Sanatan Dharmni Vaato - 37 in Gujarati Mythological Stories by Siddharth Maniyar books and stories PDF | સનાતન ધર્મની વાતો - ભાગ 37 - ઈશ્વરનું અસ્તિત્વ કે માનવીય કલ્પના

Featured Books
Categories
Share

સનાતન ધર્મની વાતો - ભાગ 37 - ઈશ્વરનું અસ્તિત્વ કે માનવીય કલ્પના

ઈશ્વરનું અસ્તિત્વ કે માનવીય કલ્પના? વિજ્ઞાન અને તર્કનું ગહન વિશ્લેષણ

શ્રદ્ધા અને વિજ્ઞાનનો સંગમ: ભગવાનના અસ્તિત્વ પાછળના છૂપા રહસ્યો

શું ઈશ્વર ખરેખર છે? : સંશોધક અભિષેક કર દ્વારા કરવામાં આવેલા તાર્કિક ખુલાસા

 

માનવ સંસ્કૃતિના ઉદયથી જ એક પ્રશ્ન હંમેશા કેન્દ્રમાં રહ્યો છે - "શું ઈશ્વરનું અસ્તિત્વ વાસ્તવિક છે કે તે માત્ર માનવીય મગજની ઉપજ છે?" વિરલ સખીયા દ્વારા તેમના પૉડકાસ્ટમાં આ ગૂઢ વિષય પર જાણીતા સંશોધક અને લેખક અભિષેક કર સાથે અત્યંત ઊંડી ચર્ચા કરવામાં આવી છે. આ આર્ટીકલ પૉડકાસ્ટમાં રજૂ થયેલા વિચારોના આધારે વિજ્ઞાન, તર્ક અને અધ્યાત્મ વચ્ચેના સંબંધોને ઉજાગર કરે છે.

ઈશ્વર: એક અત્યંત જટિલ બ્રહ્માંડના સર્જક

આ વિષય પર પ્રકાશ પાડતા અભિષેક કરે જણાવ્યું હતું કે, "બ્રહ્માંડની રચના અને તેની કાર્યપ્રણાલીમાં જે ચોકસાઈ જોવા મળે છે, તે સાબિત કરે છેકે, તેની પાછળ કોઈ 'સુપ્રીમ ઇન્ટેલિજન્સ' કાર્યરત છે. જે રીતે પૃથ્વી સૂર્યથી ચોક્કસ અંતરે છે - જો તે થોડી પણ નજીક હોત તો આપણે બળી ગયા હોત અને જો થોડી પણ દૂર હોત તો આપણે થીજી ગયા હોત. આ પ્રકારનું 'ફાઈન-ટ્યુનિંગ' કોઈ અકસ્માત હોઈ શકે નહીં. એક નાની ઘડિયાળ બનાવવા માટે પણ જો કોઈ ઘડિયાળીની જરૂર હોય, તો આટલા વિશાળ બ્રહ્માંડના સર્જન પાછળ કોઈ મહાન શક્તિ ચોક્કસ હોવી જોઈએ."

વિજ્ઞાન અને અદ્રશ્ય ઉર્જાનું જોડાણ

વિજ્ઞાનના દ્રષ્ટિકોણ વિશે વાત કરતા અભિષેક કરે જણાવ્યું હતું કે, "આજનું વિજ્ઞાન જે 'એનર્જી'ની વાત કરે છે, આપણું પ્રાચીન અધ્યાત્મ તેને જ ઈશ્વર અથવા પરમાત્મા કહે છે. ક્વોન્ટમ ફિઝિક્સ હવે એ સ્વીકારી રહ્યું છે કે દ્રશ્ય જગતના પાયામાં એક અદ્રશ્ય ચેતના રહેલી છે. પદાર્થએ ઉર્જાનું જ એક સ્વરૂપ છે. તેથી વિજ્ઞાન અને ઈશ્વર એકબીજાના વિરોધી નથી, પરંતુ એક જ સત્યને જોવાની બે અલગ નજરો છે. જે આપણે જોઈ શકતા નથી, તેનો અર્થ એ નથી કે તેનું અસ્તિત્વ નથી."

શું ભગવાન માત્ર ડર દૂર કરવાનું સાધન છે?

