Lord Shri Ram-s exile in Gujarati Mythological Stories by Siddharth Maniyar books and stories PDF | સનાતન ધર્મની વાતો - ભાગ 41 - પ્રભુ શ્રીરામનો વનવાસ

Featured Books
Categories
Share

સનાતન ધર્મની વાતો - ભાગ 41 - પ્રભુ શ્રીરામનો વનવાસ

સનાતન ધર્મનો પ્રવાસ-સિદ્ધાંત, આંખ ખોલીને કરવામાં આવતી પરમ સાધના અને અનુભવોનું વિજ્ઞાન

પ્રભુ શ્રીરામનો વનવાસ: ભારતવર્ષને એક તાંતણે બાંધનારી ઇતિહાસની સૌથી પ્રગાઢ અને સુનિયોજિત રોડ ટ્રીપ

આદિ અને અનંત: પૂર્વજોનું વૈશ્વિક જ્ઞાન, પંચાંગ ગણિત, અલ્બર્ટ આઈન્સ્ટાઈન પહેલાનો ટાઈમ ડિલેશનનો સિદ્ધાંત

અદ્રશ્ય ભૂગોળ અને રહસ્યમય સ્થાપત્ય: માનસરોવર-રાક્ષસતાલનો ભેદ, પદ્મનાભસ્વામી મંદિર અને ઈલોરાની કૈલાશ ગુફા

 

પ્રવાસ એ મનોરંજન નહીં પણ આત્મખોજની સાધના છે

આજના આધુનિક સમયમાં પ્રવાસ અથવા ટુરિઝમનો અર્થ માત્ર એટલો જ મર્યાદિત થઈ ગયો છે કે પરિવાર કે મિત્રો સાથે નીકળી પડવું, વૈભવી હોટલોમાં રોકાવું અને સોશિયલ મીડિયા પર ફોટા મૂકવા. પરંતુ આપણા પ્રાચીન સનાતન વાડ્મયમાં 'યાત્રા' ને એક અત્યંત ગૂઢ સાધના માનવામાં આવી છે. ઋગ્વેદ અને અન્ય વેદોમાં એક અદભુત વાક્ય છે - ‘ચરેવેતિ ચરેવેતિ’ અર્થાત્ ચાલતા રહો, આગળ વધતા રહો, કારણ કે સાચું જ્ઞાન માત્ર પુસ્તકોની ચાર દીવાલોમાં નથી મળતું, તે પ્રવાસ દરમિયાન થતા જીવંત અનુભવોથી પ્રગટે છે. યૂટ્યુબ ચેનલ ટુરિસ્ટ શુભમના વિશેષ પૉડકાસ્ટમાં હોસ્ટ શુભમ સાથે વાતચીત કરતા ભારતના જાણીતા લેખક અને સંશોધક અક્ષત ગુપ્તા એ સનાતન પ્રવાસન વિજ્ઞાન અને પૂર્વજોની વૈશ્વિક સફર પર એવા ગૂઢ વિચારો વ્યક્ત કર્યા છે જે દરેક ભારતીયની આંખો ખોલી નાખે તેવા છે. તેમના મંતવ્ય મુજબ, જ્યારે કોઈ વ્યક્તિ આંખો બંધ કરીને શરીરની બહારની સફર કરે છે ત્યારે તેને ‘એસ્ટ્રો ટ્રાવેલ’ અથવા ઉચ્ચ કક્ષાનું ધ્યાન કહેવાય છે, પરંતુ જ્યારે વ્યક્તિ પોતાની ખુલ્લી આંખોથી પ્રકૃતિ અને સંસારને અનુભવવા નીકળે છે, ત્યારે તેને સાચો પ્રવાસ કહેવામાં આવે છે. પ્રવાસ આપણા પાંચેય સેન્સ જ્ઞાનેન્દ્રિયોને જીવંત કરે છે. જંગલોની માટી, લાકડા પર પાકતા અન્નની સુગંધ, પાંદડાઓનો સ્પર્શ અને પક્ષીઓનો કલરવ મનુષ્યના ભીતરી તત્વોને જાગ્રત કરે છે. તેથી જ યાત્રા એ ભૌતિક બાબત નથી, પણ આધ્યાત્મિક અને માનસિક રીતે વધુ બહેતર બનવાની પરમ સાધના છે.

