નવનીત અને મહેચ્છા બન્ને એકબીજાની સાથે મેસેજ પર વાતચીત કરી એકબીજાના સંપર્કમાં હતા. પણ ફોન દ્વારા વાતચીત બંધ હતી. નવનીત ના પપ્પા નવનીત માટે યુવતીઓ જોવા માટે દબાણ સર્જી રહ્યા હતા પણ નવનીત તો આઈ.એ.એસ ના પરિણામ માટે ખુબ જ ઉત્સાહિત હતો.
એક સમી સાંજે અચાનક જ દિનકર દાસગુપ્તા મહેચ્છા ને ફોન કરે છે.
"અરે મહેચ્છા તમારી મુખ્ય પરિક્ષા નું પરિણામ આવી ગયું છે. એક વાર ઓનલાઈન ચકાસણી કરી જો. તું તો પ્રથમ પચાસ ની અંદર આવી છે. પણ નવનીત નો રોલ નંબર મને બરાબર યાદ નથી. "
"શું?" મહેચ્છા કેવી રીતે પ્રતિભાવ આપે એ સમજી શકતી ન હતી.
"હું હમણાં જ ચકાસણી કરી જોઉં." મહેચ્છા કહે છે.
પછી મહેચ્છા રડવા જ લાગી. એ સરિતા ને વળગી જાય છે. સરિતા તેને દૂર કરી રડવા માટે નું કારણ પુછે છે તો મહેચ્છા ઘટસ્ફોટ કરે છે:
"મમ્મી હું મુખ્ય પરિક્ષામાં ટોપ પચાસમાં આવી છું. હું ઈન્ટરવ્યુ માટે પસંદગી પામી ચુકી છું."
સરિતા પણ તરત જ રડવા લાગી. સરિતા ને નવનીત ના પરિણામ વિષે જાણવામાં કોઈ જ રસ ન હતો. પણ મહેચ્છા તરત જ વેબસાઈટમાં નવનીત નો રોલ નંબર નાખી ચકાસણી કરે છે તો સરિતા ને ગમતું નથી.
એ ગમે તેમ કરીને પણ જ્યારે ચકાસણી કરે છે તો નવનીત પણ ટોપ ૨૦૦ ની અંદર પસંદગી પામ્યો હતો. જ્યારે ઈજનેરી વિષય પર પસંદગી પામનાર ની યાદીમાં એ વીસમા નંબર પર હતો. નવનીત ઈન્ટરવ્યુ આપી શકે એમ હતો.
મધુકર ને ફોન કરવા કરતા મહેચ્છા સીધો જ નવનીત ને ફોન કરે છે તો નવનીત પણ અચાનક જ મહેચ્છા નો ફોન જોઈ હતપ્રભ બની જાય છે.
"હેલ્લો સર.. દિલ્હી ક્યારે આવો છો?" મહેચ્છા પુછે છે.
"કેમ?" નવનીત કહે છે.
"અરે યાર તું ટોપ ૨૦૦ માં પસંદગી પામ્યો છે. હું ટોપ ૫૦ માં આવી છું." મહેચ્છા કહે છે.
નવનીત તો ચુપચાપ જ રહી જાય છે.
"હેલ્લો.. હેલ્લો.." મહેચ્છા કહે છે.
"હા. મને ખબર નથી પડતી કે શું કરવું? ખુબ આભાર. તે જ સૌથી પહેલાં મને ફોન કરીને જાણ કરી." નવનીત ખુબ ખુશ થાય છે.
"આપણો ઈન્ટરવ્યુ પંદર દિવસ પછી જ છે. અંહી આવીને તૈયારી કરવી પડશે. હવે છેલ્લું જ પગથિયું છે." મહેચ્છા કહે છે.
"હા હું બે ત્રણ દિવસ પછી પહોંચી જઈશ." નવનીત કહે છે.
મહેચ્છા વધુ વાતચીત કરવા માંગે છે પણ નવનીત ફોન મુકી દે છે. મહેચ્છા ની સામે જ સરિતા ગુસ્સામાં હતી.
"શું છે આ બધું?" સરિતા પુછે છે.
"કંઈ નહીં. નવનીત પણ પસંદગી પામ્યો એની માટે તેને અભિનંદન આપ્યા." મહેચ્છા કહે છે.
"પણ તારા પપ્પા નું કોઈ જ મહત્વ નથી. શું કામ એમને પહેલા ફોન ન કર્યો?" સરિતા પુછે છે.
"મમ્મી હું કરવાની જ હતી. પણ નવનીત ને હું સૌથી પહેલાં માહિતી આપવા માંગતી હતી. " મહેચ્છા કહે છે.
"એ તારા પપ્પા કરતા પણ ચઢી ગયો. યાદ રાખજે જીવનમાં ફક્ત મમ્મી પપ્પા જ નિ: સ્વાર્થ ભાવે સંતાન ને પ્રેમ કરે છે. હમણાં જ પપ્પા ને ફોન કર. " સરિતા કહે છે.
"ઠીક છે."મહેચ્છા માની જાય છે.
મહેચ્છા ની આંખો થી આંસુ આવી જાય છે. મધુકર સાથે વાતચીત કરી લીધા પછી મહેચ્છા પોતાની સફળતા વિષે માહિતી આપે છે.મધુકર માટે આજનો દિવસ સૌથી મહત્વપૂર્ણ હતો. પોતાની આખી જીંદગી જે સફળતા માટે એ તડપી રહ્યો હતો એ સફળતા તેની દીકરીને મળી હતી.