માનવીય મનોવિજ્ઞાન વિશે અભિષેક કર પોતાના તર્ક રજૂ કરતાં જણાવે છેકે, "ઘણા લોકો માને છેકે, માણસે કુદરતી આપત્તિઓ અને મૃત્યુના ડરને કારણે ઈશ્વરની કલ્પના કરી છે. પ્રારંભિક તબક્કે ડર એક માધ્યમ હોઈ શકે, પરંતુ સાચું અધ્યાત્મ ડરથી મુક્તિ આપે છે. ઈશ્વરનો વિચાર માણસને એક નૈતિક માળખું અને જીવન જીવવાનો ઉદ્દેશ્ય પૂરો પાડે છે. જો આ માત્ર એક મિથ (દંતકથા) હોત, તો હજારો વર્ષો સુધી તે માનવ ચેતનાને આટલી ઊંડી અસર ન કરી શકત. ઈશ્વર એ શિસ્ત અને શાંતિનો આધાર છે."

બ્રહ્માંડનું ગણિત અને કુદરતના નિયમો

બ્રહ્માંડના કાયદાઓ વિશે અભિષેક કરે જણાવ્યું હતું કે, "કુદરતમાં એક નિશ્ચિત ગણિત છે. નક્ષત્રોની ગતિથી લઈને માનવ શરીરના કોષોની રચના સુધી બધું જ એક ચોક્કસ પેટર્નમાં ચાલે છે. આ પેટર્ન જ ઈશ્વરની હાજરીનો સૌથી મોટો પુરાવો છે. ઈશ્વર એટલે કોઈ એવી વ્યક્તિ નથી જે આકાશમાં બેસીને દોરી સંચાર કરે છે, પણ ઈશ્વર એટલે એ 'કોસ્મિક લો' જેના કારણે આ સમગ્ર સૃષ્ટિ ટકી રહી છે. વિજ્ઞાન આ નિયમોને શોધે છે, જ્યારે અધ્યાત્મ તે નિયમોના સર્જકને અનુભવે છે."

ચેતના અને આત્માનો સંબંધ

માનવ અસ્તિત્વ વિશે અભિષેક કરે સમજાવ્યું હતું કે, "આપણું શરીર પંચતત્ત્વોનું બનેલું છે, પણ તેની અંદર જે જોનાર છે, જે અનુભવ કરનાર છે, તેને આપણે 'ચેતના' કહીએ છીએ. આ ચેતના જ ઈશ્વરનો અંશ છે. જે રીતે એક સમુદ્રના ટીપામાં સમુદ્રના તમામ ગુણો હોય છે, તે જ રીતે મનુષ્યની અંદર પરમાત્માના ગુણો રહેલા છે. ઈશ્વરને શોધવા માટે બહાર ભટકવાને બદલે જો મનુષ્ય પોતાની અંદર મૌનથી ઉતરે, તો તેને તે ઉર્જાનો સાક્ષાત્કાર થઈ શકે છે."

ધર્મ અને ઈશ્વર વચ્ચેનો તફાવત

ધાર્મિક સંસ્થાઓ વિશે વાત કરતા અભિષેક કરે જણાવ્યું હતું કે, "ઈશ્વર એક છે, પણ ધર્મ અને સંપ્રદાયો અનેક છે. માણસે પોતાની સંસ્કૃતિ અને ભાષા મુજબ ઈશ્વરને અલગ અલગ નામ આપ્યા છે. જે રીતે પાણીને હિન્દીમાં 'જલ' અને અંગ્રેજીમાં 'વોટર' કહેવાય છે, પણ તત્ત્વ તો એક જ રહે છે, તેમ ઈશ્વર પણ એક જ છે. આપણે ધર્મોના નામે લડીએ છીએ કારણ કે આપણે મૂળ તત્ત્વને ભૂલીને બાહ્ય રૂપોમાં અટવાઈ ગયા છીએ. ઈશ્વર કોઈ સંપ્રદાયનો નથી, તે સમગ્ર માનવજાતનો છે."

ચમત્કારો પાછળનું અદ્રશ્ય વિજ્ઞાન

જીવનમાં બનતી અકલ્પનીય ઘટનાઓ વિશે અભિષેક કરે સમજાવ્યું હતું કે, "જે વસ્તુને આજનું વિજ્ઞાન સમજાવી શકતું નથી, તેને આપણે ચમત્કાર કહીએ છીએ. પ્રાચીન ઋષિમુનિઓ પાસે એવી ટેકનોલોજી અને વિજ્ઞાન હતું જે આપણી કલ્પના બહાર છે. ઈશ્વર કુદરતના નિયમો તોડતો નથી, પણ કુદરતના એવા અનેક નિયમો છે જે હજી પણ માનવ બુદ્ધિ માટે રહસ્ય છે. હકીકતમાં, દરરોજ સૂર્યનું ઉગવું અને એક બીજમાંથી વિશાળ વૃક્ષનું સર્જન થવું - આ બધી જ ઘટનાઓ અજોડ ચમત્કાર જ છે."

