Sanatan Dharmni Vaato - 19 in Gujarati Mythological Stories by Siddharth Maniyar books and stories PDF | સનાતન ધર્મની વાતો - ભાગ 19 - અર્થતંત્રનો અરીસો

Featured Books
Categories
Share

સનાતન ધર્મની વાતો - ભાગ 19 - અર્થતંત્રનો અરીસો

રામરાજ્યની 'તિજોરી'થી લઈને મોદી સરકારના 'ડિજિટલ વહીખાતા' સુધીની રોચક સફર

૧લી ફેબ્રુઆરીએ નાણામંત્રીએ સંસદમાં બજેટ રજૂ કર્યું છે, ત્યારે ચાલો જાણીએ કે આપણા ઋષિમુનિઓ અને મહારાજાઓ અર્થવ્યવસ્થા કેવી રીતે સંભાળતા?

શું આજના ટેક્સ અને મોંઘવારીના ઉકેલો આપણા શાસ્ત્રોમાં છે?

ગઈકાલે ૧લી ફેબ્રુઆરીનો દિવસ ભારત માટે ખૂબ જ મહત્વનો છે. આ દિવસે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દેશનું વાર્ષિક બજેટ રજૂ કરાયું છે. ટીવી પર આંકડાઓની માયાજાળ રચાઈ, નવી જાહેરાતો, જૂની સ્કીમમાં ફેરફાર સહિતની વાતો રજૂ થઇ હતી. પણ શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છેકે, હજારો વર્ષ પહેલાં જ્યારે ભારતમાં ભગવાન રામનું રાજ્ય હતું, જ્યારે પાંડવોનું શાસન હતું કે, પછી જ્યારે દેશમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ જેવા રાજવીઓ હતા, ત્યારે બજેટ કેવું હતું?

ઘણા લોકોને એમ લાગે છેકે બજેટ, ટેક્સ, જીડીપી અને મહેસૂલ જેવા શબ્દો અંગ્રેજો આવ્યા પછી આપણે શીખ્યા. પરંતુ આ માન્યતા તદ્દન ખોટી છે. ભારત તો હજારો વર્ષોથી સોને કી ચીડિયા કહેવાતું હતું. જો આપણી પાસે શ્રેષ્ઠ આર્થિક વ્યવસ્થા ન હોત, તો આપણે આટલા સમૃદ્ધ ન હોત. આજે આપણે ઈતિહાસના એ સુવર્ણ પાનાઓ ઉથલાવીને જોઈએ કે આપણો સનાતન ધર્મ અને આપણો ઇતિહાસ પૈસાના મેનેજમેન્ટ વિશે શું શીખવે છે.

રામાયણ : ભગવાન રામનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ

વાલ્મીકિ રામાયણ માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પણ રાજ્ય કેમ ચલાવવું તેનું મેન્યુઅલ છે. જ્યારે ભગવાન રામ વનવાસમાં હતા, ત્યારે તેમના નાના ભાઈ ભરત તેમને મળવા માટે જંગલમાં જાય છે. આ પ્રસંગને આપણે ભરત મિલાપ કહીએ છીએ. પણ ત્યાં લાગણીના દ્રશ્યો પૂરા થયા પછી, ભગવાન રામ એક મોટા ભાઈ અને રાજા તરીકે ભરતને રાજ્યની આવક-જાવક વિશે જે પ્રશ્નો પૂછે છે, તે આજે પણ કોઈ પણ નાણામંત્રી માટે ગાઈડલાઈન બની શકે તેમ છે. અયોધ્યાકાંડના ૧૦૦માં સર્ગમાં રામ ભરતને પૂછે છે, હે ભરત, શું તારી આવક તારા ખર્ચ કરતા વધારે છે ને? શું તું ઓછી મહેનતે વધુ ફળ આપે તેવી યોજનાઓ પર કામ કરે છે ને? ક્યાંક તારો ખજાનો બિનજરૂરી મોજશોખમાં તો વપરાઈ નથી જતો ને?

