ફ્લાઇટ 302: મર્ડર ઇન ધ એર
લેખક : રૂપેન પટેલ
દિલ્હીથી અમદાવાદ જતી સ્ટાર એરલાયન્સ ની ફ્લાઇટ આકાશને ચીરતી આગળ વધી રહી હતી. બિઝનેસ ક્લાસની સીટ નંબર 2B પર બેઠેલા 'ઓઝવાલા સ્ટીલ'ના માલિક વિક્રમ ઓઝવાલાના ચહેરા પર ચિંતાની ઘેરી રેખાઓ હતી. તેમની બાજુમાં તેમનો નાનપણનો લંગોટિયો યાર અને બિઝનેસ પાર્ટનર સિદ્ધાર્થ સિંઘાનિયા આરામથી વાઇનનો ગ્લાસ પકડીને બેઠો હતો.
"વિક્રમ, યાર થોડો રિલેક્સ થા! પ્લેન હવામાં છે, હવે લેપટોપ બંધ કર," સિદ્ધાર્થે બહુ જ હળવાશથી મિત્રતાનો ડોળ કરતા કહ્યું.
વિક્રમે ગુસ્સામાં લેપટોપની સ્ક્રીન સિદ્ધાર્થ તરફ ફેરવી, "રિલેક્સ? સિદ્ધાર્થ, તેં કંપનીના સીએનજી પ્રોજેક્ટમાંથી ૫૦0 કરોડ રૂપિયા ક્યાં ગાયબ કર્યા એનો એક-એક હિસાબ આ ફાઇલમાં છે! તું મારો ભાઈ હતો યાર, પણ તેં મારી પીઠમાં ખંજર ભોંક્યું છે. અમદાવાદ લેન્ડ થતાં જ સીધો પોલીસ સ્ટેશને જઈશ અને તને રસ્તા પર લાવી દઈશ!"
સિદ્ધાર્થે ચેહરા પર કોઈ પણ ભાવ લાવ્યા વગર એક ઠંડું અને ક્રૂર સ્મિત આપ્યું, "જોઈએ, કોણ કોને રસ્તા પર લાવે છે."
બરાબર એ જ સમયે, પ્લેનની એરહોસ્ટેસ રીટા ડિસોઝા હાથમાં ઓર્ગેનિક મિન્ટ જ્યુસનો ગ્લાસ લઈને આવી. "ગુડ ઇવનિંગ સર, આપના માટે સ્પેશિયલ રિફ્રેશમેન્ટ."
વિક્રમે ગુસ્સા અને તણાવમાં જ એક જ ઘૂંટડે અડધો ગ્લાસ ખાલી કરી દીધો. બરાબર પંદર મિનિટ પછી, વિક્રમનો શ્વાસ અચાનક રુંધાવા લાગ્યો. તેમનો ચહેરો પરસેવાથી લથપથ થઈ ગયો અને આખું શરીર ધ્રૂજવા માંડ્યું. હાર્ટ પર જાણે કોઈએ સીધો હથોડો માર્યો હોય તેમ તેઓ છાતી પકડીને સીટ પરથી નીચે પટકાયા.
સિદ્ધાર્થે તરત જ હોબાળો મચાવતા નાટક શરૂ કર્યું, "અરે! વિક્રમ! શું થયું ભાઈ? એરહોસ્ટેસ... જલ્દી ઓક્સિજન લાવો! મારો ભાઈ મરી રહ્યો છે!"
પ્લેન અમદાવાદ લેન્ડ થયું ત્યારે રન-વે પર એમ્બ્યુલન્સ અને મેડિકલ સ્ટાફ તૈયાર હતો, પણ ડોક્ટરે નાડ તપાસીને ઠંડા કલેજે કહી દીધું—"કાર્ડિયાક એરેસ્ટ. હાર્ટ એટેકથી ઓન ધ સ્પોટ મોત થયું છે."
બીજા દિવસે આખા દેશના મીડિયામાં ભૂકંપ આવી ગયો. બ્રેકિંગ ન્યૂઝ અને સોશિયલ મીડિયા પર માત્ર એક જ વાત ટ્રેન્ડિંગ હતી: "એરલાઇનની ગંભીર બેદરકારી? દેશના અગ્રણી ઉદ્યોગપતિનું ફ્લાઇટમાં મોત, એરલાઇન સેફ્ટી પર સવાલો!" નેગેટિવ માર્કેટિંગના કારણે એરલાઇનના શેર રાતોરાત તળિયે બેસી ગયા.