અદ્ભુત રીતે ક્યુરેટ થયેલી ભારતવર્ષની મહાયાત્રા

આપણે ઘણીવાર રામાયણને માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ જોઈએ છીએ, પરંતુ અક્ષત ગુપ્તા તેને એક અલગ જ ચશ્માથી જોવાનો માર્ગ ચિંધે છે. તેમના મંતવ્ય અનુસાર, પ્રભુ શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજીનો ૧૪ વર્ષનો વનવાસ એ વાસ્તવમાં આ પૃથ્વી પરની સૌથી ભવ્ય અને સુનિયોજિત ‘રોડ ટ્રીપ’ હતી. આ એવો પ્રવાસ હતો જેણે અયોધ્યાથી લઈને લંકા સુધીના સમગ્ર ભારતવર્ષને ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે એક તાંતણે બાંધી દીધું. આજે પણ તે તમામ સ્થાનો ભારતના નકશા પર જીવંત પુરાવા તરીકે મોજૂદ છે.

જ્યારે જીપીએસ વગર તે જમાનામાં રસ્તાઓ કઈ રીતે નક્કી થતા હતા તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે ગેસ્ટ અક્ષત ગુપ્તા એ એક સુંદર રહસ્ય ખોલ્યું કે વેદોમાં દશા અને દિશા બંનેનું પ્રચંડ જ્ઞાન હતું. રામાયણમાં જ્યારે સુગ્રીવે ચારેય દિશાઓમાં વાનર સેનાને મોકલી, ત્યારે તેમણે પૃથ્વીના અંતિમ છેડા સુધીનું સચોટ વર્ણન આપ્યું હતું. તેમણે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ અને અન્ટાર્કટિકા જેવા બરફાચ્છાદિત વિસ્તારો જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી તેનું આબેહૂબ વર્ણન કર્યું હતું અને વાનરોને ત્યાંથી પાછા વળી જવાની ચેતવણી આપી હતી.

વધુમાં, રાક્ષસરાજ રાવણના વધ માટે બ્રહ્માજીના વરદાનના નિયમો મુજબ એક સામાન્ય અથવા તુચ્છ મનુષ્ય જ તેનો વધ કરી શકે તેમ હતો. ભગવાન કૃષ્ણને ખબર હતી કે, તેઓ વિષ્ણુ અવતાર છે કારણ કે તેમનો બાળકાંડ ભવ્ય હતો, પરંતુ પ્રભુ શ્રીરામને તેમની દિવ્યતાનું ભાન કરાવવામાં આવ્યું નહોતું જેથી તેઓ સામાન્ય મનુષ્ય તરીકે મર્યાદામાં રહીને રાવણનો સંહાર કરી શકે. આ સમગ્ર પ્રવાસમાં માતા સીતા ‘ગાઈડિંગ ફોર્સ’ એટલે કે માર્ગદર્શક શક્તિ તરીકે કામ કરી રહ્યા હતા. તેઓ લક્ષ્મી સ્વરૂપ હતા અને તેમને સમગ્ર યોજનાની ખબર હતી. રાવણ જ્યારે તેમનું અપહરણ કરીને આકાશ માર્ગે લઈ જતો હતો ત્યારે માતા સીતાએ પોતાના ઘરેણાં નીચે ફેંકીને પ્રભુ શ્રીરામને લંકા સુધી પહોંચવાનો ચોક્કસ માર્ગ (રૂટ) બતાવ્યો હતો. અશોક વાટિકામાં જ્યારે હનુમાનજી તેમને લેવા આવ્યા ત્યારે પણ માતા સીતાએ સાથે જવાની મનાઈ કરી દીધી, કારણ કે જો તેઓ હનુમાનજી સાથે પાછા ફરી ગયા હોત તો રામજી લંકા સુધી આવીને રાવણ અને તેની અસુરી સેનાનો નાશ ન કરી શક્યા હોત. આમ, આ પ્રવાસ આદિથી અંત સુધી બહુ જ વિચારપૂર્વક ક્યુરેટ કરવામાં આવ્યો હતો.

