#શતરંજ
લેખિકા
Mansi Desai
Desai Mansi
Shastri
અમદાવાદની ભાગોળે આવેલું 'વાઘેલા વિલા' કોઈ રાજમહેલથી કમ નહોતું. સફેદ આરસપહાણની બનેલી આ હવેલી શંકરસિંહ વાઘેલાના દાયકાઓ જૂના રુઆબની સાક્ષી હતી. પણ આ સુંદર મહેલના પાયામાં આજે ઈર્ષા અને અહંકારનું ઉધઈ લાગી રહ્યું હતું.
હવેલીના મુખ્ય હોલમાં ચહલપહલ હતી. રાજ્યના યુવા અને તેજસ્વી પોલિટિશિયન હ્રદયરાજ વાઘેલાની આગામી ચૂંટણીના પ્રચારની તૈયારીઓ ચાલી રહી હતી. તેની બાજુમાં જ બેઠેલી તેની પત્ની રેવા બા, જે માત્ર તેની અર્ધાંગિની જ નહીં, પણ તેની મુખ્ય સેક્રેટરી અને સફળતાનો પાયો પણ હતી. રેવા અત્યંત સુંદર હોવાની સાથે અત્યંત બુદ્ધિશાળી પણ હતી. તેની લેપટોપ પર ફરતી આંગળીઓ હ્રદયરાજની આગામી જીતનું માળખું રચી રહી હતી.
"હ્રદય, આપણે ઉત્તરના જિલ્લાઓમાં રેલીઓ વધારવી પડશે. ત્યાંના લોકોનો ઝુકાવ અત્યારે આપણી તરફ છે," રેવાએ સોફ્ટ પણ મક્કમ અવાજે કહ્યું.
હ્રદયરાજે સ્મિત સાથે તેની સામે જોયું, "રેવા, તારી વ્યુહરચના હોય પછી મારે ચિંતા કરવાની જરૂર જ નથી. યુ આર માય લકી ચાર્મ."
બરાબર એ જ ક્ષણે, હોલના દરવાજા પર જોરથી ઠેબા વાગ્યા. ધડામ કરતો દરવાજો ખુલ્યો અને રૂમમાં પ્રવેશ્યો લાલચોળ પાનનો ડાઘ અને ઉગ્ર ગંધ. એ હતા મીના બા.
તેમના હોઠ પાનના રસથી લાલચોળ હતા. ગામડાનું ભડકીલું પહેરવેશ અને સોનાના ભારે દાગીના પહેરેલા મીના બાના ચહેરા પર એક અજીબ પ્રકારનો ઘમંડ હતો. તેમણે અંદર આવતાની સાથે જ ખૂણામાં રાખેલા મોંઘા પીતળના કુંડામાં પિચકારી મારી.
"શું આખો દી ભણેલીના પૂંછડા જેવી આની હારે ભરાઈ રે' છો? હ્રદય, તને ભાન છે કે તારી માં હજી જીવતી બેઠી છે?" મીના બાનો કર્કશ અવાજ આખા હોલમાં ગુંજ્યો.
હ્રદયરાજ ઉભો થઈ ગયો, "બા, અમે કામની વાત કરતા હતા. અને તમે આ શું કર્યું? આ કુંડું વિદેશથી મંગાવ્યું છે."
"મેલ ને તારા વિદેશને પડતું! આલીશાન હવેલી મારા ધણીની છે, ને આ જમીન મારા બાપની. હું ગમે ત્યાં પિચકારી મારું, તારે શું?" મીના બાએ કમર પર હાથ રાખીને રેવા તરફ તિરસ્કારથી જોયું. "અને આ રૂપાળી વહુને કહી દે, આ બધું લેપટોપ-બેટોપ બંધ કરે. માંડ માંડ રસોડેથી છૂટીને અહીં ધામા નાખ્યા છે. મારા દીકરાની માથે તેં તારું જાળ બિછાવ્યું છે, હે ને?"
રેવા બા નીચે નજર રાખીને ઉભા રહ્યા. તેમને ખબર હતી કે સાસુ સામે બોલવું એટલે આગમાં ઘી હોમવું. "બા, હું તો બસ હ્રદયરાજની મદદ કરતી હતી..."
"મદદની વળી મોટી સેક્રેટરી! મારા હ્રદયને કોઈની જરૂર નથી. ઈ તો મારો શેર છે. તેં તો એને પાંજરામાં પૂરી રાખ્યો છે. પ્રાઇવસી... પ્રાઇવસી... શું માંડ્યું છે આ નવું નાટક? માં ને દીકરાના રૂમમાં આવતા પૂછવાનું? સાવ બેશરમ થઈ ગઈ છો!" મીના બાએ પાન ચાવતા ચાવતા જોરથી બરાડ્યું.
બરાબર ત્યારે જ શંકરસિંહ વાઘેલા ત્યાં પ્રવેશ્યા. સફેદ કુર્તા-પાયજામામાં સજ્જ શંકરસિંહના ચહેરા પર થાક અને કંટાળો સાફ દેખાતો હતો. "મીના, ફરી તેં તારું તાંડવ શરૂ કર્યું? તને ખબર છે બહાર કેટલા મહેમાનો બેઠા છે? તારી આ અભણ જેવી હરકતો આપણી આબરૂના લીરેલીરા ઉડાડી દેશે."
"આબરૂની વાતો મને ના શીખવાડો વાઘેલા!" મીના બા અટ્ટહાસ્ય કરી બોલ્યા, "તમે તો આ વહુના ગુલામ થઈ ગયા છો. પણ યાદ રાખજો, આ ઘરની અસલી રાણી હું છું. અને મારો હ્રદય મારો છે. આ વહુને તો હું પાઠ ભણાવીને જ રહીશ."
મીના બાએ રેવા પાસે જઈને તેના કાનમાં ધીમેથી પણ ઝેરી અવાજે કહ્યું, "યાદ રાખજે વહુ, આ ઘરની શતરંજમાં તારા પ્યાદા ભલે ગમે તેટલા હોય, પણ રાણી તો આ મીના જ છે. તને એવી સજા આપીશ કે તારી આ સુંદરતા અને ભણતર બંને ધૂળમાં મળી જશે."
રેવાની આંખોમાં એક ક્ષણ માટે ડર દેખાયો, પણ બીજી જ ક્ષણે તેમાં એક દૃઢ નિશ્ચય છવાઈ ગયો. શતરંજની રમત હવે સત્તાવાર રીતે શરૂ થઈ ચૂકી હતી. મીના બાને ખબર નહોતી કે તેમનો આ અંધાપો જ તેમને એક દિવસ એવી ખાઈમાં ફેંકશે જ્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહીં હોય.
