Sanatan Dharmni Vaato - 35 in Gujarati Mythological Stories by Siddharth Maniyar books and stories PDF | સનાતન ધર્મની વાતો - ભાગ 35 - સનાતન સંસ્કૃતિ

Featured Books
Categories
Share

સનાતન ધર્મની વાતો - ભાગ 35 - સનાતન સંસ્કૃતિ

ભારતની સીમાઓ ઓળંગીને બની વિશ્વવ્યાપી

પ્રાચીન વિજ્ઞાન અને ઇતિહાસનો અમર વારસો

આજના અત્યાધુનિક યુગમાં જ્યારે વિજ્ઞાન અને તર્કનો પ્રભાવ વધ્યો છે, ત્યારે નવી પેઢીના મનમાં અવારનવાર પ્રશ્ન ઉઠે છેકે, શું રામાયણ અને મહાભારત માત્ર પૌરાણિક કથાઓ છે? શું આપણા દેવી-દેવતાઓ માત્ર કલ્પના છે? તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક ગહન પૉડકાસ્ટમાં રજૂ થયેલા તથ્યો આ માન્યતાને જડમૂળથી બદલી નાખે તેવા છે. સનાતન ધર્મ એ માત્ર ભારત પૂરતો સીમિત નથી, પરંતુ તે હજારો વર્ષ પહેલાં પણ એક વૈશ્વિક જીવનશૈલી અને ઉચ્ચ ટેકનોલોજી ધરાવતી સંસ્કૃતિ હતી. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક પૉડકાસ્ટમાં ફાઈનાન્શિયલ એક્સપર્ટ અને વિચારક અભિષેક કરે સનાતન ધર્મની વૈશ્વિક હાજરી અને તેના વૈજ્ઞાનિક પાસાઓ પર ચોંકાવનારી વિગતો રજૂ કરી હતી. આ લેખમાં આપણે પૉડકાસ્ટમાં ચર્ચાયેલા તે તમામ ઐતિહાસિક, ભૌગોલિક અને વૈજ્ઞાનિક પુરાવાઓની વિગતે ચર્ચા કરીશું જે સાબિત કરે છે કે સનાતન સત્ય છે.

સનાતનની વૈશ્વિક હાજરી: ભારત બહારના જીવંત પુરાવા

આપણને લાગે છેકે, હિન્દુ ધર્મ માત્ર ભારતનો છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. વિચારક અભિષેક કરે જણાવ્યું હતું કે, વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર ભારતની બહાર કમ્બોડિયામાં અંકોરવાટ તરીકે અસ્તિત્વ ધરાવે છે. એટલું જ નહીં, વિશ્વનું બીજું સૌથી મોટું ઐતિહાસિક મંદિર અમેરિકાના ન્યૂ જર્સીમાં આવેલું સ્વામી નારાયણ મંદિર છે. ઇજિપ્તમાં થયેલા પુરાતત્વીય સંશોધનો દરમિયાન અંદાજે ૩૪૧ એવી મૂર્તિઓ મળી આવી છે જેને વિદેશી નિષ્ણાતોએ રામ સિનોટિસ એટલે કે રામ અને સીતાનું સંયુક્ત સ્વરૂપ ગણાવ્યું છે. અફઘાનિસ્તાન અને તુર્કી જેવા દેશોમાં ૩૦૦૦થી ૪૦૦૦ વર્ષ જૂના એવા સિક્કાઓ મળ્યા છે જેમાં એક તરફ હળ ધારણ કરેલા બલરામ અને બીજી તરફ સુદર્શન ચક્રધારી શ્રીકૃષ્ણની આકૃતિ સ્પષ્ટ જોઈ શકાય છે.

અભિષેક કરે વધુમાં જણાવ્યું હતું કે, મેક્સિકો અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં તો આજે પણ સનાતનના મૂળિયાં ઊંડા છે. ઇન્ડોનેશિયા જેવો ઇસ્લામિક દેશ હોવા છતાં ત્યાંના ચલણ પર ગણપતિજીનો ફોટો હોવો અને ત્યાંના જ્વાળામુખી પાસે ૮૦૦ વર્ષ જૂની ગણપતિની મૂર્તિની પૂજા થવી એ એક અદભૂત ઘટના છે. જાપાન અને ચીનમાં પણ ગણપતિની પૂજા થાય છે. થાઈલેન્ડના એરપોર્ટ પર સમુદ્ર મંથનનું આખું શિલ્પ જોવા મળે છે, જે દર્શાવે છે કે આ દેશોએ પોતાની સંસ્કૃતિના મૂળ સનાતનમાં સ્વીકાર્યા છે.

