સત્યનું મહામંથન : રામાયણના વણઉકેલ્યા રહસ્યો
શું આપણી માયથોલોજી ખરેખર ભારતની સત્યલોજી છે?
આપણો ભારત દેશ માત્ર જમીનનો ટુકડો નથી, પણ તે અનેક યુગોના જ્ઞાન અને રહસ્યોનો સંગ્રહ છે. આપણે વર્ષોથી રામાયણ અને મહાભારતને વાર્તા સ્વરૂપે સાંભળતા આવ્યા છીએ, પણ શું ક્યારેય તે ઘટનાઓ પાછળના વિજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કર્યો છે? તાજેતરમાં પ્રસિદ્ધ પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાના શો ટીઆરએસ પર જાણીતા લેખક અક્ષત ગુપ્તાએ રામાયણ અને સનાતન ધર્મ વિશે જે ચોંકાવનારા ખુલાસા કર્યા છે, તેણે આધુનિક તર્કવાદીઓને પણ વિચારતા કરી દીધા છે. તેમના મતે, આપણે જેને માયથોલોજી કહીએ છીએ તે વાસ્તવમાં સત્યલોજી છે.
રાવણનું અસલી ચિત્રણ : માત્ર એક ભૂલ કે પાપોની પરંપરા?
આજના સમયમાં સોશિયલ મીડિયા અને પોપ-કલ્ચર દ્વારા રાવણને જે રીતે રજૂ કરવામાં આવે છે, અક્ષત ગુપ્તા તેની સામે પ્રશ્ન ઉઠાવે છે. ઘણા લોકો માને છેકે, રાવણ એક પરમ જ્ઞાની પંડિત હતો અને તેણે માત્ર સીતાજીના હરણની જ ભૂલ કરી હતી. પરંતુ અક્ષત ગુપ્તા આ છબીનું ખંડન કરતા જણાવે છેકે, રાવણે માત્ર એક ભૂલ નહોતી કરી. તે સ્ત્રીઓનો સન્માન કરનાર નહોતો, પણ તેણે અસંખ્ય યુવતીઓનું અપહરણ કર્યું હતું અને અનેક પાપો કર્યા હતા.
રાવણના દસ માથા એ તેની કોઈ શારીરિક વિશેષતા કે બુદ્ધિના પ્રતીક નહોતા, પણ તેની દસ મોટી ખામીઓનું પ્રદર્શન હતું. જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર હતા. આ દસેય વિકારો રાવણમાં ચરમસીમાએ હતા. રાવણનો વધ એ કોઈ સામાન્ય યુદ્ધ નહોતું, પણ જ્યારે તેના પાપનો ઘડો છલકાઈ ગયો, ત્યારે ભગવાન વિષ્ણુએ રામ અવતાર લઈને સૃષ્ટિનું સંતુલન જાળવવા તેનો સંહાર કરવો પડ્યો હતો.
હનુમાનજી : વિજ્ઞાન અને આદ્યાત્મનું સર્વોચ્ચ શિખર
હનુમાનજી વિશેની વાતોમાં અક્ષત ગુપ્તાએ વિજ્ઞાનના સજ્જડ પુરાવા આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, હનુમાન ચાલીસાની પંક્તિ જુગ સહસ્ર જોજન પર ભાનુમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરની જે ગણતરી આપી છે, તે આધુનિક વિજ્ઞાન અને નાસાની ગણતરીની અત્યંત નજીક છે. આપણા ઋષિઓ આ ગણિત હજારો વર્ષ પહેલાં જાણતા હતા, જે સાબિત કરે છે કે તે સમયે આપણું ખગોળ વિજ્ઞાન કેટલું ઉન્નત હતું.
