એક એવું મંદિર જ્યાં વિજ્ઞાન ઘૂંટણ ટેકે છે અને આસ્થાનું અદ્રશ્ય સામ્રાજ્ય શરૂ થાય છે
૫૦૦ વર્ષ જૂની ભવિષ્ય માલિકાની ભયાનક આગાહીઓ
કલ્કિ અવતારનું ગુપ્ત જોડાણ અને જગન્નાથ પુરી મંદિરના રહસ્યો જે આધુનિક એન્જિનિયરિંગ માટે પણ એક કોયડો છે
ભારતવર્ષની પવિત્ર ભૂમિ પર એવા અનેક તીર્થસ્થાનો છે જે માત્ર શ્રદ્ધાના કેન્દ્રો નથી, પણ અનંત રહસ્યોના ગઢ છે. આ યાદીમાં સૌથી મોખરે અને અગ્રેસર નામ એટલે ઓડિશાનું જગન્નાથ પુરી. આધુનિક વિજ્ઞાન આજે મંગળ અને ચંદ્ર સુધી પહોંચી ગયું છે, પરંતુ જગન્નાથ મંદિરના ગુંબજ નીચે ઘટતી ઘટનાઓના તાર્કિક જવાબો આજે પણ કોઈ વિજ્ઞાની પાસે નથી. તાજેતરમાં પ્રસિદ્ધ હેરિટેજ એક્સપ્લોરર સૂર્યા રોયે જગન્નાથ સંસ્કૃતિના એવા ગૂઢ પાસાઓ ઉજાગર કર્યા છે, જે સાંભળીને ભલભલા તર્કવાદીઓ પણ વિચારતા થઈ જાય. ચાલો, આજના આ વિશેષ લેખમાં આપણે પુરીના એવા સત્યો વિશે વિસ્તારપૂર્વક જાણીએ જે સામાન્ય રીતે લોકોની જાણ બહાર છે.
ભવિષ્ય માલિકા : શું વિનાશના સંકેતો શરૂ થઈ ગયા છે?
જગન્નાથ પુરી સાથે જોડાયેલી સૌથી રહસ્યમય બાબત એટલે ભવિષ્ય માલિકા. સૂર્યા રોય સ્પષ્ટતા કરે છે કે માલિકા કોઈ એક પુસ્તક નથી, પણ ઓડિશાના પાંચ મહાન સિદ્ધ સંતો પંચસખા દ્વારા તાડપત્રો પર લખાયેલી ૧૮,૦૦૦થી પણ વધુ હસ્તપ્રતોનો સમૂહ છે. આ આગાહીઓ આજથી ૫૦૦ વર્ષ પહેલાં કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એછેકે, તેમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિભાજન અને તેમના ભવિષ્ય વિશે અગાઉથી જ લખી દેવામાં આવ્યું હતું, જે આજે સત્ય સાબિત થયું છે.
માલિકામાં લખાયેલું છેકે, જ્યારે ધરતી પર અધર્મ તેની પરાકાષ્ઠાએ હશે, ત્યારે ભગવાન જગન્નાથ પોતે આ ભવ્ય મંદિર છોડીને અન્યત્ર પ્રસ્થાન કરશે. સૂર્યા રોય જણાવે છેકે, જ્યારે પણ મંદિરના શિખર પર ગીધ કે બાજ જેવા પક્ષીઓ બેસે છે, ત્યારે દેશમાં કોઈ મોટી હોનારત આવે છે. જનરલ બિપિન રાવતની દુર્ઘટનાના બે દિવસ પહેલા અને કોવિડની બીજી લહેર પહેલા પણ આવા પક્ષીઓ મંદિર પર જોવા મળ્યા હતા. શું આ કુદરતના સંકેતો છે? ભવિષ્ય માલિકા મુજબ, આવનારા સમયમાં સમુદ્રનું સ્તર વધશે અને પુરીનું મંદિર જળમગ્ન થશે.
