પારુલને પ્રવિણનો દાઝેલો ચહેરો લગ્નની પહેલી રાત્રે જોયો હતો; એનું સ્મરણ થવાં લાગ્યું. પહેલી વાર ચહેરો જોઈને લાગેલી બીકથી એ ચહેરો તેણીએ કાયમ માટે પોતાનો બનાવી લીધો હતો. એ ચહેરો યાદ કરતાં પારુલનાં શરીરમાં ધ્રુજારી વછુટી ગઈ.
"તને ઊભા ઊભા વીજળીનો કરંટ આવતો લાગે છે ? મારી જેમ તું સીધી ઊભી રહી શકતી નથી."
પારુલનું ધ્યાન તો ક્યાંક બીજે હતું. તેણીએ પ્રવિણની વાત સાંભળી નહીં તો કોઈ પ્રત્યુતર પણ આપ્યો નહીં. પ્રવિણે ચપટી વગાડીને તેણીનું ધ્યાન પોતાની તરફ કર્યું.
"તું ક્યારની ક્યા વિચારોમાં ખોવાયેલી છે ? હું અહીં તારી સાથે વાતો કરું છું અને તું કોઈ જવાબ આપી રહી નથી." અકડાઈને પ્રવિણે કહ્યું.
"મને માફ કરી દેજો. હું કોઈ બીજા વિચારોમાં હતી." પારુલે પ્રવિણની વાતોમાં ધ્યાન દોરતાં બોલી.
"એ તો હું તને કહું છું કે આ હેન્ડસમ નવજુવાન તારી સામે ઊભો છે અને તારું મન ક્યાંક બીજે જ ફરવાં ગયું છે !"
પ્રવિણની વાત સાંભળીને પારુલને હસવું આવ્યું : "મારી સામે તો કોઈ હેન્ડસમ નવજુવાન દેખાઈ રહ્યો નથી. અહીં આખા રૂમમાં પણ તમે કહેલો એવો કોઈ જુવાન દેખાતો નથી." પારુલે એની ટિખળ કરી. પારુલનું હસવું બંધ થઈ રહ્યું ન હતું.
"હા, તારાં કરતાં તો હું હેન્ડસમ લાગી રહ્યો છું." પ્રવિણે એના કોલર ઊંચા કરીને આગળ બોલ્યો," હવે હસવાનું બંધ કર અને ગંભીરતાથી પૂછું છું કે કઈ વાત તારાં મનમાં હતી જે તું મને કહી રહી નથી ?"
"રાત બહું થઈ ગઈ છે. હવે આપણે સૂઈ જઉં જોઈએ."
"પાંત્રીસ વર્ષ અજાણ બનીને સૂતાં આવ્યાં છીએ. આપણને એકબીજાંને જાણવાનો કોઈ દિવસ મોકો મળ્યો નથી. આજે સોમનાથ દાદાએ તક આપી છે, તો આજે આપણે પૂરી રાત વાતો કરીશું."
"એક દિવસમાં તમારી અંદર આટલો બદલાવ ક્યાંથી આવ્યો ?" પારુલે પ્રવિણની આંખો સામે જોઈને કહ્યું.
"એનાં માટે તારે આપણી ઘરે બે દોસ્તો આવેલાં હતાં એમનો આભાર માનવો જોઈએ. એ પછી અમે વેરાવળના દરિયા કિનારે ગયા ત્યાં નિસર્ગ મળી ગયો હતો. એ પછી અમારી ચતુર્ભુજની દોસ્તી બની ગઈ. ખાસ તો ચતુર્ભુજનો આભાર માનવો જોઈએ. એમણે મને કહ્યું કે, હું તને મારી દોસ્ત બનાવીને તારી પાસે મારું જીવન ચરિત્ર શેર કરી દઉં. સાચે તને બધું જાહેર કર્યાં પછી હું આત્માથી તારી સાવ નજીક આવી ગયો છું; એવું મહેસુસ થઈ રહ્યું છે."
"મારી આત્માની નજીક નહીં, પણ મારી આત્મા જ તમે બની ગયાં છો."
આટલું કહેતાં પારુલની એક આંખમાંથી આંસુ ખરી પડ્યું. પ્રવિણે એના હાથેથી આંસુને લૂંછી નાખ્યું. જે પારુલને ના ગમ્યું.
"તમે સ્ત્રીઓ નાની વાતમાં પણ કેમ રડો છો ?"
