Shared Breath - Chapter 2 in Gujarati Love Stories by Nayana Viradiya books and stories PDF | સહિયારા શ્વાસ - અધ્યાય 2

Featured Books
Categories
Share

સહિયારા શ્વાસ - અધ્યાય 2





સહિયારા શ્વાસ 
અધ્યાય – ૨
શબ્દોથી જન્મતો વિશ્વાસ

"કેટલાક સંબંધો એક 'હેલો'થી શરૂ થાય છે... અને આખી જિંદગી 'ધ્યાન રાખજે' સુધી પહોંચે છે."
            રાત્રિના અગિયાર વાગી ચૂક્યા હતા.
બહાર આખું શહેર ઊંઘની ચાદર ઓઢીને શાંત થઈ ગયું હતું. દૂર ક્યાંક કૂતરાંના ભસવાનો અવાજ આવતો અને ફરી ચારેબાજુ મૌન પથરાઈ જતું. બારીમાંથી આવતી ચાંદની રૂમના ફ્લોર પર ચાંદી જેવી રેખાઓ દોરી રહી હતી.
નિત્યાનો મોબાઇલ હજુ પણ તેના હાથમાં હતો.
મેસેજ મોકલ્યા પછી જાણે સમય થંભી ગયો હતો.
તે પોતાની જાતને સમજાવતી હતી...
"જવાબ આવે કે ન આવે... કોઈ ફરક પડતો નથી."
પણ મન જ જાણતું હતું કે‌ ફરક પડતો હતો....ખૂબ જ પડતો હતો.
દર બે-ત્રણ મિનિટે તેની નજર મોબાઇલની સ્ક્રીન પર જતી.
પછી પોતાને જ ઠપકો આપતી.
"આટલી ઉતાવળ શા માટે?"સમય આગળ વધતો રહ્યો.ઘડિયાળે સાડા અગિયારનો ટકોરો કર્યો.
એ જ ક્ષણે...
ટીન...
મોબાઇલની સ્ક્રીન ઝગમગી ઊઠી.
એક નવો મેસેજ.
નિત્યાના હૃદયના ધબકારા જાણે એક ક્ષણ માટે વધી ગયા.
તેણે ધીમેથી સ્ક્રીન ખોલી.મેસેજમાં માત્ર એટલું જ લખેલું હતું...
"Hi... સાચું કહું તો તમારો મેસેજ વાંચીને મને આશ્ચર્ય થયું. આજના સમયમાં અજાણ્યા માણસને આટલી સરળતાથી કોઈ લખતું નથી. પણ તમારી વાતમાં કોઈ બનાવટ નહોતી... એટલે જવાબ આપવાનું મન થયું. હું કર્તવ્ય."
માત્ર પાંચ લીટી...
પણ એ પાંચ લીટીઓમાં એક અજાણી નિખાલસતા હતી.
નિત્યાના ચહેરા પર અનાયાસે જ સ્મિત આવી ગયું.
તે ઝડપથી જવાબ લખવા ગઈ...પણ અટકી ગઈ.
કેટલીક વાતો ઉતાવળમાં નથી લખાતી.
થોડી ક્ષણ વિચાર્યા પછી તેણે લખ્યું...
"Thank you". અજાણ્યા હોવા છતાં જવાબ આપ્યો એ બદલ. કદાચ આજના સમયમાં વિશ્વાસ કરતાં શંકા વધુ જીવતી થઈ ગઈ છે."
સામેથી જવાબ આવવામાં બે મિનિટ પણ ન લાગી.
"હા... પણ હું માનું છું કે દુનિયામાં બધા લોકો ખરાબ નથી હોતા. બસ સારા લોકો મળવાનું નસીબ બધાને મળતું નથી."
નિત્યાએ એ વાક્ય બે વાર વાંચ્યું.
કેટલાક લોકો શબ્દો લખતા નથી...જીવન લખી દેતા હોય છે.
આ રીતે વાત શરૂ થઈ.ન કોઈ ઔપચારિકતા...
