ભાગ - ૫: પાછા ફરવાનો નિર્ણય (The Turnaround)
સાહિલ ખુરશી પર બેસીને થાકી ગયો હતો, પણ તેના મનમાં ચાલી રહેલો સંઘર્ષ સમાપ્ત થયો નહોતો. તે વેઇટિંગ રૂમની અસહ્ય ગરમીમાં ઊભો થયો અને વોશરૂમ તરફ ચાલ્યો.
વોશરૂમની ઠંડી, આરસની દીવાલો અને તેજસ્વી સફેદ લાઇટમાં, તેણે અરીસામાં પોતાનો ચહેરો જોયો. આંખોમાં ડર, કપાળ પર પરસેવો અને ગાલ પર ઉઝરડાના નિશાન – આ ચહેરો એક ભાગેડુનો હતો.
તેના મગજમાં છેલ્લી બે રાતોની ઘટનાઓ ઝડપથી ફરી વળી, તેને સમજાતું નહતું કે હવે આગળ શું કરવું શું થશે તેના માટે આ મુલ્ક અજાણ્યો હતો. અહીં ના કાયદાથી તે તદ્દન અજાણ હતો. અત્યારે તેના મગજ માં કોલાહલ હતો અને વિચારોનું યુધ્ધ ચાલતું હતું.
એન્ડ્રુની પીડાદાયક શાંતિ.
કાયલાની લાચારી અને આંસુ.
મારિયાનો સ્નેહભર્યો ચહેરો અને 'પોતાનો જીવ બચાવો' કહેતો અવાજ.
અભિષેક દ્વારા તેના ખિસ્સામાં મૂકાયેલી રહસ્યમય હાર્ડ ડ્રાઇવ 'ધ સ્પાર્ક'.
તેણે આઈ-કાર્ડ અને ટિકિટનો ખૂણો જોયો. 'ફ્લાઇટ ઇન્ડિયા, ૮:૧૫ AM.'
"શું હું ખરેખર ભાગી રહ્યો છું? શું આ જ અંત છે?" તેના અંતરાત્માએ બળવો પોકાર્યો. કોઈક અંદર થી હિંમત આપતું હતું અને કહેત હતું,
ના!
જો તે અત્યારે જતો રહ્યો, તો અપહરણકર્તાઓ એન્ડ્રુ અને તેના પરિવારનો જીવ લેશે. તે જાણતો હતો કે અભિષેક હાર્ડ ડ્રાઇવ વિના તેમને બચાવી નહીં શકે. મારિયાએ તેને વિશ્વાસ મૂકીને મોકલ્યો હતો, અને અભિષેકે તેને આ જવાબદારી સોંપી હતી.
ભલે તેણે ગાર્ડ પર સળિયો ઉગામ્યો હોય, ભલે તે હવે ગુનેગાર હોય, પણ તે પીઠ બતાવીને ભાગી જનાર કાયર નહોતો. તેની રાગોમી કાયર નું લોહી નહતું અત્યારે તે સાબિત કરવાનો સમય હતો.
એક તીવ્ર ઊર્જા તેના શરીરમાં સંચારિત થઈ. તેના મનની તમામ નબળાઈઓ દૂર થઈ ગઈ. ડરની જગ્યાએ નિશ્ચય આવી ગયો.તે ઊભો થયો અને મનમાં ગાંઠ વળી અને સ્વાગત બોલ્યો,
"ના, સાહિલ. હવે ભાગવાનું નથી. હવે પાછું જવાનું છે. હું આ બધાને આમ છોડી નહીં જાવ."
તેણે નક્કી કર્યું. હવે તે માત્ર એક ભાગેડુ નહોતો, પણ મિશન પર નીકળેલ વ્યક્તિ હતો. તેની માનસિક સ્થિતિ અત્યારે ભાગવા કરતાં અનેક ગણી વધુ મજબૂત હતી.
એન્ડ્રુ, અભિષેક, કાયલા, મારિયા અને નાની લિયાના નિર્દોષ ચહેરા તેની સામે એક પછી એક તરી આવ્યા. તેના દિલમાં એક જ વાત હતી: આ આગમાં તે હવે બધું હોમી દેશે, પણ કોઈનેય પેલી કેદમાં નહીં રહેવા દે.
ઝડપથી તેણે પોતાના હાથ ધોયા, મોં પર પાણી છાંટ્યું અને ઊંડો શ્વાસ લીધો.
ટર્મિનલની ઘોષણાઓ અને મુસાફરોની ઉતાવળની વચ્ચે, સાહિલે ઝડપથી પગ ઉપાડ્યા. તે એરપોર્ટની અંદરની સુરક્ષા અને મેઇન ગેટને અવગણીને, બહાર નીકળવાના માર્ગ તરફ દોડ્યો.
તે સીધો પાર્કિંગ એરિયામાં ગયો. સવારનો ધૂંધળો પ્રકાશ ચારે બાજુ ફેલાઈ રહ્યો હતો. તેણે એ જ ધાતુની કચરાપેટી શોધી, જ્યાં તેણે ગણતરીની મિનિટો પહેલાં પોતાનો મોબાઈલ ફેંકી દીધો હતો.
તેણે કચરો ઉથલાવ્યો અને મોબાઇલ શોધી કાઢ્યો. ફોન પર ધૂળ અને ગંદકી લાગી હતી, પણ તે ચાલુ હતો. તેણે ઝડપથી તેનું સિમ કાર્ડ ફરી ઇન્સર્ટ કર્યું. સિમ કાર્ડ ઇન્સર્ટ થતાં જ વોટ્સએપ અને ઇમેઇલ્સના નોટિફિકેશનની સુનામી આવી ગઈ, પણ સાહિલે તેને અવગણ્યું. કામ ના કોલ જોઈ ને તેણે અભિષેકના ઘરનો છેલ્લો જાણીતો સરનામો તેના જીપીએસમાં સેટ કર્યો. તે જાણતો હતો કે અભિષેકનું ઘર જ પહેલું સ્થાન હશે જ્યાં અપહરણકર્તાઓ પૂછપરછ માટે જશે.
તેણે પોતાની ચોરી કરેલી કાર સ્ટાર્ટ કરી. ટાયરનો કરકરાટ થતાં જ, સાહિલે એરપોર્ટના શાંત માર્ગો પરથી ફરી ન્યૂ યોર્ક શહેર તરફ ઝડપથી નીકળી પડ્યો.
હવે તે પોલીસ કે અપહરણકર્તા, કોઈનાથી ડરતો નહોતો. તેના મગજમાં હવે માત્ર એન્ડ્રુના પરિવારને મુક્ત કરાવવાનું એક જ લક્ષ્ય હતું.