મહેચ્છા ગાડી થી ઉતરી સીધી જ પોતાના ઘરમાં પ્રવેશ કરે છે તો સરિતા ના મૃતદેહને નિહાળી પોતાની જાતને રોકી નથી શકતી. આ તરફ નવનીત પણ મહેચ્છા ની સાથે જ હતો પણ પોતાની સાથે બે ત્રણ સિક્યોરિટી ગાર્ડ રાખી ઘરમાં પ્રવેશ કરે છે.
નવનીત ને જોઈ ઘણા લોકો માન આપવા માટે ઊભા પણ થઈ જાય છે.પછી નવનીત એ બધાને નમસ્કાર કરે છે. સરિતા ના પાર્થિવ દેહને દૂરથી પ્રણામ કરી પછી મધુકર ને સાંત્વના આપે છે. મહેચ્છા તો રડી રડીને મધુકર થી જાણે માફી માંગી રહી હતી.
ક્યાંક ને ક્યાંક નવનીત ના મગજ માં હજી પણ નીચી જાતિ વાળી સરિતા ની ટિપ્પણી સળવળી રહી હતી. એ મધુકર ના સંબંધીઓ સામે સતત ફોન પર વાતચીત કરી પોતાની મહત્તા બતાવી રહ્યો હતો.
આ તરફ મધુકર અને મહેચ્છા તો પરિવાર ની ધુરી સમાન સરિતા ને ગુમાવી દીધા પછી એકમેક ને સાંત્વના આપી રહ્યા હતા ત્યારે નવનીત બહાર પોતાની જાતને ખુબ વ્યસ્ત હોય એમ બતાવવા માંથી ઊચો આવતો ન હતો.
"નવનીત કુમાર અર્થી ને કાંધ આપવાની છે. " કોઈ કહે છે.
"ચલો પછી ફોન કરું. મારે કાંધ આપવાની છે." નવનીત કહે છે.
મહેચ્છા અને મધુકર તો આ બધું જોઈ રહ્યા હતા. પણ બધા સગાઓ ની વચ્ચે નવનીત ને શું સમજાવવું? નવનીત કાંધ આપી અર્થીને સ્મશાન સુધી લઈ જાય છે. મુખાગ્નિ આપવા માટે મધુકર ને કહેવાય છે પણ મહેચ્છા પુત્ર ન હોવાથી પોતે જ મુખાગ્નિ આપવા તૈયાર થઈ જાય છે.
સગા સંબંધી બધા હતપ્રભ બની જાય છે.નવનીત પણ કદાચ પહેલીવાર જ કોઈ સ્ત્રી ને મુખાગ્નિ આપતા જોવે છે. પણ આ મહેચ્છા નો ફેંસલો હતો. મહેચ્છા કદાચ આ રીતે સરિતા ને શ્રધ્ધાંજલી આપવા માંગતી હતી.
સરિતા ની ચિતા પર મુખાગ્નિ આપતી મહેચ્છા હજી તો પોતાની આંખો બંધ કરીને સરિતા ને શ્રધ્ધાંજલી આપી રહી હતી કે મીડિયા ની ગાડીઓ સ્મશાન ની બહાર ભેગી થવા લાગી.
સગા સંબંધી વિચારોમાં ખોવાઈ ગયા કે મીડિયા ને કોણે જાણ કરી હશે? નવનીત તો ચિતા બળતા જ સ્મશાન ની બહાર આવી તરત જ પત્રકારોને જવાબ આપવા લાગ્યો:
"આ એક હિટ એન્ડ ટ્રાયલ નો કેસ છે. મારી સાસુ ને કોઈ કાર ચાલકે અચાનક જ ટક્કર મારી હતી અને તેમનું કરૂણ મૃત્યુ થયું હતું."
"આપ પોલીસ થી શું અપીલ કરવા માંગો છો?" પત્રકાર પુછે છે.
"જો પોલીસ જરૂર પોતાનું કામ કરીને વહેલાં માં વહેલી તકે અપરાધી ને પકડી જેલભેગા કરે એવી જ મારી ઈચ્છા છે." નવનીત કહે છે.
"સર મહેચ્છા મેડમ કેમ છે?" પત્રકાર પુછે છે.
" મહેચ્છા અને તેના પિતા શોકમાં ગરકાવ થઈ ગયા છે. બસ થેન્કયુ." નવનીત ફરીથી સ્મશાન તરફ જાય છે.
ત્યારે જ મહેચ્છા અને મધુકર નવનીત ને જોવા બહાર આવે છે તો પત્રકારો મહેચ્છા ને ઘેરી વળે છે. મહેચ્છા પોતાનું મોઢું છુપાવીને હાથ જોડીને કોઈ જવાબ આપવાની પરિસ્થિતિ ન હોવાથી ના પાડે છે.
"મેડમ આપને કેવું લાગી રહ્યું છે? શું કોઈ પારિવારિક અદાવત હોઈ શકે?"
"પ્લીઝ.." નવનીત કહે છે.
"શું કામ પછી બોલાવતા હશો?" કોઈ પત્રકાર કહે છે.
નવનીત ચુપચાપ જ મહેચ્છા સાથે નીકળી જાય છે. સ્મશાનમાં તો મહેચ્છા ચુપચાપ જ રહે છે પણ ઘરમાં પહોંચી પછી મધુકર આગળ મહેચ્છા ચોધાર આંસુડે રડી પડી.