પણ આ આખા વાવાઝોડા વચ્ચે વિક્રમની પત્ની અંજલિ ઓઝવાલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર કબીર દવેની કેબિનમાં સિંહણની જેમ પ્રવેશી.
"ઇન્સ્પેક્ટર કબીર! જો આ કેસને પણ કુદરતી મોત માનીને ફાઈલ બંધ કરવી હોય તો હમણાં જ કહી દો! પણ એક વાત કાન ખોલીને સાંભળી લો, મારા પતિ રોજ સવારે ૫ કિલોમીટર દોડતા હતા. જે માણસનું હાર્ટ લોખંડ જેવું મજબૂત હોય, તેને અચાનક એટેક ન આવે. આ મર્ડર છે, અને એની પાછળ કોઈ ઘરનો જ સાપ બેઠો છે!" અંજલિનો અવાજ આખી કેબિનમાં ગુંજી ઉઠ્યો.
ઇન્સ્પેક્ટર કબીરે શાંતિથી પોતાના સનગ્લાસ ઉતાર્યા અને મક્કમ અવાજે કહ્યું, "અંજલિબેન, કબીર દવે કાગળો પર નહિ, કાતિલના પગલાં પર ચાલે છે. જો વિમાનમાં શ્વાસ અટક્યો છે, તો hava કોણે રોકી એ શોધીને જ રહીશ. આ કબીર દવેનો વાયદો છે."
કબીરે કેસ હાથમાં લેતા જ સૌથી પહેલા એરલાઇન્સ પાસેથી ફ્લાઇટના તમામ ૭૮ પેસેન્જર્સનો ડેટા (મેનિફેસ્ટ) અને સીટિંગ મેપ મંગાવ્યો. ક્રાઇમ બ્રાન્ચના વ્હાઇટ બોર્ડ પર બિઝનેસ ક્લાસની ચાર સીટોના ફોટા ગોઠવાયા. મોતનો આખો પ્લાન સમજવા માટે આખી ટીમ ચર્ચામાં જોડાઈ.
"સર," આસિસ્ટન્ટ રાહુલે બોર્ડ તરફ નિર્દેશ કરતા કહ્યું, "બિઝનેસ ક્લાસમાં વિક્રમની બાજુમાં માત્ર સિદ્ધાર્થ સિંઘાનિયા જ હતો. બાકીના બે પેસેન્જર પાછળની સીટ પર વિદેશી નાગરિકો હતા. ફ્લાઇટની તલાશી લેતા કોઈ હથિયાર કે શંકાસ્પદ વસ્તુ નથી મળી."
કબીરે વ્હાઇટ બોર્ડ પર જોતા ઊંડો શ્વાસ લીધો, "હથિયાર નહોતું, પણ મોત તો આવ્યું રાહુલ. એનો અર્થ સાફ છે—મોત હવામાં નહોતું, પેટમાં ગયું હતું."
બીજા દિવસે સાંજે કબીર દવે અમદાવાદની સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ના હાઈ-ટેક રીસર્ચ રૂમમાં પહોંચ્યો. ત્યાં ચારેય તરફ સેન્ટ્રીફ્યુઝ મશીન, ડિજિટલ માઇક્રોસ્કોપ અને કમ્પ્યુટર સ્ક્રીનો ધમધમી રહી હતી. ચીફ ફોરેન્સિક એક્સપર્ટ ડૉ. વ્યાસે કબીરને જોઈને ચશ્માં સરખાં કર્યાં અને ગંભીર અવાજે કહ્યું, "ઇન્સ્પેક્ટર, તમે જે શંકા વ્યક્ત કરી હતી તે સાચી પડી. સામાન્ય પીએમ (Post-Mortem) રિપોર્ટમાં આ માત્ર એક મેસિવ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન એટલે કે સામાન્ય હાર્ટ એટેક જ દેખાતો હતો, કારણ કે હાર્ટના સ્નાયુઓ અચાનક લોક થઈ ગયા હતા. પણ અમે જ્યારે એડવાન્સ કેમિકલ ટોક્સિકોલોજી સ્ક્રીનિંગ અને 'ઇન્ડક્ટિવલી કપલ્ડ પ્લાઝમા માસ સ્પેક્ટ્રોમેટ્રી' (ICP-MS) ટેક્નિકનો ઉપયોગ કર્યો, ત્યારે આખો ખેલ પકડાઈ ગયો."
