ઇતિહાસનું પુનઃમંથન : આસ્થા, ચમત્કાર અને વાસ્તવિકતાની જિગ્સો પઝલનું અસલી સત્ય
શું ખરેખર હસ્તિનાપુરની સભામાં દ્રૌપદીની સાડી ખેંચાઈ હતી? પૌરાણિક પાત્રોના મૌન અને સંવાદોમાં છુપાયેલા ૩૦થી વધુ સજ્જડ પુરાવાઓનું વિશ્લેષણ
ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસનો પાયો જે ગ્રંથો પર ટકેલો છે તેમાં મહાભારત સર્વોપરી છે. મહાભારત એ માત્ર કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધની ગાથા નથી, પરંતુ તે માનવ મનોવિજ્ઞાન, રાજનીતિ અને ધર્મની જટિલતાઓનો અરીસો છે. આ મહાકાવ્યનું નામ લેતા જ આપણા મન પર અનેક દ્રશ્યો તરી આવે છે, પરંતુ જે દ્રશ્ય આપણને સૌથી વધુ વિચલિત અને ભાવુક કરી દે છે તે છે – દ્રૌપદી વસ્ત્રાહરણ.
આપણે બાળપણથી વાર્તાઓમાં સાંભળ્યું છે, ફિલ્મોમાં જોયું છે અને ટીવી સિરિયલોમાં અંકિત થયેલું જોયું છે કે કેવી રીતે દુશાસને ભરી સભામાં દ્રૌપદીની સાડી ખેંચી અને ભગવાન શ્રીકૃષ્ણએ અદૃશ્ય રીતે ચીર પૂરીને પાંડવ પત્નીની લાજ બચાવી. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છેકે, મૂળ વ્યાસ પ્રણીત મહાભારતમાં આ ઘટના ખરેખર કેવી રીતે વર્ણવવામાં આવી છે? તાજેતરમાં જાણીતા હેરિટેજ સંશોધક નિલેશ ઓકએ આ પ્રસંગનું જે તાર્કિક અને વૈજ્ઞાનિક વિશ્લેષણ રજૂ કર્યું છે, તે આપણી પરંપરાગત માન્યતાઓને એક નવા દ્રષ્ટિકોણથી જોવાની પ્રેરણા આપે છે.
મહાભારત : એક જિગ્સો પઝલ અને સંશોધનનો વિષય
નિલેશ ઓકે જણાવ્યું છેકે, મહાભારતને સમજવું એ જિગ્સો પઝલ ઉકેલવા જેવું છે. અહીં કોઈ એક પ્રસંગને સમજવા માટે માત્ર તે જ અધ્યાય પૂરતો નથી. સાચું સત્ય શોધવા માટે તમારે આખા મહાભારતના ૧૮ પર્વોમાં ફેલાયેલા પાત્રોના સંવાદો, તેમની વર્તણૂક અને પછીના સંદર્ભોને એકસાથે જોડીને જોવું પડે છે.
પુણેની પ્રતિષ્ઠિત ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે વિશ્વભરમાંથી મહાભારતની હજારો પ્રાચીન હસ્તપ્રતો એકઠી કરી અને વર્ષોના અભ્યાસ બાદ તેની ક્રિટિકલ એડિશન તૈયાર કરી છે. આ એડિશનમાં વિદ્વાનોએ એવા શ્લોકો અલગ તારવ્યા છે જે કદાચ હજારો વર્ષો દરમિયાન કોઈ લેખકોએ પોતાની શ્રદ્ધા કે કલ્પના મુજબ મૂળ કથામાં ઉમેર્યા હોય. દ્રૌપદી વસ્ત્રાહરણના પ્રસંગમાં પણ આવા જ બે ભિન્ન પ્રવાહો જોવા મળે છે.
બે વિરોધાભાસી પ્રવાહો: ભક્તિ કે વાસ્તવિકતા?
