Sanatan Dharmni Vaato - 29 in Gujarati Mythological Stories by Siddharth Maniyar books and stories PDF | સનાતન ધર્મની વાતો - ભાગ 29 - જીવન પથિક

Featured Books
Categories
Share

સનાતન ધર્મની વાતો - ભાગ 29 - જીવન પથિક

જીવન પથિક : જયા કિશોરીની આધ્યાત્મિક જીવનશૈલી

રામ મર્યાદામાં રહેવું અને કૃષ્ણ મર્યાદામાં રાખવું શીખવાડે છે : જયા કિશોરી

શ્રીકૃષ્ણની ભક્તિથી લઈને આધુનિક સંબંધોના મેનેજમેન્ટ સુધીની સફર

આધ્યાત્મિકતા મુશ્કેલીઓ ઓછી નથી કરતી, તેને સહન કરવાની તાકાત આપે છે

સાત્વિક ભોજનનું વિજ્ઞાન અને શ્રીકૃષ્ણના જીવનમાંથી મળતા અમર પાઠ

આજના સમયમાં જ્યારે ટેકનોલોજી અને ભૌતિક સુખ-સુવિધાઓ વધી રહી છે, ત્યારે બીજી તરફ માનવીના જીવનમાં માનસિક તણાવ અને એકલતા પણ વધી રહ્યા છે. આવા સમયે, પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને શ્રીકૃષ્ણના ઉપદેશો આપણને સાચો માર્ગ બતાવે છે. ભારતની યુવા પેઢીમાં અત્યંત આદરણીય એવા જય શર્મા એટલે કે કથાવાંચક જયા કિશોરી એક એવું નામ છે, જેમના શબ્દોમાં મીઠાશ પણ છે અને વાસ્તવિકતાનો સચોટ સ્વીકાર પણ છે. તાજેતરમાં પિંકવિલા પોડકાસ્ટમાં તેમણે આપેલા વિચારો વ્યક્તિને માત્ર ધાર્મિક જ નહીં, પણ ઇન્ડસ્ટ્રી રેડી માનસિકતા કેળવવામાં પણ મદદ કરે છે. ચાલો, આ ગહન ચર્ચાના અર્કને વિગતવાર સમજીએ.

પોતાના બાળપણ અને ભક્તિનો ઉદય અંગે વાત કરતાં જયા કિશોરીએ જણાવ્યું હતું કે, મારો ઈશ્વર સાથેનો સંબંધ કોઈ ચમત્કારથી નહીં પણ સહજ સ્વીકારથી શરૂ થયો હતો. મારા બાળપણથી જ મને માતા – પિતા દ્વારા એવી શીખ આપવામાં આવી હતી કે, કોઈની સામે રડવા કરતા ભગવાન સામે રડવું વધુ સારું છે. નાનપણમાં તે રડવું ભલે નિર્દોષ હોય, પણ જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ તે રડવું એક સમર્પણ બની જાય છે. આપણે ઘણીવાર દુનિયા સામે આપણી સમસ્યાઓનું રોદણું રડીએ છીએ, પણ તેનાથી ઉકેલ આવવાને બદલે લોકો આપણી લાચારીનો ફાયદો ઉઠાવે છે. તેના બદલે જો એ બધું જ ઈશ્વરને સોંપી દેવામાં આવે, તો એક અદભૂત માનસિક શાંતિ મળે છે.

તેમણે સમાજની માન્યતા અને પોતાના જીવનની વાતોને આગળ વધારતા જયા કિશોરીએ જણાવ્યું હતું કે, સમાજમાં એવી ખોટી માન્યતા છેકે, જો તમે માળા કરો કે મંદિરે જાવ તો જીવનમાં દુઃખ નહીં આવે. પરંતુ આ એક ભ્રમ માત્ર છે. આધ્યાત્મિકતા જીવનમાં તકલીફો ઓછી નથી કરતી, ઉલટું તે મુશ્કેલીઓ વધારી શકે છે કારણ કે સાચો રસ્તો હંમેશા કઠિન હોય છે. આધ્યાત્મિકતા આપણને એ પાવર આપે છે જે આપણને અણધારી આફતો સામે અડીખમ રાખે છે. જેમ એક બાળક પોતાના પિતાનો હાથ પકડીને ભીડમાં કે રસ્તો ઓળંગતા ડરતું નથી, તેમ જો આપણને ભરોસો હોય કે પરમ પિતા આપણી સાથે છે, તો આપણે ગમે તેવી પરિસ્થિતિનો સામનો હિંમતથી કરી શકીએ છીએ.

