આરવ અને મનન બંને આરવના બેડરૂમમાં આવ્યા. મનનનું ધ્યાન આરવની બેડસાઈડ ટેબલ પર રાખેલી પિંક કલરની ડાયરી પર ગયું.
ડાયરી જોતા મનને થોડું આરવણી ખેચતા બોલ્યો “આરવિયા મને તો એમ કે ખાલી તું કોઈ છોકરીના પ્રેમમાં જ પડ્યો છે...” આંખથી ડાયરી સામું ઈશારો કરતા એ આરવને જોઇને બોલ્યો, ”પણ અહિયાં તો હવે મને એવું લાગે છે કે તું છોકરી જેવો થઇ ગયો..”
આરવ થોડું મલકાયો. આરવને મલકાતા જોઇને મનનને હાશ થઇ. “ના યાર, આ અદિતિની ડાયરી છે” આરવ થોડું દુ:ખી થઈને બોલ્યો.
“ઓહ! સોરી આરવ, હું તો જસ્ટ મસ્તી કરતો હતો” મનનને પણ એવું થયું કે ખોટું પૂછી લીધું. છતાં થોડી ઉત્સુકતા સાથે એણે આરવને ડાયરી વિષે પૂછ્યું, “આ ડાયરી કેમ તારી પાસે અને તે આ વાંચી?”
“એ...અમ..રુશી પાસે હતી. એ પોલીસસ્ટેશન લઇ આવી હતી ત્યાં આપવા માટે પણ મેં એને રીક્વેસ્ટ કરી કે મને આપે અને જો એમાં કાઈ એવું લખેલું હશે જેથી કેસ સોલ્વ થઇ શકે એમ હોય તો એ જાતે જ પોલીસને સોંપી દેશે” આરવ બોલી રહ્યો હતો.
થોડું વિચાર્યા પછી મનને કીધું, “આરવ, આ તે ખોટું કર્યું. અદિતિનો કેસ હજુ સોલ્વ નથી થયો. કદાચ આ ડાયરીમાં એણે એવું કશું લખ્યું હોય જે આ કેસ સોલ્વ કરવાના કામમાં આવે એવું હોય તો...” મનન વાક્ય અધૂરું મુકીને આરવ સામું જોઈ રહ્યો.
“પણ...યાર આ અદિતિની ડાયરી છે...ત્યાં...ત્યાં જતી રેશે તો મારી પાસે ક્યારેય નહિ આવે...પ્લીઝ મેં કીધુને હું જાતે આપી આવીશ જો એવું કાઈક લખ્યું હશે તો...” આરવ રીતસરનો આજીજી કરવા લાગ્યો.
આરવને દુખો જોઇને મનન વિચારે ચડી ગયો. “તો તે આ ડાયરી વાંચી ખરી?” ડાયરી હાથમાં લેતા મનન બોલ્યો.
“ના..મારાથી ના વંચાઈ. હું જેટલું વાંચું છું મને અદિતિ સાથે વિતાવેલો એ સમય યાદ આવી જાય છે. ખબર છે તને એ આ ડાયરીને શું કહેતી?” એ સાંજ યાદ કરતા આરવ બોલ્યો, “સોલમેટસ” આરવની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.
“સોલમેટસ?” મનન અચરજથી આરવને જોઈ રહ્યો. એ જાણી ગયો કે ડાયરીને સોલમેટસ અદિતિ જયારે કે’તી હશે ત્યારે આરવ આમ જ દુખી થયો હશે.
“હા! મેં જયારે એ વાચવાની શરૂઆત કરી ત્યારે મને સમજાયું કે ઘણું બધું એવું છે જે મને ખબર નહોતી, જે આ ડાયરીને અદિતિની ‘સોલમેટ’ ને ખબર હતી.” આરવ પરાણે હસતા બોલ્યો.
“અચ્છા, જેમ કે?” મનનને વાત જાણવામાં ઈન્ટરેસ્ટ પડ્યો.
“જેમ કે...અમમ..” યાદ કરતા આરવ બોલ્યો, “જેમકે એની ફ્રેન્ડનો કોઈ ભાઈ એને કોફીશોપમાં મળ્યો એ એણે મને નઈ કીધું ક્યારેય પણ આ ‘સોલમેટ’ને કીધું છે” મોઢું બગડતો આરવ બોલી ગયો.
મનન હસ્યો. “હા...હા..હા.. તો ના જ કે’ને તને. તારું મોઢું જો... આવું મોઢું કરે કોઈ છોકરાનું નામ આવે તો શું કે તને?”
“હા મને જેલસ ફીલ થતી અને હજુ પણ થાય છે જયારે અદિતિના મોઢે બીજા કોઈ છોકરાનું નામ સાંભળું ત્યારે.. હુહ” એમ મોઢું બગડતો બગડતો આરવ જાણે સાચે અદિતિથી ચિડાય ગયો હોય એમ બોલ્યો.
મનને નાઈટલેમ્પની લાઈટ ચાલુ કરી અને બેડની બાજુમાં રહેલી સ્વીચથી રૂમની લાઈટ બંધ કરી.
આરવના મગજમાં મનનની વાત ઘુમવા માંડી...”ના જ કે’ને તું આવું રિએકટ કરે એટલે..” પછી મનમાં બબડ્યો. “શું એટલે જ અદિતિ આ ડાયરીને ‘સોલમેટ’ કે’તી હશે?” વિચારોમાંને વિચારોમાં આટલા દિવસની અપૂરતી ઊંઘ અને મનન આવ્યો અને એનું મન હળવું થતા થોડીવારમાં એ સુઈ ગયો.