વિચારો, રામ ભગવાને હજારો વર્ષ પહેલાં ડેફિસિટ બજેટ એટલે કે ખાધવાળું બજેટ ના બનાવવાની સલાહ આપી હતી. રામરાજ્યનો નિયમ હતો કે, જો રાજાની આવક ૧૦૦ રૂપિયા હોય, તો ખર્ચ ૮૦ કે ૯૦ રૂપિયા જ હોવો જોઈએ. બાકીના ૧૦ રૂપિયા દુષ્કાળ કે યુદ્ધ જેવી આપત્તિ માટે બચાવવા જોઈએ. આજે પણ મોદી સરકાર જ્યારે ફિસ્કલ ડેફિસિટ ઘટાડવાની વાત કરે છે, ત્યારે તે રામરાજ્યના આ જ સિદ્ધાંતનું પાલન કરે છે. રામ ભગવાને એમ પણ કહ્યું હતું કે, રાજ્યના પગારદાર કર્મચારીઓને સમયસર પગાર મળવો જોઈએ, જો પગાર મોડો થાય તો ભ્રષ્ટાચાર વધે. આ વાત આજે પણ એટલી જ લાગુ પડે છે.

મહાભારત : ભીષ્મ પિતામહનો મધમાખી અને ગાયનો સિદ્ધાંત

મહાભારતના શાંતિ પર્વમાં જ્યારે ભીષ્મ પિતામહ બાણશય્યા પર હતા, ત્યારે યુધિષ્ઠિરે તેમને પૂછ્યું હતું કે, દાદા, રાજાએ પ્રજા પાસેથી ટેક્સ એટલે કે કર કેવી રીતે લેવો જોઈએ? ત્યારે ભીષ્મ પિતામહે બે અદભુત ઉદાહરણો આપ્યા હતા, જે આજના જીએસટી અને ઇન્કમટેક્સના અધિકારીઓએ સમજવા જેવા છે.

પહેલું ઉદાહરણ મધમાખીનું હતું. ભીષ્મએ કહ્યું હતું કે, હે યુધિષ્ઠિર, જેમ મધમાખી ફૂલ પર બેસીને રસ ચૂસે છે, છતાં ફૂલને જરાય નુકસાન નથી થતું અને ફૂલ ખીલેલું રહે છે, તેમ રાજાએ પ્રજા પાસેથી ટેક્સ લેવો જોઈએ. મતલબ કે ટેક્સ એટલો બધો ન હોવો જોઈએ કે વેપારીનો ધંધો જ પડી ભાંગે.

બીજું ઉદાહરણ ગાયનું હતું. તેમણે કહ્યું હતું કે, જો તમારે ગાય પાસેથી દૂધ જોઈતું હોય, તો તેને રોજ સારું ઘાસ ખવડાવવું પડે. જો તમે ગાયનું ધ્યાન ન રાખો તો દૂધ ન મળે. આનો અર્થ એછેકે સરકારે વેપારીઓ અને ખેડૂતોને પહેલા સુવિધા આપવી પડે, રસ્તા અને પાણી આપવા પડે, તો જ સરકારને સામે ટેક્સની આવક થાય. આજની સરકાર જ્યારે ઉદ્યોગોને સબસિડી આપે છે કે ખેડૂતોને કિસાન સન્માન નિધિ આપે છે, ત્યારે તે આ ગાય વાળા સિદ્ધાંતનું જ પાલન કરે છે.

આચાર્ય ચાણક્ય : ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બજેટ

આજથી ૨૩૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા આચાર્ય ચાણક્યને ભારતના સૌથી મોટા અર્થશાસ્ત્રી માનવામાં આવે છે. તેમણે પોતાના પુસ્તક કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં તેમણે લખ્યું છેકે, ધર્મનું મૂળ અર્થ એટલે કે પૈસો છે. જો સરકાર પાસે પૈસો નહીં હોય તો તે ગરીબોનું કલ્યાણ નહીં કરી શકે.

ચાણક્યએ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખાગત સુવિધા પર સૌથી વધુ ભાર મૂક્યો હતો. તેમનું માનવું હતું કે, રાજાએ નવા રસ્તાઓ, વ્યાપારી માર્ગો અને જળાશયો બનાવવા જોઈએ. જો રસ્તા સારા હશે તો વેપાર વધશે અને વેપાર વધશે તો તિજોરી ભરાશે. આજે નિતિન ગડકરી જ્યારે દેશભરમાં હાઈવે અને એક્સપ્રેસ-વે બનાવી રહ્યા છે, ત્યારે તે ચાણક્યની નીતિનું જ આધુનિક સ્વરૂપ છે. ચાણક્યએ એમ પણ કહ્યું હતું કે, સરકારી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને તિજોરી ખાલી ન કરી નાખે તે માટે કડક ઓડિટ થવું જોઈએ.