પૉડકાસ્ટમાં જયા કિશોરીએ રામ અને કૃષ્ણના અવતાર પાછળનું મનોવિજ્ઞાન ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું છે. ભગવાન રામ વિષે તેમણે જણાવ્યું હતું કે, ભગવાન રામ આપણને શીખવે છેકે, મર્યાદામાં રહેવું કેવી રીતે. તે સમયની માંગ હતી કે, સમાજને શિસ્ત અને નિયમોનું મહત્વ સમજાવવામાં આવે. રામે પોતે અપાર કષ્ટો વેઠ્યા પણ ક્યારેય નિયમ તોડ્યો નહીં. જ્યારે સમાજ એટલો બગડી ગયો કે લોકો સીધી રીતે વાત સમજવા તૈયાર નહોતા, ત્યારે કૃષ્ણ આવ્યા. તેઓ શીખવે છે કે બીજાને મર્યાદામાં રાખવા કેવી રીતે. કૃષ્ણએ અધર્મનો નાશ કરવા માટે પોતાની રીતે રસ્તાઓ બનાવ્યા. કથાવાંચક જયા કિશોરીના જણાવ્યા અનુસાર, આજના યુગમાં આપણને ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ બંનેની ૫૦-૫૦ ટકા જરૂર છે. જરૂર પડે ત્યાં રામ જેવી ધીરજ અને જરૂર પડે ત્યાં કૃષ્ણ જેવી ચતુરાઈ અનિવાર્ય છે.

જેવું અન્ન એવું મન - આ સૂત્ર જયા કિશોરીના જીવનનો પાયો હોવાનું તેમણે જણાવ્યું હતુએ. જેને સમજાવતા તેમણે કહ્યું હતું કે, હું ૯૯ ટકા સાત્વિક જીવન જીવું છું. સાત્વિકતા એટલે માત્ર માંસાહારનો ત્યાગ નહીં, પણ વધુ પડતા તીખા, તળેલા અને ઉત્તેજના પેદા કરતા ખોરાકથી દૂર રહેવું. આધુનિક વિજ્ઞાન મુજબ પણ આપણે જે ખાઈએ છીએ તે આપણા હાર્મોન્સ અને માનસિક સ્થિતિ પર અસર કરે છે. સાત્વિક ભોજન કરવાથી મન શાંત રહે છે અને મુશ્કેલ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. આજે જ્યારે યુવા પેઢી ફાસ્ટ ફૂડ તરફ વળી છે, ત્યારે તેઓ યાદ અપાવે છેકે, સાચો સુકૂન તો ઘરની દાળ-ભાતમાં જ છે.

આજના યુગમાં યુવાનો સંબંધોમાં સૌથી વધુ દુઃખી જોવા મળે છે. તેના ઉકેલ માટે જયા કિશોરીએ કેટલીક પાયાની વાતો કીધી છે. એક ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે, જો તમને ખબર પડી જાય કે તમે ખોટી ટ્રેનમાં બેસી ગયા છો, તો પહેલા સ્ટેશને ઉતરી જવું જોઈએ. જેટલી વાર લગાડશો, પાછા આવવાનું એટલું જ મોંઘું પડશે. તેવી જ રીતે જો કોઈ સંબંધ કે નોકરી ટોક્સિક (ઝેરી) હોય, તો ત્યાંથી વહેલી તકે નીકળી જવું એ જ બુદ્ધિમાની છે.

તેમણે જીવન જીવવાની પોતાની કળા બાબતે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ સંબંધમાં ગાબડાં ત્યારે પડે છે જ્યારે વાતો બંધ થાય છે. મારી સલાહ છેકે, પાર્ટનર સાથે રોજ ૧૦-૧૫ મિનિટ જીવનના મૂલ્યો વિશે વાત કરો. માત્ર શું ખાધું કે ક્યાં ગયા તેની નહીં, પણ તમે લાઈફસ્ટાઈલ અને ફેમિલી વિશે શું વિચારો છો તેની વાત કરો. આનાથી રેડ ફ્લેગ્સ એટલે કે ચેતવણીના સંકેતો વહેલા ઓળખાઈ જશે.