કબીર એક ડગલું આગળ વધ્યો, "સરળ ભાષામાં સમજાવો ડૉક્ટર, અસલી કારણ શું છે?"
ડૉ. વ્યાસે મોનિટર પર એક ગ્રાફિકલ ચાર્ટ ઓપન કરીને ટેક્નિકલ વિગતો સમજાવતા કહ્યું, "વિક્રમ ઓઝવાલાના શરીરમાંથી મળેલા બ્લડ સેમ્પલ્સમાં પોટેશિયમ ક્લોરાઇડ (KCl) નો ઘાતક ઓવરડોઝ મળ્યો છે. સામાન્ય રીતે માનવ શરીરમાં પોટેશિયમનું સ્તર ૩.૫ થી ૫.૦ mEq/L હોવું જોઈએ, પરંતુ વિક્રમના લોહીમાં આ પ્રમાણ ૧૨.૫ mEq/L થી પણ ઉપર નીકળી ગયું હતું, જેને મેડિકલ સાયન્સમાં 'હાઇપરકલેમિયા' (Hyperkalemia) કહેવાય છે. આ કેમિકલ લોહીમાં ભળતાં જ હૃદયના ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ બ્લોક થઈ ગયા, કાર્ડિયાક એરિથમિયા થયો અને હાર્ટના ધબકારા સેકન્ડોમાં બંધ થઈ ગયા. સૌથી મોટી વાત એ છે કે આ પોટેશિયમ ક્લોરાઇડ કોઈ ઈન્જેક્શન દ્વારા નહીં, પણ ઓર્ગેનિક મિન્ટ જ્યુસમાં ભેળવીને સીધું ઓરલ રૂટ (મોં વાટે) આપવામાં આવ્યું હતું. જ્યુસમાં હાજર સાઇટ્રિક એસિડ અને ફુદીનાના તીખા સ્વાદના કારણે પોટેશિયમ ક્લોરાઇડનો કડવો કેમિકલ ટેસ્ટ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો. આ બહુ જ બુદ્ધિપૂર્વક આયોજિત ડિજિટલ અને મેડિકલ મર્ડર પ્લાન હતો." આ સાંભળીને કબીરની આંખો ચમકી.
કબીરે તરત જ પ્લેનમાં હાજર તમામ સ્ટાફ અને એરહોસ્ટેસની કુંડળી કઢાવી. ટીમે બધાના કોલ રેકોર્ડ્સ અને બેંક સ્ટેટ્સ કર્યા પણ કંઈ શંકાસ્પદ ન મળ્યું. જોકે, એરહોસ્ટેસ રીટા ડિસોઝાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ચેક કરતા જણાવા મળ્યું કે તેને પ્રીમિયમ બ્રાન્ડેડ આઈટમ્સ, મોંઘી બેગ્સ અને લક્ઝરી લાઈફસ્ટાઈલનો ભારે શોખ હતો, જે તેની સેલેરી કરતા ક્યાંય વધારે હતો.
ટીમનો પૂરો ડાઉટ રીટા પર જ ઠર્યો. કબીરે તેના ખાસ બાતમીદારો અને આંગડિયા નેટવર્કને એક્ટિવ કર્યું. શહેરમાં હમણાં જ થયેલા હવાલા વ્યવહારો તપાસતા એક ચોંકાવનારી કડી હાથ લાગી—
સિદ્ધાર્થ સિંઘાનિયાએ તાજેતરમાં જ બેંગ્લોરના મોઇન નામના વ્યક્તિના નામે ₹૭૫ લાખનો હવાલો પડાવ્યો હતો.
કબીરે જ્યારે મોઇનની ડિટેલ્સ ચેક કરાવી ત્યારે કડીઓ એકબીજા સાથે જોડાઈ ગઈ; મોઇન બીજું કોઈ નહીં પણ એરહોસ્ટેસ રીટાનો બોયફ્રેન્ડ હતો! કબીરે સહેજ પણ મોડું કર્યા વગર રીટાને રાતોરાત કસ્ટડીમાં લઈ લીધી.