નિલેશ ઓક આ ઘટનાને બે સ્ટ્રીમ્સ અથવા પ્રવાહોમાં વહેંચે છે. તેમના મતે પ્રથમ પ્રવાહ એટલે ચમત્કારિક કથા. જેમાં તેઓ કહે છેકે, આ એ લોકપ્રિય કથા છે જે આજે ઘરે-ઘરે જાણીતી છે. જેમાં દુશાસન વસ્ત્ર ખેંચે છે, દ્રૌપદી લાચાર બનીને ગોવિંદા-ગોવિંદાની બૂમો પાડે છે અને ભગવાન કૃષ્ણ ચમત્કાર કરે છે. આશ્ચર્યની વાત એછેકે, આ વર્ણનમાં પણ વિરોધાભાસ છે. એક શ્લોક કહે છેકે, દ્રૌપદીએ જે વસ્ત્ર પહેર્યું હતું તેવા જ રંગના વસ્ત્રો નીકળ્યા, જ્યારે બીજો શ્લોક કહે છે કે રંગબેરંગી વસ્ત્રોનો ઢગલો થયો. આ પ્રકારના વિરોધાભાસ સૂચવે છેકે, આ શ્લોકો પાછળથી ભક્તિના ઉમળકામાં વાર્તાને વધુ પ્રભાવશાળી બનાવવા ઉમેરાયા હોઈ શકે છે.
જ્યારે નીલેશ ઓકના મતે બીજો પ્રવાહ એટલે વાસ્તવિક ઘટના. જેમાં તેઓ કહે છે કે, આ પ્રવાહ મુજબ, જ્યારે દુશાસન દ્રૌપદીના વસ્ત્રને હાથ લગાવવા માટે આગળ વધ્યો, ત્યારે સભામાં એક ભયાનક શાંતિ છવાઈ ગઈ હતી. એ સમયે પાંડવોમાં સૌથી બળવાન ભીમ ઊભો થયો અને તેણે કાળજું ધ્રુજાવી દે તેવી ગર્જના કરી. ભીમે પ્રતિજ્ઞા લીધી કે, જે હાથે તેં દ્રૌપદીના વસ્ત્રને સ્પર્શ કરવાની ધૃષ્ટતા કરી છે, તે હાથ હું ઉખાડી નાખીશ અને તારું લોહી પીશ. ભીમની એ રૌદ્ર શક્તિ અને તેની ભીષણ પ્રતિજ્ઞા સાંભળીને દુશાસન રીતસરનો ફફડી ઉઠ્યો હતો. ભીમનો ડર એટલો બધો હતો કે દુશાસન દ્રૌપદીના ચીર ખેંચવાની હિંમત જ કરી શક્યો નહોતો અને ડરના માર્યા બેસી ગયો હતો. વાસ્તવમાં દુશાસન ભીમથી ડરી ગયો હોવાથી ચીર ખેંચવાની પ્રક્રિયા ક્યારેય પૂર્ણ થઈ જ નહોતી.
કૃષ્ણ અને દ્રૌપદીના મૌન અને સંવાદો શું કહે છે?
નિલેશ ઓક સૌથી મોટો અને સચોટ પુરાવો મહાભારતના વન પર્વમાંથી આપે છે. જ્યારે પાંડવો જુગારમાં હારીને ૧૨ વર્ષના વનવાસમાં હતા અને ભગવાન શ્રીકૃષ્ણ તેમને મળવા જંગલમાં જાય છે, ત્યારે દ્રૌપદી અત્યંત વ્યથિત અને ક્રોધિત હતી. તે રડતા-રડતા કૃષ્ણને ફરિયાદ કરે છે, હે સખા! પાંડવો જીવતા હોવા છતાં મને સભામાં રજસ્વલા અવસ્થામાં લાવવામાં આવી અને મારું ઘોર અપમાન કરવામાં આવ્યું.
અહીં વિચારવા જેવી બાબત એછેકે, જો કૃષ્ણએ ખરેખર હજારો મીટર લાંબી સાડીઓ પૂરી પાડીને દ્રૌપદીની આબરુ બચાવી હોત, તો દ્રૌપદીએ તે ક્ષણે કૃષ્ણનો આભાર માન્યો હોત અથવા કૃષ્ણએ તેને શાંત પાડવા માટે યાદ અપાવ્યું હોત કે, હે કૃષ્ણા! તે દિવસે મેં તારી મદદ કરી જ હતી ને? પરંતુ આખા મહાભારતમાં કૃષ્ણ કે દ્રૌપદી ક્યાંય પણ વસ્ત્રો પૂરા પાડવાના ચમત્કારનો ઉલ્લેખ કરતા નથી. ઉલટું, શ્રીકૃષ્ણ તો દ્રૌપદીને એમ કહે છેકે, હે દ્રૌપદી, હું તે સમયે શાલ્વ રાજા સાથેના યુદ્ધમાં વ્યસ્ત હોવાથી દ્વારકાની બહાર હતો, જો હું હસ્તિનાપુરમાં હોત તો આ પરિસ્થિતિ આવવા જ ન દેત. કૃષ્ણનો આ સંવાદ જ સાબિત કરે છેકે, વસ્ત્રાહરણનો ભૌતિક ચમત્કાર કદાચ થયો જ નહોતો.
