The truth hidden in the snow in Gujarati Crime Stories by Rupen Patel books and stories PDF | બરફમાં છુપાયેલું સત્ય

Featured Books
Categories
Share

બરફમાં છુપાયેલું સત્ય


બરફમાં છુપાયેલું સત્ય


સિમલાની સેન્ટ્રલ કોલેજમાં ભણતો આર્યન દેખાવમાં જેટલો શાંત હતો, અંદરથી તેટલો જ અશાંત. ગુજરાત ના મોટા ગજાના ઉદ્યોગપતિ કિશોરભાઈનો તે એકનો એક વારસદાર હતો. આર્યનને મોંઘી ગાડીઓ અને જુગારનો ચસકો લાગ્યો હતો. સિમલાના કસિનો અને ઓનલાઈન સટ્ટામાં તે કરોડો રૂપિયા હારી ચૂક્યો હતો. લેણદારોના ફોન આવવા લાગ્યા હતા.
આર્યનને એક ખતરનાક વિચાર આવ્યો . તેણે વિચાર્યું, "પપ્પા પાસે તો કરોડો છે, પણ તે મને આપશે નહીં. જો મારું અપહરણ થાય, તો તે રડતા-રડતા પૈસા આપી દેશે."
આર્યન પાસે વિચાર હતો પણ આ વિચારમાંથી પ્લાન કેવી રીતે બનાવવો તેની સમજણ નહોતી પડતી. બહુ વિચાર્યા પછી તેને તેની ગર્લફ્રેન્ડ યાદ આવી, તેની પાસે ડિજિટલ નોલેજ અને આઈડિયા હશે જ તેવું માની તેને કોલ કરીને મોલ રોડ ના ફેમસ કોફી શોપ માં બોલાવી.
આર્યન : "માયા મને બચાવી લે, હું ખલાસ થઈ ગયો છું, દેવાદાર થઈ ગયો છું. મારી પાસે પપ્પા એ મોકલેલ બધા પૈસા, ક્રેડિટ કાર્ડની લિમિટ, બેંક બેલેન્સ ખતમ થઈ ગયું છે. લોકો પાસેથી ઉધાર લીધેલ પૈસા પુરા થવામાં છે."
માયા : "જો.. જો આર્યન, આમ રડીશ નહીં, હું તને થોડીક મદદ કરી શકું. તને અહીંથી ઘરે ભાગવા ટિકિટ અને આઈડિયા આપી શકું. બાકી એનાથી આગળ...."
આર્યન : "માયા... માયા, તું જ મને બચાવી શકે તેમ છે. તારી પાસે જ રસ્તો છે. મને તારી પાસે પૈસા, ટિકિટ ની જરૂર નથી મને એક વિચાર આયો છે તેનો પ્લાન તારે બનાવવાનો છે."
આર્યને એક્કી શ્વાસે તેને આયેલો વિચાર કહ્યો ને તેમાંથી પ્લાન બનાવી આપવા કહ્યું. માયા એ અમેરિકનો કોફી ની સીપ લેતા લેતા આખી વાત સાંભળી ને માઇંડમાં સેટ કરી. 
થોડી વાર વિચાર્યા બાદ માયા બોલી, " હું તને કાલે તારા રૂમ પર મળું, ધમાકેદાર પ્લાન અને એક ખતરનાક માણસ સાથે."
માયા કોફી શોપ નું બિલ પે કરી આર્યન ને હગ આપી કાનમાં, "ચિંતા ના કર! હું તને બચાવી લઈશ ડાર્લિંગ " કહીને ઝડપથી રવાના થઈ ગઈ.