આ ઉપરાંત, તેમણે વાનર સેના વિશેની ગેરસમજ દૂર કરતા સમજાવ્યું હતું કે, તે માત્ર સામાન્ય વાંદરાઓ નહોતા. કપી એ તે સમયની એક અદ્યતન માનવ જેવી પ્રજાતિ હતી, જે હોમો-સેપિયન્સ કરતા અલગ અને શારીરિક રીતે અત્યંત શક્તિશાળી હતી. હનુમાનજી, બાલી અને સુગ્રીવ તે કપી ક્લેનના સભ્ય હતા. હનુમાનજી પાસે અણિમા અને મહિમા જેવી આઠ સિદ્ધિઓ હતી, જેના દ્વારા તેઓ પોતાનું કદ વધારી કે ઘટાડી શકતા હતા.
આત્માની સફર અને મોક્ષનું ગૂઢ રહસ્ય
પોડકાસ્ટમાં સૌથી ગંભીર ચર્ચા આત્મા વિશે થઈ છે. અક્ષત ગુપ્તા જણાવે છેકે, મોક્ષ અને આત્મા એ માત્ર ધાર્મિક શબ્દો નથી, પણ એક જટિલ બ્રહ્માંડિય વ્યવસ્થા છે. તેમણે આત્માની ઉંમરનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે, ક્યારેક આપણને લાગે કે કોઈ નાનું બાળક ખૂબ જ ગંભીર અને સમજદાર છે અથવા કોઈ ૭૦ વર્ષની વ્યક્તિ અત્યંત બાળક જેવી ચેષ્ટા કરે છે. આનું કારણ તે વ્યક્તિના આત્માની ઉંમર અને તેના પૂર્વજન્મના સંસ્કારો છે. આત્મા એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે અને જ્યાં સુધી તેના કાર્મિક બંધનો પૂરા ન થાય ત્યાં સુધી તે ભટકતી રહે છે. સાચો મોક્ષ એ જ છે જ્યારે આત્મા આ જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત થાય.
યુગોનું ગણિત અને માનવજાતનું અધઃપતન
સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે વિજ્ઞાનના કારણે માનવજાત પ્રગતિ કરી રહી છે, પણ સનાતન ધર્મ મુજબ આપણે નૈતિક અને આધ્યાત્મિક રીતે અધઃપતન તરફ જઈ રહ્યા છીએ. સતયુગ યુગમાં સત્ય સર્વોપરી હતું. દેવતાઓ અને દાનવો વચ્ચે સ્પષ્ટ ભેદ હતો અને પાપ પૃથ્વીની સીમાની બહાર હતું. ત્રેતા યુગમાં પાપ પૃથ્વી પર આવ્યું, પણ તે અલગ ભૌગોલિક ખંડ (રાવણની લંકા) માં સીમિત હતું. દ્વાપર યુગમાં પાપ મનુષ્યના પરિવાર સુધી પહોંચ્યું. કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ એ એક જ લોહીના લોકો વચ્ચેનો સંઘર્ષ હતો. જ્યારે કળિ યુગમાં હવે પાપ દરેક વ્યક્તિની અંદર એટલે કે આપણા ડીએનએમાં પ્રવેશી ચૂક્યું છે. આજે આપણે જાણીએ છીએ કે શું ખોટું છે, છતાં અંગત લાભ માટે તે પાપ કરીએ છીએ.
પ્રાચીન સર્જરી અને ગુરુત્વાકર્ષણનું સત્ય
અક્ષત ગુપ્તાએ ભારતની પ્રાચીન ટેકનોલોજીના એવા પુરાવા આપ્યા જે સાંભળીને આધુનિક જગત દંગ રહી જાય છે. ફાધર ઓફ સર્જરી વિષે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મહર્ષિ સુશ્રુતે ઈ.સ. પૂર્વે હજારો વર્ષ પહેલાં પ્લાસ્ટિક સર્જરી અને જટિલ શસ્ત્રક્રિયાઓ કરી હતી. તે સમયે તેઓ યુદ્ધમાં ઘાયલ સૈનિકોના અંગોનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરતા હતા. વધુમાં તેમણે ગુરુત્વાકર્ષણ બળ વિષે જણાવ્યું હતું કે, આપણને ન્યૂટન વિશે ભણાવવામાં આવે છે, પણ હકીકતમાં ન્યૂટન પહેલાં ઈ.સ. ૬૬૮માં બ્રહ્મગુપ્ત અને ૧૧૫૦માં ભાસ્કરાચાર્યે સ્પષ્ટપણે ‘ગુરુત્વાકર્ષણ’ શબ્દ અને તેના પાયાના સિદ્ધાંતો સમજાવ્યા હતા.
