રાતનાં સમયે રવિ હેતલ અને વત્સલ સાથે હોટલમાં જમીને ઘરે પરત આવી રહ્યાં હતાં. હેતલ જરુરથી વધુ ખુશ લાગી રહી હતી.આટલી ખુશ તેણીને રવિએ એનાં ઘરમાં પણ જોઈ ન હતી.રસ્તામાં સૌને ખાવાં માટે રવિએ બટર સ્કોચ ફલેવરનો આઈસ્ક્રીમ ખરીદી લીધો હતો.
ઘરે પહોંચતાં જ હેતલને આઈસ્ક્રીમને ત્રણ બાઉલમાં કાઢી લીધો હતો.વધારાનો આઈસ્ક્રીમ તેણીએ ફ્રીજરમાં એર ટાઈટ ડબ્બામાં મૂકી દીધો.હેતલ એક ટ્રેમાં ત્રણ બાઉલ લઈને હોલમાં ટી.વી.જોતાં રવિ અને વત્સલ પાસે આવી ગઈ.
વત્સલને આઈસ્ક્રીમની સુગંધ જોઈને મોઢામાં પાણી આવી ગયુ.આમ પણ નાના બાળકોને આઈસ્ક્રીમ સૌથી પ્રિય હોય છે.ગરમીની મૌસમ હજું ગઈ ન હતી.આ સમયે રાતની ઠંડકમાં આઈસ્ક્રીમ ખાવાથી આંતરિક ઠંડકતા પણ એટલી મળે છે.વત્સલે ટ્રે પર રહેલ બાઉલમાં જેમાં સૌથી વધુ આઈસ્ક્રીમ હતો એ બાઉલ ઊપાડ્યો.
વત્સલ હજું બાઉલ પકડે એ સાથે હેતલ બોલી,"ખબરદાર ! જો એ બાઉલ લીધો છે.સૌથી વધુ આઈસ્ક્રીમ વાળો બાઉલ મારો છે.એ હું કોઈ સાથે શેર નહિ કરું. "હેતલને પણ આઈસ્ક્રીમ એટલો જ પ્રિય હતો.
વત્સલ એના પપ્પા સામે જોવા લાગ્યો.એના પપ્પાએ એને સમજાવતા કહ્યુ,"એમાં એવુ છે કે, બેટા જે લોકો વધારે સુંદર હોય એમને મીઠી ચીજ વસ્તુઓ વધારે ખાવી જોઈએ.જો એ ના ખાય તો એમની સુંદરતા ઓછી થવા લાગે છે.તારી મમ્મીને કદરુપું થવું નથી.જે કારણે તે વધુ સ્વીટ વાળી વસ્તુ ખાવાનો આગ્રહ રાખે છે."
"એ વાત છે તો કોઈ પ્રોબ્લેમ નહિ.હુ બીજો બાઉલ લઈ લઈશ."
વત્સલ બીજો બાઉલ પકડવા ગયો તો એ બાઉલ લેવાની પણ હેતલે ના પાડી દીધી.વત્સલ તેણીની સામે રીતસરનો કરગવાં લાગ્યો.
"તું ડિસાઈડ કરી લે.તારે મને આઈસ્ક્રીમ ખાવા આપવો છે કે હું રુમની અંદર જઈને સૂઈ જાઉ !"વત્સલ રડવા જેવો થઈ ગયો.
"હેતલ ! આવું એની સાથે કેમ કરે છે? એને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા છે તો ખાવા દે."રવિને હેતલનું વર્તન ગમ્યું નહિ.
ટ્રે સાથે હેતલ વત્સલની બાજુમાં બેસી ગઈ,"મે એને આઈસ્ક્રીમ ખાવાની ના પાડી નથી.એને આઈસ્ક્રીમ ખાવો હોય તો આરામથી ખાઈ શકે છે.હુ એને જે બાઉલ આપું એ જ આઈસ્ક્રીમ એને ખાવો જોશે."
વત્સલ એના બન્ને પગ વચ્ચે માથુ સંતાડીને બેઠો હતો.એની મમ્મીની વાત સાંભળી તો ત્રાસી આંખે જોવા લાગ્યો.
"એટલે?"
રવિ હજુ સમજ્યો નહિ.હેતલે ટ્રે ટિપોઈ પર રાખી.જે બાઉલમાં સૌથી ઓછો આઈસ્ક્રીમ હતો એ બાઉલ તેણીએ હાથમાં પકડીને કહ્યું.