બીજા દિવસે વ્હેલી સવારે સિમલાની કકડતી ઠંડીમાં માયા તેના લેપટોપ પર બેસીને કંઈક ટાઈપ કરી રહી હતી. આર્યન બાજુમાં બેસીને પરસેવે રેબઝેબ હતો.
આર્યન: "માયા, મને બહુ બીક લાગે છે. જો પપ્પાને ખબર પડી ગઈ કે આ બધું નકલી છે તો?"
માયા: (ઠંડા અવાજે) "આર્યન, તારા પપ્પા રાજકોટમાં બેઠા છે. અહીં સિમલામાં તારા આઈફોનનું લોકેશન મેં ડાર્ક વેબના સર્વર સાથે જોડી દીધું છે. પોલીસ ટ્રેસ કરશે તો લોકેશન રશિયા બતાવશે. બસ, તું માઈકલ કહે એમ કર."
તે સમયે માઈકલ રૂમમાં પ્રવેશ્યો. તે સિમલાનો લોકલ ગુંડો હતો, પણ તેની નજર માયાના લેપટોપ પર અને આર્યનના બાપની મિલકત પર હતી.
માઈકલ: "પ્લાન તૈયાર છે ને? મેં ડમી નંબર પરથી કિશોરભાઈને ઓડિયો ક્લિપ મોકલી દીધી છે."
આર્યન: "કઈ ક્લિપ? મેં તો હજી કશું રેકોર્ડ જ નથી કર્યું!"
માયા: (સ્મિત સાથે) "આર્યન, આ ૨૦૨૬ છે. તારા જુના વિડિયોમાંથી તારો અવાજ લઈને મેં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા તારો રડવાનો અવાજ બનાવી દીધો છે. તારા પપ્પાને અત્યારે ફોન પર તારી જ ચીસો સંભળાઈ રહી છે."
કિશોરભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ ઓડિયો કલીપ થી ભયભીત હતા ને ફરી કોઈ ફોન આવે તેની રાહ જોતા હતા. 
તેમણે તેમના રાજકારણી મિત્ર થકી તાત્કાલિક ગુજરાત પોલીસના બાહોશ ડીવાયએસપી પૃથ્વીરાજ સિંહનો સંપર્ક કર્યો અને ઓડિયો કલીપ અને ફોન આવ્યા ની વાત કહી. પૃથ્વીરાજ સિંહ સમજી ગયા કે કેસ ગંભીર છે એટલે આખી વાત મીડિયા થી ખાનગી રાખવા કિશોરભાઈને કહ્યું.
આર્યન, માયા અને માઈકલ વચ્ચે પ્લાન નક્કી થયો: આર્યનનું 'નકલી' અપહરણ કરવું, પિતા પાસે ૫ કરોડની માંગણી કરવી અને પૈસા આવ્યા પછી 1 કરોડ માઈકલને આપવા, 1 કરોડ માયા ને આપવા અને ૩ કરોડ આર્યન પોતે રાખશે.