ન કોઈ ઉતાવળ...કે ન કોઈ બિનજરૂરી પ્રશ્નો.
પ્રથમ દિવસે બંનેએ ફક્ત એટલી જ વાત કરી જેટલી બે અજાણ્યા માણસો સહજ રીતે કરી શકે.
"ક્યાંથી છો?"
"શું કરો છો?"
"વાંચવાનો શોખ છે?"
આવા સામાન્ય પ્રશ્નો.
પરંતુ દરેક જવાબમાં એક શાંતિ હતી.
કર્તવ્યના દરેક શબ્દોમાં પરિપક્વતા હતી.
અને નિત્યાના દરેક જવાબમાં સાદગી.
રાત્રે લગભગ એક વાગ્યે કર્તવ્યએ લખ્યું...
"ઘણું મોડું થઈ ગયું છે. હવે સૂઈ જવું જોઈએ. કાલે ફરી વાત કરીશું. શુભરાત્રિ."
નિત્યાએ જવાબ આપ્યો...
"શુભરાત્રિ. અને... અજાણ્યા હોવા છતાં આટલી સરળ વાત કરવા બદલ આભાર."
સામેથી છેલ્લો મેસેજ આવ્યો...
"મને લાગે છે... અજાણ્યા લોકો સાથે વાત કરવી ઘણીવાર સરળ હોય છે. કારણ કે ત્યાં કોઈ અપેક્ષા હોતી નથી."
નિત્યા લાંબા સમય સુધી એ મેસેજ જોતી રહી.
તેને લાગ્યું...
આ માણસ માત્ર બોલતો નથી...વિચારે છે.
બીજા દિવસે સવારે...
સૂર્યના પ્રથમ કિરણો બારીમાંથી અંદર આવ્યા.
નિત્યા રોજની જેમ વહેલી ઊઠી.
પ્રાર્થના કરી.ચા બનાવી.
અને અચાનક...તેની નજર મોબાઇલ પર ગઈ.
એક નવો મેસેજ.
સવારના ૬:૦૫ વાગ્યે.
"Good morning. આજનો દિવસ તમારા ચહેરા પર સ્મિત લઈને આવે એવી શુભેચ્છા."
નિત્યા હળવેથી હસી.
કેટલાક લોકોની શુભેચ્છાઓ પણ દિવસને સુંદર બનાવી દેતી હોય છે.
તેણે જવાબ લખ્યો...
"Good morning. ભગવાન તમને પણ હંમેશાં ખુશ રાખે."
એ દિવસે આખો દિવસ બંને પોતાની પોતાની જવાબદારીઓમાં વ્યસ્ત રહ્યા.
પણ સાંજ પડતાં ફરી વાત શરૂ થઈ.
ધીમે ધીમે...
દરરોજનું એક "good morning"...
એક "જમી લીધું?"...
અને એક "good night"...
તેમના દિવસનો ભાગ બની ગયા.
બંનેને ખબર પણ ન પડી...
કે ઓળખાણ ક્યારે આદત બની ગઈ.
અને...
આદત ક્યારે આત્મીયતાની દિશામાં આગળ વધવા લાગી.
તે રાત્રે નિત્યાએ પોતાની ડાયરી ખોલી.
આજની તારીખ લખી.
અને નીચે માત્ર એક જ વાક્ય લખ્યું...
"કેટલાક લોકો જીવનમાં મોડા આવે છે... પણ લાગે છે કે તેઓ હંમેશાંથી આપણા જ હતા."
ડાયરી બંધ કરતાં પહેલાં તેણે આકાશ તરફ જોયું.
અને મનમાં એક અજાણ્યો પ્રશ્ન ઉઠ્યો...
"મહાદેવ... શું આ માત્ર એક ઓળખાણ છે...? કે પછી તમે મારી જિંદગીમાં કોઈ ખાસ સંબંધ મોકલ્યો છે?"
જવાબ ક્યાંયથી આવ્યો નહીં...
પણ...
કદાચ...
આનો જવાબ સમય પાસે હતો.
ક્રમશઃ🌿