વસ્ત્રાહરણ: શારીરિક નહીં, પણ માનસિક અને સામાજિક
નિલેશ ઓકના મતે સમગ્ર મહાભારતમાં ચીર ખેંચવા (ચમત્કાર)ના પક્ષમાં માત્ર એક કે બે શ્લોકો મળે છે, જ્યારે તેની વિરુદ્ધમાં ૩૦થી પણ વધુ સજ્જડ પુરાવાઓ છે. મહાભારતના અન્ય પર્વો જેમ કે વિરાટ પર્વ, ઉદ્યોગ પર્વ, કર્ણ પર્વ અને શાંતિ પર્વમાં જ્યારે પણ આ કાળી ઘટનાનો ઉલ્લેખ થાય છે, ત્યારે દરેક પાત્ર માત્ર એટલું જ કહે છેકે, દ્રૌપદીને સભામાં રજસ્વલા અને એકવસ્ત્રા અવસ્થામાં ખેંચી લાવવામાં આવી હતી.
હકીકતમાં, દ્રૌપદી જેવી સતી, રાજકન્યા અને સામ્રાજ્ઞીને ભરી સભામાં તેના વાળ પકડીને ઢસડી લાવવી, ભીષ્મ-દ્રોણ જેવા વડીલોનું મૌન રહેવું, કર્ણ દ્વારા તેને દાસી અને વૈશ્યા જેવા કઠોર અને અસહ્ય અપશબ્દો કહેવા - આ જ વાસ્તવમાં તેનું વસ્ત્રાહરણ હતું. તે સમયની સંસ્કૃતિમાં કોઈ સ્ત્રીની ગરિમાને ઠેસ પહોંચાડવી એ જ તેના વસ્ત્રાહરણ સમાન ગણાતું. આ એક સામાજિક અને માનસિક વસ્ત્રાહરણ હતું, જે શારીરિક રીતે સાડી ખેંચવા કરતાં પણ વધુ ભયાનક અને અપમાનજનક હતું.
વિજ્ઞાન બુદ્ધિ અને તર્કની કસોટી
નિલેશ ઓકે સમજાવ્યું હતું કે, આપણે ઇતિહાસને સમજવા માટે ટ્રુથ લાઈકનેસ સ્કોરનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે એક બાજુ માત્ર બે પુરાવા હોય અને બીજી બાજુ ૩૦ પુરાવા હોય, ત્યારે બુદ્ધિશાળી વ્યક્તિએ ૩૦ પુરાવાઓ જે દિશામાં નિર્દેશ કરતા હોય તે જ સત્ય માનવું જોઈએ. મહાભારત આપણને શીખવે છે કે ધર્મ અત્યંત સૂક્ષ્મ છે. ભલે દુશાસન ભીમના ડરથી સાડી ખેંચી શક્યો નહોતો, છતાં સભામાં જે રીતે દ્રૌપદીનું માનભંગ થયું, તે જ મહાભારતના વિનાશક યુદ્ધનું મુખ્ય કારણ બન્યું.
નિષ્કર્ષ: ગરિમાનું રક્ષણ એ જ અસલી ધર્મ
નીલેશ ઓકનું આ સંશોધન આપણી સમક્ષ એક નવો પથ પ્રશસ્ત કરે છે. તે આપણને અંધશ્રદ્ધા કે માત્ર ચમત્કારોમાં રાચવાને બદલે પાત્રોના મનોવિજ્ઞાન અને તે સમયની મર્યાદાઓને સમજવાનું શીખવે છે. દ્રૌપદીનું અપમાન માત્ર એક સાડી સુધી સીમિત નહોતું, પણ તે તેના અસ્તિત્વ અને સ્ત્રીત્વ પર થયેલો પ્રહાર હતો. આજના યુગમાં પણ આ પ્રસંગ આપણને એ જ શીખવે છે કે સ્ત્રીનું સન્માન જાળવવું એ કોઈ પણ ચમત્કાર કરતાં અનેકગણું મોટું પુણ્ય છે. મહાભારત એ કોઈ મૃત ઇતિહાસ નથી, પણ જીવંત ચેતના છે. જ્યારે આપણે તેને તર્ક અને વિજ્ઞાનની નજરે જોઈએ છીએ, ત્યારે તે વધુ પ્રસ્તુત અને તેજસ્વી બનીને બહાર આવે છે.