क्रાઈમ બ્રાન્ચના કડક અને અંધારિયા ઇન્ટરોગેશન રૂમની હવામાં એક અજીબ ઠંડક અને ડર હતો. ટેબલના એક છેડે એરહોસ્ટેસ રીટા ડિસોઝા ધ્રૂજતી હાથે પાણીનો ગ્લાસ પકડવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ પાણી બહાર ઢોળાઈ રહ્યું હતું. સામે ઇન્સ્પેક્ટર કબીર દવે પથ્થર જેવો ચહેરો લઈને બેઠા હતા.
"મેં કંઈ નથી કર્યું સર... હું નિર્દોષ છું. મેં તો બસ મારી ડ્યુટી કરી હતી," રીટાએ ધ્રૂજતા અવાજે જૂઠું બોલવાનો છેલ્લો પ્રયત્ન કર્યો.
કબીરે કોઈ પણ ઉતાવળ વગર પોતાના ખિસ્સામાંથી એક કાળી પેનડ્રાઈવ કાઢી અને ટેબલ પર પછાડી. "રીટા, આ રૂમમાં જૂઠ બોલવાની સ્પેસ બહુ ઓછી છે. આ પેનડ્રાઈવમાં દિલ્હી એરપોર્ટના સીસીટીવી ફૂટેજ છે. ફ્લાઇટ ટેક-ઓફ થવાના બે કલાક પહેલાં તું પ્રાઈવેટ પાર્કિંગ એરિયામાં સિદ્ધાર્થ સિંઘાનિયાની મર્સિડીઝ ગાડીની પાછલી સીટ પર બેઠી હતી. તેં ત્યાં બરાબર ૨૩ મિનિટ વિતાવી. શું વાત થતી હતી તમારા બંને વચ્ચે?"
રીટાના ચહેરાનો રંગ ઊડી ગયો, પણ તે મૌન રહી.
કબીર ઊભા થયા, ટેબલની આસપાસ આંટા મારતા તેમનો અવાજ વધારે ઘેરો અને આક્રમક બન્યો, "મૌન રહેવાથી પાપ નથી છુપાતું. ચાલો, સીસીટીવીને સાઈડમાં મૂકીએ. આ જુઓ!" કબીરે ફાઈલમાંથી હવાલાના કાગળો રીટાના મોઢા પર ફેંક્યા. "તારા કથિત બોયફ્રેન્ડ મોઇનને હવાલામાં બેંગ્લોર માં જે ૭૫ લાખ રૂપિયા ટ્રાન્સફર થયા, એ હવાલાનો યુનિક કોડ 'સિન્ડિકેટ-૩૦૨' હતો, જે સિદ્ધાર્થના પર્સનલ ફોનમાંથી જનરેટ થયો હતો. તેં વિચાર્યું હતું કે તું બચી જઈશ? કબીર દવે સાયબર કડીઓ સેકન્ડોમાં જોડી દે છે. અને સૌથી મોટો પુરાવો—આ ફોરેન્સિક રિપોર્ટ! વિક્રમ ઓઝવાલાના શરીરમાંથી મળેલું પોટેશિયમ ક્લોરાઇડ, જે પ્લેન માં ફ્લશ કરેલા કપના સેમ્પલમાંથી મળ્યું છે . બધી લિંક લોક થઈ ચૂકી છે રીટા!"
કબીરે ટેબલ પર બંને હાથ પછાડીને રીટાની આંખોમાં આંખો પરોવી સિંહગર્જના કરી, "૭૫ લાખ રૂપિયાના બદલામાં તેં ૩૭,૦૦૦ ફીટની ઊંચાઈ પર એક હસતા-રમતા માણસને હાર્ટ એટેક થી મોત ભેગો કરી દિધો! જો અત્યારે જ સાચું નહીં બોલે, તો કાયદાની એવી કલમો લગાડીશ કે જિંદગી તો શું, તારી લાશ પણ જેલની બહાર નહીં જાય! બોલ, કોણે આપ્યું હતું એ ઝેર? એ ઝેર કેવી રીતે પ્લેનમાં પહોંચ્યું?"
કબીરની ભયાનક શખતાઈ અને ટેબલ પર પડેલા પુરાવાના પહાડ સામે રીટાનું મનોબળ કાચની જેમ તૂટી ગયું. તે પોતાના બંને હાથે મોઢું છુપાવીને જોરજોરથી રડવા માંડી. તેના ગળામાંથી ડૂસકું નીકળી ગયું, "સર! પ્લીઝ સર... મને બચાવી લો! મને બરબાદ થતા રોકી લો! હું બધું જ કહી દઈશ!"