મહાભારત: ઇતિહાસના પાના અને આધુનિક પુરાતત્વ

અભિષેક કરે જણાવ્યું હતું કે, મહર્ષિ વેદવ્યાસે મહાભારતને ઇતિહાસ તરીકે સંબોધ્યો છે. સંસ્કૃતમાં ઇતિહાસનો અર્થ થાય છે જેવું બન્યું હતું તેવું. આજના વિજ્ઞાનીઓ પણ આ ઘટનાના ભૌતિક પુરાવા શોધી રહ્યા છે. ૨૦૧૫ના એક વૈજ્ઞાનિક સંશોધન પેપરમાં વય ક્રોમોસમ બોટલનેક વિશે જણાવવામાં આવ્યું હતું કે, આજથી અંદાજે ૭૦૦૦ વર્ષ પહેલાં વિશ્વની વસ્તીમાં, ખાસ કરીને દક્ષિણ એશિયામાં પુરૂષોની સંખ્યામાં અચાનક મોટો ઘટાડો નોંધાયો હતો. દર ૧૬ સ્ત્રીઓ સામે માત્ર ૧ પુરૂષ બચ્યો હતો. આ સમયગાળો મહાભારતના યુદ્ધ સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે, જેમાં લાખો યોદ્ધાઓએ બલિદાન આપ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હરિયાણાના કુરુક્ષેત્ર અને સિનોલી જેવા વિસ્તારોમાં ખોદકામ દરમિયાન જે પ્રકારની વિશાળ તલવારો, રથો અને ભાલાઓ મળી આવ્યા છે, તે સાબિત કરે છે કે તે સમયના યોદ્ધાઓ અત્યંત શક્તિશાળી અને ઉચ્ચ ટેકનોલોજીથી સજ્જ હતા. ઉત્તર ભારતમાં ૧૫ થી ૨૦ ફૂટ લાંબા અસ્થિઓ (હાડકાં) પણ મળી આવ્યા છે, જે તે સમયના ઘટોત્કચ જેવા પ્રચંડ કદના યોદ્ધાઓના અસ્તિત્વ તરફ ઈશારો કરે છે. આ ઉપરાંત, ભીષ્મ પિતામહ જેવા મહાનુભાવોનું ૧૦૦ વર્ષની ઉંમરે પણ અદભૂત શક્તિ ધરાવવું એ બ્રહ્મચર્ય અને યોગના વિજ્ઞાનનો પુરાવો આપે છે. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું હતું કે, જો કોઈ ૧૨ વર્ષ સુધી અખંડ બ્રહ્મચર્ય પાળે, તો તેની અંદર વિલક્ષણ શક્તિઓ જાગૃત થાય છે.

રામાયણના ભૌગોલિક અને જૈવિક પુરાવા

અભિષેક કરે જણાવ્યું હતું કે, શ્રીલંકામાં રાવણની અશોક વાટિકા અને તેના મહેલના અવશેષો આજે પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. શ્રીલંકન સરકારે પણ સ્વીકાર્યું છેકે, રાવણે માતા સીતાને જ્યાં રાખ્યા હતા તે ગુફા અને સ્થળો આજે પણ અસ્તિત્વમાં છે. નાસા દ્વારા લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ડૂબેલું રામ સેતુ સ્પષ્ટ જોઈ શકાય છે. આ સેતુ અંદાજે ૩૦-૪૦ કિલોમીટર લાંબો છે. રામેશ્વરમ પાસે આજે પણ એવા પથ્થરો મળે છે જે પાણી પર તરે છે. વિજ્ઞાન તેને વોલ્કેનિક રૉક કહે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે રામેશ્વરમની આસપાસ હજારો કિલોમીટર સુધી કોઈ જ્વાળામુખી નથી.