"આ આઈસ્ક્રીમ એનો જ છે.એને આ બાઉલની અંદરનો આઈસ્ક્રીમ ખાવાનો છે."
હેતલની વાતથી વત્સલે બાઉલમાં આઈસ્ક્રીમ જોયો તો એ બીજા બાઉલ કરતા ઓછો હતો.વત્સલ નારાજ થઈ ગયો.એ ઊભો થઈને રુમની અંદર જતા બોલ્યો.
"આટલો આઈસ્ક્રીમ એ પ્રસાદી સમાન કહેવાય.મારે મારુ મોઢું એઠું કરવા માટે આ આઈસ્ક્રીમ ખાવો નથી.મે જોયું હતું કે, હજું કેટલો બધો આઈસ્ક્રીમ વધેલો હતો.તે એને ફ્રીજમાં મૂકી દીધો.કોઈ એનાં દીકરા સાથે આવી ચિટીંગ ના કરે.તું જ બધો આઈસ્ક્રીમ ખાઈ લે.મારે ચાખવો પણ નથી."
વત્સલને હેતલની વાતોનું ખૂબ દુઃખ લાગ્યું. એ એની વાત પતાવીને રુમની અંદર દોડીને જતો રહ્યો. રવિ હેતલને ઈશારેથી ઠપકો આપી રહ્યો હતો.
હેતલ અને રવિ એની પાછળ એને મનાવવાં રુમમાં ગયાં.વત્સલ ઊંધો પડીને રડી રહ્યો હતો.તેઓ બન્ને એની પાસે બેસીને મનાવવાં લાગ્યાં.
"વસુ બેટા નારાજ કેમ થાય છે? તારી મમ્મીએ તને આઈસ્ક્રીમ તો આપ્યો."
રવિએ વત્સલને ઊભો કરીને એના આંસુ સાફ કરી નાખ્યા.વત્સલ હજું અંદર હિબકાં ભરી રહ્યો હતો. હેતલની વાતનું એણે ઘણું મન પર લઈ લીધું હતું.
"આઈ એમ સોરિ વસુ.મારો હેતુ બધો આઈસ્ક્રીમ ખાવાનો ન હતો.મને ખબર છે કે,મારાંથી વધુ આઈસ્ક્રીમ તને ભાવે છે.તું આઈસ્ક્રીમ ખાય છે પછી પૂરી રાત તને ઉધરસ આવે છે.તારી તબિયત ખરાબ ના થાય.એ કારણે જ મે તને આઈસ્ક્રીમ ઓછો આપ્યો હતો."હેતલે માફી માંગીને ચોખવટ કરી.
"કાયારેક જ એવુ બન્યુ હશે કે આઈસ્ક્રીમ ખાઈ લીધા પછી હુ બિમાર પડ્યો હોય.જેનાથી એવો અંદાજો ના લગાવી દેવાય કે, દર વખત હુ આઈસ્ક્રીમ ખાઉ અને બિમાર પડી જાઉ.મારે નથી ખાવો તમારા લોકોનો આઈસ્ક્રીમ. "હિબકા લેતો વત્સલ બોલ્યો.
"અરે તુ આમ રડ નહિ.તારે જેટલો આઈસ્ક્રીમ ખાવો હોય એટલો છુટ છે.ચાલ આપણે ફ્રીજમાં રાખેલો ડબ્બો જ લઈ લઈએ.એમાંથી તુ અને હુ જ આઈસ્ક્રીમ ખાશુ હવે તો આઈસ્ક્રીમ ખાવા બહાર આવીશ?"
રવિએ વત્સલને આઈસ્ક્રીમ ખાવા માટે મનાવી લીધો.વત્સલ વધારે આઈસ્ક્રીમ ખાવાની લાલચે માની ગયો.ડબ્બાની અંદર રહેલ બધો આઈસ્ક્રીમ રવિ અને વત્સલે ખાધો.હેતલનાં ભાગમાં બહાર રાહ જોઈને ઓગળી પડેલો આઈસ્ક્રીમ ખાવાં મળ્યો.વત્સલ આઈસ્ક્રીમ ખાઈને રાજીના રેડ થઈ ગયો હતો.
આઈસ્ક્રીમ ખાઈને સૌ એમની જગ્યાએ સોમનાથ દાદાનું નામ લઈને સુવાની તૈયારીઓ કરી લીધી.સાંજનાં પહાડ પર ચઢી અને ઊતરવાથી સૌ થાકીને સૂઈ ગયાં.
