Ruff note in Gujarati Fiction Stories by I AM ER U.D.SUTHAR books and stories PDF | બાળપણની એ રફનોટ - 9

Featured Books
Categories
Share

બાળપણની એ રફનોટ - 9

પ્રકરણ ૯: ઉનાળાનો તડકો અને વેકેશન

વર્ષ ૨૦૦૦ના એ પ્રારંભિક મહિનાઓની કાળઝાળ ગરમી પશ્ચિમ ભારતના મેદાનો પર પોતાનો પ્રકોપ પાથરી રહી હતી, પરંતુ પૃથ્વીના તાપમાન કરતાં ગુજરાતના એ મધ્યમવર્ગીય શહેરની એક શાંત ગલીમાં ઉત્સાહનો પારો ક્યાંય ઊંચો હતો. કારણ સ્પષ્ટ હતું—પરીક્ષાઓની એ લાંબી, કંટાળાજનક અને તણાવભરી લક્ષ્મણરેખા આખરે ઓળંગાઈ ચૂકી હતી. કાગળના પેડ, નટરાજની અડધી ઘસાયેલી પેન્સિલો, ભૂમિત્તિના પરિકર અને રાત્રે દીવાના પ્રકાશમાં ગોખેલા મુઘલ સામ્રાજ્યના નકશાઓ હવે દફતર માંથી નીકળીને ઘરના માળિયા પર અથવા કબાટના સૌથી નીચલા ખાનામાં કેદ થઈ ગયા હતા. શાળાના લોખંડી દરવાજા હવે બે મહિના માટે બંધ હતા અને તેની સામે ખુલી ગયું હતું બાળપણનું સૌથી મોટું રંગમંચ—ઉનાળાનું મસમોટું, લાંબુ વેકેશન.

પરીક્ષા પૂર્ણ થયાના બીજા દિવસે, એટલે કે વેકેશનના સોનેરી પ્રથમ દિવસે, આર્યનના બે રૂમના નાનકડા મકાનમાં સવાર કંઈક અલગ જ રીતે પડી હતી. દરરોજ સવારે સાડા છ વાગ્યે પિતરાઈ ભાઈઓની જેમ દોડતા ઘડિયાળના કાંટા આજે જાણે આળસ મરડીને ઊભા રહી ગયા હતા. સવારના નવ વાગી ચૂક્યા હતા. રસોડામાંથી પ્રાઈમસનો તીણો અવાજ ક્યારનોય શાંત થઈ ગયો હતો અને પપ્પા પણ પોતાનાં  કામ પર  જવા રવાના થઈ ગયા હતા. બેઠક રૂમના પલંગ પર આર્યન હજુ પણ ચાદર ઓઢીને ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. તેના ચહેરા પર એક અજીબ, પરમ તૃપ્તિનો સંતોષ હતો, જાણે તેણે કોઈ મોટું વિશ્વયુદ્ધ જીતી લીધું હોય અને હવે તેને જગાડવાની શક્તિ બ્રહ્માંડમાં કોઈની પાસે ન હોય.

તેની મમ્મી રસોડામાંથી હાથમાં પાણીનો લોટો અને માથા પર સાડલાનો છેડો સરખો કરતી બહાર આવી. તેણે પલંગ પાસે જઈને આર્યનની ચાદર સહેજ ખેંચી, "આર્યન! એલા ઓ આર્યન! જાગ હવે બાપલિયા! વેકેશન પડ્યું એનો અર્થ એવો નથી કે તું આખો દિવસ કુંભકર્ણની જેમ સૂતો રહીશ. જો તો ખરો, ઘડિયાળમાં દસ વાગવા આવ્યા છે! તારા ભાઈબંધો નીચે કમ્પાઉન્ડમાં ક્યારનાય અવાજ કરી રહ્યા છે."

આર્યને ઊંઘમાં જ ચાદર પાછી માથા સુધી ખેંચી લીધી અને ઘોઘરા અવાજે બબડ્યો, "ઓહો મમ્મી... સુવા દે ને! માંડ તો પરીક્ષા પતી છે. હજુ તો આ વેકેશનનો પહેલો જ દિવસ છે. આજે મારે કોઈ ટાઈમટેબલ નથી જોઈતું, કોઈ બેલ નથી સાંભળવો. આજે હું મારી મરજીનો રાજા છું."

