અડગ વિશ્વાસ ની અજોડ જીત
શહેરના એક શાંત અને સામાન્ય મધ્યમ વર્ગીય વિસ્તારમાં જનકભાઈનું ઘર હતું. મોટું તો ન હતું, પરંતુ એ ઘરમાં શાંતિ હતી, સંતોષ હતો અને સૌથી વધુ રામકૃષ્ણમયી સુગંધ હતી. જનકભાઈનું જીવન જાણે એક ચાલતું ધ્યાન હતું. સવાર પડે એટલે આંખ ખોલતાં પહેલાં જ રામકૃષ્ણ દેવનું નામ હૃદયમાં ગુંજતું, અને સાંજ પડે એટલે દુનિયાના બધા થાક, તણાવ અને દુનિયા ના કાવાદાવા થી દૂર તેઓ રામકૃષ્ણ મિશનમાં ધ્યાનમાં બેસી જતા.
જનકભાઈ કહેતા,
“દુનિયા તો દરિયો છે દીકરી, તરતા આવડવું જોઈએ, પણ લહેરો પર વિશ્વાસ રાખવો નહીં. વિશ્વાસ રાખવો હોય તો રામકૃષ્ણ પર રાખજે.”
એ જ સંસ્કારોમાં ઉછરી હતી પ્રીતિ એ જનકભાઈની સહુથી નાની પુત્રી. પ્રીતિ માત્ર દેખાવમાં જ સુંદર નહોતી, પરંતુ તેના શબ્દોમાં વિનમ્રતા, તેના વર્તનમાં સંસ્કાર અને તેના વિચારોમાં ઊંડાણ હતું. ભણવામાં હોશિયાર, પણ કદી ઘમંડ નહીં. માતા-પિતાને પોતાની બધી પુત્રી ઑ જોઈને લાગતું કે ભગવાને તેમના તપસ્યાનું ફળ આ બધી દીકરી ઑ રૂપે આપ્યું છે.
સમય વહેતો ગયો. પ્રીતિ સ્નાતક થઈ. એ જ સમયગાળામાં એક ગાઢ શ્રીમંત પરિવાર તરફથી લગ્નનો પ્રસ્તાવ આવ્યો, યુવાનનું નામ મયુર. વ્યવસાયમાં સફળ, સંસ્કારી દેખાવ અને બોલવામાં નમ્રતા. જનકભાઈએ મયુર સાથે વાત કરી. તેની આંખોમાં ખોટો અભિમાન નહોતો, પણ આત્મવિશ્વાસ હતો. જનકભાઈએ મનમાં રામકૃષ્ણ દેવને યાદ કરી ને મનમાં કહ્યું
“જો આ યોગ્ય હશે તો સંકેત આપજો.”
લગ્ન ખુબજ ધામધૂમ પૂર્વક અને આનંદપૂર્વક થયા. રંગે-ચંગે વિધિઓ, બંને પરિવારના ચહેરા પર સ્મિત. પ્રીતિ નવા ઘરમાં ગઈ, મોટું ઘર, સગવડોથી ભરેલું જીવન. શરૂઆતના દિવસો ખરેખર સ્વપ્ન જેવા હતા. થોડા વર્ષોમાં એક પુત્રરત્નનો જન્મ થયો. ઘરમાં ખુશીની ગુંજ હતી.
પરંતુ જીવન વિશે કહેવાય છે
“જેમ દુઃખ કાયમ નથી રહેતું, તેમ સુખ પણ કાયમ નથી રહેતું.”
એક દિવસ અચાનક મયુરના પિતા, જગદીશભાઈ જે મોટા બિઝનેસમેન હતા તેમનું અચાનક અવસાન થયું. હસતો-ખેલતો પરિવાર એક ઝટકામાં શોકમાં ગરકાવ થઈ ગયો. ચાર દિવસ શોકવિધિ ચાલી, લોકો આવતાં-જતાં રહ્યા, પરંતુ ત્યાર પછી જે શરૂ થયું એ તો અસલી દુઃસ્વપ્ન હતું.