"આ આંસુ એ મારી ખુશીનું આસુ હતું. મારાં જીવનમાં પહેલીવાર હું માં બની હતી ત્યારે પણ આટલી ખુશ થઈ ન હતી; જેટલી ખુશી મને આજે મળી. એક દાસીમાંથી મને મિત્ર બનાવવાં માટે તમારો હું આભાર માનીશ એવું તમને હશે પણ હું તમારો આભાર નહીં પણ અંગૂઠો બતાવીશ."
પારુલે પોતાની લાગણી અંદર દબાવીને એની સામે મસ્તીથી અંગૂઠો બતાવીને એનાથી દોડીને દૂર ભાગવાં લાગી. પ્રવિણ તેણીને પકડવાં એની પાછળ દોડવાં લાગ્યો. બન્ને રૂમની ચારે બાજુ દોડવાં લાગ્યાં. આખરે પ્રવિણે પારુલને પાછળની સાઈડ આવીને તેણીની કમર પકડીને ઊંચકી લીધી. પ્રવિણની પાછળ બેડની કિનારી અથડાતાં બન્ને એક સાથે બેડ પર પડી ગયાં.
ઉંમરને કારણે થોડુંક વધારે દોડવાથી બન્નેનાં શ્વાસો ફુલાવવાં લાગ્યાં. બન્નેના ચહેરા પર હાંફ ચડવાં લાગ્યો. પ્રવિણ પારુલની બાજુમાં બેસી ગયો.
પ્રવિણની નજર એકીટસે હાંફ ચડેલી પારુલ પર સ્થિર હતી. આવી મસ્તી તેણીએ એનાં જીવનમાં ક્યારેય કરી ન હતી. પ્રવિણ બે પળ માટે એનું ભાન ભૂલી ગયો અને લોહચુંબકની જેમ તેણીનાં તરફ નજીક જવાં લાગ્યો.
પારુલે પ્રવિણને પોતાની પાસે આવતાં ધક્કો મારીને રોકી લીધો. તેણી બેઠી થઈને બેડની કિનારીનો ટેકો લઈ લીધો. તેણીનાં શ્વાસ નોર્મલ થઈ ગયાં હતાં.
પ્રવિણે પારુલનાં ખોળામાં માથુ રાખીને સુઈ ગયો. એણે પારુલની બન્ને હથેળીને પોતાના નાક પાસે રાખીને મહેંદીની સુગંધને માણવાં લાગ્યો.
"તમને મહેંદીની સુગંધ આટલી પ્રિય છે ?"
"હા, હોવી જોઈએ ને. આ મહેંદી સાથે મારી માંનો પ્રેમ ભરેલો છે. એમને હાથોમાં મહેંદી મૂકવી ખૂબ ગમતી હતી. એ મને કહેતાં કે જા મહેંદીનું પેકેટ લઈ આવ. હું એમનાં માટે મહેંદી લઈ આવતો. એ પલાળેલી મહેંદી એમનાં હાથોમાં લગાવતાં. મને એ સમયથી તાજી મહેંદીની સુગંધ ગમવાં લાગી. એ મને કહેતાં કે તું તારી ઘરવાળીને તારાં હાથે જ મહેંદી મૂકી દેજે. આજે જો એમનાં કહેલાં બોલને મેં સફળ કરી દીધાં."
પ્રવિણ તેણી સાથે વાતો કરતો હતો અને તેણી પ્રવિણનાં ઘાવને જોઈ રહી હતી. પારુલને પ્રવિણ પ્રત્યે પ્રેમ ઉભરાઈ આવતાં તેણીએ એનાં દાઝેલાં ઘાવ પર હોઠ મૂકીને ચુમી લીધાં.
પ્રવિણ પારુલની આ હરકત એક નજરે જોતો રહ્યો. એને તેણીનું આમ અચાનક સ્પર્શવું ખૂબ ગમ્યું. જાણે તેઓ વીસ વર્ષનાં નવયુવાનને તાજી ખીલેલી કળી સમાન પ્રેમ હોય એવું લાગ્યું.
આ પ્રેમ એમનો જીવનની ઢળતી ઉંમરનો હતો. એક ઉંમર પછી આવો પ્રેમ પણ થવો જોઈએ. જેમાં તનને પામી લેવાથી વધુ ખુશી એકબીજાનાં મનને પામી લેવાની હોય છે.
પ્રવિણ પૂરી રાત પારુલનાં ખોળામાં માથુ રાખીને તેણી સાથે નાનપણથી લઈને બીજી અનેક વાતો કરી રહ્યો હતો. પારુલે પણ એનું નાનપણ જણાવવામાં કશું બાકી રાખ્યું ન હતું.