પ્લાન મુજબ એક રાત્રે આર્યન હોસ્ટેલથી છુપાઈને પોતાના અપહરણ માટે નીકળ્યો.
સિમલામાં ડિસેમ્બરની રાત. હવા એટલી ઠંડી કે શ્વાસ લો તો ધુમાડા જેવી વરાળ નીકળે. મોલ રોડથી 500 મીટર મંદિર તરફ જતો સૂમસામ રસ્તો. પીળી સ્ટ્રીટલાઈટના અજવાળામાં બરફના બારીક ફોરા હવામાં તરતા હતા, જાણે કોઈ આકાશમાંથી રૂ પીંજી રહ્યું હોય.
આર્યન રસ્તા પર એકલો ચાલતો હતો. ખભે સ્ટુડન્સ બેગ, પગમાં મોંઘા નાઈકી શૂઝ, કાનમાં એરપોડ્સ. રસ્તાના વળાંક પર એક સફેદ ટેક્ષી ઉભી હતી. નંબર પ્લેટ પર કાદવ લગાડેલો, કાર ના બ્લેક ગ્લાસ . અંદર બે જણા. આગળ માઈકલ, જેના હાથ સ્ટિયરિંગ પર એવા જકડાયેલા હતા જાણે છોડશે તો ગાડી ભાગી જશે. પાછળ માયા , માથા પર મંકી કેપ, હાથમાં એક મેલું કપડું. બંનેની આંખોમાં પૈસાની ભૂખ હતી, પણ ભૂખ કરતા વધારે ડર હતો.
પ્લાન મુજબ ત્રણેએ અપરહણ નું નાટક શરૂ કર્યું. આર્યન કાર પાસે આવ્યો તરત માયાએ તેને હથિયાર બતાવી કાર માં અંદર ખેંચ્યો. 
આર્યન :(જાણીજોઈને અવાજમાં નકલી ધ્રુજારી લાવી): 'ક...કોણ છો તમે? કેમ મને...? હું... હું ચીસ પાડીશ."
માયા : "ચૂપ! એક અવાજ કાઢ્યો તો પસ્તાઈશ. ચૂપચાપ ગાડીમાં બેસી જા."
આર્યન (પાછલી સીટમાં બેસતાં): "આરામથી, યાર. બ્લેઝર ફાટી જશે."
કાર ચાલુ થઈ. માઈકલે એક્સિલરેટર પર પગ એવો મૂક્યો જાણે પોલીસ પીછો કરતી હોય. કાર ને સિમલાથી 20 કિ.મી. દૂર સુમસામ બરફના પહાડ પાછળના ખંડેર ફાર્મહાઉસ તરફ લઈ ગયા. 
મોબાઈલનો ફ્લેશ કારમાં ઝબક્યો. ફોટામાં એક છોકરો દેખાયો, જેની આંખો બંધાયેલી હતી, પણ ભ્રમર પર કોઈ સળ નહોતો. માયા એ ફોટો અને મેસેજ કિશોરભાઈને સેન્ડ કરી મોબાઈલ સ્વીચ ઓફ કરી દિધો. 
બંગલા પાસે કાર એક ઝટકા સાથે ઉભી રહી ગઈ. પાછળથી હેડલાઈટ વગર ના બાઈકનો અવાજ આવ્યો, માત્ર એન્જિનનો ઘુર્રાટ.
માયાનો ચહેરો ફિક્કો પડી ગયો. માઈકલે બારીનો કાચ નીચે કર્યો.
માયા (ફફડતા અવાજે): "ડે.... ડેડલોક? તું અહીં? મેં તો... "
બારી પાસે એક ચહેરો ઝૂક્યો. 35 વર્ષનો, ગાલ પર છરીનો નિશાન, આંખો લાલ. જેકેટ ભીનું. એ ડેડલોક હતો. ,માઇકલનો ભાઈબંધ હતો. હત્યાના કેસમાં 7 વર્ષ જેલમાં રહીને આવેલો.
ડેડલોક એવો ગુંડો હતો કે જેની પકડમાંથી કોઈ બચી શકતું ન હતું તે માયા જાણતી હતી.
ડેડલોક ને જોઈને તરત જ પ્લાન માં ટ્વીસ્ટ આવી ગયો ને માઇકલ ની ગેમ માયા ને સમજાઈ ગઈ પણ હવે આગળ શું થશે ને બચવા શું કરવું તે સમજાતું ન હતું. 
