Jaipur in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | જયપુર

Featured Books
Categories
Share

જયપુર

*જયપુર* 
રાજસ્થાનની રાજધાની જયપુરની ઓળખાણ એવો હવામહલ પહેલાં જોઈએ.એના વિશે કેટલીક જાણવા જેવી વાતો.
આખી દુનિયામાં પાંચ માળનું બિલ્ડીંગ બનાવવું હોય તો જમીનમાં ખૂબ ઊંડો પાયો ખોદવો પડે. પણ  એક ટ્રાવેલ બ્લોગ દ્વારા જાણ્યું કે જયપુરમાં આવેલ હવામહેલની સૌથી મોટી નવાઈ એ છે કે આ બિલ્ડીંગ કોઈપણ જાતના મજબૂત પાયા વગર સીધી જમીન પર જ ઊભી છે! એના પિરામિડ જેવા આકાર અને ૮૭ ડિગ્રીના વળાંકને કારણે એ સદીઓથી પાયા વગર અડીખમ ઊભો છે.
મહારાજા સવાઈ પ્રતાપ સિંહ ભગવાન શ્રીકૃષ્ણના બહુ મોટા ભક્ત હતા. એટલે આ મહેલના વાસ્તુકાર લાલચંદ ઉસ્તાદ પાસે એમણે એવી જ ડિઝાઇન બનાવડાવી કે આખો મહેલ દૂરથી જોઈએ તો હૂબહૂ શ્રીકૃષ્ણના મુગટ જેવો જ દેખાય. આમ બહુ ઓછાને ખ્યાલ હશે કે આ હવામહલનો ખ્યાલ કે કોન્સેપ્ટ કૃષ્ણ ભગવાનનો મુગટ છે.
આ મહેલમાં નાની-મોટી થઈને કુલ ૯૫૩ બારીઓ (ઝરૂખા) છે. આ બારીઓ ખાલી ડિઝાઇન માટે નથી, પણ બારેમાસ ગરમ હવા ફેંકતા રાજસ્થાનમાં જ્યારે આ બારીઓની નાની જાળીમાંથી હવા પસાર થાય, ત્યારે વેન્ચુરી ઇફેક્ટ નામના વિજ્ઞાનના નિયમ મુજબ એ હવાનું દબાણ વધી જાય અને એ અંદર આવતા આવતા એકદમ ઠંડી થઈ જાય! એટલે ધોમધખતા ઉનાળામાં પણ અંદર નેચરલ AC જેવી જ ઠંડક રહે. 

રાજ્સ્થાન ફરવા જાવ ત્યારે તમને ત્યા આવી એકદમ નાની બારી વાળા ઘણા જુના ઘર પણ જોવા મળશે.
ઉપરાંત એની દરેક બારીમાં રંગીન કાચ છે. વર્ષો અગાઉ, કદાચ બસો વર્ષ અગાઉ એ ઇટાલીમાં બનીને અહીં આવતા. આ કાચ  ખાસ બેલ્જિયમ થી ડિઝાઈન કરાવી મગાવ્યા છે. લાલ, ભૂરા, પીળા, લીલા રંગના, અંદર પાસાદાર ડિઝાઇન વાળા. 
આપણે ફોટામાં જે પાંચ માળની શાનદાર ડિઝાઇન જોઈએ છીએ, એ ખરેખર તો મહેલનો પાછળનો ભાગ છે!  આપણને મેઈન રોડ પર દેખાય છે. 
આશ્ચર્યની વાત એ છે કે આ મહેલમાં આગળથી અંદર જવા માટે કોઈ દરવાજો જ નથી. અંદર જવા માટે તમારે સિટી પેલેસ તરફના પાછળના રસ્તેથી જવું પડે.પાંચ માળના આ મહેલમાં ઉપર જવા માટે એક પણ સીડી કે પગથિયું નથી! બધે ઢાળ વાળા રસ્તા (રેમ્પ) જ છે. 
આ મહેલ બનાવવાનો મેઈન હેતુ જ એ હતો કે એ જમાનામાં પડદા પ્રથાના લીધે રાણીઓ બહાર જાહેરમાં આવી નહોતી શકતી. એટલે મહારાજાએ આ ઝરૂખાઓ એવા બનાવ્યા કે રાણીઓ અંદર બેઠાં  બેઠાં બહારનો નજારો અને તહેવારો જોઈ શકે, પણ બહાર રસ્તા પર ઉભેલું કોઈ માણસ અંદર રાણીઓને ન જોઈ શકે.  
રાણીઓનાં ભારેખમ કપડાં કે પાલખી આસાનીથી ઉપર લઈ જવાય એટલે પગથિયાંના બદલે સીધા ઢાળ જ બનાવ્યા હતા.
એક કિવદંતી મુજબ ૧૮૭૬ માં જ્યારે પ્રિન્સ ઓફ વેલ્સ આવવાના હતા ત્યારે જયપુરને ગુલાબી રંગથી રંગવામાં આવ્યું ત્યારે આ હવામહેલ એનું મુખ્ય આકર્ષણ હતો. 
લાલ અને ગુલાબી પથ્થરોમાંથી બનેલો આ મહેલ સવારે સૂર્ય ઊગે ત્યારે સોનાની જેમ ચમકે છે.  જો કે ઇતિહાસ કહે છે મહારાજા કલાપ્રિય હતા, તેમણે જે જયપુર એટલે હવામહલ આસપાસનો દોઢેક કિલોમીટરનો વિસ્તાર ગુલાબી રંગે રંગાવ્યો છે, એને પ્રિન્સ ઓફ વેલ્સ ની મુલાકાત સાથે સંબંધ નથી. .