મમ્મીએ હસતાં હસતાં પલંગની કિનારે બેસીને તેના માથે હાથ ફેરવ્યો, "તારી મરજીના રાજા, ચા ઠરીને પાણી થઈ ગઈ છે અને રસોડામાં તારા નાસ્તાના ખાખરા પણ તારી રાહ જોઈને સુકાઈ ગયા છે. જો તું હમણાં પાંચ મિનિટમાં નહીં જાગે ને, તો તારો નાસ્તો હું કબાટમાં મૂકી દઈશ, પછી આખો દિવસ ભૂખ્યો રખડજે."

નાસ્તાની અને ખાસ કરીને વેકેશનની આઝાદીની વાત સાંભળતાં જ દસ વર્ષના આર્યનની આંખો ઝબકીને ખુલી ગઈ. તે પલંગ પર બેઠો થયો, આંખો ચોળતા ચોળતા તેણે બારી બહાર નજર કરી. વૈશાખનો કુમળો તડકો સોસાયટીના સિમેન્ટના ચોગાન પર પથરાઈ ચૂક્યો હતો. હવામાં એક અનોખી મુક્તિની સુગંધ હતી. તે ઉતાવળે પલંગ પરથી ઉતર્યો, પ્રાતઃકર્મ પતાવ્યા અને મમ્મીના હાથની ગરમ ચા અને ખાખરા ફટાફટ પતાવ્યા. તેલ નાખ્યા વિના જ વાળમાં આડી આંગળીઓ ફેરવી, બેલબોટમ ચડાવી અને ઉપર એક ટીશર્ટ પહેરી અને ઘરમાંથી બહાર નીકળવા દોડ્યો. તેને જતા જોઇને "આર્યન! બપોરના જમવાના સમયે ઘરે પાછો આવી જજે હો, એના માટે મારે તને શોધવા ના આવું પડે અને સોસાયટીમાં તારા નામનાં બરાડા નાં પાડવા પડે.અને હા આખો દિવસ ધૂળમાં ના રખડતો!" પાછળથી મમ્મીનો પરિચિત અવાજ સંભળાયો, પણ આર્યન તો સીડીઓના બે-બે પગથિયાં એકસાથે કૂદતો નીચે ઉતરી ચૂક્યો હતો.

જ્યારે આર્યન સોસાયટીના કમ્પાઉન્ડમાં પહોંચ્યો, ત્યારે વાનરસેનાની અડધી ટુકડી ઓલરેડી મોરચો સંભાળીને બેઠી હતી. જુગલ અને બિશન સોસાયટીના સેન્ટર પ્લોટમાં આવેલા લીમડાના ઝાડની છાયામાં બેઠા હતા. બિશનના હાથમાં લાકડાનો એક મજબૂત, જાડો દંડો હતો અને જુગલ પોતાની હથેળીમાં નાની, અણીદાર લાકડી ફેરવી રહ્યો હતો—એ તેમની ગીલી-દંડાની અસલી જાગીર હતી. નિખિલ હજુ સુધી દેખાતો નહોતો, કારણ કે અમીર ઘરનો દીકરો સવારે થોડો મોડો જાગતો અથવા તેના ઘરે સવારના નાસ્તાનો લાંબો સિલસિલો ચાલતો.

"અરે વાહ, આર્યનભાઈ આવ્યા! લો સાહેબ, આજે તો વેકેશનના પહેલા જ દિવસે લેટ લતીફ બન્યા છે," બિશને દંડાને હવામાં ગોળ ફેરવતા આર્યનની ફિરકી લીધી.

આર્યને હસતા હસતા જુગલ પાસેથી ગીલી લીધી અને તેની અણી તપાસતા કહ્યું, "અરે બિશનિયા, આજે વેકેશનનો પહેલો દિવસ છે, એટલે થોડો વટ તો હોવો જોઈએ ને! અત્યાર સુધી રોજ સવારે વહેલા ઉઠીને તૈયાર થઈ ને  નિશાળ દોડતા હતા જેના લીધે શાંતિથી ઊંઘવા પણ નહોતું મળતું પણ , આજે તો લાયસન્સ મળ્યું છે આરામનું. ચલ એ બધું છોડ, આજે કઈ રમતથી બોણી કરવાની છે?"