ડેડલોકે કારનો દરવાજો ખોલી અંદર બેઠો. એના બેસવાથી આખી કાર નમી ગઈ. એણે આર્યન ના ખભા પર હાથ મૂક્યો ને (એક એક શબ્દ ચાવીને બોલ્યો): "છોકરા... ગેમ બદલાઈ ગઈ. નાટક પૂરું. હવે અસલી ખેલ શરૂ."
આર્યને પહેલી વાર ગેમમાંથી નજર ઉંચી કરી. ડેડલોક ની આંખોમાં જોયું. એ આંખોમાં પૈસાનો લોભ નહોતો. એમાં એવું કંઈક હતું જે આર્યને વેબ સિરીઝમાં પણ નહોતું જોયું - મોતનું ખાલીપણું.
સમય હતો રાતના 11:40, બહાર બરફનું તોફાન, લાઈટ ગયેલી છે, માત્ર ફાનસનો ઝાંખો પ્રકાશ હતો.
ફાર્મહાઉસના એક જ ઓરડામાં ત્રણ જણ હતા. બહાર પવન એવા સુસવાટા મારતો હતો જાણે સેંકડો આત્માઓ એકસાથે રડતી હોય. ફાનસની જ્યોત હવામાં ડોલતી હતી અને દીવાલો પર પડછાયાઓ નાચતા હતા.
આર્યન એક ખૂણામાં સુમસામ ભયભીત બેઠો હતો. શરૂઆતનો ઓવરકોન્ફિડન્સ હવે ઉડી ગયો હતો. ડેડલોક સામેની ખુરશી પર બેઠો હતો. પગ લાંબા કરીને, હાથમાં દેશી કટ્ટો રમાડતો હતો. માયા અને દરવાજા પાસે ઉભા હતી , જાણે ભાગવાનો રસ્તો શોધતી હોય પણ પગ જકડાઈ ગયા હોય.
ડેડલોક (કટ્ટાની નાળી પર આંગળી ફેરવતાં, અવાજ બરફ જેવો ઠંડો): "તો છોકરા, તું શેઠ કિશોરભાઈનો દીકરો. 5 કરોડની કિંમત છે તારી, હેં?"
એણે આર્યન તરફ એક ડગલું ભર્યું. આર્યન આપોઆપ પાછળ સરક્યો. પીઠ દીવાલે અડકી ગઈ.
આર્યન (અવાજ હવે ધ્રૂજતો હતો): "તમે... તમે શું કરવા માંગો છો? પૈસા જોઈએ છે ને? પપ્પા આપી દેશે. હું કહીશ એમને... આખા 5 કરોડ... તમને જ... "
ડેડલોક (ઉભો થઈ ગયો. એ ઉભો થયો એટલે આખો ઓરડો નાનો લાગવા માંડ્યો): "ચૂપ! માયા અને માઇકલ તમે બંને ગધેડા છો. આ છોકરો તમને વાપરીને ફેંકી દેત. એ ઘરે જઈને તમારો ભાંડો ફોડી નાંખી દે ત , પોલીસ તમારા ઘરે આવતી. અને તમે મારી જેમ જેલમાં સડતા હોત.
આર્યન (હાથ જોડીને, આંખમાં પહેલી વાર સાચા આંસુ): "ભાઈ... પ્લીઝ ભાઈ... મારી મમ્મી... મારી મમ્મી રાહ જોતી હશે... હું ભૂલી ગયો... હું તો બસ... મજાક કરતો હતો..."  
ડેડલોક (ચહેરા પર કોઈ લાગણી નહીં): "મજાક? મારી જિંદગી મજાક બની ગઈ છે 10 વર્ષથી. હવે તારો વારો."
માયા (અચાનક ચીસ પાડી ): "ડેડલોક, માઇકલ , ના! છોકરો છે! પાપ લાગશે! આ આપણો પ્લાન ન હતો."
ડેડલોક હવે આર્યન થી બે ડગલાં દૂર હતો. આર્યને બચવાનો છેલ્લો પ્રયાસ કર્યો.
આર્યન (ચીસ પાડીને): "પપ્પા! બચાવો! કોઈ તો બચાવો."
પણ એની ચીસ બહારના બરફના તોફાનમાં ભળી ગઈ. જંગલમાં કોઈ સાંભળનાર નહોતું.