સવારે વહેલા ચાય અને નાસ્તો કરીને રવિ અને વત્સલ ઘરે જાવાની તૈયારીઓ કરવા લાગ્યા.સોમનાથ દાદાની કૃપાથી પૂરી રાતમાં એકેય વાર વત્સલને ઉધરસ આવી ન હતી.હેતલને જોઈને રવિએ કહ્યુ.
"તું પણ હવે તૈયાર થઈને તારો બેગ ભરી લે.હવે આપણી વચ્ચે સમાધાન થઈ ગયું છે."રવિ વત્સલને માથુ ઓળાવતા હેતલને કહ્યું.
"તમારે લોકોને રોકાવુ ના હોય તો જઈ શકો છો.મારો ફૈસલો પહેલા જે હતો એ જ રહેશે.અલગ રહેવા જાવું હોય તો હું મારાં કપડાંનો બેગ ભરું."
હેતલની હઠ હજું છોટી ન હતી.રવિને એવું હતું કે આગલાં દિવસે હેતલ પ્રેમથી એની સાથે સમય વિતાવ્યો તો એની સાથે આવવાં તૈયાર થઈ જશે.વત્સલ સામે એ માથાકૂટ કરવાં માંગતો ન હતો. એણે વત્સલને બહાર દૂકાનેથી નાસ્તો લેવા મૂકી દીધો.
"હવે તને શું થયું?આપણે ગઈ કાલે કેટલાં પ્રેમથી સમય વિતાવ્યો હતો.આપણે આપણી જુની યાદોને યાદ કરીને કેટલાં ખુશ થઈ ગયાં હતાં.!"
રવિએ હેતલનાં ખભે એનાં બન્ને હાથ રાખીને કહ્યું. હેતલે એનાં હાથોને પોતાનાથી દૂર કરી દીધાં.
"આપણે કાલે સાથે રહ્યાં.પ્રેમની મીઠી ક્ષણોને વાગોળી.એ બધું સાચું પણ એમાં હું મારી જિદ્દ ભૂલીને તમારી સાથે આવવાં તૈયાર થઈ જઈશ એ કદાચ તમારો વહેમ હશે."હેતલ ગુસ્સા સાથે બોલી.
"મે અરે તને ગઈ કાલે કહ્યું હતું. અત્યારે ફરીથી કહું છું કે તારી બીજી કોઈ ઈચ્છા હોય એ મને કહે.હું પૂરી કરીશ.આ અલગ થવાની વાત હું કદિએ માનવાનો નથી."
રવિની વાત સાંભળીને હેતલે થોડોક વિચાર કરીને બોલી,"ઠીક છે તો બદલામાં હું બીજું જે કહું એ તમે આપશો?"
"એકવાર કહી તો દે."
"અલગ થવાં તમે તૈયાર ના થતાં હોય તો કાંઈ નહી."હેતલની વાતથી રવિને હાશકારો થયો,"હજું મારી પૂરી વાત તો સાંભળો."
હેતલનાં છેલ્લાં વાક્ય બોલ્યાં પછી રવિને ડર લાગવાં લાગ્યો.કયાંક તેણી કોથળામાંથી બિલાડું ના કાઢે! હેતલની એવી બીજી કઈ ઈચ્છા હશે કે જેને કારણે એ અલગ રહેવાં જવાનું માંડી વાળ્યું.ઉત્સુકતા પૂર્વક રવિ તેણીનાં ચહેરાં પર જોવાં લાગ્યો.
"મારે લખપતિ બનવું છે.તમારી આવકમાંથી મને તમે દસ લાખ રુપિયા આપવાં તૈયાર થતાં હોય તો જ હું તમારી સાથે આવીશ."હેતલની બીજી ઈચ્છા પણ ગેરવ્યાછબી હતી.
"એમાં મારે તને રુપિયા આપપવાની ક્યાં વાત આવે છે?મારું પોતાનું જે છે એ તારું જ છે.તારી પાસે રુપિયે રહે કે મારી પાસે.બધું સરખું જ છે."
રવિને ડર હતો એ જ તેણીએ કહ્યું. એક જિદ્દને ટાળવાં માટે રવિએ એને બીજી કોઈ ઈચ્છા હોય એ જણાવવાનું કહ્યું પણ એની એ ઈચ્છા એક નવી લાલચ જેવી નીકળી.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"