જુગલે ગીલી હાથમાં લેતા આંખો ચમકાવી, "આજે સવાર-સવારમાં તડકો ઓછો છે એટલે ગીલી-દંડાનો મોટો દાવ લગાવીએ. ગઈકાલે સાંજે જ મેં આ નવી ગીલી લીમડાની સૂકી ડાળીમાંથી છોલીને બનાવી છે. બંને બાજુની અણી એકદમ પર્ફેક્ટ છે. જો બરાબર ટપ્પો વાગશે ને, તો સીધી સોસાયટીની બહાર જશે!"

"હા, પણ નિયમ પહેલા નક્કી કરી લો," બિશને વચમાં ટાપસી પુરાવી, "જો ગીલી કોઈના ઘરની અંદર ગઈ અથવા પેલા હિટલર સરના ઘરના કમ્પાઉન્ડમાં ગઈ, તો આઉટ ગણાશે અને ગીલી પણ જેણે મારી હોય તેણે જ લાવવી પડશે. પેલા દિવસનો ક્રિકેટનો બોલ હજુ પણ ત્યાં જ સડી રહ્યો છે, આજે ગીલી ખોવાનો મારો કોઈ મૂડ નથી."

ત્યાં જ સોસાયટીના ગેટમાંથી ‘ટ્રીન... ટ્રીન...’ અવાજ કરતો નિખિલ તેની નવી હીરો સાયકલ પર વટથી પ્રવેશ્યો. સાયકલના હેન્ડલ પર લટકતી પ્લાસ્ટિકની થેલીમાં કંઈક અજીબ અવાજ આવી રહ્યો હતો. કાચના સિક્કાઓ એકબીજા સાથે અથડાતા હોય તેવો ઝણઝણાટ હતો. ચારેય મિત્રો લીમડાની નીચે ગોઠવાયા. નિખિલે સાયકલ સ્ટેન્ડ પર મૂકી અને થેલીમાંથી કાઢ્યો પોતાનો અસલી ખજાનો—રંગબેરંગી, ચમકતી કાચની લખોટીઓ!

"અરે વાહ નિખિલિયા! તું તો આજે આખી દુકાન ઉપાડી લાવ્યો છે કે શું?" જુગલની આંખો લખોટીઓ જોઈને પહોળી થઈ ગઈ.

"આ ગીલી-દંડા પછીનો સેકન્ડ હાફ છે," નિખિલે ગર્વથી કીધું, "આજે બપોરે જ્યારે તડકો વધશે ને, ત્યારે આપણે આ લીમડાના ઝાડ નીચે લખોટીનો દાવ રમીશું. આ લીલી, લાલ  અને દૂધિયા કલરની લખોટીઓ જુઓ, ખાસ મનુભાઈની દુકાનેથી એક રૂપિયાની સોળ લેખે લાવ્યો છું."

"હા ભાઈ, ચોક્કસ રમીશું! આમ પણ આ રાજકુંવરને ગીલી-દંડા રમતા ઓછું આવડે છે અને લખોટીમાં એનો વટ વધારે છે," આર્યને નિખિલની સાયકલ તરફ જોઈને મજેદાર ટોણો માર્યો અને એ સાંભળીને ઓટલા પર બેઠેલા જુગલ અને બિશન ખડખડાટ હસી પડ્યા. નિખિલે પણ ખોટો ગુસ્સો કરવાનો ડોળ કર્યો, પણ મિત્રોની આ નિર્દોષ મજાકમાં તેનો ચહેરો પણ હાસ્યથી ખીલી ઉઠ્યો.

"સારું ચલો, પહેલા ગીલી-દંડા શરૂ કરો!" આર્યને દંડો હાથમાં લીધો અને ક્રીઝ પર ઊભો રહ્યો.

ગીલી-દંડાની રમત શરૂ થઈ. આર્યને ક્રીઝ પર નાનકડો ખાડો બનાવ્યો, તેના પર ગીલી આડી મૂકી અને દંડાથી હળવેકથી હવામાં ઉછાળીને હવામાં જ જોરદાર ફટકો માર્યો—ખટાક! ગીલી હવામાં ગોળ-ગોળ ફરતી સીધી સોસાયટીના કમ્પાઉન્ડની બીજી બાજુ પડેલા જૂના સ્કૂટર પાછળ જઈને પડી. જુગલ દોડતો ગયો અને ત્યાંથી ગીલી પાછી ફેંકી. આર્યને દંડાથી અંતર માપવાનું શરૂ કર્યું—"એક દંડો, બે દંડા, ત્રણ દંડા..." ગલી ક્રિકેટની જેમ ગીલી-દંડાના પણ પોતાના દેશી આંકડા હતા.