ગઈકાલના ડ્રામા પછી હવેલીમાં હજી પણ તણાવની લપેટા હતી. સવારના સાત (7) વાગ્યા હતા. સૂર્યના કિરણો હવેલીના વિશાળ બગીચાને સ્પર્શી રહ્યા હતા, પણ ઘરની અંદર મીના બાના અહંકારનો સૂર્ય તપી રહ્યો હતો.
રસોડામાં રેવા બાએ સવારનો નાસ્તો તૈયાર કર્યો હતો. ડાઇનિંગ ટેબલ પર શંકરસિંહ અને હ્રદયરાજ બેઠા હતા. રેવા અત્યંત ચીવટથી દરેકની પસંદગી મુજબ પીરસી રહી હતી. હજી હ્રદયરાજે ચાનો કપ હાથમાં લીધો જ હતો ત્યાં મીના બા ધબધબ કરતા સીડીઓ ઉતરીને આવ્યા.
તેમના હાથમાં પાનનું ડબલું હતું. સવાર-સવારમાં જ મોઢામાં પાન ભરેલું હોવાથી તેમનો અવાજ વધુ ફાટેલો અને કઠોર લાગતો હતો. તેમણે ટેબલ પાસે આવીને સીધું જ રેવાના હાથમાંથી ચાનો કપ ખેંચી લીધો.
"આ ગરમ ગરમ ચા તારા માટે નથી વહુ, આ મારા માટે છે. તારે તો હજી રસોડાની સફાઈ બાકી છે, એ કર!" મીના બાએ ચાનો એક મોટો ઘૂંટડો ભર્યો અને પછી મોઢામાં રહેલા પાનનો કચરો ટેબલની બાજુમાં પડેલા મોંઘા ગાલીચા પર થૂંકી દીધો.
"બા!" હ્રદયરાજથી રહેવાયું નહીં. "આ ગાલીચો ઈરાનથી મંગાવ્યો છે. તમે કેમ આવી રીતે જીદ કરો છો? અને રેવા પણ આ ઘરની વહુ છે, નોકર નથી."
મીના બાએ લાલ આંખે હ્રદય સામે જોયું. "વહુ હશે તારા માટે, મારા માટે તો આ ઘરની લક્ષ્મીને હરનારી ડાકણ છે. જ્યારની આ ભણેલી-ગણેલી તારા જીવનમાં આવી છે, તેં તારી આ અભણ માં ને પૂછવાનું પણ છોડી દીધું છે." તેમણે પાન ચાવતા ચાવતા રેવા તરફ જોયું, "કેમ વહુ? રાત્રે શું પટ્ટી પઢાવી છે મારા દીકરાને? કાલથી જોઉં છું કે તું એના રૂમમાં પગ પણ કેમ મૂકે છે!"
રેવા બાના ગાલ અપમાનથી લાલ થઈ ગયા હતા, પણ તેમણે સંયમ જાળવ્યો. "બા, અમારે ઓફિસના કામે બહાર જવાનું છે. હ્રદયરાજની મોટી રેલી છે."
"રેલી-બેલી તેલ લેવા ગઈ!" મીના બાએ ટેબલ પર જોરથી હાથ પછાડ્યો. "આજે આ હ્રદય ક્યાંય નહીં જાય. આજે ઘરે કુળદેવીના નૈવેદ્ય ધરવાના છે અને હ્રદય મારી સાથે બેસશે. આ તારી સેક્રેટરીવાળી રમત બંધ કર."
શંકરસિંહ હવેલીના માલિક હોવા છતાં મીના બાની આ અસભ્યતા સામે લાચાર હતા. તેમણે શાંતિથી કહ્યું, "મીના, આ હ્રદયના ભવિષ્યનો સવાલ છે. તારી આ જીદ તેને નુકસાન પહોંચાડશે."
"તમે તો બોલશો જ નહીં શંકરસિંહ!" મીના બાએ ત્રાડ પાડી, "તમે તો આખી જિંદગી મને 'ગામડાની... ગામડાની...' કહીને નીચી દેખાડી છે. હવે વહુ પણ એ જ રસ્તે ચાલે છે. પણ હું યાદ અપાવી દઉં, આ મીના બા ધારે તો રાજાને રંક બનાવી શકે છે."
બપોર થતા સુધીમાં મીના બાએ આખા ઘરમાં આતંક મચાવી દીધો. તેમણે રેવાને સ્ટોર રૂમ સાફ કરવા મોકલી દીધી, જ્યાં ધૂળ અને ગંદકી હતી. રેવા જ્યારે બહાર આવી ત્યારે તેના મોંઘા રેશમી કપડાં અને ચહેરો ધૂળથી ખરડાયેલો હતો. મીના બા તેને જોઈને ખડખડાટ હસવા લાગ્યા.
"આ જો... હવે લાગે છે ને સાચી વહુ! આટલા દિવસ તો તું જાણે કલેક્ટર હોય એમ ફરતી હતી."
હ્રદયરાજ આ દ્રશ્ય જોઈને અંદરથી ઉકળી રહ્યો હતો, પણ માં પ્રત્યેનો આંધળો પ્રેમ અને સંસ્કાર તેને રોકી રહ્યા હતા. પણ રેવાની આંખોમાં હવે કંઈક બીજું જ દેખાઈ રહ્યું હતું. તેણે જોયું કે મીના બાના પાન ખાવાની આદત હવે માત્ર વ્યસન નહીં, પણ તેમની ખુમારીનું પ્રતીક બની ગઈ હતી.
રેવાએ મનોમન નક્કી કર્યું કે જે પાનનો લાલ રંગ મીના બાના મોઢામાં છે, એ જ લાલ રંગ એક દિવસ મીના બાની હારનો સબબ બનશે. તેણે શંકરસિંહ સામે જોયું, અને શંકરસિંહે ઈશારામાં જ મંજૂરી આપી દીધી.
વાઘેલા વિલામાં હવે એક નવો ખેલ રચાવાનો હતો, જ્યાં શતરંજની ચોપાટ પર પથરાયેલા પ્યાદાઓ હવે રાણીને ઘેરવાની તૈયારી કરી રહ્યા હતા.
મીના બાના અટ્ટહાસ્યનો પડઘો હજી હવેલીની ભીંતોમાં શમ્યો નહોતો ત્યાં જ રેવા બાએ પોતાની ધૂળથી ખરડાયેલી સાડી સંકેલી અને અત્યંત શાંતિથી પોતાના રૂમ તરફ ડગલાં માંડ્યા. હ્રદયરાજ તેની પાછળ દોડ્યો, પણ રેવાએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. હ્રદયરાજ બહાર ઉભો રહીને કરગરી રહ્યો હતો, પણ અંદર રેવા કોઈ મોટા પ્લાનિંગમાં પરોવાયેલી હતી.