તેણે હાંફતા હાંફતા, આંસુ લૂછતા ગુનાની આખરી કબૂલાત કરી: "હા સર, એ બધું જ સિદ્ધાર્થે પ્લાન કર્યું હતું! સિદ્ધાર્થ મારી લક્ઝરી લાઈફસ્ટાઈલ અને દેવા વિશે બધું જ જાણી ગયો હતો. તેણે મને લંડનમાં સેટલ થવાની અને એક મિલિયન પાઉન્ડ આપવાની લાલચ આપી હતી. ફ્લાઇટમાં જતા પહેલાં એણે જ મને પોટેશિયમ ક્લોરાઇડની નાની લિક્વિડ વાયલ (શીશી) આપી હતી. એ બોટલ તે છુપાવીને પ્લેન માં લાયો હતો.એણે મને કસમ ખવડાવીને કહ્યું હતું કે આ માત્ર એક માઇલ્ડ એનેસ્થેસિયા ડ્રગ છે, જેનાથી વિક્રમ સર થોડીવાર માટે ઘાઢ નિંદ્રામાં જતા રહેશે જેથી તે કમ્પ્યુટરનો ડેટા ડીલીટ કરી શકે. મને બિલકુલ અંદાજો નહોતો કે એ ઝેર છે અને વિક્રમ સર મરી જશે! મેં જ્યુસ બનાવતી વખતે એ લિક્વિડ ગ્લાસમાં મિક્સ કર્યું હતું... હું પાપી છું સર, પણ મોહમાં આવીને મેં આ ગુનો કરી નાખ્યો! અસલી કાતિલ સિદ્ધાર્થ છે, મને માફ કરી દો સર!" રીટા રૂમની ફ્લોર પર ઢળી પડી.
બરાબર એ જ સમયે, સિદ્ધાર્થ સિંઘાનિયા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટના વીઆઈપી લાઉન્જમાં આરામથી બેઠો હતો. તેની લંડનની ફ્લાઇટના બોર્ડિંગની એનાઉન્સમેન્ટ થઈ રહી હતી. તેના ચહેરા પર એક વિજયી અને અહંકારી સ્મિત હતું—તેના મતે બધા પુરાવા સાફ હતા, કંપની હવે તેની મુઠ્ઠીમાં હતી અને એરલાઇન બદનામ થઈ ચૂકી હતી.
તે જેવો બોર્ડિંગ ગેટ તરફ જવા ઊભો થયો, ત્યાં જ પાછળથી એક ધારદાર અને પહાડી અવાજ ગુંજ્યો: "સિદ્ધાર્થ સિંઘાનિયા! ઉડાન ભરવાની ઉતાવળ ના કર, તારું પરમેનન્ટ લેન્ડિંગ જેલની કાળી કોટડીમાં ફિક્સ થઈ ગયું છે!"
સિદ્ધાર્થે ઝટકા સાથે પાછા ફરીને જોયું. સામે ઇન્સ્પેક્ટર કબીર દવે આખી પોલીસ ફોર્સ અને અંજલિ ઓઝવાલા સાથે ઊભા હતા. એરપોર્ટના પેસેન્જર્સ આ હાઇ-પ્રોફાઇલ ડ્રામા જોવા રોકાઈ ગયા.
સિદ્ધાર્થે પોતાની જાત પર કાબૂ રાખતા હસવાનો ઢોંગ કર્યો, "ઇન્સ્પેક્ટર, તમારો મગજ તો ઠેકાણે છે ને? મારા પર કયો ગુનો છે? મારા પાર્ટનરનું મોત કુદરતી હાર્ટ એટેકથી થયું છે, આખો દેશ અને મેડિકલ રિપોર્ટ એ જ કહે છે!"
કબીર બે ડગલાં આગળ વધ્યો, તેની આંખોમાં કાળો ગુસ્સો હતો: "હાર્ટ એટેક કુદરતી હતો સિદ્ધાર્થ, પણ એ એટેક પાછળનો આઈડિયા તારો ડિજિટલ હતો! પોટેશિયમ ક્લોરાઇડનો ઓવરડોઝ આપીને અને મોઇન દ્વારા રીટા સુધી ₹૭૫ લાખનો હવાલો પહોંચાડીને તેં વિચાર્યું કે તું પરફેક્ટ મર્ડર કરી ગયો? રીટાએ તારો આખો નકાબ ચીરી નાખ્યો છે. તેં માત્ર એક બિઝનેસમેનનું મર્ડર નથી કર્યું, પણ તારા નાનપણના ભાઈ જેવા મિત્રની લાશ પર પગ મૂકીને તું ગાદી પર બેસવા માંગતો હતો!"