રમત જામી રહી હતી. બિશનનો વારો આવ્યો ત્યારે તેણે એટલી જોરથી ફટકો માર્યો કે ગીલી સીધી હવામાં ઉડીને સોસાયટીના ધાબા પર જઈ રહેલા કાબરના ઝૂંડને ડરાવતી આગળ નીકળી ગઈ. પરંતુ, ગીલી-દંડાની રમત જેમ-જેમ આગળ વધી, તેમ-તેમ સૂર્ય નારાયણ પણ પોતાનો મિજાજ બદલી રહ્યા હતા. અગિયાર વાગતા સુધીમાં તો ગ્રાઉન્ડની જમીન તપવા લાગી હતી અને ચારેય મિત્રોના કપાળ પર પરસેવાના ટીપાં ચમકવા લાગ્યા હતા.

"હવે બસ યાર, ગીલી-દંડામાં બહુ દોડવું પડે છે. આ તડકામાં ચામડી બળી જશે," નિખિલે પોતાના મોંઘા રૂમાલથી મોઢું લૂછતાં કહ્યું.

ઉનાળાનો એ આકરો તડકો હવે સોસાયટી કમ્પાઉન્ડની જમીન પર બરાબરનો તપી ચૂક્યો હતો. હવામાં લૂના આછા ઝાપટાં અનુભવાતા હતા. નિખિલની વાત પર બાકીના ત્રણેય મિત્રો પણ સંમત થયા અને કંટાળીને રમત ત્યાં જ બંધ કરી દીધી. બધાના ચહેરા પરસેવાથી લથબથ હતા.

"ચલ, તો પછી લખોટીઓ રમીએ!" આર્યને લીમડાના ઓટલા પર બેસતા કીધું, જ્યાં હજુ થોડી ઠંડી છાયા બચી હતી.

આર્યને ગીલી અને દંડો એકબાજુ મૂકતા હસીને કીધું, "ચિંતા ના કર બિશનિયા, હવે ગીલી-દંડાનો ખેલ પૂરો થયો. નિખિલ પાસે તો ઓલરેડી લખોટીઓ તૈયાર જ છે. ચલો, આપણે ત્રણેય પણ ફટાફટ પોતપોતાના ઘરે જઈને પોતાની લખોટીઓ લઈ આવીએ!"

આ સાંભળતાં જ નિખિલ સિવાયના ત્રણેય—આર્યન, જુગલ અને બિશન—દોડતા પોતપોતાના ઘરે ગયા. નિખિલ લીમડાના ઓટલા પર બેસીને પોતાની રંગબેરંગી કાચની લખોટીઓની થેલીમાંથી એક-એક લખોટી કાઢીને તડકાના પ્રકાશમાં તેની ચમક જોઈ રહ્યો હતો. બરાબર પાંચ જ મિનિટમાં ત્રણેય મિત્રો પોતપોતાના ઘરના ડબ્બામાં  અને ખિસ્સામાં વર્ષોથી સાચવી રાખેલો લખોટીઓનો અસલી ખજાનો લઈને હાંફતા હાંફતા પાછા ઓટલા પર આવી પહોંચ્યા. વેકેશનની એ બપોરની અસલી રંગીન રમત હવે શરૂ થવાની હતી.