ડેડલોકે ડાબા હાથે આયુષનું ગળું પકડ્યું. પકડ મજબૂત હતી, પહાડી માણસની. આર્યને બંને હાથે એ હાથ હટાવવાની કોશિશ કરી, પણ ડેડલોકની પકડ લોખંડ જેવી હતી. શ્વાસ રૂંધાવા લાગ્યો. આંખો પહોળી થઈ ગઈ. પગ હવામાં તરફડવા લાગ્યા.

માયા (રડતાં રડતાં): "ડેડલોક યાર ... છોડી દે એને... આપણે... આપણે બીજો રસ્તો..."
પણ ડેડલોક પથ્થર બની ગયો હતો. એની આંખોમાં બદલો, લાલચ અને જેલની નફરત ત્રણેય એકસાથે તરવરતાં હતાં.
આર્યન ના શરીરની તરફડાટ ધીમી પડી. હાથ લટકી ગયા. આંખો સ્થિર થઈ ગઈ.
ડેડલોક (કટ્ટો ખિસ્સામાં મૂકતાં, અવાજ સાવ સામાન્ય): માઇકલ , ચાદર લાવ. લાશને વીંટાળ, પાવડો કાઢ. બરફ ઓછો થાય એટલે જંગલમાં ખાડો ખોદવાનો છે. અને હા... હવે 5 કરોડ આખા આપણા. પણ યાદ રાખજો... આ છોકરો ક્યારેય હતો જ નહીં. સમજ્યા?"
માયા ચુપચાપ આખી ઘટના જોઈ રહી, ભાગવા માટે અંધારામાં રસ્તો ને મગજમાં પ્લાન બનાવી રહી હતી. 
માઈકલે લાશ દાટી દીધી અને આર્યન નો મોબાઈલ તોડી નાંખ્યો. 
થોડો ઉંડો શ્વાસ લીધા પછી ડેડલોક (ઉંચા સ્વરે બોલ્યો ):" હવે પ્લાન મુજબ ભાગ આપણા ત્રણેના એક્સરખા પડશે ને, પૈસા મળે ત્રણે ગાયબ થઈ જઈશું ને આ ભુલી જઈશું. "
નિરવ શાંતિ વચ્ચે માઈકલ (ધીમા સ્વરે )બોલ્યો :" આગળનો પ્લાન? "
"પ્લાન તો માયા બનાવશે, આપણે તેને ફોલો કરીશું " માયા સામે જોઈને ડેડલોક બોલ્યો.
થોડો ઉંડો શ્વાસ લઈ ગળું ખંખેરી માયા બોલી, " છે પ્લાન.. પણ.. આપણે પાછા સીટી માં નેટવર્ક માં જવું પડશે. " માયા એ અહીંથી છટકવા નાટક કર્યું.

કિશોરભાઈના બંગલે ડીવાયએસપી પૃથ્વીરાજ સિંહ પહોંચ્યા. ફોન પર આવતી ધમકીઓ અને ડિજિટલ પુરાવા જોઈને તેઓ ચોંકી ગયા.
પૃથ્વીરાજ સિંહ: "કિશોરભાઈ, આ કોઈ સાધારણ અપહરણકર્તા નથી. આ લોકો 'ડીપફેક' અને 'વોઈસ ક્લોનિંગ' નો ઉપયોગ કરી રહ્યા છે. પણ એક ભૂલ છે—ઇન્ટરનેટ ગમે તેટલું સ્માર્ટ હોય, માણસની લાલચ એનાથી પણ વધુ સ્માર્ટ હોય છે."
તેમણે સિમલાના ઇન્સ્પેક્ટર રાવતને ફોન કર્યો.
પૃથ્વીરાજ સિંહ: "રાવત, આર્યનના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસો. છેલ્લે તે કોની સાથે વાત કરતો હતો?"

