયા આપી ને.."લો બોન આ મારુ કાપડુ.."થોડી આનાકાની પછી શેઠાણી એ રૂપીયા તો લીધા પણ ફરી પાછા આવવાનું વચન લીધું..(પાંચ રૂપીયા એ સમયે સાવ નાની રકમ નહોતી)
"બોન તમારે ઘરે ભાણા ભાણી ના લગન મા જરૂર આવીશ..જય માતાજી" કરી ગઢવી પંથે પડ્યા...
સામત ગઢવી નેહડે આવ્યા...સમય વિતતો રહ્યો..અને આ વાત ઉપર થી પંદર વરસ ના વાણા વીતી ગયા..
*************
ગીર નુ જંગલ ગાજે છે,ઝાડે ઝાડ પાનેપાન..પહાડે પહાડ નદીએનદી સાંજ વેળાએ ટાઢાપહોર ના ગીત ગણગણે છે..
વંકીધરા ના આબડખુબડ રસ્તાઓ અને ઢાળઢોળાવ ને પાર કરતા વીસેક જેટલા જાન ના ગાડા..દણેણ...દણેણ..ચાલ્યા જાય છે જાન ની હારે પાંચ વળાવીયા સીપાઇ છે,ગીતો ગવાઇ છે..વાતો ની ઝકોળ બોલે છે..નદીના વહેણ માથી અને ઝાડીઓ ની બુહડ મા થી આવતો ઠંડો પવન વાતાવરણ ને પ્રફુલ્લીત કરી રહ્યો છે જાનૈયા અને જાનડીઓ ના લગન નો ઉમંગ ગીરની રળીયાત ની જાણે વાર્તા માંડી રહ્યો છે..
અને એકાએક બધુ થંભી જાય છે..
ધરતી ના પેટાળ મા થી ફુટ્યા હોય એવા વીસેક લુંટારા..ભેખડ ઉપર થી ધસી આવ્યા ને ગાડા ને ઘેરી વળ્યા.."ઉભા રાખો ગાડા...!" ની ત્રાડ પડી ને ગાડા હાંકનારા થથરી ઉઠ્યા..
વરરાજા સાથે સૌથી આગળ ના ગાડે બેઠેલા શેઠ હજુ તો કાંઇ વિચાર કરે એ પહેલા એને લમણે બંદુક નું નાળચું આવ્યુ..."ક્યાની જાન છે..એલા..!"
લુંટારા નો કરડાકી ભરેલો સ્વર ગીર ના ખાખરા ના ઝાડવા ની ડાળીઓ મા ભરાઇ ને વિખરાય ગયો....."હાલાર પંથક ના સરપદડ ગામ ની છે બાપુ"
શેઠ ની પાઘડી ના આંટા ડોક મા આવી ગયા...
"એલા એઇ...વળાવીયા..!હથીયાર મુકી દ્યો નિકર..શેઠ ને આ વરરાજા ના માથા ગોળી થી વીંધાઇ જાશે.."
વળાવીયા લાચાર બની જોતા રહ્યા..ચાર લુંટારા એ પછેડી પાથરી રાખી એમા જાનૈયા ના ઘરેણા માંડ્યા પડવા કોઇ પાસે વાલ ની વાળી પણ બચી નહી,વરરાજા માટે રાજદરબાર મા થી લાવેલા હિરામોતી ના કિંમતી ઘરેણા પણ લુંટારા એ આંચકી લીધા..આખી જાન કકળી ઉઠી કારણ કે શેઠ ની તમામ મિલકત વેંચાઇ જાય તો પણ રાજદરબાર ના એ ઘરેણા ની કિંમત ચુકવાઇ એમ નહોતી...શેઠ સહીત સૌ ના મોઢા કાળા ઠણક થઇ ગયા..
લુંટારા ઘરેણા ના પોટલા ચડાવી ને ઘોડે ચડી જંગલ મા અદ્રશ્ય થયા...
મોટી ધાડ પાડી ને હરખાતા..લુંટારા જંગલ ના આડબીડ રસ્તે નિરાંતે ચાલ્યા જાય છે..એમા પાછળ થી સાદ સંભળાયો..."એલા કેણી..પા...!"
લુટાંરા એ પાછળ જોયુ તો,કરોડપાણા નેસ નો મોભાદાર ગઢવી સામતભા હાથ મા ડાંગ રમાડતો નજીક આવતો દેખાયો...આ સામતભા કો'ક વેળા અસુરા નેસડે આવેલા ભુખ્યા દુખ્યા ને પુછતો નહી કે,તમે કોણ છો અને રોટલો આપતો સામતભા ની રોટલા ની રખાવટ થી લુંટારા વાકેફ હતા અને,અંતરીયાળ ગીર મા સામતભા નું ઝુંપડુ અન્નપુર્ણા ના આશ્રમ સમાન હતું..આ લુંટારા એ પણ ઘણીવાર પોતાના પેટ ની આગ શેકી હતી એટલે ગઢવી પાસે છુપાવવાનો કોઇ અર્થ નહોતો...