અલ્બર્ટ આઈન્સ્ટાઈન પહેલાનું ભારતીય વિજ્ઞાન

આજના આધુનિક વિજ્ઞાનીઓ અલ્બર્ટ આઈન્સ્ટાઈન કે સ્ટીફન હોકિંગના ટાઈમ એન્ડ સ્પેસ રિલેટિવિટીના સિદ્ધાંતોની વાહવાહી કરે છે અને હોલીવુડ તેની પર 'ઇન્ટરસ્ટેલર' જેવી ફિલ્મો બનાવે છે. પરંતુ અક્ષત ગુપ્તા જણાવે છેકે, હજારો વર્ષો પહેલા લખાયેલા આપણા પુરાણોમાં આ ટાઈમ ડિલેશનની ઘટનાઓ અદ્ભુત રીતે નોંધાયેલી છે. મહાભારત અને પુરાણોના સંદર્ભ સાથે તેઓ સમજાવે છેકે, રાજા રેવત પોતાની પુત્રી રેવતી માટે યોગ્ય વરની શોધમાં પ્રવાસ કરીને સીધા બ્રહ્મલોક પહોંચ્યા હતા. બ્રહ્મલોકમાં તેઓ માત્ર થોડી ક્ષણો કે મિનિટો રોકાયા અને બ્રહ્માજી સાથે ચર્ચા કરી. જ્યારે બ્રહ્માજીએ તેમને કહ્યું કે, તમે પૃથ્વી પરથી પ્રવાસ કરીને અહીં આવ્યા અને આટલો સમય વિતાવ્યો, તેટલામાં પૃથ્વી પર યુગો બદલાઈ ગયા છે. તમારું રાજપાટ, જ્ઞાતિઓ અને લોકો બધું જ સમયના પ્રવાહમાં વિલીન થઈ ગયું છે. રાજા રેવત જ્યારે પુત્રી સાથે પૃથ્વી પર પાછા આવ્યા ત્યારે યુગ બદલાઈ ચૂક્યો હતો અને તેમની પુત્રીની ઉંમર તેટલી જ રહી હતી. આ વૈજ્ઞાનિક સત્ય આપણા પૂર્વજો હજારો વર્ષ પહેલા જાણતા હતા.

તેવી જ રીતે, વેસ્ટર્ન મીડિયા આપણને પછાત અને સાપોનો દેશ કહેતું હતું, પરંતુ આપણા પૂર્વજો જાણતા હતા કે પૃથ્વી ગોળ છે, એટલા માટે જ ભારતમાં જ્યોગ્રાફીને 'ભૂગોળ' કહેવામાં આવ્યું છે. દક્ષિણ ભારતમાં હજારો વર્ષ જૂની વરાહ અવતારની મૂર્તિઓના દાંત પર પૃથ્વીને ગોળ જ ઉકેરવામાં આવી છે, ક્યારેય ચોરસ કે ફ્લેટ બતાવવામાં નથી આવી. આપણી સંસ્કૃતિમાં હજારો વર્ષથી નવગ્રહની પૂજા થાય છે. નાસાના ટેલિસ્કોપ આવ્યા તે પહેલાંથી ભારતના પંચાંગ ગણિતના આધારે એક સામાન્ય ધોતી પહેરેલો પંડિત પણ આગામી ૧૦૦ વર્ષ પછી કયા દિવસે, કયા સમયે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થશે તેની સચોટ માહિતી મિનિટોમાં ગણી આપે છે. આપણા પૂર્વજો માત્ર ભારત નહીં, પણ સમગ્ર બ્રહ્માંડના પ્રવાસી હતા.

ભારતની અદ્રશ્ય સ્થાપત્યકળાના વણઉકલ્યા રહસ્યો

પોતાના પુસ્તક ધ હિડન હિન્દુના સંશોધનોનો ઉલ્લેખ કરતા અક્ષત ગુપ્તા એ ભારતના કેટલાક એવા સ્થળો વિશે વાત કરી જે વિજ્ઞાન માટે આજે પણ એક કોયડો છે. હિમાલયમાં પવિત્ર માનસરોવરની બિલકુલ બાજુમાં જ 'રાક્ષસતાલ' આવેલું છે. બંને જળાશયો એક જ ઊંચાઈ પર અને એક જ હવામાન પરિસ્થિતિમાં હોવા છતાં, માનસરોવરનું પાણી મીઠું અને અત્યંત શાંત છે, જ્યારે રાક્ષસતાલનું પાણી દરિયા જેવું ખારું છે અને તેમાં ભયાનક મોજા ઉછળે છે. વિજ્ઞાન પાસે આનો કોઈ જવાબ નથી.