તેમણે વધુ માહિતી આપતા કહ્યું હતું કે, રામાયણના સુંદરકાંડમાં હનુમાનજીએ લંકાના દ્વાર પર ચાર દાંતવાળા હાથીઓ (ગજ) જોયા હોવાનો ઉલ્લેખ છે. જીવ વિજ્ઞાન મુજબ આવા હાથીઓ લાખો વર્ષો પહેલાં પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા હતા અને અંદાજે ૧૧,૦૦૦ વર્ષ પહેલાં તેઓ લુપ્ત થયા છે. રામાયણનો અંદાજિત સમય પણ ૧૪,૦૦૦ વર્ષ પહેલાનો માનવામાં આવે છે, જે સાબિત કરે છે કે તે સમયે પૃથ્વી પર આવા જીવો હયાત હતા. શ્રીલંકાની ધરતી પર હનુમાનજીએ જે પહાડનો હિસ્સો મૂક્યો હતો, ત્યાં આજે પણ એવી વનસ્પતિઓ ઉગે છે જે માત્ર ભારતના હિમાલય ક્ષેત્રમાં જ જોવા મળે છે.

વિજ્ઞાન અને સનાતનનો અદભૂત સંગમ

સનાતન ધર્મ અને આધુનિક વિજ્ઞાન વચ્ચેનો અદભૂત સંગમ માત્ર શ્રદ્ધાનો વિષય નથી, પરંતુ તે એક ગહન તાર્કિક આધાર ધરાવે છે. અભિષેક કરે જણાવ્યું હતું કે, વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિને રજૂ કરેલી ઉત્ક્રાંતિની થીયરી હકીકતમાં ભગવાન વિષ્ણુના દશાવતારના ક્રમ સાથે આશ્ચર્યજનક રીતે સામ્યતા ધરાવે છે. સનાતનમાં જીવની શરૂઆત મત્સ્ય અવતારથી થાય છે, જે પાણીમાં જીવના ઉદભવને દર્શાવે છે. ત્યારબાદ કૂર્મ અવતાર (કાચબો) એ પાણી અને જમીન બંને પર રહી શકતા ઉભયજીવી જીવનું પ્રતીક છે, જ્યારે વરાહ અવતાર જમીન પર ચાલતા સસ્તન પ્રાણીના વિકાસને સૂચવે છે. નરસિંહ અવતારએ પશુમાંથી માનવ બનવાની સંક્રાંતિ અવસ્થા છે, અને વામન અવતારએ ટૂંકા કદના આદિ માનવનું પ્રતિનિધિત્વ કરે છે. પરશુરામ, રામ અને કૃષ્ણના અવતારો અનુક્રમે શસ્ત્રધારી શિકારી માનવ, મર્યાદાશીલ સામાજિક માનવ અને અત્યંત બુદ્ધિશાળી આધુનિક માનવના વિકાસક્રમને પૂર્ણ કરે છે. ડાર્વિનનું વિજ્ઞાન જ્યાં માનવ શરીરના વિકાસ પર અટકે છે, ત્યાંથી સનાતન ધર્મ બુદ્ધ અને કલ્કિ અવતાર દ્વારા માનવના માનસિક અને આધ્યાત્મિક ઉત્ક્રાંતિની વાત કરીને વિજ્ઞાન કરતાં પણ એક ડગલું આગળ વધે છે.

માયા, મેટ્રિક્સ અને આધુનિક ભૌતિક વિજ્ઞાન

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ સંગમ માત્ર જીવવિજ્ઞાન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ભૌતિક વિજ્ઞાનના જટિલ સિદ્ધાંતો સુધી વિસ્તરેલો છે. આજે હૉલીવુડની ફિલ્મો ઇન્સેપ્શન, એવેટાર અને મેટ્રિક્સ દ્વારા જે સિમ્યુલેશન થીયરી કે વર્ચ્યુઅલ રિયાલિટીની વાતો વિશ્વને સમજાવી રહી છે, તે આપણા ઋષિ-મુનિઓએ હજારો વર્ષ પહેલાં માયાના સિદ્ધાંત દ્વારા સમજાવી દીધી હતી. આદિ શંકરાચાર્યનું રજ્જુ-સર્પ (અંધારામાં દોરીને સાપ માનવો) નું ઉદાહરણ એ વાતનું પ્રમાણ છે કે આપણી ઇન્દ્રિયો જે અનુભવે છે તે સંપૂર્ણ સત્ય નથી. ક્વોન્ટમ ફિઝિક્સ પણ હવે સ્વીકારે છેકે, આ બ્રહ્માંડનો માત્ર ૧ ટકા હિસ્સો જ દ્રશ્યમાન પદાર્થ છે, જ્યારે ૯૯ ટકા અદ્રશ્ય ઉર્જા છે, જેને આપણા શાસ્ત્રોમાં બ્રહ્મ કે ચેતના કહેવામાં આવી છે.