સિદ્ધાર્થે ગુસ્સામાં આવીને છેલ્લો દાવ ખેલતા બૂમ પાડી, "આ બધી વાતો કોર્ટમાં ટકશે નહીં ઇન્સ્પેક્ટર! પુરાવો શું છે તમારી પાસે?"
બરાબર એ જ સેકન્ડે અંજલિ ઓઝવાલા આગળ આવી અને સિદ્ધાર્થના ચહેરા પર એક સનસનાટીભર્યો જોરદાર તમાચો ઝીંકી દીદો! આખા એરપોર્ટ લાઉન્જમાં સન્નાટો છવાઈ ગયો.
અંજલિએ સિંહણની જેમ ગર્જના કરી, "પુરાવો આ રહ્યું તારું કાળું મોઢું! વિક્રમના લેપટોપનો પાસવર્ડ તારી પાસે હતો, એટલે તેં ડેટા ડીલીટ કરી દીધો, ખરું ને? પણ તું એ ભૂલી ગયો કે તેં જે ફાઇલ ડીલીટ કરી, તેનો લાઈવ બેકઅપ મારા પર્સનલ ક્લાઉડ અકાઉન્ટમાં ઓટોમેટિક સેવ થતો હતો! તારી ૫૦૦ કરોડની ચોરીનો અને કૌભાંડનો પૂરો પાકો પુરાવો અત્યારે કબીરજીના હાથમાં છે!"
સિદ્ધાર્થ સિંઘાનિયાના ચહેરા પરનો બધો જ ઘમંડ સેકન્ડોમાં ઓગળી ગયો. તેના હાથ-પગ ધ્રૂજવા લાગ્યા. ઇન્સ્પેક્ટર કબીરે ખિસ્સામાંથી લોખંડની ચમકતી હથકડી કાઢી અને સિદ્ધાર્થના બંને હાથમાં ભરાવી દીધી.
કબીરે સિદ્ધાર્થની આંખોમાં આંખો પરોવીને વાર્તાનો છેલ્લો પંચલાઈન ડાયલોગ માર્યો: "સિદ્ધાર્થ, તેં ૩૭,૦૦૦ ફીટની ઊંચાઈ પર પરફેક્ટ મર્ડરનો પ્લાન બનાવ્યો હતો... પણ તું એ ભૂલી ગયો કે પાપનો ઘડો ગમે તેટલો ઊંચો ઉડે, એને ફૂટવા માટે જમીન પર જ આવવું પડે છે!"
એરલાઇન પરથી કલંક સાફ થઈ ગયો હતો. અંજલિની આંખોમાં પતિ ગુમાવવાનું અસહ્ય દુઃખ હતું, પણ ન્યાયની આખરી જીતનો સંતોષ પણ હતો.
જે મિત્ર સાથે બાળપણમાં સપનાઓ વહેંચ્યા હતા, એ જ મિત્રના લોહીથી પોતાના હાથ રંગીને સિદ્ધાર્થ પોતાની જાતને સુપરપાવર સમજતો હતો. કાયદો અને પોલીસ તેના માટે માત્ર રમતની કીડીઓ હતા, પણ આજે ઇન્સ્પેક્ટર કબીર દવેની એ હથકડીઓએ તેના અહંકારના કિલ્લાને ધૂળ ચાટતો કરી દીધો. એરપોર્ટના લાઉન્જમાંથી જ્યારે કમાન્ડોઝ તેને ઢસડીને બહાર લઈ જઈ રહ્યા હતા, ત્યારે આખા દેશના કેમેરાની ફ્લેશલાઈટમાં તેનો કાળો થઈ ગયેલો ચહેરો લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યો હતો. કંપનીની જે ગાદી પર બેસવા માટે તેણે લોહીની નદી વહાવી હતી, એ ગાદી તો છૂટી ગઈ... પણ હવે આખી જિંદગી જેલની અંધારી કાળકોટડીની દીવાલો પર તે પોતાના પાપનો હિસાબ ગણવા માટે રવાના થઈ ચૂક્યો હતો.