મહાભારતના એક અત્યંત પ્રભાવશાળી પ્રસંગની ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે, કર્ણે જ્યારે પોતાની જિંદગીના અન્યાયો ગણાવ્યા, ત્યારે કૃષ્ણએ તેને મૌન કરી દીધો હતો. કર્ણને તો રાજ્ય ન મળ્યું કે સન્માન ન મળ્યું, પણ કૃષ્ણનો તો જન્મ જ જેલમાં થયો હતો, જન્મતાની સાથે જ મા-બાપ છૂટા પડી ગયા હતા અને નાનપણથી જ રાક્ષસો તેમને મારવા આવતા હતા. કૃષ્ણએ કર્ણને સમજાવ્યું કે, તમારી સાથે ખોટું થયું છે તેનો અર્થ એ નથી કે તમે બીજા સાથે ખોટું કરી શકો. અન્યાય તમને અધર્મનો સાથ આપવાનું લાયસન્સ નથી આપતો.

જયા કિશોરીએ પોતાના જીવનમાં મહેનતનું મહત્વ સમજતા કહ્યું હતું કે, મહેનત તો ગધેડો પણ કરે છે, પણ સફળતા માટે ઈશ્વરની કૃપા અનિવાર્ય છે. દુનિયામાં આપણાથી પણ વધુ પ્રતિભાશાળી લોકો બેઠા છે, છતાં જો આપણને તક મળી છે તો તે ઈશ્વરની દયા છે. જ્યારે આપણે આ કૃપાને ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ અને અહંકાર કરીએ છીએ, ત્યારે પતન શરૂ થાય છે. વિનમ્ર રહેવું એ સફળતાને ટકાવી રાખવાની એકમાત્ર ચાવી છે.

જે લોકો હજી આધ્યાત્મિક યાત્રા શરૂ કરવા માંગે છે, તેમના માટે જયા કિશોરએ ત્રણ સરળ સૂત્રો આપ્યા છે. જે સૂત્ર વિષે વિસ્તૃત સમજણ આપતા તેમણે કહ્યું હતું કે, પહેલું સૂત્ર સેલ્ફ લવ અને સેલ્ફ ટાઈમ છે. જેનો અર્થ થાય છે કે, આપણે દુનિયાના સંચાર પર ધ્યાન રાખી છીએ પણ આપણી અંદર શું ચાલે છે તે ખબર નથી હોતી. દિવસની ૧૦ મિનિટ માત્ર પોતાની સાથે વિતાવો. બીજું સૂત્ર કુદરત સાથે જોડાણ છે, જેમાં ટેકનોલોજી અને ફોન આપણી ધીરજ ખાઈ રહ્યા છે. ઝાડ, પક્ષીઓ અને આકાશને જોવાથી મનને કુદરતી શાંતિ મળે છે. તેમજ ત્રીજું સૂત્ર માનો તો ભગવાન છે. જેમાં ભગવાન જાણવાની વસ્તુ નથી, માનવાની વસ્તુ છે. જો તમે માનશો તો તે પોતે જ જનાવી દેશે કે તે તમારી આસપાસ જ છે.

જયા કિશોરીનો આ સંવાદ આપણને શીખવે છેકે, ધર્મ એટલે માત્ર પૂજા-પાઠ નથી, પણ ધર્મ એટલે તમારી મૌલિકતા અને નૈતિકતા જાળવી રાખવી. આજના ગળાકાપ સ્પર્ધાના યુગમાં પણ જો આપણે થોડી ક્ષણો ઈશ્વરના શરણમાં અને થોડી ક્ષણો સાત્વિકતામાં વિતાવીએ, તો જીવનમાં ક્યારેય હતાશા નહીં આવે. શ્રીકૃષ્ણની લીલા અને ગીતાનો ઉપદેશ એ માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પણ તે જીવનના દરેક પ્રશ્નના નિરાકરણ માટેનું ગૂગલ સોલ્યુશન છે.