માયા એ ફરી AI નો ઉપયોગ કરી આર્યનનો ઓડિયો બનાવી કિશોરભાઈ ને મોકલ્યો. તેણે મેસેજ માં ખંડણીના ૫ કરોડ રૂપિયા ક્રિપ્ટોકરન્સી (Bitcoin) માં માંગ્યા.
ખબરીઓના નેટવર્ક થકી ઇમ્ફર્મેશન ભેગી કરવા ડીવાયએસપી એ તેમની ટીમને આદેશ આપ્યો.
તેઓ પોતાની ટીમ સાથે સિમલા પહોંચ્યા અને ત્યાંના ઇન્સ્પેક્ટર રાવત સાથે ઓપરેશન શરૂ કર્યું.
પૃથ્વીરાજ સિંહ: "રાવત, આર્યનના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસો. છેલ્લે તે કોની સાથે વાત કરતો હતો?"
રાવત: "સાહેબ, એક માયા નામની છોકરી છે. તે સાયબર સિક્યુરિટીની સ્ટુડન્ટ છે. છેલ્લા બે કલાકથી તેનું લોકેશન સિમલાની બહાર એક જૂની ફેક્ટરી પાસે સ્થિર છે."
પૃથ્વીરાજ સિંહને ડાઉટ પડ્યો કે અપરહણ કરનારા આર્યન નહીં પણ ફેક વોઇસ થી મેસેજ કરી રહ્યા છે, ને ઘટના કઈં અલગ બનતી હોય તેવું લાગ્યું.
પોલીસ કાર્યવાહી વચ્ચે ઉતાવળથી કિશોરભાઈ એ ખંડણીના ૫ કરોડ રૂપિયા ક્રિપ્ટોકરન્સી (Bitcoin) માં ટ્રાન્સફર કરી દીધા. આ જાણી પૃથ્વીરાજ સિંહને ગુસ્સો આયો ને વિચાર આયો, આરોપી નહીં પકડાય, આર્યન ની લોકેશન જાણવા નહીં મળે તો.

માયા Bitcoin નું બેલેન્સ ચેક કરી લેપટોપ બંધ કરીને ઊભી થાય છે ત્યાં ડેડલોક બોલ્યો :"માયા, હવે તારો વારો... "
માયા ડેડલોક ની આંખો જોઈ ડરતા સ્વરે બોલી, " મને હિસ્સો નથી જોઈતો, મને જવા દો."
ચારે બાજુથી સાયરન વાગવા માંડી. પૃથ્વીરાજ સિંહ અને રાવતની ટીમે તેમને ઘેરી લીધા.
માયા પોલીસ જોઈને ડરતા સ્વરે બોલી,"તમે અહીં કેવી રીતે પહોંચ્યા? મેં તો મારું આઈપી એડ્રેસ હાઈડ (Hide) કર્યું હતું!"
પૃથ્વીરાજ સિંહ: (ગંભીરતાથી) "માયા, તેં આઈપી એડ્રેસ તો છુપાવ્યું, પણ આર્યનની સ્માર્ટ વોચ લોકેશન મોકલતી હતી. તમે તેનો ફોન ફેંક્યો, પણ તેની વોચ તારા જ બ્લૂટૂથ સાથે કનેક્ટેડ હતી. ટેકનોલોજી જેટલી તને આવડે છે, એટલી જ અમને પણ સમજાય છે."
ઇન્સ્પેક્ટર રાવત: "અને હા, તેં જે AI વોઈસ બનાવ્યો હતો, તેમાં તેં આર્યનનો જે અવાજ વાપર્યો હતો તેમાં પાછળ પક્ષીઓના અવાજ આવતા હતા જે માત્ર સિમલાના આ જ જંગલ વિસ્તારમાં જોવા મળે છે.અમને આર્યન ની લાશ ની લોકેશન પણ મળી ગઈ છે."
માઇકલ લાશને જંગલમાં દાટવા જાય છે, પણ બરફ પડવાનો શરૂ થઈ જાય. ઉતાવળમાં આર્યનનું બ્લેઝરનું બટન ત્યાં જ પડી રહે છે. ઇન્સ્પેક્ટર નેગીના ડોગ સ્ક્વોડને એ બટન મળે.છેલ્લે ઇન્સ્પેક્ટર નેગી જંગલમાં, બટન મળ્યું હતું ત્યાંથી 200 મીટર દૂર, તાજા બરફ નીચેથી આયુષની લાશ શોધી કાઢે છે.
માયા અને માઇકલ પોલીસ ની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયા. માયાની આંખ સામે જે ૫ કરોડના સપના હતા, તે હવે જેલના સળિયામાં બદલાઈ ગયા હતા. ત્રણે ને પોલીસ પકડી ગુનો કબુલ કરાવે છે ને કેસ સોલ્વ થઈ જાય છે.