અભિષેક કરે જણાવ્યું હતું કે, ઈલોન મસ્ક જેવા આધુનિક વિજ્ઞાનીઓ જે સિમ્યુલેશન થીયરીની વાત કરે છે, તે હકીકતમાં શ્રીકૃષ્ણની માયાનું જ આધુનિક નામ છે. આધુનિક વિજ્ઞાન જે મલ્ટિવર્સ (અનેક બ્રહ્માંડો) ની કલ્પના કરી રહ્યું છે, તેનો ઉલ્લેખ શ્રીકૃષ્ણ અને બ્રહ્માના સંવાદમાં પહેલેથી જ છે, જ્યાં કૃષ્ણએ અસંખ્ય બ્રહ્માંડો અને તેના અલગ-અલગ બ્રહ્માઓનું દર્શન કરાવ્યું હતું. બ્રહ્મા અને કૃષ્ણના સંવાદમાં એવો ઉલ્લેખ છેકે, કૃષ્ણએ બ્રહ્માને અનેક બ્રહ્માંડો બતાવ્યા હતા, જ્યાં દરેક બ્રહ્માંડના પોતાના બ્રહ્મા હતા. આધુનિક વિજ્ઞાન હવે સ્વીકારી રહ્યું છે કે આપણે એક 'મેટ્રિક્સ'માં જીવી રહ્યા છીએ. આમ, સનાતન ધર્મ એ વિજ્ઞાનનો વિરોધી નથી, પરંતુ તે એક એવું ઉચ્ચ કક્ષાનું વિજ્ઞાન છે જે સ્થૂળ જગતની સાથે સૂક્ષ્મ જગતના રહસ્યોને પણ અત્યંત સરળતાથી ઉકેલે છે.

પ્રાચીન ટેકનોલોજી અને ચિકિત્સા વિજ્ઞાન

આપણા પૂર્વજો ટેકનોલોજીમાં પણ ઘણા આગળ હતા. મહાભારતના યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર-શસ્ત્રો આજે પણ એટમિક બોમ્બ જેવી અસર ધરાવતા હતા. ઓપનહાઇમરે જ્યારે પ્રથમ એટમિક બોમ્બ બનાવ્યો, ત્યારે તેમણે ગીતાનો શ્લોક ટાંક્યો હતો - હું મૃત્યુ છું, વિશ્વનો નાશ કરનાર. પ્રાચીન ભારતમાં શુશ્રુત સંહિતામાં પ્લાસ્ટિક સર્જરી અને હેડ ટ્રાન્સપ્લાન્ટના ઉલ્લેખો છે. વારાણસીમાં વર્ષો પહેલા જટિલ ઓપરેશન્સ થતા હતા. વિમાન શાસ્ત્રમાં વિમાનોના આકાર અને ઇંધણ વિશેની માહિતી મળે છે, જે આજે પણ સંશોધનનો વિષય છે.

નિષ્કર્ષ: શા માટે આપણે સનાતન પર ગર્વ લેવો જોઈએ?

પૉડકાસ્ટના અંતમાં અભિષેક કર ખૂબ જ સુંદર વાત કરતાં કહે છે કે, સનાતન ધર્મ એ માત્ર પૂજા-પાઠની પદ્ધતિ નથી, પણ તે એક સર્વોચ્ચ વિજ્ઞાન છે. આપણા પૂર્વજોએ દરેક દેવી-દેવતા અને પરંપરા પાછળ એક ઊંડું વિજ્ઞાન છુપાવ્યું છે. ઇન્ડોનેશિયામાં જ્યારે કરન્સી તૂટી રહી હતી, ત્યારે ગણપતિનો ફોટો નોટ પર છાપવાથી આર્થિક સ્થિરતા આવી હોવાનો કિસ્સો એક ડિવાઈન લોજિક તરફ ઈશારો કરે છે. આપણે પશ્ચિમી જગતના પ્રમાણપત્રોની રાહ જોવાની જરૂર નથી. આપણો ઇતિહાસ પથ્થરો પર કંડારાયેલો છે, જે હજારો વર્ષો પછી પણ અકબંધ છે. સનાતન સત્ય છે કારણ કે તે સમયની કસોટી પર ખરું ઉતર્યું છે. આ માહિતી માત્ર જાણવા માટે નથી, પણ આપણા વારસાને સમજવા અને તેને જાળવી રાખવા માટે છે. જે સંસ્કૃતિમાં વિજ્ઞાન અને આધ્યાત્મને એકાકાર કરવામાં આવ્યા હોય, તે જ વિશ્વનું માર્ગદર્શન કરી શકે છે.