"મોટો હાથ માર્યો છે ગઢવી..!વાણીયા ની જાન હતી..."
"વાણીયા ની જાન...?"ગઢવી ને કપાળે કરચલી પડી.."ક્યા ગામ ની..?"
"હાલાર પંથક ના સરપદડ ની"
"હે......" સામતભા સમસમી ગયા..."ઇ તો મારા ભાણા ની જાન..!"
"રાખો...રાખો..સામતભા નાતે વાણીયા વેપારી ને પાછા ક્યા.... આવ્યુ સરપદડ...ઈ વળી તમારો ભાણો ક્યાનો... એવો ક્યો નાતો...?
"રોટલા નો..ભાઇ...રોટલા..નો..!
ખરે ટાણે જે આ પેટ ની આગ ઠારે એની હારે સંબંધ મા નાત-જાત નો આવે..અને ઇ શેઠાણી તો મારા ધરમ ના બોન મારે કાપડુ કરવુ પડે.."
"કાઇક ફોડ પાડો ગઢવી.."અને ગઢવી એ પંદર વર્ષ પહેલા ની વાળુ વાળી રાત ની વાત કરી...વાત સાંભળી ને લુટાંરા ની કઠણછાતી મા પણ પરપકાર ની સરવાણી ફુટી....સામતભા ને ખભે હાથ મુકી ને લુટાંરો બોલ્યો.."વાત જો રોટલા ના રખાવટ ની હોય ને ગઢવી..તો,કોક'દી વેળાકવેળા રોટલો તો મે પણ તમારો ખાધો છે..ભલે તમને ખબર નઇ હોય પણ ઉપરવાળા એ આજ મને રોટલા નુ ૠણ અદા કરવાની વેળા આપી છે ઈ કેમ જાવા દઊ...?લ્યો આ તમારા ભાણા ની જાન ના ઘરેણા જાવ...સોંપી દ્યો..."
ઘરેણા નુ પોટલુ હાથ મા આપી ને લુંટારા ગીર ની ઝાડીઓ મા ઓગળી ગયા...
ઉતરેલે મોઢે...ધીમે ધીમે ચાલતી જાન ના ગાડા...ગીર ના ઉબડખાબડ રસ્તે..હવે હોશ વગર ના ચાલ્યા જાય છે થોડી વાર પહેલા નો ઊમંગ અને ઉસરંગ ઓગળી ગયો છે બળદો નો ઘુઘરમાળ પણ હવે.જાણે લગનગીત ના છોળ ને બદલે મરશીયા નો સુર રેલાવી રહ્યા છે...એવા મા પાછળ થી સાદ સંભળાયો...."શામજી શેઠ...!!"
લુટાંરા ના અવાજ થી ફફડેલા જાનૈયા ના કાળજા ફરી થડકી ગયા...
"મુંજાશો મા બાપ...લ્યો આ તમારા ઘરેણા પે'રી લ્યો "કહી ને સામતભા આગળ આવ્યા...."તમે કોણ ભાઇ...!" કહી ને શેઠ ગાડે થી નીચે ઉતર્યા...જાનૈયા ને ભગવાને વહાર કરો હોય એમ હરખાતા..પોતપોતાના દાગીના પહેરવા લાગ્યા...
"મને ન ઓળખ્યો શેઠ...?"ગઢવી બે ડગલા આગળ આવ્યો ને શેઠે એને નીરખી ને જોયો.."હું સામતભા ગઢવી તમારે આંગણે મે રોટલો ખાધો છે..યાદ આવ્યુ..?"
અને શેઠે ગઢવી ને પોતાની બથ મા લઇ લીધો...
ગઢવી એ ઘરેણા પાછા કેમ આવ્યા એની માંડી ને વાત કરી..અને શેઠ ને કહ્યુ "રોટલો દેવા નું નીમ તો મે તમારા ઘરે થી જ લીધુ હતું બાપ..અને એનુ વળતર પણ આજ તમને જ મળ્યુ..."
"અરે..તમે તો મારો રોટલો લાખ નો કરી દીધો ગઠવી...!!" કહી ને શેઠે ગઢવી ને ફરી પાછો બથ મા લીધો..
"હવે તો મારે પણ ભાણાભાઇ ની જાન મા આવવાનુ છે હો..બોન..પણ પેલા..આ ગરીબ ને નેહડે..લાપસી ખાઇ ને પછી જાવાનું છે..."
અને શામજી શેઠ ના દિકરા ની જાન ના ગાડા...ગઢવી ના નેહડા બાજુ વળી ગયા.....
આ વાર્તા કયાંક વાંચવામાં આવી છે.. તો જે તે લેખકના શબ્દો મા જ રજૂ કરી છે.