નીચે હોલમાં મીના બા હજી પણ પોતાની જીદ પર અડગ હતા. તેમણે પાનનું નવું બીડું મોઢામાં દાબ્યું અને હ્રદયરાજના પર્સનલ આસિસ્ટન્ટને બોલાવીને હુકમ કર્યો, "સાંભળ લ્યા, આજની બધી સભાઓ કેન્સલ કરી નાખ. હ્રદય ક્યાંય જવાનો નથી. મારી મરજી વગર આ ઘરનો કાંગરોય નહીં હલે."
આસિસ્ટન્ટ ગભરાઈ ગયો, "પણ બા, આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત છે. જો હ્રદયરાજ ન જાય તો ટિકિટ કપાઈ શકે છે."
"ટિકિટ જાય તો જાય! મારો દીકરો મારી નજર સામે રહેવો જોઈએ," મીના બાએ આંગળી ચીંધીને કહ્યું. તેમની આ અભણ જીદ હ્રદયરાજના વર્ષોના પરિશ્રમને ધૂળમાં મેળવવા બેઠી હતી.
સાંજે જ્યારે હ્રદયરાજ નીચે આવ્યો, ત્યારે તેનો ચહેરો ઉતરેલો હતો. મીના બાએ તેની પાસે જઈને પ્રેમનો ઢોંગ કરતા કહ્યું, "બેટા, આ બધું તારા ભલા માટે છે. તારી વહુ તને મારાથી દૂર કરવા માંગે છે, એટલે જ તને કામમાં પરોવી રાખે છે."
હ્રદયરાજ કંઈ બોલવા જતો હતો ત્યાં જ રેવા બા સીડીઓ ઉતરીને નીચે આવ્યા. આ વખતે તે ધૂળમાં ખરડાયેલી વહુ નહીં, પણ પાવરફુલ સેક્રેટરીના લૂકમાં હતી. તેણે હાથમાં એક ટેબ્લેટ પકડ્યું હતું.
"હ્રદયરાજ, તમારે ક્યાંય જવાની જરૂર નથી," રેવાએ ઠંડા કલેજે કહ્યું.
મીના બા મલકાયા, "જોયું? હમણાં જ ઠેકાણે આવી ગઈ ને વહુ!"
પણ રેવાનું આગલું વાક્ય મીના બાના ગાલ પર તમાચા જેવું હતું. "કારણ કે મિટિંગ અહીં જ ગોઠવી છે. મુખ્યમંત્રી અને પાર્ટીના અધ્યક્ષ આગામી અડધા કલાકમાં વાઘેલા વિલા પહોંચી રહ્યા છે. શંકરસિંહ બાપુએ જ તેમને આમંત્રણ આપ્યું છે."
મીના બાના મોઢામાંથી પાનનો રસ ટપકવા લાગ્યો. તેમનો અહંકાર ઘવાયો. "તેં મારી પૂછ્યા વગર આટલા મોટા માણસોને અહીં બોલાવ્યા? આ ઘર મારું છે!"
"ઘર તમારું છે બા, પણ આ પ્રતિષ્ઠા શંકરસિંહ બાપુની અને હ્રદયરાજની છે," રેવાએ પહેલીવાર મીના બાની આંખોમાં આંખ મિલાવીને કહ્યું. "અને હા, મહેમાનો આવે ત્યારે મોઢામાં પાન રાખવું કે ગમે ત્યાં પિચકારી મારવી એ તમારી 'ખુમારી' નહીં પણ આ પરિવારનું અપમાન ગણાશે. જો આજે કંઈ ગરબડ થઈ, તો હ્રદયરાજની પોલિટિકલ કરિયરની સાથે આ આલીશાન બંગલો પણ જઈ શકે છે."
શંકરસિંહ પાછળથી આવ્યા અને મક્કમ અવાજે બોલ્યા, "રેવા સાચું કહે છે મીના. આજની સાંજ જો તેં તારો અહંકાર કાબૂમાં ના રાખ્યો, તો હું ભૂલી જઈશ કે તું મારી પત્ની છે."
મીના બા ધ્રૂજી ઉઠ્યા. પહેલીવાર તેમને લાગ્યું કે ઘરની ભીંતો તેમને ઘેરી રહી છે. પણ તેમનો અકડુ સ્વભાવ હજી શમ્યો નહોતો. તેમણે મનોમન નક્કી કર્યું કે મહેમાનોની સામે જ રેવાનું એવું અપમાન કરશે કે હ્રદયરાજ તેને હંમેશ માટે તરછોડી દેશે.
રાત્રે ૮ વાગ્યા. હવેલીના ગેટ પર ગાડીઓનો કાફલો આવી પહોંચ્યો. લાઈટોથી ઝળહળતા હોલમાં હ્રદયરાજ અને રેવા મહેમાનોનું સ્વાગત કરી રહ્યા હતા. વાતાવરણ ગંભીર અને પ્રોફેશનલ હતું. બરાબર ત્યારે જ મીના બા હોલમાં પ્રવેશ્યા.
તેમના હાથમાં પાનનું ડબલું નહોતું, પણ તેમના ચહેરા પર એક એવી કુટિલ મુસ્કાન હતી જે કોઈ મોટા વિસ્ફોટની આગાહી કરી રહી હતી. તેમણે સીધા જ મુખ્યમંત્રી પાસે જઈને કંઈક એવું કહ્યું કે આખા હોલમાં સોપો પડી ગયો.
હ્રદયરાજના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટી ગયો અને રેવાને સમજાયું કે આ શતરંજની રમતમાં મીના બાએ પહેલી ગંદી ચાલ ચાલી દીધી છે.
હોલમાં સોપો પડી ગયો હતો. હ્રદયરાજના ચહેરા પર પરસેવો વળી ગયો હતો. મીના બાએ મુખ્યમંત્રીની સાવ નજીક જઈને, મોઢામાં ભરેલા પાનના લીધે તોતડાતા અવાજે પણ સ્પષ્ટ સંભળાય એ રીતે કહ્યું હતું, "સાહેબ, મારો દીકરો તો ભોળો છે, પણ આ એની બૈરી... આ રેવા, એ તમારા વિરોધી પક્ષના નેતા સાથે રાત્રે મોડે સુધી ફોન પર વાતો કરે છે. આ છોકરી આ ઘરની અને તમારી પાર્ટીની બધી વિગતો વેચી રહી છે!"
