Himachal No Pravas - 5 books and stories free download online pdf in Gujarati

હિમાચલનો પ્રવાસ - 5

હિમાચલનો પ્રવાસ - 5 (પહાડોમાં પ્રવેશ)

તારીખ : 10, ડિસેમ્બર 2022

અગાઉના એપિસોડમાં જોયું કે અમે અમદવાદથી અમારી સફર છુક છુક ગાડીમાં શરુ કરી...

સવારના ૬:૦૦ વાગી ચુક્યા છે. ટ્રેન અંબાલા કેંટ સ્ટેશન પર પહોચી ચુકી છે. આ સ્ટેશન હરિયાણાનું જાણીતું અને મોટું સ્ટેશન છે. સ્ટેશન પર ટ્રેન પહોંચતા જાહેરાત અને અન્ય છોરબકોર થી નીંદર ઉડી ગઈ છે. અમારી ટ્રેન લગભગ ૨૫ મિનીટ જેટલી વહેલી છે જેથી અમારે અહી રાહ જોવાની રહે છે. અંબાલા જાણીતું અને મોટું સ્ટેશન છે. ઘણા ખરા યાત્રીઓ અહી ઉતરી રહ્યા છે. છેવટે અમે ઉત્તર ભારતમાં પહોચી ગયા છીએ. સાથે સાથે ઠંડીનો પણ અહેસાસ થઈ રહ્યો છે. જોકે હજુ સ્વેટરની જરૂર નથી પડી. પરંતું હાથ ધોયા બાદ ખરેખર ઠંડીનો ચમકારો અનુભવાય છે. ટ્રેનની સુચના અને હોરનની સાથે સાથે પક્ષીઓનો કલરવ પણ સંભળાઈ રહ્યો છે. કદાચ તેઓની પણ સવાર પડી ગઈ છે. કેવો અજબ સંયોગ છે એક બાજુ મશીન અને ઉપકરણોનો કર્કશ અવાજ છે અને એની સાથે મળી ગયો છે આ પંખીડા ઓનો મધુર કલરવ.

નિર્ધારિત સમય અનુસાર અમારી ટ્રેન ચંડીગઢ તરફ રવાના થઇ ચુકી છે. હવે થોડીક મીનીટો બાદ ટ્રેન ચંડીગઢ પહોચી જશે. અમે હરિયાણા થી હવે પંજાબની સરહદમાં પ્રવેશ કરી ચુક્યા છીએ. પંજાબનો ડેરાબસી નામનો આ વિસ્તાર છે. બહારની બાજુ આછું આછું અજવાળું પથરાઈ રહ્યું છે. ટ્રેનની બારીની બહારની બાજુનું વાતાવરણ ધુમ્મસ ભરેલું છે. દુર નું દ્રશ્ય જરાય દેખાતું નથી. નજીકના ખેતરો દેખાઈ રહ્યા છે. ચારકોર ધુમ્મસનું ફેલાયેલ શાશન જોઇને હિન્દી ફિલ્મનું ગીત યાદ આવે કે

"યે ધુંઆ ધુંઆ સા રહને દો, મુજે દિલકી બાત કહને દો"

બહારની બાજુ નીલગીરીના વિશાળ અને ઊંચા ઝાડ દેખાઈ રહ્યા છે. 3AC નો કોચ છે જેથી તેની તીવ્ર સુગંધ નો એહસાસ કરવાનું રહી જશે.

અમારી ટ્રેન “સાબરમતી જંકશન - દોલતપુર ચોક” એક્સપ્રેસ પોતાના નિર્ધારિત સમયપર ચંડીગઢ રેલ્વે સ્ટેશન પર પહોચી ગઈ છે. રેલ્વે સ્ટેશનની બહાર નીકળતા વહેલી સવારમાં સારી એવી ચહલપહલ દેખાઈ રહી છે. સૌ કોઈ પોતાની યાત્રાની ઉતાવળમાં ખોવાયેલા છે. રેલ્વે સ્ટેશનની બહાર નીકળતા ડાબી તરફ રેલ્વેનું જુના વખતનું સ્ટીમ એન્જીન નજરે પડે છે. એ સર્વે યાત્રીઓને જોઇને કહેતું હોય કે મારો પણ એક જમાનો હતો. મારું આગમન થાય ત્યારે રેલ્વે સ્ટેશન પર પણ વરાળના વાદળો છવાઈ જતા. એની મજા ડીઝલ કે વિધુતથી ચાલનારી ટ્રેનમાં બેસનાર તમે નહી સમજી શકો.

