Sanatan Dharmni Vaato - 31 in Gujarati Mythological Stories by Siddharth Maniyar books and stories PDF | સનાતન ધર્મની વાતો - ભાગ 31 - સંસ્કૃતિ અને વિજ્ઞાન

Featured Books
Categories
Share

સનાતન ધર્મની વાતો - ભાગ 31 - સંસ્કૃતિ અને વિજ્ઞાન

સંસ્કૃતિ અને વિજ્ઞાન : સનાતન વિજ્ઞાનનો વિજયધ્વજ

ભારતીય વિજ્ઞાન માત્ર શૂન્ય નહીં, સમગ્ર વિશ્વના ગણિત અને નેવિગેશનનો પાયો

સંશોધક આશિષ નરેડીના ચોંકાવનારા પુરાવાઓ : પશ્ચિમી જગતે કેવી રીતે આપણા જ્યાને સાઈન બનાવી દીધું અને ભારત કેમ હજારો વર્ષ સુધી વિશ્વની સૌથી મોટી આર્થિક શક્તિ રહ્યું?

આજે આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં આધુનિકતાનો અર્થ માત્ર પશ્ચિમી શોધ એવો કરવામાં આવે છે. ભારતમાં શિક્ષણ જગતમાં આપણને વર્ષોથી એવું ભણાવવામાં આવ્યું છેકે, ભારત પાસે તો માત્ર જ્ઞાન-ભક્તિ હતી, વિજ્ઞાન તો બધું યુરોપથી આવ્યું છે. આપણે ગર્વથી કહીએ છીએ કે ભારતે શૂન્ય આપ્યો, પણ હકીકતમાં આ વાક્ય આપણી મહાનતાને ઘટાડવાનું એક પદ્ધતિસરનું કાવતરું છે. તાજેતરમાં હાઇપર ક્વેસ્ટ પોડકાસ્ટમાં વિષય નિષ્ણાત આશિષ નરેડીએ ભારતીય વિજ્ઞાન અને પંચાંગ વિશે જે તથ્યો રજૂ કર્યા છે, તે સાંભળીને કોઈપણ ભારતીયની આંખો ઉઘડી જશે. આ લેખમાં આપણે તે સંવાદનો અર્ક અને ભારતની વૈજ્ઞાનિક સર્વોપરિતા વિશે વિસ્તારપૂર્વક સમજીશું.

શૂન્યની પેલે પાર: અકલ્પનીય સંખ્યાઓનું વિજ્ઞાન

સંશોધક આશિષ નરેડી જણાવે છેકે, પશ્ચિમી જગતે આપણને શૂન્યના ખાનામાં કેદ કરીને આપણી બાકીની તમામ ગણિતની શોધો પર કબજો જમાવી લીધો છે. આજના ગણિતની વિશાળ ગણતરીઓ અને તેના ભૂતકાળ વિષે તેમણે જણાવ્યું હતું કે, જ્યારે રોમન અને ગ્રીક સંસ્કૃતિઓ ૧૦,૦૦૦થી મોટી સંખ્યા માટે કોઈ શબ્દ પણ ધરાવતી નહોતી, ત્યારે ભારતના સામાન્ય લોકો અબજ, ખરબ, નીલ અને પદ્મ જેવી ખગોળીય સંખ્યાઓથી પરિચિત હતા.

બુદ્ધની બૌદ્ધિક કસોટી બાબતે તેમણે જણાવ્યું હતું કે, ગૌતમ બુદ્ધના વિવાહ પૂર્વે તેમના સસરાએ તેમની પરીક્ષા લેવા માટે એક પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે, ૧૦ની ૭૯ ઘાત પછીની સંખ્યાઓને શું કહેવાય? બુદ્ધે તેના સચોટ જવાબો આપ્યા હતા. જે સાબિત કરે છેકે, ૨૫૦૦ વર્ષ પહેલાં પણ ભારતનું સામાન્ય ગણિત આજના કોમ્પ્યુટર લેવલનું હતું.