રાજસ્થાનનું 'કુલધરા' ગામ, જેને ઘોસ્ટ વિલેજ કહેવાય છે, ત્યાંથી આખું ગામ, પશુઓ અને વસ્તી એક જ રાતમાં કોઈ પણ જાતના પગલાંના નિશાન છોડ્યા વગર અદ્રશ્ય થઈ ગયા. મહારાષ્ટ્રનું 'ઇલોરાનું કૈલાશ મંદિર' જે પૃથ્વી પરનું એકમાત્ર એવું સ્થાપત્ય છે જેને નીચેથી ઉપર નહીં, પણ આખા પહાડને ઉપરથી નીચે તરફ કાપીને એક જ પથ્થરમાંથી કંડારવામાં આવ્યું છે. આજના આધુનિક એન્જિનિયરો પણ આવી સચોટતા અને ફિનિશિંગ આધુનિક મશીનો વગર બનાવવાનું અશક્ય માને છે. કેરળનું પદ્મનાભસ્વામી મંદિરનું વોલ્ટ-બી, જેમાં કોઈ ચાવીનું કાણું કે લોક નથી, માત્ર ધ્વનિ તરંગોથી જ ખુલી શકે છે અને જેને ખોલવાથી પ્રલય આવવાની માન્યતા છે. આ ઉપરાંત, મધ્યપ્રદેશમાંથી નીકળીને દેશની અન્ય નદીઓ કરતાં ઉલટી દિશામાં વહેતી પવિત્ર નર્મદા નદી અને મહારાષ્ટ્રનું 'શેતપાલ' ગામ જ્યાં દરેક ઘરમાં ઝેરી સાપ માણસો સાથે કોઈ પણ જાતની હાનિ પહોંચાડ્યા વગર મુક્તપણે રહે છે. આ તમામ બાબતો પુરવાર કરે છે કે ભારત ખરા અર્થમાં ‘ઇનક્રેડિબલ ઇન્ડિયા’ છે.

પ્રવાસની સાચી આચારસંહિતા અને નાગા સાધુઓની ફકીરી

લેખના અંતે અક્ષત ગુપ્તા નાગા સાધુઓ અને પ્રાચીન ઋષિઓના જીવનમાંથી પ્રવાસનો સાચો મતલબ સમજાવે છે. પ્રકૃતિએ વૃક્ષોને એક જગ્યાએ રહેવા માટે જડ (મૂળિયાં) આપ્યા છે, પક્ષીઓને આકાશ માપવા પાંખો આપી છે, પરંતુ મનુષ્યને ભગવાને 'પગ' આપ્યા છે જેથી તે સતત ચાલતો રહે અને ભ્રમણ કરતો રહે. પ્રાચીન ઋષિઓ અને નાગા સાધુઓ ક્યારેય પોતાનું કાયમી ઘર નથી બનાવતા, તેઓ ભિક્ષા પર જીવે છે. તેમની પાસે સામાન બહુ ઓછો હોય છે.

અક્ષતજી પ્રવાસીઓને એક સુવર્ણ સલાહ આપે છેકે, ‘ટ્રાવેલ લાઈટ’. પ્રવાસમાં તમારો સામાન, તમારું મન અને તમારું દિલ ત્રણેય હળવા હોવા જોઈએ. જો તમે ઘરેથી જ ૧૫ કિલો સામાન અને મનમાં પૂર્વગ્રહો ભરીને નીકળશો, તો રસ્તામાંથી નવું જ્ઞાન કે અનુભવો મેળવવાની જગ્યા તમારામાં ક્યાં બચશે? એરપોર્ટથી ફાઈવ સ્ટાર હોટલનો પ્રવાસ તમને કંઈ નહીં શીખવે, સાચો દેશ જોવો હોય તો બસ અને ટ્રેનમાં સામાન્ય માણસો વચ્ચે પ્રવાસ કરો. મન અને મગજને ખાલી રાખીને નીકળો, રસ્તામાં મળતા અજાણ્યા બાળકોને ચોકલેટ આપો, વડીલોના આશીર્વાદ લો અને નફરત કે ધોખાના કડવા અનુભવોને ઘરે છોડીને પ્રકૃતિ સાથે એકાકાર થઈ જાઓ. આપણે ભારતીયો જન્મજાત પ્રવાસી છીએ, બસ આપણી ભીતરના એ સનાતન પ્રવાસીને ફરીથી જગાડવાની જરૂર છે.