છતિયા જગન્નાથ અને કલ્કિ અવતારનું જોડાણ
જ્યારે ભગવાન પુરી છોડશે ત્યારે ક્યાં જશે? આ પ્રશ્નનો ઉત્તર છતિયા જગન્નાથ મંદિરમાં છુપાયેલો છે. કટકથી જાજપુર જતાં રસ્તામાં આવતું આ મંદિર અનોખું છે. સામાન્ય રીતે વિશ્વભરના જગન્નાથ મંદિરોમાં ભગવાનનું કિમકાર સ્વરૂપ એટલે કે હાથ-પગ વગરનું હોય છે, પણ છતિયા મંદિરમાં દ્રશ્ય અલગ છે. અહીં ભગવાન હાથમાં તલવાર લઈને સફેદ ઘોડા પર સવાર છે.
આ સ્વરૂપ ભગવાન વિષ્ણુના દસમા અવતાર કલ્કિનું સૂચક છે. ભક્તો અને સંશોધકોનું માનવું છેકે, કળિયુગના અંતિમ સમયે ભગવાન અહીં પ્રગટ થશે અને અધર્મનો નાશ કરશે. આ મંદિરના પ્રાંગણમાં એક વિશાળ અર્ધનારીશ્વરની મૂર્તિ પણ છે, જે એટલી તેજસ્વી અને શક્તિશાળી છે કે તેની સામે ૧૦ સેકન્ડથી વધુ જોવું મુશ્કેલ છે.
નવકલેવર અને બ્રહ્મ પદાર્થનું અકલ્પનીય રહસ્ય
જગન્નાથ પુરીનું સૌથી મોટું રહસ્ય એટલે નવકલેવરની વિધિ. દર ૮, ૧૨ કે ૧૯ વર્ષે જ્યારે જ્યોતિષીય ગ્રહોનો મેળ બેસે છે ત્યારે ભગવાનની જૂની લાકડાની મૂર્તિઓને સમાધિ આપી નવી મૂર્તિઓ બનાવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન જૂની મૂર્તિના હૃદયમાંથી એક અત્યંત ગુપ્ત વસ્તુ કાઢીને નવી મૂર્તિમાં પધરાવવામાં આવે છે, જેને બ્રહ્મ પદાર્થ કહેવાય છે.
આ વિધિ એટલી પવિત્ર અને ખતરનાક છેકે, તે સમયે સમગ્ર પુરી શહેરની વીજળી ગુલ કરી દેવામાં આવે છે. જે પૂજારી આ પદાર્થનું સ્થળાંતર કરે છે તેમની આંખો પર સાત પડના પાટા બાંધવામાં આવે છે અને હાથ પર જાડા કપડાં વીંટાળવામાં આવે છે. કહેવાય છેકે, જો કોઈ આ પદાર્થને ખુલ્લી આંખે જોઈ લે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. ૧૯૭૮માં જ્યારે રત્નભંડારની છેલ્લી ગણતરી થઈ ત્યારે એક સુવર્ણકારે દાવો કર્યો હતો કે, ત્યાં એવા હીરા-માણેક છે જે પૃથ્વીના નથી, પણ અન્ય કોઈ લોકના હોય તેવું અદભૂત તેજ ધરાવે છે.
વિજ્ઞાનને પડકારતા પાંચ જીવંત ચમત્કારો
પુરી મંદિરનું સ્થાપત્ય એ પ્રાચીન ભારતના એન્જિનિયરિંગનો સર્વશ્રેષ્ઠ નમૂનો છે. જગન્નાથ પૂરી મંદિરના પાંચ એવા જીવંત રહસ્યો છે જે આજના આધુનિક યુગના સંશોધકો, વૈજ્ઞાનિકો અને એન્જીનીયર્સને પણ ચકિત કરી રહ્યા છે. જેમાં પ્રથમ છે, સૂર્ય ગમે તે દિશામાં હોય મુખ્ય મંદિરનો પડછાયો દિવસના કોઈપણ સમયે જમીન પર ક્યારેય પડતો નથી. જેની પાછળનું કારણ શોધવા માટે વિજ્ઞાનીકો દ્વારા અનેક પ્રયત્ન કરવામાં આવ્યા પણ કોઈ સફળતા હાથ લાગી નથી.