સીન અને ટ્રિગોનોમેટ્રી: ભારતીય જ્યાની ચોરી

આપણને શાળામાં ભણાવવામાં આવે છેકે, ટ્રિગોનોમેટ્રી ગ્રીક લોકોએ આપી, પણ હકીકતમાં સીન શબ્દનો કોઈ અર્થ ટ્રાયંગલ સાથે બેસતો નથી. સીનનો લેટિનમાં અર્થ થાય છે ખિસ્સું. ત્રિકોણમાં ખિસ્સું ક્યાંથી આવ્યું? તેનો જવાબ મેળવવો પણ જરૂરી છે. ભારતીય ગણિતમાં વર્તુળની જીવાને જ્યા કહેવામાં આવતી. આ જ્ઞાન જ્યારે અરબસ્તાન પહોંચ્યું ત્યારે તેઓએ જ્યાને જીબ ઉચ્ચાર્યું. અરબીમાં જીબનો અર્થ ખિસ્સું થાય છે. જ્યારે યુરોપના લોકોએ આનું લેટિન ભાષાંતર કર્યું, ત્યારે તેમણે ખિસ્સા માટેનો તેમનો શબ્દ સીનુસ વાપર્યો, જે આજે આખું વિશ્વ સીન એટલે કે સાઈન તરીકે ભણે છે. આ સાબિત કરે છેકે, આખું વિશ્વ આજે પણ ભારતનું ગણિત જ ભણી રહ્યું છે, માત્ર નામ બદલાઈ ગયું છે.

પંચાંગ: ગ્રહોની ગતિનું સચોટ કેલ્ક્યુલેટર

આપણું ભારતીય પંચાંગ એ કોઈ જ્યોતિષીય અંધશ્રદ્ધા નથી, પણ તે પૃથ્વી અને ગ્રહોની ગતિનું પરફેક્ટ વિજ્ઞાન છે. ભારતમાં યોજાતા કુંભ મેળા અને ગુરુ ગ્રહ અંગે તેમણે જણાવ્યું હતું કે, કુંભ મેળો દર ૧૨ વર્ષે જ કેમ આવે છે? જેનો જવાબ છેકે, આપણા ઋષિઓ હજારો વર્ષ પહેલાં જાણતા હતા કે, ગુરુ એટલે કે જયુપીટર સૂર્યની એક પ્રદક્ષિણા બરાબર ૧૨ વર્ષમાં પૂરી કરે છે. જ્યારે શનિ મહારાજની પનોતીને સાડા સાતી કહેવા પાછળનું પણ એક વિજ્ઞાન છે. જે બાબતે તેમણે જણાવ્યું હતું કે, શનિ સૂર્યની પ્રદક્ષિણા ૩૦ વર્ષમાં પૂરી કરે છે. શનિ જ્યારે એક રાશિમાં ૨.૫ વર્ષ રોકાય, ત્યારે તે રાશિ અને તેની આગળ-પાછળની રાશિ મળીને ૭.૫ વર્ષનો સમયગાળો બને છે જેને આપણે સાડા સાતી કહીએ છીએ. આ કોઈ ગ્રહનો પ્રકોપ નથી પણ ખગોળીય સ્થિતિ છે જેનું જ્ઞાન આપણી પાસે ટેલિસ્કોપ વગર પણ હતું.

વાસ્કો-દ-ગામા અને ભારતની શોધનું જૂઠાણું

ઈતિહાસ કહે છેકે, વાસ્કો-દ-ગામાએ ભારત શોધ્યું, પણ આશિષ નરેડી આ દાવાને વૈજ્ઞાનિક રીતે નકારે છે. તેમણે જણાવ્યું હતું કે, વાસ્તવમાં વાસ્કો-દ-ગામા પાસે સમુદ્રમાં લૉન્ગીટ્યુડ એટલે કે રેખાંશ શોધવાની કોઈ જ્ઞાન કે સાધન નહોતું. પોર્ટુગીઝ દસ્તાવેજોમાં જ નોંધાયેલું છેકે, આફ્રિકાના કિનારે તેમને એક ભારતીય નાવિક જેનું નામ કાનજી માલમ હોવાનું કહેવામાં આવે છે તે મળ્યા હતા, જેણે વાસ્કો-દ-ગામાના જહાજને રક્ષણ આપીને ભારત સુધીનો સાચો રસ્તો બતાવ્યો હતો.