આસપાસની બધી દુકાનો હારબંધ ગુલાબી, ચોક્કસ કોતરણી અને ચોક્કસ પ્રકારની આરસની તકતીઓ માં  અમુક ખાસ શૈલીથી લખેલ કાળા અક્ષરોમાં નામ લખેલી છે. બધી જ 1700 ના અંતિમ દસકામાં બની છે. ત્યાં ખાણીપીણી,  ખાસ કુલ્ફીઓ અને જયપુરી બાંધણી, ગરમીમાં ઠંડક અને ચાર ડિગ્રી ઠંડીમાં હૂંફ આપે તેવી, સુંવાળી રજાઈઓ એ બજારની વિશેષતા છે. 
ત્યાં જ ખાસ આકારની બે વ્યક્તિઓ જ બેસી શકે તેવી માટે ભાગે ઇલેક્ટ્રિક રિક્ષાઓ અને પેડલ રિક્ષાઓની સવારી ભારતીયો તો ઠીક, વિદેશીઓ ખાસ કરે છે. મૂળ જયપુરના લોકો તો આપણી જેમ કાર, સ્કૂટર, એપ થી આવતી ટેક્સીઓ જ વાપરે છે

ઉપર ત્રીજે માળે એક ગરગડી વાળો કૂવો પણ છે. તેમાં પાણી પણ છે. કૂવો ઉપર કેમ છે એ ખ્યાલ નથી આવતો.નીચે મ્યુઝિયમ જેવું પણ છે.હવામહેલમાં સાંજે પાંચ વાગે એન્ટ્રી ટિકિટ આપવાનું બંધ થઈ જાય છે. મારા સહિત ઘણાને એ વહેલું લાગે છે. ત્યાંના આકરા શિયાળા કે મધ્ય ઉનાળામાં સવારે જ જોઈ લેવો સારો.જયપુર તો ખૂબ દૂર સુધી પથરાયેલું શહેર છે. ઘણે ઘણે કિલ્લાની રાંગ જેવી દીવાલો જોવા મળે છે. 
જયપુરનાં અન્ય સ્થળો વિશે પણ જોઈએ.
જયપુરનાં અન્ય જોવાલાયક સ્થળો. 
આપણે હવામહેલની સેર કરી. જયપુરમાં તો અન્ય જોવાલાયક જગ્યાઓ છે. એની વાત કરીએ.
જયપુર શહેરમાં સાત દરવાજા આવેલા છે. બધા જ લાલ પથ્થરથી. રાજા સવાઈ માનસિંહે એ બનાવેલા. જયપુર એ દરવાજાઓની સીમાથી ક્યાંય મોટું થઈ વસી ગયું છે. તો આ જોવાલાયક જગ્યાઓ વિશે જાણીએ, તેમની સેર કરીએ.
આલ્બર્ટ મ્યુઝિયમ. બહારના લોકોને માટે ઓછું જાણીતું પણ જોવા જેવું. છેક 1887માં બંધાયેલું આ મ્યુઝિયમ ઘણી પ્રાચીન અને નવીન કૃતિઓ બતાવે છે. એક જગ્યાએ ખૂબ મોટી વીણા અને મોટાં વાજિંત્રો, એક જગ્યાએ મિનિએચર ઋષિ મુનિઓની તપ કરતી, શીર્ષાસન કરતી વગેરે મુદ્રાઓ, ક્યાંક સફેદ આરસમાંથી બનેલાં માનવ શિલ્પો વિવિધ લાક્ષણિક મુદ્રાઓમાં જોયાં. કેટલાંક તો કોઈ વસ્ત્ર વગર પણ ધ્યાન ખેંચે, જુગુપ્સા ન થાય એવાં. એક જગ્યાએ મિનિએચર હાડપિંજરો અલગ અલગ પોઝિશનોમાં રાખેલાં!
એક  સાચું ઇજિપ્શિયન મમી  પણ સાચવ્યું છે. આશરે છસો વર્ષ જૂનું. નાના મોટાં પેઇન્ટિંગ્સ, ધાતુની વસ્તુઓ, કાંસા અને પિત્તળનાં વાસણો જે જમવામાં અને રસોઈમાં વપરાતાં,  હાથીદાંતની વસ્તુઓ, વિશાળ હાથીદાંત, વિવિધ કાર્પેટ્સ વગેરે જોઈ શકો છો. કોઈ જગ્યાએ સાચી લાગે એવી ઘૂંઘટ ઓઢી ગોઠણો વાળી  બેઠેલી સ્ત્રી વગેરે જોવાલાયક છે.