જગદીશભાઈએ જીવનમાં મોટો વ્યવસાય ફેલાવ્યો હતો, પણ ક્યાં રોકાણ છે, કેટલા દેવા છે, કોને આપવાના છે] એની કોઈ નોંધ નહોતી. તેમના મૃત્યુ બાદ લોકો આવવા લાગ્યા. કોઈ કહે “જગદીશભાઈ પાસેથી આટલા પૈસા લેવા છે.”
કોઈ બીજું કહે “મારા રૂપિયા આપો, નહીં તો પરિણામ ખરાબ આવશે.”
ધીરે ધીરે ઉઘરાણી ગુંડાગર્દીમાં ફેરવાઈ. મયુર અને પરિવાર ડઘાઈ ગયા. જે લોકો કાલ સુધી મીઠું બોલતા હતા, આજે આંખમાં આગ લઈને ઉભા હતા. સ્વમાની મયુર માટે આ બધું સહન કરવું મુશ્કેલ હતું. તેણે નિર્ણય લીધો.
“પિતાજીના નામે કોઈ પર આંચ ન આવે. જે કંઈ છે, વેચી દઈએ, પણ દેવું ચૂકવી દઈએ.”
એક પછી એક મિલકતો વેચાઈ ગઈ. મોટું ઘર છૂટ્યું. વૈભવી જીવન ખતમ થયું. પરિવાર એક નાના ભાડાના ફ્લેટમાં રહેવા ગયો. એ જ સમયગાળામાં પ્રીતિએ બીજા પુત્રને જન્મ આપ્યો.
પ્રીતિ માટે એ સમય અગ્નિપરીક્ષા સમાન હતો. એક બાજુ નાનકડું બાળક, એક બાજુ આર્થિક સંઘર્ષ, અને એક બાજુ તૂટેલો પરિવાર. પરંતુ પ્રીતિ જનકભાઈની દીકરી હતી. તેણે કોઈ ફરિયાદ ન કરી. તેણે સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી શરૂ કરી. સવારે ઘર, બાળકો, સાંજે સ્કૂલ અને રાત્રે મયુરને સંભાળવું.
ધીમે ધીમે જીવન ફરી ગોઠવાઈ રહ્યું હતું. ઓછું હતું, પણ શાંતિ હતી. પરંતુ કુદરતને હજી કસોટી પૂરી કરવી નહોતી.
એક દિવસ મયુરને ગળા પાસે ગાંઠ દેખાવા લાગી. શરૂઆતમાં બધાએ સામાન્ય ગણાવી. પણ ગાંઠ વધતી ગઈ. ડોક્ટર પાસે તપાસ કરાવી. અનેક ટેસ્ટ થયા. છેલ્લે ડોક્ટરે ગંભીર અવાજમાં કહ્યું.
“આ કેન્સર છે… અને છેલ્લા સ્ટેજમાં છે. બચવાની શક્યતા બહુ ઓછી છે.”
એ શબ્દો જાણે વીજળી સમાન પડ્યા. પ્રીતિનું માથું સુન થઈ ગયું. મયુર ચૂપ બેઠો રહ્યો. જનકભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ તેમણે તરત જ આંખ બંધ કરી અને મનમાં રામકૃષ્ણ દેવને યાદ કર્યા.
જનકભાઈએ ધીમે અવાજમાં કહ્યું
“જ્યારે માનવી હારી જાય, ત્યારે ભગવાન હાથ પકડે છે.”
પ્રીતિ તૂટી નહોતી. રડી, પણ ડગી નહીં. તેણે મયુરનો હાથ પકડ્યો અને કહ્યું
“અપણે ડરશો નહીં. રામકૃષ્ણ દેવ અને માં શારદા દેવી આપણાં છે.”
આ પછી પ્રીતિનું જીવન સંપૂર્ણ રીતે શ્રદ્ધામાં સમર્પિત થઈ ગયું. દર સવાર માં શારદા દેવીનું નામ લઈને શરૂઆત, અને રાત્રે રામકૃષ્ણ દેવના બોધ વાંચીને અંત. તે સમજવા લાગી કે દુઃખ એ દંડ નથી, પણ શુદ્ધિ છે.