મુખ્યમંત્રીના ચહેરા પર આશ્ચર્ય અને શંકાના વાદળો છવાયા. પાર્ટી અધ્યક્ષે હ્રદયરાજ સામે સવાલ ભરી નજરે જોયું. રેવા બા સ્તબ્ધ હતા. તેને અંદાજ નહોતો કે પોતાની જ સાસુ આટલી હલકી કક્ષાએ જઈને જુઠ્ઠાણું ફેલાવશે.
"બા! આ તમે શું બોલો છો?" હ્રદયરાજ ફાટી આંખે જોઈ રહ્યો.
"સાચું કહું છું બેટા! આની બેગ તપાસો, એમાં બીજા પક્ષના નેતાનો પર્સનલ નંબર અને કેટલાંક કાગળો પણ હશે," મીના બાએ છાતી ઠોકીને કહ્યું. તેમને ખબર હતી કે બપોરે જ્યારે રેવા સ્ટોર રૂમ સાફ કરતી હતી, ત્યારે તેમણે પોતે જ રેવાની પર્સનલ બેગમાં ખોટા દસ્તાવેજો પ્લાન્ટ કર્યા હતા.
શંકરસિંહ આગળ આવ્યા, "સાહેબ, આ સ્ત્રી પાગલ થઈ ગઈ છે. એની વાત પર ધ્યાન ન આપો."
"કેમ ના આપે?" મીના બા તાડૂક્યા, "પોતાની વહુના પાપ છુપાવવા દીકરાની કારકિર્દી દાવ પર લગાડો છો?"
રેવા બાએ ઊંડો શ્વાસ લીધો. તેણે જોયું કે મુખ્યમંત્રી હવે ત્યાંથી નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. જો અત્યારે આ શંકાનું નિવારણ ન થાય, તો હ્રદયરાજનું રાજકીય ભવિષ્ય કાયમ માટે ખતમ થઈ જાય. રેવા શાંતિથી ડાઈનિંગ ટેબલ પાસે ગઈ અને પોતાની બેગ ઉઠાવી.
"સાહેબ, જો બા કહેતા હોય તો ચોક્કસ તપાસ થવી જોઈએ. આ રહી મારી બેગ," રેવાએ બેગ મુખ્યમંત્રી સામે ધરી દીધી.
મીના બાના મનમાં લાડુ ફૂટતા હતા. તેમને ખાતરી હતી કે હવે રેવા પકડાઈ જશે. પણ જેવું મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરીએ બેગ ખોલી, તેમાંથી માત્ર ડાયરી, પેન અને ઓફિસની ફાઈલો નીકળી. પેલા ખોટા દસ્તાવેજો ક્યાંય નહોતા.
"આમાં તો કંઈ જ નથી, મીના બેન," મુખ્યમંત્રીએ કડક અવાજે કહ્યું.
મીના બાની આંખો ફાટી ગઈ. "એમ કઈ રીતે બને? મેં પોતે..." તે બોલતા બોલતા અટકી ગયા, પણ મોડું થઈ ગયું હતું. 'મેં પોતે' શબ્દે તેમની પોલ ખોલી દીધી હતી.
રેવાએ સ્મિત સાથે કહ્યું, "બા, તમે પોતે શું? મેં બપોરે જ મારી બેગ સાફ કરી હતી, કદાચ તમે જે 'કાગળો' જોયા હશે તે કચરામાં ફેંકાઈ ગયા હશે."
હકીકતમાં, રેવાએ મીના બાને બેગ પાસે મમરાવતા જોઈ લીધા હતા અને ચૂપચાપ દસ્તાવેજો બદલી નાખ્યા હતા. મુખ્યમંત્રી નારાજ થઈને ત્યાંથી નીકળી ગયા. હ્રદયરાજની ટિકિટ તો બચી ગઈ, પણ ઘરની ઈજ્જતની પિચકારી મીના બાએ ભરી દીધી હતી.
મહેમાનો ગયા પછી, હ્રદયરાજનો ગુસ્સો ફાટ્યો. "બા, આજે તમે હદ વટાવી દીધી. રેવા પર આવો નીચો આક્ષેપ?"
"ચૂપ રે'!" મીના બાએ ફરી પાન મોઢામાં નાખ્યું, "આ તો શરૂઆત છે. હજી તો હું તારા અને આ વહુના બેડરૂમ સુધી પહોંચીશ. પ્રાઇવસી જોઈએ છે ને તમને? એવી પ્રાઇવસી આપીશ કે એકબીજાનું મોઢું જોતાય ડરશો."
મીના બા ફુફાડા મારતા પોતાના રૂમમાં ગયા. પણ રેવા બા હવે મક્કમ હતા. તેણે શંકરસિંહ તરફ જોયું. શંકરસિંહની આંખોમાં પણ હવે પત્ની માટે દયા નહીં, પણ ધિક્કાર હતો.
"રેવા," શંકરસિંહે ધીમેથી કહ્યું, "હવે આ 'શતરંજ' માં સીધા હુમલા કરવાનો સમય આવી ગયો છે. મીનાને એની જ ભાષામાં જવાબ મળવો જોઈએ."
રેવાએ હકારમાં માથું ધુણાવ્યું. આગામી 7 (Seven) દિવસ મીના બા માટે કાળ સમાન સાબિત થવાના હતા. રેવાએ હ્રદયરાજનો હાથ પકડ્યો અને તેને રૂમમાં લઈ ગઈ. હવેલીની લાઈટો ઓલવાઈ ગઈ હતી, પણ કાવતરાના દીવા હવે પ્રગટ્યા હતા.
રૂમની બહાર કાઢી મૂકાયેલા મીના બાના મનમાં અત્યારે ક્રોધ અને બદલાની આગ સળગી રહી હતી. તેમણે ગાલ પર ફેલાયેલો પાનનો લાલ રંગ લૂછ્યો અને રૂમ તરફ ધિક્કારથી જોયું. પણ અંદરનું દ્રશ્ય કંઈક અલગ જ હતું.
ભયાનક તણાવ અને બહાર ચાલી રહેલા આ કલેશ વચ્ચે, હ્રદયરાજ અંદરથી તૂટી રહ્યો હતો. તેને પોતાની માતાની આ હરકતોથી અકળામણ થતી હતી. રેવાએ દરવાજો બંધ કર્યો અને હ્રદયરાજ પાસે આવી. તે જાણતી હતી કે અત્યારે તેના પતિને માનસિક ટેકાની સાથે સાથે શારીરિક હૂંફની પણ જરૂર છે.