ટેક્સી ડ્રાયવરને અગાઉથી જાણ કરી દીધી હતી, હવે આ ટેક્સી અને ડ્રાયવર અમારી સફરના સાથી બની રહેવાના છે. હવે અમે બસ થોડાક કલાકો બાદ હિમાચલના પહાડોમાં પ્રવેશ કરી લઈશું અને ખોવાઈ જઈશું હિમાલયરાજની એક અનોખી દુનિયામાં. ચંડીગઢ થી સૌ પ્રથમ બદ્દી નામનો ઔધોગિક વિસ્તાર આવે છે. ત્યારબાદ લગભગ નાલાગઢથી ધીમે ધીમે પર્વતીય વિસ્તાર શરુ થાય છે.

લગભગ બે કલાકની સફર બાદ અમે સવારના નાસ્તા માટે નંગલ નામના ગામની આજુ બાજુ “સમર પંજાબી ધાબા” નામના સ્થળે રોકાયેલા. ત્યાર બાદ અમે અમારી સફર આગળ વધારી. આજની સફર થોડી લાંબી છે, મનાલી પહોચતા સાંજ પડી જશે એવું લાગી રહ્યું છે. કદાચ એ અંદાજ ખોટો પડવાનો છે.

સ્વરાઘાટ થી વળાંકો અને ચડ ઉતર વાળો રસ્તો શરુ થઇ જાય છે. ત્યાંથી સાચી પહાડી યાત્રા શરૂ થાય છે. ચંડીગઢ થી મનાલી જવા માટે બે રસ્તા છે બન્ને રસ્તા સ્વરાઘાટ પાસે આવીને મળે છે. અને ત્યાંથી એક સડક મનાલી તરફ લઈ જાય છે. રસ્તાની આજુ બાજુ ઊંચા પહાડો અને વૃક્ષોની હરિયાળી નજરે પડે છે. બિલાસપુર હવે ૨૫ કિલોમીટર જેટલું દુર છે. એક પર્વતને ચડીને એની ટોચના ભાગે થી પસાર થઇ રહ્યા છીએ, હવે નીચે ઉતરશું પછી ચડાણ કરીશું, પહાડોની સફરનું કામકાજ જિંદગી જેવું છે જેમાં ચડ-ઉતર આવતી જ રહે છે. એ અરસામા જો આજુબાજુના સૌદર્યમાં ખોવાઈ જાવ તો સફરની ખુબજ મજા આવે બાકી ચક્કર પણ આવવા લાગે.

અત્યારે મનાલી માટે નવો 4 લેન હાઇવે રોડ બની રહ્યો છે. તે પર્વતની નીચેના ભાગે જ બનાવવામાં આવ્યો છે જેથી પર્વતની ચડ-ઉતરમાં લાગતો સમય બચી જશે. જેથી સફર નો સમય ટૂંકો થશે પણ સાથે સાથે મુસાફરીનો રોમાંચ પણ ઘટી જશે.

સફરની સાથે સાથે અમારા ડ્રાયવર સાથે પણ થોડો પરિચય થઈ ગયો છે. તેઓ હિમાચલ પ્રદેશના જીલ્લા કાંગડાવેલીમાં રહેવાશી છે.

હવે પછીની મુસાફરી આગળના ખંડમાં...
ક્રમશ:

©-ધવલ પટેલ

વોટ્સએપ : 09727516505

#હિમાચલનો_પ્રવાસ
#હિમાચલયાત્રા
#himachal
#tripwithdhaval
#sabaramtijunction
#trainjourneyvlog
#trainjourney
#manalitrip

જુના એપિસોડની લિંક કોમેન્ટમાં આપેલ છે.