નાસ્તિકતા અને સત્યની શોધ

નાસ્તિક વિચારધારા પર પ્રકાશ પાડતા અભિષેક કરે પોતાઓ દ્રષ્ટિકોણ રજૂ કરતાં જણાવ્યું હતું કે, "ઘણા લોકો પોતાની જાતને નાસ્તિક કહે છે કારણ કે તેઓ ખોટી માન્યતાઓ અને પાખંડનો વિરોધ કરે છે. જો તમે સત્યની શોધમાં છો, તો તમે સાચા માર્ગે જ છો. ઈશ્વર પ્રશ્નોથી ડરતો નથી. જો તમે તર્કનો પૂરો ઉપયોગ કરશો, તો પણ અંતે તમે તે પરમ શક્તિના સ્વીકાર સુધી પહોંચશો. નાસ્તિકતા એ પણ ઘણીવાર ઈશ્વરને પામવા માટેની એક આડકતરી સફર હોય છે, જેમાં મનુષ્ય જડ માન્યતાઓનો ત્યાગ કરે છે."

બ્રહ્માંડની વિશાળતામાં મનુષ્યનું સ્થાન

મનુષ્યની હસ્તી વિશે અભિષેક કરે જણાવ્યું હતું કે, "જ્યારે આપણે બ્રહ્માંડની વિશાળતા જોઈએ છીએ, ત્યારે આપણને સમજાય છે કે મનુષ્ય કેટલો નાનો છે. આ વિનમ્રતા જ આપણને ઈશ્વર તરફ લઈ જાય છે. જે અહંકાર આપણને એમ કહે છે કે 'હું જ બધું કરું છું', તે અહંકાર ઓગળે ત્યારે જ પરમાત્માનો પ્રકાશ દેખાય છે. ઈશ્વરનું અસ્તિત્વ હોવું એ મનુષ્ય માટે ગૌરવની વાત છે કે તે આટલી મોટી શક્તિનો એક ભાગ છે."

ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય

ચર્ચાને આગળ ધપાવતા અભિષેક કરે જણાવ્યું હતું કે, "આવનારો સમય એવો હશે જ્યાં વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચેની દીવાલ તૂટી જશે. મેડિટેશન અને બ્રેઈન વેવ્સ પર થયેલા સંશોધનો બતાવે છે કે આપણી માનસિક શક્તિઓ ભૌતિક જગતને પ્રભાવિત કરી શકે છે. ઈશ્વર એ કોઈ જૂની પુરાણી કથા નથી, પણ તે જીવનનો જીવંત આધાર છે. જ્યારે વિજ્ઞાન તેની મર્યાદા પૂરી કરે છે, ત્યારે અધ્યાત્મના રહસ્યો શરૂ થાય છે."

ઈશ્વર પ્રત્યેની સાચી શ્રદ્ધા

પોતાના સંશોધનોનો સાર આપતા અભિષેક કરે કહ્યું હતું કે, "ઈશ્વરને મગજથી સાબિત કરી શકાય છે, પણ તેને પામવા માટે હૃદયની જરૂર છે. જે રીતે ખાંડનો સ્વાદ વર્ણવી શકાતો નથી, માત્ર અનુભવી શકાય છે, તેમ ઈશ્વર પણ અનુભૂતિનો વિષય છે. તમારી અંદરની જિજ્ઞાસા જ તમને સાચો ઉત્તર આપશે. પ્રકૃતિના દરેક અંશમાં તે પરમ તત્ત્વ વ્યાપ્ત છે, બસ તેને જોવાની દ્રષ્ટિ કેળવવાની જરૂર છે."

ઈશ્વરનું અસ્તિત્વ માત્ર પરંપરા નહીં અસ્તિત્વનું સત્ય

વાયરલ સખીયા અને અભિષેક કર વચ્ચેનો આ સંવાદ વાચકોને ગહન વિચાર કરવા પ્રેરે છે. અભિષેક કરે જે રીતે આ વિષયને વૈજ્ઞાનિક અને તાર્કિક માળખામાં રજૂ કર્યો છે, તેનાથી સમજાય છે કે ઈશ્વરનું અસ્તિત્વ હોવું એ માત્ર પરંપરા નથી પણ અસ્તિત્વનું સત્ય છે. સાચું જ્ઞાન એ જ છે જે આપણને આપણી મર્યાદાઓ સમજાવે અને તે અસીમ શક્તિ સાથે આપણું અનુસંધાન કરાવે.