રજવાડાઓનો સુવર્ણકાળ : વડોદરા અને ગોંડલનું સ્માર્ટ બજેટ

આઝાદી પહેલાંના ભારતના રજવાડાઓનું બજેટ મેનેજમેન્ટ જોઈને અંગ્રેજો પણ દંગ રહી જતા હતા. ચાલો ગુજરાતના બે શ્રેષ્ઠ ઉદાહરણો જોઈએ.

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ : સયાજીરાવ મહારાજને ખબર હતી કે જો પ્રજા ભણેલી હશે તો જ રાજ્યની પ્રગતિ થશે. એટલે તેમણે પોતાના બજેટનો સૌથી મોટો હિસ્સો શિક્ષણ અને પુસ્તકાલય પાછળ ખર્ચ્યો. તેમણે ૧૦૦ વર્ષ પહેલાં વડોદરામાં મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કર્યું હતું. આજે આપણી સરકાર જે નવી શિક્ષણ નીતિ લાવી રહી છે અને શિક્ષણ બજેટ વધારી રહી છે, તેનો પાયો સયાજીરાવે નાખ્યો હતો.

ગોંડલના મહારાજા ભગવતસિંહજી : ગોંડલ સ્ટેટનું બજેટ એટલું સચોટ હતું કે, મહારાજાએ ટેક્સ ભરવા માટે પ્રજા પર ક્યારેય દબાણ નહોતું કર્યું. તેમણે બજેટના પૈસામાંથી ગોંડલમાં અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, પાકા રસ્તા અને વીજળીની સુવિધા આપી હતી. તેમનો નિયમ હતો કે પ્રજાના પૈસા પ્રજાની સુખાકારી માટે જ વપરાવા જોઈએ, રાજાના મોજશોખ માટે નહીં. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી પણ દુષ્કાળના સમયે પોતાની ખાનગી તિજોરી ખુલ્લી મૂકી દેતા હતા.

આજનું બજેટ અને સનાતન મૂલ્યો

હવે વાત કરીએ ૧લી ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટની. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કયું, ત્યારે તેમાં આપણા આ સનાતન સંસ્કારોનું પ્રતિબિંબ જોવા મળ્યું હતું.

સબકા સાથ, સબકા વિકાસ : આ સૂત્ર ઋગ્વેદના મંત્ર સંગચ્છધ્વં એટલે કે સાથે ચાલો, સાથે પ્રગતિ કરો પરથી પ્રેરિત છે. બજેટમાં ગરીબ, મહિલા, યુવા અને ખેડૂત - આ ચારેય વર્ગોનું ધ્યાન રાખવામાં આવ્યા હતા.

આત્મનિર્ભર ભારત : આપણે વિદેશી વસ્તુઓ પર આધાર ન રાખીએ અને ભારતમાં જ વસ્તુઓ બનાવીએ, તે વિચાર ગાંધીજીના સ્વદેશી આંદોલન અને વેદોના સ્વાવલંબન સાથે જોડાયેલો છે. આ વખતના બજેટમાં મેક ઈન ઈડિયા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

સંરક્ષણ બજેટ : આપણા શાસ્ત્રો કહે છેકે, શસ્ત્રેણ રક્ષિતે રાષ્ટ્રે, શાસ્ત્ર ચિંતા પ્રવર્તતે એટલે કે જ્યાં શસ્ત્રોથી રાષ્ટ્ર સુરક્ષિત છે, ત્યાં જ શાસ્ત્રો અને વિકાસની વાત થઈ શકે. તેથી સેનાને મજબૂત કરવા માટે બજેટમાં મોટી રકમ ફાળવવી એ આપણો ક્ષાત્રધર્મ છે.

આમ, બજેટ એ માત્ર આંકડાઓની રમત નથી. તે આપણી હજારો વર્ષ જૂની પરંપરાનો એક ભાગ છે. રામરાજ્યની કરકસર, મહાભારતની ન્યાયી કરવેરા પદ્ધતિ, ચાણક્યની વિકાસલક્ષી નીતિ અને રજવાડાઓની પ્રજા - કલ્યાણની ભાવના - આ બધાનો સરવાળો એટલે એક આદર્શ ભારતીય બજેટ. આશા રાખીએ કે, ગઈકાલે રજૂ થયેલું બજેટ પણ રામરાજ્યની દિશામાં એક મજબૂત ડગલું બની રહે અને દરેક ભારતીયના ઘરની તિજોરીમાં સમૃદ્ધિ લાવે.