"હ્રદય, શાંત થઈ જાઓ..." રેવાએ હળવેથી તેના ખભા પર હાથ મૂક્યો.
હ્રદયરાજે રેવાને જોરથી પોતાની બાહુપાશમાં ખેંચી લીધી. "રેવા, હું થાકી ગયો છું. આ રોજનો ડ્રામા, આ કકળાટ... મને લાગે છે કે હું હારી જઈશ."
રેવાએ તેની આંખોમાં આંખ મિલાવી. તેની સુંદરતા અત્યારે રાત્રિના અંધકારમાં વધુ ખીલી રહી હતી. તેણે હ્રદયરાજના હોઠ પર પોતાની આંગળી મૂકી અને તેને ચૂપ કરી દીધો. બેડરૂમની આ પ્રાઇવસી, જેની મીના બા મજાક ઉડાવતા હતા, તે અત્યારે હ્રદયરાજ માટે એકમાત્ર આશરો હતી. વાતાવરણમાં ઉત્તેજના અને પ્રેમનું મિશ્રણ ભળ્યું. હ્રદયરાજે રેવાના રેશમી વસ્ત્રોમાં પોતાનો ચહેરો છુપાવ્યો. તેમની વચ્ચેનો એ ગાઢ રોમાન્સ માત્ર શારીરિક ભૂખ નહોતી, પણ એકબીજા પરનો અતૂટ ભરોસો હતો. એ રાત્રે, બહાર મીના બા સળગી રહ્યા હતા અને અંદર હ્રદયરાજ અને રેવા એકબીજામાં ઓગળી રહ્યા હતા, જે તેમના મજબૂત સંબંધની નિશાની હતી.
પરંતુ, દીવાલની બીજી બાજુ શંકરસિંહ વાઘેલાનો સંઘર્ષ જુદો હતો. તેઓ હવેલીના વિશાળ આંગણામાં એકલા બેઠા હતા. તેમને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે મીના બાના અહંકારે તેમના જીવનની શાંતિ હણી લીધી હતી.
અચાનક, મીના બા ત્યાં પહોંચ્યા. હજી પણ તેમના મોઢામાં નવું પાન હતું. "શું થયું વાઘેલા? વહુના પક્ષે રહીને મને મારી તો લીધી, હવે અહીં શું કામ એકલા બેઠા છો? જાવ, જઈને એ ભણેલી વહુના પગ દબાવો!"
શંકરસિંહ ઊભા થયા. "મીના, તેં આજે હદ વટાવી દીધી છે. તેં માત્ર હ્રદયરાજની માહિતી જ નથી આપી, પણ તેં આ ઘરની સુરક્ષા સાથે ચેડાં કર્યા છે. તારા પાન ચાવતા મોઢામાંથી નીકળતી પિચકારીઓ હવે લોહીના ડાઘામાં ફેરવાઈ જશે, જો તેં તારી જીભ કાબૂમાં ન રાખી તો."
મીના બાએ અટ્ટહાસ્ય કર્યું. "તમે મને ધમકાવો છો? જે સ્ત્રીને તમે આખી જિંદગી પલંગ પર સુખ આપી શક્યા નથી, એ સ્ત્રી હવે તમને અને તમારા વંશને રસ્તા પર લાવી દેશે."
મીના બાનું આ વાક્ય શંકરસિંહના પુરુષાર્થ પર સીધો પ્રહાર હતો. તેમણે ગુસ્સામાં મીના બાનો હાથ પકડ્યો અને તેમને એકાંતના ખૂણામાં ખેંચી ગયા. "તને સત્તા અને હક જોઈએ છે ને? તો સાંભળ, કાલથી તારા પર આ ઘરની બધી સત્તા છીનવાઈ જશે. તને હવેલીના એવા ખૂણામાં પુરી રાખીશ જ્યાં તારા પાનના ડબલાં પણ તને નસીબ નહીં થાય."
પણ મીના બાના મનમાં કંઈક ભયાનક રમત ચાલી રહી હતી. તેમણે તે જ રાત્રે ચોરીછૂપીથી વિરોધી પક્ષના ગુંડાઓનો સંપર્ક કર્યો. તેમને ખબર હતી કે હ્રદયરાજ અને રેવા અત્યારે પ્રેમમાં મગ્ન છે, અને શંકરસિંહ માનસિક રીતે ભાંગી પડ્યા છે. આ સમય હતો વાઘેલા વિલા પર 'ઘરની લંકા' સળગાવવાનો.
મીના બાએ એ રાત્રે એક એવો ગુનો કર્યો જેનું ભોગવણું શંકરસિંહને આવતીકાલે સવારે આખા ગામની વચ્ચે કરવું પડવાનું હતું.
સવારના સૂરજની પહેલી કિરણ સાથે જ વાઘેલા વિલામાં એક નવો વિસ્ફોટ થયો. મીના બાએ ગઈરાત્રે જે કાવતરું રચ્યું હતું, તેનો અમલ કરવાનો સમય આવી ગયો હતો.
હ્રદયરાજ અને રેવા હજી તો જાગ્યા જ હતા, ત્યાં હવેલીના ચોકમાં ગામના કેટલાક પ્રતિષ્ઠિત લોકો અને પંચાયતના સભ્યો આવી પહોંચ્યા. શંકરસિંહ આશ્ચર્યમાં હતા કે આટલી વહેલી સવારે આ લોકો અહીં કેમ આવ્યા છે?
"શંકરસિંહ બાપુ, આ શું સાંભળીએ છીએ અમે?" એક વડીલે ગંભીર અવાજે પૂછ્યું.
શંકરસિંહ કંઈ સમજે એ પહેલા જ મીના બા લાલચોળ પાન ચાવતા, માથે છેડો ઓઢીને પણ ચહેરા પર વિકૃત સંતોષ સાથે બહાર આવ્યા. "આવો આવો પંચના લોકો! જે જોવું હોય એ જોઈ લ્યો. આ ભણેલી વહુએ મારા દીકરાના નાકની ઈજ્જત કાઢી નાખી છે."
મીના બાએ એક નકલી વિડિયો અને કેટલાક ફોટા પંચના લોકો સામે ધર્યા, જેમાં રેવા કોઈ અજાણ્યા પુરુષ સાથે શંકાસ્પદ હાલતમાં દેખાઈ રહી હતી. આ વિડિયો મીના બાએ વિરોધીઓ પાસે એડિટ કરાવીને બનાવડાવ્યો હતો.
રેવા બા અને હ્રદયરાજ નીચે આવ્યા. રેવાએ જેવું આ સાંભળ્યું, તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. "બા, આ શું બોલો છો તમે? આ ફોટા ખોટા છે!"