તેમણે વિમાન શાસ્ત્ર વિષે જણાવતા કહ્યું હતું કે, પ્રાચીન વિમાન પુરાણમાં પારો એટલે કે મરકયુરીના ઉપયોગથી ઉડતા વિમાનોની આખી ડિઝાઇન છે. જેમાં જેટ બૂસ્ટર અને પ્રોપેલર્સ જેવી ટેકનોલોજીનો ઉલ્લેખ છે, જે આજે નાસા માટે પણ સંશોધનનો વિષય છે.
અંકશાસ્ત્રમાં ૯ અને ૧૦૮નું જાદુઈ ગણિત
સનાતન ધર્મમાં કોઈ પણ આંકડો અમથો નથી. અક્ષત ગુપ્તા જણાવે છેકે, ૯એ બ્રહ્માંડનો પૂર્ણ અંક છે. નવરાત્રીના ૯ દિવસ, ૯ ગ્રહ, ૯ રત્ન, ૯ રસ અને ગર્ભાવસ્થાના ૯ મહિના. આ બધું જ ગણિત સાથે જોડાયેલું છે. ભૂમિતિમાં પણ વર્તુળ એટલે કે ૩૬૦ ડિગ્રી કે તેના ગમે તેટલા ભાગ કરો એટલે ૧૮૦, ૯૦ અને ૪૫ અંશ થાય. તેના અંકોનો સરવાળો હંમેશા ૯ થાય છે. તેવી જ રીતે માળાના ૧૦૮ મણકા કે મહાભારત યુદ્ધના ૧૮ દિવસ. આ બધું જ પ્રકૃતિના ગૂઢ ગણિત તરફ નિર્દેશ કરે છે.
પરશુરામ: યુગોને જોડતી કડી
ભગવાન પરશુરામ એવા અનોખા પાત્ર છે જે ત્રેતા, દ્વાપર અને કળિયુગ ત્રણેયમાં હાજર છે. તે ભગવાન વિષ્ણુના અવતાર પણ છે અને સાત ચિરંજીવીઓમાંના એક પણ છે. તેમણે ૨૧ વખત પૃથ્વીને અત્યાચારી ક્ષત્રિયોથી મુક્ત કરી હતી. તેમણે જ જનક રાજાને પિનાકા ધનુષ આપ્યું હતું, જે રામે તોડ્યું હતું. મહાભારત કાળમાં પણ તેમણે જ ભીષ્મ પિતામહ, કર્ણ અને દ્રોણાચાર્યને યુદ્ધની કળા શીખવી હતી. એવું મનાય છેકે, તે આજે પણ મહેન્દ્ર પર્વત પર તપસ્યા કરી રહ્યા છે અને કલ્કિ અવતાર સમયે ફરી પ્રગટ થશે.
જ્ઞાનના મૂળ તરફ પાછા વળવું પડશે
અક્ષત ગુપ્તાનો પોડકાસ્ટ આપણને એક જ સંદેશ આપે છેકે, આપણે આપણી સંસ્કૃતિ અને ભાષાઓ ખાસ કરીને સંસ્કૃતથી દૂર જઈ રહ્યા છીએ, તેથી જ આપણે બૌદ્ધિક રીતે નબળા પડી રહ્યા છીએ. જ્યારે આપણે આપણા જ પૂર્વજોની ભાષા વાંચી શકતા નથી, ત્યારે આપણે તેમના જ્ઞાનનો લાભ કેવી રીતે લઈ શકીએ? જો આપણે ફરીથી જગતગુરુ બનવું હોય, તો આપણે આ સત્યલોજીને સમજવી પડશે. રામાયણ એ માત્ર ભૂતકાળ નથી, પણ ભવિષ્ય માટેનું માર્ગદર્શન છે.