રામકૃષ્ણ દેવ કહે છે
“જ્યારે હું તને દુઃખ આપું છું, ત્યારે હું તને મારા વધુ નજીક લાવું છું.”
પ્રીતિએ મયુરની સેવા માં કોઈ કમી રાખી નહીં. દવાઓ, સારવાર, પ્રાર્થના બધું ચાલતું રહ્યું. બાળકોને તેણે શીખવ્યું
“પપ્પા બીમાર છે, પણ ભગવાન આપણાં સાથે છે.”
સમય પસાર થતો ગયો. મયુરની તબિયત દિવસે દિવસે ઘટતી ગઈ, પણ ઘરમાં આશા જીવતી રહી. એક રાત્રે મયુરે પ્રીતિનો હાથ પકડ્યો અને કહ્યું
“જો હું ન રહું, તો તું તૂટીશ નહીં ને?
પ્રીતિની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં અડગ વિશ્વાસ
“રામકૃષ્ણ દેવ જે કરશે, એ જ સાચું. હું તૂટતી નથી.”
માં શારદા દેવી કહે છે
“સહનશક્તિ એ જ સાચી શક્તિ છે.”
પ્રીતિ માટે રામકૃષ્ણ દેવ અને માં શારદા દેવી કોઈ મૂર્તિ નહોતા એ જીવનનો આધાર હતા. સંઘર્ષમાં પણ શાંતિ, દુઃખમાં પણ શ્રદ્ધા એ જ આ વાર્તાનો આત્મા છે.
કારણ કે
જ્યાં શ્રદ્ધા છે, ત્યાં હાર નથી અને તે તો બસ ઠાકુર સમક્ષ બેસી ને ભજન ગાતી હતી.
શરણ તારો, શારદા માત,
અંધારામાં દીવો તું હાથમાં રાખ ।
તૂટે આશા, ડોલે શ્વાસ,
ન તૂટે વિશ્વાસ, રામકૃષ્ણ સાથ ॥
જીવનના માર્ગે કાંટા ઊગ્યા,
સુખના પંખી ઉડી ગયા ।
ઘર છૂટ્યું, વૈભવ વેરાયો,
આંસુઓમાં દિવસ વહી ગયા ॥
તોય હૃદયે એક દીવો જાગ્યો,
નામ તારો જ મંત્ર બન્યો ।
હારે માનવ, જીતે ભક્તિ,
દુઃખ પણ આશીર્વાદ બન્યો ॥
શરણ તારો, શારદા માત…
એક હાથમાં સંતાનની પળતી,
બીજા હાથમાં કર્મની આગ ।
થાકે કાયા, ન થાકે આત્મા,
કારણ તું છે અંદર જાગ ॥
રામકૃષ્ણ કહે “ડર ન રાખ,
હું જ છું તારી નાવનો પાર” ।
લહેરો ભલે ઉછળે ઊંચી,
શ્રદ્ધા રાખે જીવન ધાર ॥
શરણ તારો, શારદા માત…
સંપત્તિ ગઈ, સ્વપ્નો વેરાયા,
પણ ન વેરાયો આત્મસ્વાભિમાન ।
સેવામાં તું દેવ દેખે,
દર્દ બને જ પ્રભુનું જ્ઞાન ॥
રાતે રડી ને તું જાગે,
સવારે સ્મિતથી દીવો સજાવે ।
આંસુઓમાં ભીંજાય ભક્તિ,
એ જ તને માતા બનાવે ॥
શરણ તારો, શારદા માત…
જો આજે શ્વાસ અટકી જાય,
તો પણ ન અટકે ભક્તિ તારી ।
મરણ પણ અહીં ભય ન લાગે,
કારણ તું છે સદા અમારી ॥
મંગળમાં કે મહાવિપત્તિ,
(વધુ આવતીકાલે)
એક જ નામ હૃદયે વાગે ।
રામકૃષ્ણ અને શારદા માત,
દુઃખને પણ દર્શન બનાવે ॥
શરણ તારો, શારદા માત,
અંધારામાં દીવો તું હાથમાં રાખ ।
જાય બધું, રહી જાય શ્રદ્ધા,
એ જ છે જીવનનો સાચો સાથ ॥
-*-*-*-*