"ચૂપ રે' કલંકિની!" મીના બાએ જોરથી પિચકારી મારી અને પંચના લોકો સામે હાથ જોડીને નાટક શરૂ કર્યું, "બાપુ, આ વહુ રાત્રે મારા દીકરાને ઊંઘની દવા આપીને કોઈ બીજાને મળવા જાય છે. મને તો કહેતાય શરમ આવે છે, પણ આ ઘરની મર્યાદા આણે લજવી છે."
હ્રદયરાજ ધ્રૂજી રહ્યો હતો. "માં, તું આ શું કરી રહી છે? તને ખબર છે આનાથી રેવાની જ નહીં, મારી પ્રતિષ્ઠા પણ ધૂળમાં મળી જશે."
"તારી પ્રતિષ્ઠા તો આ વહુએ ક્યારની વેચી મારી છે બેટા!" મીના બાએ રેવા તરફ ધિક્કારથી જોયું, "ગામડાની વહુ હોત તો ઘરની લાજ રાખત, પણ આ તો ભણેલી-ગણેલી છાકટી છે."
પંચના લોકો વાતો કરવા લાગ્યા. શંકરસિંહનું માથું શરમથી ઝૂકી ગયું. મીના બાએ એક જ ઝાટકે રેવાના ચરિત્ર પર એવો ઘા કર્યો હતો કે જેમાંથી બહાર નીકળવું અશક્ય હતું. પણ મીના બા એક વાત ભૂલી ગયા હતા. રેવા માત્ર એક પત્ની કે વહુ નહોતી, તે એક શાર્પ સેક્રેટરી પણ હતી.
રેવાએ આંસુ લૂછ્યા અને પોતાની આંખોમાં એક અજીબ ચમક સાથે મીના બા સામે જોયું. "બા, તમે જે મર્યાદા તોડી છે, એની કિંમત હવે તમારે ચૂકવવી પડશે. જો આ ફોટા સાચા સાબિત થાય તો હું અત્યારે જ આ ઘર છોડી દઈશ, પણ જો આ ખોટા પડ્યા તો..."
"તો શું?" મીના બાએ અહંકારમાં પૂછ્યું.
"તો પછી આ શતરંજનો ખેલ મારા નિયમો પર ચાલશે," રેવાએ શાંત પણ ભયાનક અવાજે કહ્યું.
મીના બાએ હસીને વાત ટાળી દીધી, પણ તેમને ખબર નહોતી કે રેવાએ ગઈરાત્રે જ હવેલીના ખૂણેખૂણે છુપા કેમેરા ગોઠવી દીધા હતા, જેમાં મીના બા વિરોધીઓના માણસો પાસેથી આ ફોટા લેતા કેદ થઈ ગયા હતા.
શતરંજમાં હવે મીના બાના પાયા હલવા લાગ્યા હતા.
રેવા બા એકદમ શાંત હતા. તેમના ચહેરા પર નહોતો કોઈ ડર કે નહોતો કોઈ પસ્તાવો. આ ચુપકીદી મીના બાને વધુ ઉશ્કેરી રહી હતી. મીના બાએ ફરી પાનનું બીડું મોઢામાં દાબ્યું અને પંચના વડીલો સામે હાથ ફેલાવીને બોલ્યા, "જોયું બાપુ? પાપડી પાપે ભરાણી હોય એટલે એના મોઢામાંથી શબ્દ નો નીકળે. હવે આને કાઢો મારા ઘરની બહાર, નહીંતર વાઘેલા વિલાની આબરૂના લીરેલીરા ઊડી જશે."
હ્રદયરાજ પથ્થરની મૂર્તિ બનીને ઉભો હતો. તેની નજર એકવાર રેવા પર પડતી અને બીજી વાર પંચ પર. તેને પોતાની પત્ની પર પૂરો ભરોસો હતો, પણ તેની માં જે રીતે પુરાવા રજૂ કરી રહી હતી, તે જોઈને તે ક્ષણભર માટે વિચલિત થઈ ગયો હતો.
"રેવા, તારે કંઈ કહેવું છે?" શંકરસિંહે અત્યંત ભારે અવાજે પૂછ્યું. તેમની આંખોમાં લાચારી હતી.
રેવાએ ધીમેથી માથું ઊંચું કર્યું. તેની આંખોમાં આંસુ નહીં, પણ અંગારા હતા. "બાપુ, મારે અત્યારે કંઈ જ નથી કહેવું. જો પંચ અને બાને લાગતું હોય કે હું અપવિત્ર છું, તો ભલે. હું અત્યારે જ આ ઉંબરો ઓળંગીને બહાર જતી રહીશ."
"હા, જા! હમણાં જ નીકળ!" મીના બા રાડ પાડીને બોલ્યા. તેમનો ઉન્માદ વધી રહ્યો હતો. તેમણે રેવાનો હાથ પકડીને તેને ધક્કો મારવાનો પ્રયત્ન કર્યો. પંચના લોકો પણ કાનાફૂસી કરવા લાગ્યા.
રેવા પોતાનો સામાન લીધા વગર જ હવેલીના મુખ્ય દરવાજા તરફ ચાલવા લાગી. હ્રદયરાજ તેની પાછળ જવા જતો હતો પણ મીના બાએ તેનો હાથ પકડી રાખ્યો. "ના હ્રદય! આજ જો તું એની પાછળ ગયો, તો તારા બાપના અને મારા સોગંધ છે તને."
રેવા હવેલીના ઉંબરે ઉભી રહી. તેણે પાછળ ફરીને એક છેલ્લી નજર મીના બા પર નાખી. એ નજરમાં એક એવી ચેતવણી હતી જે મીના બા પારખી ન શક્યા. રેવા ચુપચાપ બહાર નીકળી ગઈ અને એક કાળી ગાડીમાં બેસીને રવાના થઈ ગઈ.
હવેલીમાં વિજયનો ઉત્સવ જેવો માહોલ મીના બાએ ઉભો કર્યો. "રાંઢવા ગઈ ને રસ્તો ચોખ્ખો થયો! શંકરસિંહ, હવે આપણો હ્રદય મુક્ત છે. હવે એને કોઈ સેક્રેટરીની જરૂર નથી." મીના બાએ હસતા હસતા આખા હોલમાં પાનની પિચકારી મારી. તેમને લાગ્યું કે શતરંજની આ રમતમાં તેમણે સામેવાળાના વજીરને જ મારી નાખ્યો છે.