સમગ્ર બાબતે વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, તે સમયે ભારતીય નાવિકો પાસે કમાલ નામનું એક સાદું સાધન હતું. માત્ર એક લાકડાની પટ્ટી અને દોરીના ઉપયોગથી તેઓ ધ્રુવ તારાના ખૂણા પરથી સમુદ્રમાં લૉન્ગીટ્યુડ અને લેટીટ્યુડ માપી શકતા હતા. આ ટેકનોલોજી યુરોપ પાસે તેના સેંકડો વર્ષો પછી પણ નહોતી.

ગૌમૂત્રિકા સિદ્ધાંત : જે આજે વિશ્વનું ગણિત છે

આજે આખું વિશ્વ જે રીતે જટિલ ગુણાકાર કરે છે - જેમાં નીચેની લાઈનમાં એક સ્થાન છોડીને આંકડા લખવામાં આવે છે. તેને પ્રાચીન ભારતમાં ગૌમૂત્રિકા સિદ્ધાંત કહેવામાં આવતું હતું. પશ્ચિમી જગતે આ નામનો ઉપહાસ કર્યો, પણ આજે પણ દુનિયાના તમામ આધુનિક કોમ્પ્યુટર્સ આ જ ગૌમૂત્રિકા ટેકનોલોજીના આધારે ગણતરીઓ કરે છે.

વિજ્ઞાન અને ધર્મ: ભારતનો સુમેળ

યુરોપમાં વિજ્ઞાન અને ચર્ચ વચ્ચે સદીઓ સુધી લોહિયાળ જંગ ચાલ્યો છે. ગેલીલીઓને જેલમાં નાખવામાં આવ્યો કારણ કે તેણે પૃથ્વી ગોળ હોવાનું કહ્યું હતું. પરંતુ ભારતમાં ક્યારેય વિજ્ઞાન અને આધ્યાત્મ વચ્ચે વિરોધ નહોતો. તેમણે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં ખગોળશાસ્ત્રીઓને ઋષિનું સન્માન આપવામાં આવતું. આપણા શાસ્ત્રોમાં પાઈની કિંમત ૩.૧૪૧૬... એટલી ચોકસાઈ સાથે લખેલી હતી કે, આપણે હજારો વર્ષ પહેલાં પણ ગ્રહણની ૧૦૦ ટકા સચોટ આગાહી કરી શકતા હતા.

હિન્દુ નવવર્ષ: એક વૈજ્ઞાનિક નવવર્ષ

ચૈત્ર શુક્લ પ્રતિપદા એટલે હિન્દુ નવવર્ષએ માત્ર તહેવાર નથી, પણ એક વૈજ્ઞાનિક નવવર્ષ છે. તે દિવસે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે, જે પૃથ્વીના નક્ષત્ર મંડળમાં વર્ષની શરૂઆતનું ચોક્કસ ખગોળીય બિંદુ છે. પશ્ચિમી નવવર્ષ (૧ જાન્યુઆરી) પાછળ આવો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી, તે માત્ર એક ધાર્મિક પરંપરા છે.

નિષ્કર્ષ: જાગૃત બનવાનો સમય

આશિષ નરેડીનો સંવાદ આપણને એ સમજાવે છેકે, ભારત ત્યારે જ વિશ્વગુરુ હતું જ્યારે આપણી પાસે પોતાની મૌલિક જ્ઞાન પદ્ધતિ હતી. આપણે માત્ર ઝીરો આપનારા નથી, પણ આપણે સમગ્ર વિશ્વને ગણતા, લખતા અને બ્રહ્માંડને માપતા શીખવ્યું છે. રોમન સામ્રાજ્યની ૩૦ ટકા આવક તો ભારતીય વેપારીઓના ટેક્સમાંથી આવતી હતી. હજી થોડા સમય પહેલા જ આપણે ભારતીય નવવર્ષની ઉજવણી કરી છે, ત્યારે હવે, ગર્વથી આપણા બાળકોને કહવાનો સમય આવી ગયો છેકે, આપણી પરંપરાઓ અંધશ્રદ્ધા નથી, પણ તે પૃથ્વીના સૌથી જૂના અને સચોટ વિજ્ઞાનનું પરિણામ છે. જો આપણે આપણો ઈતિહાસ ફરીથી ગૌરવ સાથે નહીં લખીએ, તો પશ્ચિમ આપણા જ હીરાને પથ્થર બનાવીને આપણને પાછા વેચતું રહેશે.