39. MH370
તો સહુ જેમ તેમ કરી લટકીને, હવે તો તમારી મદદ લઈને વિમાનમાં બેઠાં. આ વખતે પણ ક્યાં એરપોર્ટ પરથી જતાં હતાં? સહુએ પોતાની જગ્યા લઈ લીધી, મીલીટરી નાં પ્લેનમાં તો એમ.
અને.. મેં હમણાં કહ્યું એમ પાયલોટની સીટ પર ખાસ પરમિશન લઈ હું બેઠો અને પ્લેન ટેક ઓફ કર્યું. એ જંગલની પટ્ટીને આખરી રામરામ કર્યા. ગમે તેમ, ત્યાં જીવતાં બે ચાર વર્ષ કાઢેલાં જ્યારે અમારું અસ્તિત્વ હજી છે એ વિશે દુનિયામાં કોઈ માનતું ન હતું. ઈશ્વરનો આભાર.
પ્લેન તો ઊડ્યું, ફરીથી , આ વખતે ભગવાન વાદળો સાથે વાત કે કોઈ મુલાકાત ન કરાવે. સંપૂર્ણ સ્વચ્છ, ભૂરાં આકાશમાં ઊડવા લાગ્યું. નીચે અફાટ દરિયો.
પેલા ગુનેગારો કે દુશ્મનોની પહોંચ બહાર અમે નીકળી ચૂકેલા. ફરીથી અમે કંટ્રોલ ટાવર નો સંપર્ક કર્યો. અમે સાચા રસ્તે હતા એ ખાતરી કરી. પ્લેન હવામાં સ્થિર થઈ ઉડી રહ્યું અને મેં રાહતનો શ્વાસ લઈ ઓલ ક્લિયર ના સમાચાર મારા યાત્રીઓને આપ્યા.
એ સાથે વિમાનમાં હવે તે વખતે અપહરણથી બચી ગયેલ બે ત્રણ એરહોસ્ટેસોને આરામ આપી મારી પત્ની એટલે મલેશિયાની નર્સ, પેલાં મલય શિક્ષિકા અને રશિયન ડાન્સર હવે એર હોસ્ટેસ તરીકે આવ્યાં.
આ પંખા ફર્યા, આ ઘુરઘુરાટ થયો. અને બાકીના, મોતને જીતી ગયેલા સાહસિક યાત્રીઓ ભેગા આપણે આ ઊડયા..
વહેલું આવે બૈજિંગ. અત્યારે તો હવા પણ શાંત છે. હું બને તેટલો જલ્દી અને સલામત રીતે સહુને પહોંચાડીશ. આખરી કડી પણ જીવીશ.
“નાનકડા હૈયામાં મારા હોંશ નથી કઈં નાની“.
એમ જ થોડા કલાકની ઉડાન બાદ એક પછી એક એર કંટ્રોલ ટાવર ના સંપર્ક થતા ગયા. સહુ અમને અભિનંદન આપતા રહ્યા. એમ જ રાત પડી, એક તરફ ચાંદની અને રૂ ના ઢગ જેવાં વાદળોનો શાંત પુંજ નીચે દેખાયો. થોડી જ વારમાં એ દિવસે જોયેલી એવી જ સુંદર સવારે પૂર્વ આકાશમાં લાલીમા દેખાઈ ત્યાં જ મેસેજ આવ્યો એ This is Hong Kong air control.
હું ખૂબ જ લાગણીસભર થઈ ગયો. એક ક્ષણ મને ડૂમો ભરાઈ આવ્યો. તરત જ બે ચાર ઊંડા શ્વાસ લઈ હું સ્વસ્થ થઈ ગયો.
મેં જવાબ આપ્યો કે અમે તમારી તરફ આવી રહ્યા છીએ. લાઇન ક્લિયર આપવા વિનંતી. અને મારા અવાજ સાથે જ સામે એનાઉંસર ના મોં માંથી ઉત્સાહભરી રાડ ફાટી ગઈ “What? People of MH 370? The rescuing plane? Welcome.. welcome.. clearance given.”
અને મેં એ એનાઉન્સ કર્યું. પટ્ટા બાંધવા અને લેન્ડિંગ માટે તૈયાર થવા. પાછળ વિમાનમાંથી તાળીના ગડગડાટ થયા કર્યા અને.. વિમાને આખરે પાંચ વર્ષે પોતાની ફ્લાઇટ પુરી કરી ખરી! આખરે અમે હોંગકોંગ ઉતર્યા એ વખતનો ત્યાં લેવા આવેલાઓ ના આનંદ વર્ણવી શકાય એમ નથી.
***
પછી? પેલા ટાપુ પરના લોકો તો રીઢા દાણચોરો કે આંતરરાષ્ટ્રીય ગુંડાઓ નિકળ્યા. ચાંચિયા પણ તેમના જ માણસો હતા, એ વસાહતમાંથી નજર રાખતા કોઈ મુખ્ય સૂત્રધારે મોકલેલ.
અમારા ચકમક પથરા તો કિંમતી જ્વેલ્સ નીકળ્યા. અમને મળેલ એ અમારી પ્રોપર્ટી બની ગઈ. અમે તો ધનિક બની ગયા.
નર્સ નું નામ કહેતો નથી. અમે તો “મારી એ“ એમ જ કહીએ. મારું નામ પણ જાણીને શું કરશો? થોડાં વર્ષમાં ભૂલાઈ જશે. યાદ રહેશે આ એક અને અજોડ મુસાફરી, MH370.
એ ગુનેગારો પર આંતરરાષ્ટ્રીય કેસો ચાલી તેમને ખૂન કે, બળાત્કાર, મોટી દાણચોરી, લોકોને અપહરણ કરી ગોંધી રાખવા, ગુલામ બનાવવા, લૂંટ જેવા ભયંકર ગુનાઓ બદલ ફાંસીની સજા થઈ.
એ ટાપુ ગુગલ મેપ પર અને આંતરરાષ્ટ્રીય લેવલે કયા નામે ઓળખવો? પહેલો હું ઉતર્યો એટલે મારું નામ મલેશિયા અને ભારતીય સરકારે સૂચવ્યું પણ મેં કહ્યું તેમ હું તો નાશવંત છું. અમર રહેશે આ ફ્લાઇટ. મારા કહેવાથી એ ટાપુનું નામ રાખવામાં આવ્યું ..
MH370.
(સમાપ્ત).