પરંતુ, મીના બા એ નહોતા જાણતા કે આ રેવાની 'ત્યાગ' ની રમત હતી. રેવાના ગયા પછી, હવેલીમાં અજીબ ઘટનાઓ બનવા લાગી. હ્રદયરાજના ફોન પર સતત અજાણ્યા નંબરો પરથી ધમકીઓ આવવા લાગી. જે ફાઇલો રેવા સંભાળતી હતી, તે બધી લોક થઈ ગઈ હતી. હ્રદયરાજને સમજાયું કે રેવા વગર તેનું રાજકીય અસ્તિત્વ શૂન્ય છે.
બીજી તરફ, મીના બાનો ઉન્માદ એટલો વધી ગયો હતો કે તેમણે ઘરમાં નોકરો પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું. તે હરખમાં ને હરખમાં પાન ચાવતા ચાવતા પોતાની જ જીતની વાતો ફોન પર કોઈને કહી રહ્યા હતા. તેમને ખબર નહોતી કે હવેલીના જે ખૂણામાં રેવાએ 'સિક્રેટ કેમેરા' લગાવ્યા હતા, તેનું લાઈવ રેકોર્ડિંગ સીધું શંકરસિંહના ટેબ્લેટ પર જઈ રહ્યું હતું.
તે રાત્રે, મીના બા જ્યારે ભર ઊંઘમાં હતા, ત્યારે શંકરસિંહે રેવાએ મોકલેલો એક વીડિયો જોયો. એ વીડિયોમાં મીના બા એડિટર સાથે બેસીને રેવાના નકલી ફોટા બનાવડાવતા સાફ દેખાતા હતા. શંકરસિંહના હાથ ધ્રૂજવા લાગ્યા.
રેવાની ચુપકીદી પાછળ એક ભયાનક તોફાન છુપાયેલું હતું. જે સાસુ આજે હરખાઈ રહી હતી, તેના માટે આવતીકાલની સવાર નરક સમાન બનવાની હતી.
સવારના આઠ વાગ્યા હતા. મીના બા હજી પલંગ પર બેઠા-બેઠા પાનનું ડબલું ખોલી રહ્યા હતા, ત્યાં જ હવેલીની બહાર પોલીસની ગાડીઓના સાયરન ગુંજ્યા. હ્રદયરાજ તેના રૂમમાંથી બહાર દોડી આવ્યો. તેના ચહેરા પર ગભરાટ હતો.
"શું થયું? પોલીસ અહીં કેમ?" હ્રદયરાજે પૂછ્યું.
ઇન્સ્પેક્ટર જાડેજાએ અંદર આવીને સીધું જ હ્રદયરાજ સામે વોરંટ ધર્યું. "હ્રદયરાજ સિંહ, તમારી પર વિરોધી પક્ષના નેતા વિક્રમ ઝાલા સાથે મળીને પાર્ટીના ફંડમાં કરોડોનું કૌભાંડ કરવાનો અને ગુપ્ત માહિતી લીક કરવાનો આરોપ છે. અમારે તમારી ધરપકડ કરવી પડશે."
"શું? આ અશક્ય છે! મેં કશું જ નથી કર્યું!" હ્રદયરાજ બરાડ્યો.
મીના બા નીચે દોડી આવ્યા. "એય પોલીસવાળા! મારા દીકરાને અડવાની હિંમત ના કરતો. આ બધું પેલી રેવાનું જ કામ હશે, એણે જ મારા દીકરાને ફસાવ્યો છે."
ઇન્સ્પેક્ટરે મીના બા સામે તિરસ્કારથી જોયું. "માજી, રેવા બાએ નહીં, પણ તમે જે વિક્રમ ઝાલાના માણસોને ફોન કરીને 'રેવાને ફસાવવાના' બદલામાં ઘરની ગુપ્ત ફાઇલોના પાસવર્ડ આપ્યા હતા, એ જ માહિતીનો ઉપયોગ કરીને હ્રદયરાજને ફસાવવામાં આવ્યો છે. અને અમારી પાસે એ કોલના રેકોર્ડિંગ્સ છે."
આ સાંભળીને હ્રદયરાજના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને સમજાયું કે તેની પોતાની માતાએ રેવા પ્રત્યેની ઈર્ષામાં ને ઈર્ષામાં તેના જ દીકરાનું કરિયર અને ઈજ્જત દાવ પર લગાવી દીધી હતી.
શંકરસિંહ સીડીઓ ઉતરીને આવ્યા. તેમની આંખો લોહી જેવી લાલ હતી. તેમણે પોલીસને કહ્યું, "તમે તમારું કામ કરો ઇન્સ્પેક્ટર. જો આ ઘરના કોઈ સભ્યએ પાપ કર્યું હોય, તો તેની સજા મળવી જ જોઈએ."
પોલીસ હ્રદયરાજને હાથકડી પહેરાવીને લઈ ગઈ. એક આલીશાન હવેલીનો યુવા નેતા, જે રાજ્યનો ભાવિ મુખ્યમંત્રી મનાતો હતો, તે આજે પોતાની માં ના અહંકારને કારણે જેલના સળિયા પાછળ જઈ રહ્યો હતો.
મીના બા ત્યાં જ જમીન પર બેસી ગયા. તેમના મોઢામાંથી પાનનો લાલ રસ લાળ બનીને ટપકવા લાગ્યો. "મેં... મેં તો ખાલી રેવાને કાઢવા માટે જ ઝાલાના માણસોની મદદ લીધી હતી. મને નહોતી ખબર કે એ લોકો હ્રદયને પકડાવશે."
શંકરસિંહ મીના બાની નજીક ગયા. તેમણે મીના બાના વાળ પકડ્યા અને તેમને જોરથી ઝીંક્યા. "તેં તારા દીકરાને વેચી માર્યો મીના! તારી ઈર્ષા આટલી હદ સુધી વધી ગઈ કે તેં ઘરના ચિરાગને જ હોલવી નાખ્યો? તારા આ પાન ખાઈને ગમે ત્યાં પિચકારી મારવાના સ્વભાવે આજે આપણા કુળની આબરૂ પર પિચકારી મારી છે."
આ ભૂકંપની અસર માત્ર હવેલી પૂરતી સીમિત નહોતી. બહાર મીડિયાનો જમાવડો હતો. હ્રદયરાજની ધરપકડના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા. શંકરસિંહને સમજાયું કે હવે આ ડૂબતી નૈયાને માત્ર એક જ વ્યક્તિ બચાવી શકે છે—રેવા બા.
પણ રેવા ક્યાં હતી? શું તે પાછી આવશે? કે પછી આ બધું તેનો જ કોઈ માસ્ટરપ્લાન હતો?