રામલીલા મેદાન જયપુર શહેરનું મધ્યબિંદુ કહી શકો એવી બાપુ બજાર નજીકની આ જગ્યાએ દશેરાનું રાવણ દહન અને રામલીલા ઉત્સવો યોજાય છે. એ સિવાય મેળાઓ અવારનવાર થતા રહે છે.

દર્પણ સિનેમા આ જગ્યા ચાલીસેક વર્ષ અગાઉ તો ખૂબ પ્રખ્યાત હતી. પ્લાસ્ટર ઓફ પેરિસ થી ડિઝાઇન કરેલ બાલ્કની નો ઝરૂખો (એ વખતે વધારે ટિકિટ લઈ બાલ્કની માં લોકો બેસતા), ચારે તરફ વિવિધ સુંદર આકારોના  વિશાળ અરીસાઓ જેમાં બે બાજુઓના પ્રતિબિંબ દેખાય. ફિલ્મના પડદા એટલે સ્ક્રીન આગળ પાછો બીજો  મખમલનો પડદો જે શો સમયે ઊંચો થાય. સ્ત્રીઓ સાથે બેસવા વળી અલગ રો હતી. અહીં જૂનું રાજસ્થાન પ્રમાણમાં સંકુચિત રિવાજો ભર્યું લાગે.

નજીકમાં જ એક જ્યુસ સેન્ટરમાં ગાજર, પોપૈયું , દૂધી, કાકડી જેવી ચીજોનો રસ પણ પીવો તો ખૂબ ભાવે એવો. દુકાનમાં ફળો અને આવાં જ્યૂસને લાયક શાકની સજાવટ જ જોતા રહીએ એવી. 

મોતી ડુંગરી અને ગણેશ મંદિર  આ મંદિરમાં જમણી  સૂંઢ ધરાવતી ગણેશ પ્રતિમા ૫૫૦ વર્ષ ઉપરાંત જુની છે. ઈ.સ. 1761 માં એ મૂર્તિ એક શેઠ દ્વારા ઉદયપુરથી લાવવામાં આવેલ. એ જગ્યાનું જયપુરવાસીઓ માટે ખૂબ મહત્વ છે. અહીંના લોકો અહીંનાં દર્શન કરી માનતાઓ રાખે છે. તેમને ઘેર કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલાં  આ ગણેશજીને આમંત્રણ આપવું જરૂરી સમજે છે. બાજુમાં મોતી ડુંગરી નામની ટેકરી પર એક મંદિર છે જે વર્ષમાં માત્ર બે વખત ખુલે છે. મોતી ડુંગરી કિલ્લા પર એક શિવમંદિર છે જે માત્ર શિવરાત્રિએજ દર્શન માટે ખુલે છે.