દિનકર દાસગુપ્તા પણ એ વખતે શોક પ્રગટ કરવા માટે આવે છે. નવનીત સાથે થોડી વાતચીત કરી લીધા પછી દિનકર દાસગુપ્તા મહેચ્છા અને મધુકર ને મળે છે. ત્યારે જ નવનીત નો ફોન આવે છે.
નવનીત તરત જ જયપુર જવા માટે નીકળી જાય છે. નાણાં મંત્રી નવનીત ને તરત જ ઈમરજન્સી મીટિંગ માટે બોલાવે છે. પણ નવનીત મહેચ્છા ને કહેતો જાય છે:
" દિલ્હી પોલીસ પર એમ.એલ.એ નું દબાણ છે. ચોવીસ કલાકમાં જ હિટ એન્ડ રન નો હત્યારો પકડાઈ જશે. મારી સાસુ સાથે ખોટું થયું છે. હું થોડો છોડી દઉ."
દિનકર દાસગુપ્તા અને મધુકર પણ કંઈક બોલવા જાય છે પણ ચુપ થઈ જાય છે. મહેચ્છા પણ હાલ ચુપચાપ રહી યોગ્ય સમયે વાત કરશે એમ કહે છે.
નવનીત ચાર્ટર્ડ પ્લેનમાં જયપુર જવા નીકળી જાય છે.આ તરફ દિનકર દાસગુપ્તા મહેચ્છા ની સામે જોઈ પુછે છે:
" આ નવનીત ને શું થયું છે? એ તો આવો ન હતો. "
"હજી અમારે સર્વિસ ની નોકરી ચાલુ થઈ એક અઠવાડિયા જેટલો જ સમય થયો છે. પણ કદાચ તેમની પોસ્ટ એવી છે કે એમને નેતાઓ ના સંપર્ક માં રહેવું પડે છે. પણ મને ય નવનીત ની વર્તણૂક જરાય ન ગમી." મહેચ્છા કહે છે.
"દીકરી માફ કરજે. પણ સરિતા કદાચ સાચી જ હતી. હું જે નવનીત ને ઓળખતો હતો એ અલગ હતો. આ તો કોઈ અહંકાર થી ભરપુર આઈ.એ.એસ ઓફીસર છે." મધુકર કહે છે.
"પોતાની જાતને આટલો વ્યસ્ત બતાવી શું મળ્યું? એ પણ સગા સંબંધીઓ આગળ. " મહેચ્છા કહે છે.
"નવનીત આગ સાથે રમી રહ્યો છે. આઈ.એ.એસ ઓફીસર અને નેતાઓ ની વચ્ચે ઉંદર બિલાડીની રમત ચાલતી હોય છે. ક્યારેક આ સરકાર તો ક્યારેક વિપક્ષ. નેતાઓ ની ન તો મિત્રતા સારી કે ન દુશ્મની. તારી માટે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન ની વ્યવસ્થા કરવામાં આવી. હિટ એન્ડ રન ના ગુનેગાર ને શોધવા રાજકીય દબાણ પોલીસ પર અપાવ્યું. નવનીત એક કુશાગ્ર મેનેજર ની જેમ બધું કરે છે." દિનકર દાસગુપ્તા કહે છે.
"પણ ક્યારે આ નેતા વિરોધી બની જાય એ ખબર નહીં પડે. નવનીત ને સમજાવજે." મધુકર કહે છે.
આ તરફ થોડી કલાકો પછી જ દિલ્હી પોલીસ કાર ચાલક ને પકડી મીડિયા સમક્ષ રજૂ કરે છે.પછી પ્રેસ કોન્ફરન્સમાં પત્રકાર પુછે છે:
"આ તો આઈ.એ.એસ ઓફીસર ની સાસુ સાથે આ ગમખ્વાર ઘટના બની તો ચોવીસ કલાક કરતાં પણ ઓછા સમયમાં આ કેસ ઉકેલાઈ ગયો. પણ જો કોઈ સામાન્ય માણસ સાથે આ થયું હોય તો?
શું કોઈ પણ જાતના રાજકીય દબાણ વગર જ આ રીતે કેસ ઉકેલાઈ જાય?"
પોલીસ ચુપકીદી સેવી રહી હતી. દિલ્હીમાં સરકાર જે પક્ષની હતી એ રાજસ્થાનમાં મુખ્ય વિરોધ પક્ષ હતો. નવનીત અજાણતા જ એક રાજકીય રમતનું પ્યાદું બની ગયો હતો.
"આ નવનીત શું કરી રહ્યો છે? મારે એની સાથે વાત કરવી જ પડશે. હું તો હજી પપ્પા ને સંભાળી લઉ કે નવનીત ને જોવું?" મહેચ્છા ન્યુઝ જોઈ કહે છે.
ત્યારે જ નવનીત સામે થી ફોન કરે છે.
"મહેચ્છા મેં કહ્યું ને કે ચોવીસ કલાક પહેલા જ તમારો ગુનેગાર તમારી સામે જ હશે. "
"નવનીત સમજી કેમ નથી રહ્યો? પોલીસ પર દબાણ કરવાની શું જરૂર હતી?"મહેચ્છા પુછે છે.
"તારી મમ્મીને સાથે જે થયું એ મને પણ નથી ગમ્યું.જો આપણે થોડું જોર લગાવીએ તો શક્ય છે ને જલ્દી ગુનેગાર પકડાઈ જાય. બાકી આપણા સંપર્ક શું કરવાના?"નવનીત કહે છે.
"આ નેતાઓ થી થોડો દૂર જ રહેજે. હું બે દિવસ પછી આવી જઈશ." મહેચ્છા કહે છે.