શંકરસિંહે ધ્રૂજતા હાથે રેવાને ફોન જોડ્યો. બીજી તરફ રેવાએ ફોન ઉપાડ્યો. તેનો અવાજ શાંત હતો, પણ તેમાં એક પ્રકારની જીતની રણક હતી.
"બાપુ, શતરંજની રમત હવે મધ્યવર્તી વળાંક પર પહોંચી છે. મીના બાને કહી દેજો કે હવે જેલના સળિયા ગણવાની તૈયારી રાખે, કારણ કે હ્રદયરાજને બહાર કાઢવા માટે મારે અસલી ગુનેગારનું નામ પોલીસને આપવું પડશે."
મીના બાએ આ સાંભળ્યું અને પહેલીવાર તેમના અહંકારી ચહેરા પર મોતનો ફાળ પડ્યો. તેમને સમજાઈ ગયું કે રેવાએ તેમને તેમની જ ચાલમાં ફસાવી દીધા હતા.
હવેલીના હોલમાં મીના બા એકલા ખૂણામાં બેઠા હતા. તેમના હાથમાં રહેલું પાનનું ડબલું આજે ધ્રૂજી રહ્યું હતું. પોલીસ હ્રદયરાજને લઈ ગઈ તેને પાંચ કલાક વીતી ગયા હતા. મીડિયામાં હ્રદયરાજની ધરપકડના સમાચાર ‘બ્રેકિંગ ન્યૂઝ’ બનીને ચાલી રહ્યા હતા.
બરાબર ત્યારે જ હવેલીના મુખ્ય દ્વાર પર એક સફેદ લક્ઝરી ગાડી આવીને ઉભી રહી. ગાડીમાંથી રેવા બા નીચે ઉતર્યા. પણ આ વખતે તેમના ચહેરા પર પેલી નમ્ર વહુ નહોતી. તેમણે ડાર્ક બ્લુ રંગનો પ્રોફેશનલ સૂટ પહેર્યો હતો, આંખો પર કાળા ચશ્મા હતા અને હાથમાં એક બ્રીફકેસ હતી.
રેવા જેવી અંદર પ્રવેશી, મીના બા તેની સામે દોડ્યા. "રેવા! મારી દીકરી, મારા હ્રદયને બચાવી લે! મારાથી ભૂલ થઈ ગઈ. મેં પેલા વિક્રમ ઝાલાની વાતમાં આવીને બધું બગાડી નાખ્યું."
રેવાએ ઉભા રહીને મીના બાના ચહેરા સામે જોયું. પછી અત્યંત શાંતિથી પોતાના ચશ્મા ઉતાર્યા. "ભૂલ? ના બા, આ ભૂલ નથી, આ તમારો અહંકાર હતો. જેણે તમને એટલા આંધળા કરી દીધા કે તમે તમારા જ દીકરાનું ભવિષ્ય વેચી માર્યું."
"હું તારા પગે પડું વહુ, પણ હ્રદયને બહાર લાવ!" મીના બા ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા. તેમના મોઢામાંથી નીકળતો પાનનો લાલ રસ તેમના ધોળા લૂગડાં પર પડી રહ્યો હતો, જે જાણે તેમના ચરિત્ર પર લાગેલા ડાઘ સમાન દેખાતો હતો.
રેવા બાએ બ્રીફકેસ ખોલી અને ટેબલ પર કેટલાક કાગળો મૂક્યા. "આ જુઓ બાપુ," તેમણે શંકરસિંહ તરફ જોઈને કહ્યું, "હ્રદયરાજને ફસાવવા માટે જે પુરાવા ઉભા કરવામાં આવ્યા છે, તે મેં પહેલેથી જ ટ્રેક કરી લીધા હતા. મેં હ્રદયને બચાવવા માટે હાઈકોર્ટમાંથી જામીનના ઓર્ડર મેળવી લીધા છે. પણ એક શરત છે."
"શું શરત છે?" શંકરસિંહે પૂછ્યું.
રેવાએ મીના બા તરફ આંગળી ચીંધી. "હવેથી આ ઘરની દરેક ચાવી, દરેક તિજોરી અને દરેક સત્તા મારા હાથમાં રહેશે. મીના બા હવેથી માત્ર આ ઘરના એક એવા ખૂણામાં રહેશે જ્યાંથી તેઓ બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક નહીં કરી શકે. અને સૌથી મહત્વની વાત... આ મોઢામાં પાન ખાઈને ગમે ત્યાં પિચકારી મારવાની ગંદી આદત હવે અહીં નહીં ચાલે."
મીના બાના અહંકારને આ સૌથી મોટો ફટકો હતો. પણ પોતાની જાતને જેલથી બચાવવા અને દીકરાને પાછો મેળવવા તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો.
સાંજે હ્રદયરાજ જેલમાંથી છૂટીને ઘરે આવ્યો. તે આખો તૂટી ગયો હતો. જેવો તે ઘરમાં પ્રવેશ્યો, તે સીધો જ રેવાના પગમાં બેસી ગયો. "રેવા, મને માફ કરી દે. મેં મારી માં ના અંધપ્રેમમાં તારા સમર્પણને ન ઓળખ્યું."
રેવાએ તેને ઊભો કર્યો અને તેની આંખોમાં જોયું. એ રાત્રે બંને વચ્ચેનો પ્રેમ અને વિશ્વાસ ફરી જાગ્યો. હ્રદયરાજને સમજાઈ ગયું કે રેવા વગર તે માત્ર એક મૂર્તિ છે, અસલી પ્રાણ તો રેવા જ છે.
રાત્રિના અંધકારમાં, જ્યારે આખું ઘર શાંત હતું, ત્યારે રેવા મીના બાના રૂમમાં ગઈ. મીના બા અંધારામાં બેઠા હતા. રેવાએ રૂમની લાઈટ ચાલુ કરી અને મીના બાના હાથમાં રહેલું પાનનું ડબલું ઝૂંટવી લીધું.
"આ શતરંજની અડધી રમત પૂરી થઈ છે બા," રેવાએ ધીમેથી કહ્યું, "તમે મને ઘરની બહાર કાઢી હતી ને? હવે હું તમને તમારી જ આલીશાન જેલમાં કેદ કરીશ. આવતીકાલથી તમારી અસલી સજા શરૂ થશે."
મીના બાની આંખોમાં પહેલીવાર મોતનો ભય દેખાયો. શતરંજનો પાસો હવે પૂરી રીતે ઉલટો પડી ચૂક્યો હતો.
#MansiDesaiShastriNiVartao
#માનસીદેસાઈશાસ્ત્રીનીવાર્તાઓ
#Aneri
#SuspensethrillerStory
#Booklover
#Storylover
#Viralstory