ગોવિંદજી મંદિર  જયપુર મહારાજાના નિવાસસ્થાન સિટી પેલેસના પરિસરમાં આવેલ આ રાધાજી અને કૃષ્ણ ભગવાનનું મંદિર જયપુરની જાણીતી ધાર્મિક જગ્યા મનાય છે. ખાસ તો એ શિખર વગરનું છે. જયપુરના મહારાજા ઊઠીને તરત પોતાના ઝરૂખામાંથી ગોવિંદજીના દર્શન કરી શકે એ રીતે મૂર્તિઓ રાખેલ છે. અમદાવાદમાં ભદ્રકાળી છે તેમ આ ગોવિંદજી ને નગર રક્ષક મનાય છે.
મંદિરની નજીકની બજારમાં આગળના લેખમાં કહેલ તેમ ઠંડીમાં હૂંફ અને ગરમીમાં ઠંડક આપે તેવી રજાઈઓ, ત્યાંની ભડકામણા  રંગની લાગે તેવી ઘેરી પીળી, લાલ વગેરે રંગની બાંધણીઓ, ચૂડા વગેરેની દુકાનો આ પરિસર ફરતે છે.

આ સિવાય જયપુર દિવાળી રોશની માટે પ્રખ્યાત છે. આગલા લેખમાં કહેલ તે મુખ્ય બજારની જગ્યા નજીક એકદમ હેરત પમાડે એવા આકારોમાં રોશની હવે તો એલઈડી લાઈટમાં થાય છે.

સ્વામિનારાયણ મંદિર આ જગ્યા ચોક્કસ જોવા જેવી છે. પૂરી ફોટોજેનિક કહો તેવી છે. મંદિરના પરિસરમાં નાના મોટા ફુવારાઓ, કળશ, મોર  વગેરે આકારની મેંદીની રચનાઓ, જાળવણી કરેલ બગીચો, મંદિરમાં આરસની વિવિધ રંગોળીઓ ધરાવતી ફ્લોર, સ્તંભોની કમાનો પર પક્ષીઓ, નમસ્કાર મુદ્રામાં બાળ સેવકો, સ્વામિનારાયણ પંથના સ્વામીઓનાં નાનાં શિલ્પો કોતરેલ છે. મંદિરની પ્લીન્થ સરખી એવી ઊંચી હોઈ આસપાસનું દ્રશ્ય અને હવાનું આવજા માણવાનો અનેરો આનંદ આવે છે.

જયનિવાસ પેલેસ ગાર્ડન ખાતે રોજ સાંજે યોજાતો સાઉન્ડ એન્ડ લાઇટ શો રાજસ્થાન અને જયપુરની સંસ્કૃતિનું દર્શન કરાવે છે તેનું આકર્ષણ પણ ટુરિસ્ટોમાં ખૂબ છે.

એવું જ સ્થળ વૈષ્ણોદેવી મંદિર, જયપુર છે. ત્યાં પિત્તળની, સોનાની લાગે તેવી મૂર્તિઓ, તેવા જ વિશાળ શિવલિંગ અને પરિસર સુંદર છે.

જયપુરના ઘણાં પ્રમુખ મંદિરોમાં હાઉ અને બિલ્લાઉ નામની પશુ મૂર્તિઓ જોઈ. તેમણે વિશે વધુ જાણી શકાયું નથી.

જંતરમંતરએક UNESCO વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. એમ તો એ વેધશાળા છે. પથ્થરોની ભીંત અને આગળ ડાયલો  એ રીતે રાખેલ છે કે સૂર્યકિરણો અને પડછાયા દ્વારા ચોક્કસ સમય જાણી શકાય. સૂર્યોદય, સૂર્યાસ્ત, મધ્યાન્હ દરેક મહિને અલગ હોય તો તે મુજબ પણ આ સમય સાચો ખ્યાલ આવે છે. એવું જ નક્ષત્રો નું  ડાયલ છે. ચોક્કસ વળાંક વાળી ભીંતો પોતે જ પ્રેક્ષણીય છે. લોકો ફોટા પડાવવા ગમે તે સમયે જોઈ શકો છો.
જયપુર નજીકના આમેર  કિલ્લા વિશે ફરી ક્યારેક. 
***