જે બાદ અન્ય રહસ્યમાં, જે ક્ષણે તમે મંદિરના સિંહદ્વારમાં પગ મૂકો છો, સમુદ્રના મોજાંનો ગર્જના કરતો અવાજ એકદમ બંધ થઈ જાય છે. બહાર નીકળતા જ ફરી અવાજ સંભળાય છે. તેમજ મંદિરની ઉપરથી ક્યારેય કોઈ પક્ષી ઉડતું નથી કે કોઈ વિમાન પસાર થતું નથી. તેને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે જેથી મંદિરના વાઇબ્રેશન જળવાઈ રહે. સામાન્ય રીતે પવન સમુદ્રથી જમીન તરફ વહે છે, પણ પુરીમાં પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે જ્યારે અંતિમ રહસ્યમાં મંદિરના શિખર પર આવેલું નીલ ચક્ર તમે શહેરના કોઈ પણ ખૂણેથી જુઓ, તે હંમેશા તમારી સામે જ દેખાશે. આ બધા જ રહસ્યો પાછળના સાચા કારણો કહો કે વૈજ્ઞાનિક તાર્કિક સિધ્ધાંત તેને શોધવામાં વૈજ્ઞાનિકો સફળ થઇ શક્ય નથી.
રામાયણ કાળની સંજીવની આજે પણ ઓડિશામાં છે?
સૂર્યા રોયે પોતાનો એક રોમાંચક અંગત અનુભવ શેર કર્યો હતો. ઓડિશાના અંતરિયાળ જંગલોમાં પ્રવાસ દરમિયાન તેમના નાના પુત્રને પગમાં ગંભીર ઈજા થઈ હતી અને લોહી વહી રહ્યું હતું. ત્યારે એક સ્થાનિક પંડિતજી જંગલમાંથી કોઈ ખાસ પાંદડા લાવીને તેનો લેપ લગાવ્યો. આશ્ચર્યજનક રીતે માત્ર અડધા કલાકમાં લોહી બંધ થઈ ગયું અને ઘા એવી રીતે રુઝાઈ ગયો જાણે કઈ થયું જ નહોતું! પંડિતજીએ જણાવ્યું હતું કે, આ વિશલ્યકરણી છે - એ જ ઔષધિ જેનો ઉલ્લેખ રામાયણમાં હનુમાનજી જ્યારે લક્ષ્મણજી માટે સંજીવની લેવા ગયા હતા ત્યારે થયો હતો. આ સાબિત કરે છેકે, આપણું પ્રાચીન આયુર્વેદિક વિજ્ઞાન આજે પણ ક્યાંક જીવંત છે.
નિષ્કર્ષ : વારસાને ઓળખવાની ઘડી
સૂર્યા રોય અંતે નવી પેઢીને એક જ સંદેશ આપે છેકે, આપણે આપણો ભવ્ય વારસો ભૂલી રહ્યા છીએ. જગન્નાથ પુરી એ માત્ર પથ્થર અને લાકડાનું બાંધકામ નથી, પણ તે એક જીવંત આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર છે. ૧૮ જેટલા પરદેશી આક્રમણો અને લૂંટફાટ છતાં આ મંદિર આજે પણ અડીખમ ઊભું છે, કારણ કે તેની રક્ષા કોઈ અદ્રશ્ય શક્તિ કરી રહી છે. આધુનિક યુગમાં સત્યને સમજવા માટે માત્ર મગજ નહીં, પણ હૃદયની અનુભૂતિની પણ જરૂર છે. પ્રભુના આ ગૂઢ રહસ્યો આપણને શીખવે છેકે, આપણી સંસ્કૃતિ કેટલી મહાન અને વૈજ્ઞાનિક છે.