મનનના બેડ સાઈડનો નાઈટ લેમ્પ હજુ ચાલુ જ હતો. એ મનનની બાજુના થોડા એરિયાને કવર કરે એટલો પ્રકાશ ફેકતો હતો. મનન હજુ એ ડાયરી વિષે વિચારતો હતો. એનું મન પણ થઇ આવ્યું કે એ ડાયરી વાંચે પણ કોઈની પર્સનલ ડાયરી વાંચવી કે ના વાંચવી એ વિષે એ વિચારી રહ્યો હતો.
છેલ્લે બધા વિચારો ખંખેરી, ઓશીકું બેડના હેડરેસ્ટ પર રાખી ટેકણ લઇ અને ડાયરી વાંચવા બેઠો.
ડાયરીના પ્રથમ પાના પર એકદમ મરોડદાર અક્ષરે ‘અદિતિ’ એવું લખ્યું હતું. બે ઘડીક તો મનન અદિતિના અક્ષર પર ઓવારી ગયો. બીજું પેજ ખોલતા ડાયરીની શરૂઆત થઇ.
૦૧/૦૮
નવી ડાયરીમાં લખવાની મજાજ કાઈક અલગ હોય છે. બસમાં છું અને ઘણા દિવસે જુનાગઢ જાવ છું. આરવે આજે મસ્ત કલમ આપી મને ગીફ્ટમાં એય મોરના પીંછા વાળી. એટલે જૂની ડાયરીને અધુરી રાખીને આજથી નવી ડાયરી અને નવી કલમ સાથે લખીશ.
કેવા છે યાર આજના લોકો! એક ૬૦-૬૫ વર્ષના કાકા મારી બાજુની સીટ પર બેઠા હતા. એમની ચાલ પરથી લાગ્યું કે પગમાં કાઈક પ્રોબ્લેમ હશે. એક તો ઉમરમાં મોટા અને થોડી ખોડવાળા એટલે સહાનુભુતિ થી મેં એમને બેસવા માટે જગ્યા કરી આપી. અને એ ભાઈતો ધીમે ધીમે નજીક જ સરતા ગયા. મેં પાછળ વળીને કન્ડકટર સામું જોયું તો એકપણ લેડીઝ નઈ બસમાં. એક તો રાતના ૨:૩૦ વાગ્યા’તા. શું કરું? એ વિચારતી હતી ત્યાંજ સારું થયું કે કન્ડકટરની નજર મારી પર પડી અને એમને લાગ્યું કે કાઈક પ્રોબ્લેમ છે એટલે મારી પાસે આવીને ઉભા રહ્યા. મેં કીધું કાકાનું બધું તો એમણે કડકાઈથી કાકાને કઈ દીધું કે ઉભા થઇ અને મારી જગ્યાએ બેસી જાવ બાકી બસમાંથી ઉતારી મુકીશ અને પોતે મારી સીટ ખાલી હતી તોઈ પાછળ જઈને ઉભા રહ્યા. સારું હતું એ કન્ડકટર સારા હતા બાકી હું તો ડરી જ ગઈ હતી. આટલી ઉમરે પણ આ લોકો સીધા નથી રેતા હુહ.
૦૨/૦૮
વાહ, આજે તો મજા પડી ગઈ. દર વખતે આરવ ઘરે જતો અને મારે ગાંધીનગર એના વગર એકલું રેવું પડતું. આ વખતે એનો વારો આવ્યો. એ ખબર નઈ કેવો છોકરો છે, મહિનામાં ૨ વખત ઘરે જઈ આવે તોઈ ધરાતોજ નથી. અત્યારે ફોન કરીને કે છે કે નઈ ગમતું તારા વગર કોલેજમાં. એકલું એકલું લાગે છે. આવું જયારે હું એને કે’તી તો સાહેબ ખીજાય જતા કે શું આવી વેદિયા જેવી વાતો કરે છે. હવે પોતે એકલા છે તો દિવસમાં ૧૦ કોલ્સ આવી ગયા હશે. હજુ માંડ આવી એને એક દિવસેય પૂરો નથી થયો. તોઈ ક્યારે આવીશ ક્યારે આવીશ કરે છે. શું કરશે મારા વગર આ છોકરો...એ ના પાડતો હતો પેલા કે મારે હમણાં નથી જવું પણ જશે એના ઘરે જોજે. ગાંડો સાવ.
એની વે આજે તો આંખો દિવસ સુવામાં ગયો. રાત્રે એકતો મોડું થયું ઘરે આવવામાં અને મમ્મીના હાથનું રીંગણા-બટેટાનું શાક અને ભાખરી જમીને મજા આવી ગઈ. બોવ મિસ કર્યું મમ્મીના હાથનું જમવાનું. ચલ બાય હું હવે જાવ નીચે. અહિયાં આવું એટલે મમ્મીના બજારના કામ ખૂટે જ નહિ જાણે મારીજ રાહ જોતા હોઈ એમ. હુહ.
મનન હજુ પેજ ફેરવવા જતો હતો ત્યાં એને બાજુમાં કાઈક સળવળ થઇ એટલે ડાયરી ફટાફટ મૂકી અને એને હાથમાં ફોન લઇ અને એમાં જોવા લાગ્યો.
“ઓય..સૂઈજા.. શું ફોન જો જો કરે છે. લાઈટ બંધ કર અને સુઈ જા” આરવ ઊંઘમાં મનનને બોલ્યો અને પાછો સુઈ ગયો.
“ઈન્ટરેસ્ટીંગ છે વાંચવી પડશે” એમ બબડતો નાઈટલેમ્પ બંધ કરી અને સુઈ ગયો.
***
શું મનનને ડાયરીમાં કશું મળશે?