ક્યારેક પારુલ પ્રવિણની વાતોથી એનાં નાનપણમાં જતી રહેતી તો ક્યારેક પ્રવિણ બે ચોટલા વાળી પારુલનાં નાનપણમાં ડોક્યાં કરી આવતો હતો.
સવારનાં પાંચ વાગ્યાં સુધી એમની વાતો એવી જ અકબંધ રહી. સોમનાથ મંદિરની આરતીનો ઘંટ વાગ્યો.પ્રવિણને બગાસા લેતાં પારુલનાં ખોળામાં પાંચ વાગ્યાં પછી ઊંઘ આવી ગઈ.પ્રવિણ સાથે રાતભર વાતો કર્યા પછી પારુલની આંખોમાં ઊંઘ ઘેરાઈ ગઈ હતી.
એક સ્ત્રી હોવાને નાતે ઘરની દરેક જવાબદારી તેણીની માથે હતી. તેણીએ એની બધી આળસ બેડ પર ખંખેરીને પ્રવિણનાં માથા નીચે એક તકિયો રાખીને બાથરૂમમાં નાહવાં જતી રહી.
સવારે નવ વાગ્યે દરેક સભ્ય જાગીને ચાય પાણી પી લીધી. રવિ એની ઓફીસે જતો રહ્યો હતો. દલપતદાદાના કહેવાથી વત્સલ પ્રવિણના રુમમાં આવીને એને જગાડવા આવ્યો.
વત્સલના ઘણા પ્રયત્નો પછી પણ પ્રવિણની નિંદર ઊડી રહી ન હતી. દલપતદાદાએ એમના રૂમમાં એના નામની એક હાકલ પાડી તો પ્રવિણ એ ક્ષણે બેઠો થઈ ગયો.
પ્રવિણ એના પપ્પાના અવાજથી ડરનો માર્યો બેઠો થઈ ગયો હતો. એ જોઈને વત્સલ જોરજોરથી હસવા લાગ્યો : "દાદા, તમે આ ઉંમરમાં પણ મોટા દાદાથી ડરી ગયા !"
"એમનાથી સૌ કોઈ ડરે છે. એ તારા બાપના બાપના બાપ છે. હું ગમે એટલો મોટો થઈ જાઉં પણ એમના માટે એમનો નાનો દીકરો જ છું. કોઈકની બીક રાખવી જરૂરી છે."
પ્રવિણે વત્સલ સાથે પારુલને કહેવાં મૂકી દીધો કે એ અડધી કલાકમાં તૈયાર થઈને બહાર આવશે. પ્રવિણ અડધી કલાકમાં નિયત કરેલા સમયે બહાર નીકળીને દલપત દાદાના ચરણ સ્પર્શ કરવા બેઠક રુમમાં ગયો.
દલપતદાદા પલંગ પર બેસીને છાપુ વાંચવામાં વ્યસ્ત હતા. પ્રવિણે એમના ચરણ સ્પર્શ કર્યાં. દલપતદાદાએ એમનો ચહેરો છાપામાંથી બહાર કાઢીને પ્રવિણને આશીર્વાદ આપ્યા. કાચી ઊંઘને કારણે પ્રવિણને બગાસા આવવાના ચાલુ હતા.
"આજ તારે ઊઠવામાં મોડુ થઈ ગયું, તે છતાં હજુય તને બગાસા આવે છે ? લોકો તો સવારે વહેલા ઊઠીને મંદિરે જાય કે વોર્ક કરવા નીકળી જાય. તારે તો જેમ ઉંમર થાય એમ પાડાની જેમ સુતુ રહેવું છે." દલપતદાદાએ કડક શબ્દોમાં કહ્યું.
"પિતાજી, એના માટે હું માફી માંગું છું. એમાં એવું છે કે ગઈ રાત્રે મને પૂરી રાત નિંદર આવી નહીં. સવારે આરતીના સમયે નિંદર આવી." પ્રવિણે એનો સ્વબચાવ કરતા કહ્યું.
"તને અને પારુલને બન્નેને એક સાથે પૂરી રાત નિંદર આવી નથી લાગતી. એ પણ મને ચાય દેવાં આવી હતી, ત્યારની બગાસા ખાઈ રહી હતી. ના જાણે તમને બેયને થઈ શું ગયું છે ? તેણીનાં હાથમાં મેં મહેંદી મુકેલી જોઈ. તેણી કોઈ પ્રસંગમાં જવાની છે ?"
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"