હવે મધુકર મહેચ્છા ને થોડા દિવસ માટે કોચિંગ ક્લાસમાં રજા મુકીને પછી ઈન્ટરવ્યુ ની તૈયારી કરવા માટે સમજાવે છે. નવનીત ની સફળતા થી પણ મધુકર ખુબ ખુશ થાય છે.
નવનીત પણ દિનકર દાસગુપ્તાને ફોન કરી પોતાની સફળતા વિષે માહિતી આપે છે તો એમને પણ ખુબ ખુશી થાય છે. દિનકર દાસગુપ્તા પોતાની ખોટા રોલ નંબર જોવાની ભુલ ને નવનીત ને કહેતા નથી.
નવનીત ના પપ્પા પણ તેની આ સફળતા થી ખુબ ખુશ થાય છે. પણ નવનીત હજી સુધી કોઈ બીજા વ્યક્તિઓ ને કહેવા માટે ના પાડે છે. નવનીત આજે ખુબ ખુશ હતો. પણ હજી એક પગથિયું બાકી હતું.નવનીત અને મહેચ્છા ને રિતેશ, ઐયર અને મારિયા પણ અભિનંદન પાઠવે છે.
મધુકર પણ નવનીત અને દિનકર દાસગુપ્તાને ખાસ અભિનંદન પાઠવે છે. ત્રણ દિવસ પછી મહેચ્છા અને નવનીત દિનકર દાસગુપ્તાની કોચિંગ ક્લાસમાં ભેગા થાય છે.
"તમે બન્ને ઐયર, મારિયા અને રિતેશ થી પોતાની જાતને એક પગથિયું જ દૂર સમજી શકો છો. પણ આ જ પગથિયું સૌથી વધારે લોકો ચુકી જાય છે.
આ પગથિયું છે વ્યક્તિગત સાક્ષાત્કાર. એક ફોર્મ ભરી તમારે બન્નેએ તમને શું ગમે છે? કયો વિષય રાખ્યો? એવા ઘણા બધા પ્રશ્નોના લગભગ પંદર મિનિટ સુધી જવાબ આપવા પડશે.
આખી પેનલ બેઠી હશે જેમાં ઈજનેરી થી માંડીને ઈતિહાસ સુધીના વિશેષજ્ઞો હાજર હશે. એક એક પ્રશ્ન ના માર્ક હશે. એ લોકો તમારા ધૈર્ય અને બુદ્ધિ ચાતુર્ય તેમજ હાજર જવાબી ની પરિક્ષા લેશે. તમને ઘણા બધા સફળ સાક્ષાત્કાર ના વિડિયો મળી શકે છે."
"સર આપ અભ્યાસ ઈન્ટરવ્યુ લેજો. " મહેચ્છા કહે છે.
"હું તમારો ઈન્ટરવ્યુ ન લઈ શકું. તમે બન્ને એકબીજાનો અઘરામાં અઘરો ઈન્ટરવ્યુ લ્યો. એ જ તમને મદદ કરશે. પણ હા ફોર્મ ભરતી વખતે જે પણ ભરજો એ ખુબ જ સમજી વિચારીને ભરજો. "દિનકર દાસગુપ્તા કહે છે.
"હવે તો સાથે મળીને અભ્યાસ કરવાની કોઈ જરૂર નથી. સાક્ષાત્કાર ની પ્રેક્ટિસ તો થઈ જશે." નવનીત કહે છે.
મહેચ્છા તો હતપ્રભ જ બની જાય છે. નવનીત ને સાથે અભ્યાસ કરવામાં જરાય પણ રસ ન હતો. એ તો ફક્ત થોડીવાર સાક્ષાત્કાર કરી પછી પોતાના રસ્તે આગળ વધવા માંગતો હતો.
"હા તો બસ ફોર્મ ભરી પોતાની વિગત મને મોકલી દો. પછી કાલે જ સાક્ષાત્કાર." મહેચ્છા કહે છે.
"ઠીક છે." નવનીત પણ કહે છે.
બન્ને પોતાના રસ્તે નીકળી જાય છે. દિનકર દાસગુપ્તા ને આ ન ગમ્યું. ક્યાંક તો એમને લાગ્યું કે નવનીત અને મહેચ્છા વચ્ચે અહં નો ટકરાવ થયો છે કે અથવા એકબીજાથી દૂર રહેવાથી બન્ને દુ:ખી છે.પણ એ ચુપચાપ રહી જાય છે.
એ જ રાત્રે રિતેશ નવનીત ને ફોન કરે છે.
"શું નવનીત કેવી ચાલી રહી છે તૈયારી? " રિતેશ પુછે છે.
" અરે શું કહેવું? આ બધા ઊંચી જાતના લોકો એક જ જેવા હોય. દીકરી કંઈક કહે અને મમ્મી કંઈક.." નવનીત બગડી જાય છે.
"કેમ યાર? મને તો એમ કે તું ખુબ ખુશ હોઈશ." રિતેશ કહે છે.
"અરે હું મહેચ્છા થી મળવા માટે કેટલો આતુર હતો પણ એની મમ્મી સરિતા મને ફોન કરીને ધમકાવે છે કે મારી દીકરી થી દૂર રહેવું અને કારણ શું આપે છે કે હું નીચી જાતિનો છું." નવનીત કહે છે.
" પણ મહેચ્છા તો તને પ્રેમ કરે છે ને?" રિતેશ પુછે છે.
" અરે એ તો વ્યવહારીક પ્રેમ કરે છે. પ્લાન એ અને પ્લાન બી. " નવનીત કહે છે.