લીમડાના ઝાડની નીચે છાયામાં ધૂળવાળી જમીન પર જુગલે આંગળીથી એક નાનું ગોળ કુંડાળું બનાવ્યું, તેમાં નિયમ મુજબ ચારેય મિત્રોએ પોતપોતાની પાંચ-પાંચ લખોટીઓ મૂકી દીધી. હવે રમતનો અસલી કાયદો એવો હતો કે દરેક ખેલાડીએ કુંડાળાથી દસ ફૂટ દૂર દોરેલી રેખા પાછળ ઊભા રહીને પોતાની મુખ્ય લખોટી (જેને તેઓ ‘સ્ટ્રાઈકર’ કહેતા) કાં તો કુંડાળાની સાવ નજીક નાખવાની અથવા સીધું જ કુંડાળામાં રહેલી લખોટીઓને નિશાન બનાવીને તેમને બહાર ફેંકવાની. પણ સૌથી મોટી શરત એ હતી કે નિશાન મારતી વખતે પોતાની લખોટી કુંડાળાની અંદર ભરાઈ રહેવી ન જોઈએ; જો એમ થાય તો ખેલાડી ‘ડેડ’ એટલે કે આઉટ ગણાય!

આર્યન તો લખોટીનો જૂનો એક્કો હતો. તેણે પૂરા આત્મવિશ્વાસ સાથે પલાંઠી વાળી, પોતાની આંગળીઓ સેટ કરી અને જમણા હાથના અંગૂઠા તથા વચલી આંગળી વચ્ચે કાચની લાલ ચણક જેવી લખોટી ભરાવી. તેણે એક આંખ બંધ કરી, કુંડાળા તરફ બરાબર નિશાન સાધ્યું અને આંગળીનો જોરદાર ઝટકો માર્યો—ટણણન્...

આર્યનની લાલ લખોટી સનનન કરતી ધૂળ ઉડાડતી ગઈ અને સીધી જ કુંડાળાની અંદર પડેલી એક દૂધિયા કલરની લખોટી સાથે અથડાઈ! એક તીણો કાચનો અવાજ આવ્યો અને દૂધિયા લખોટી કુંડાળાની લીટી વટાવીને બહાર ફેંકાઈ ગઈ. સૌથી સારી વાત એ થઈ કે આર્યનની પોતાની લખોટી કુંડાળામાં ફસાવાને બદલે ત્યાંથી બરાબર ત્રણ વેંત દૂર જઈને સ્થિર ઊભી રહી. ગલી ક્રિકેટની જેમ આ રમતમાં પણ એક કડક નિયમ હતો કે જ્યાં સુધી ખેલાડી આ રીતે કુંડાળામાંથી લખોટીઓ બહાર કાઢતો રહે, ત્યાં સુધી એનો જ દાવ ચાલુ રહે અને બીજા કોઈનો વારો આવે જ નહીં; બાકીના બધાએ આર્યનનું નિશાન ખાલી જાય ત્યાં સુધી બસ હાથ જોડીને રાહ જોવી પડે!

આર્યને એ ફરી ફરીને લખોટીની જગ્યાએથી ફરી નિશાન લીધું અને એક પછી એક ગણતરીની મિનિટોમાં કુંડાળામાંથી પાંચ લખોટીઓ બહાર કાઢી લીધી.

આ જોઈને જુગલ પોતાનું માથું ખંજવાળતા અચંકાઈને બોલ્યો, "અરે યાર, આ આર્યનનો દાવ આવે એટલે વાત પૂરી! રમત ત્યાં જ સમાપ્ત થઈ ગઈ તેમ જ સમજવું. આ સાલો આપણને રમવાનો મોકો જ નથી આપવાનો!"

આર્યને જુગલના ઉતરેલા ચહેરા સામે જોયું અને મજેદાર લુચ્ચું હસતા કહ્યું, "અરે જુગલિયા, ઉતાવળો કેમ થાય છે? હજુ તો મેં મારી અસલી મૂડી જ બહાર કાઢી છે, હજુ નફો લેવાનો તો બાકી જ છે ને ભાઈ!"

આટલું કહીને આર્યને હવામાં ફરી પોતાની આંગળીનો જાદુ ચલાવ્યો અને ઉપરાઉપરી અચૂક નિશાન લઈને કુંડાળામાંથી બીજી ત્રણ લખોટીઓ વધારે કાઢી લીધી! લીમડાની છાયામાં બેઠેલા નિખિલ અને બિશન આ અદ્ભુત રમત જોઈને તાલીઓ પાડી ઉઠ્યા, અને આર્યને જીતેલી એ બધી લખોટીઓ ગર્વથી પોતાના ખિસ્સામાં સરકાવી દીધી, જ્યાં કાચના સિક્કાઓનો રણકાર વેકેશનની અસલી જીતની જાહેરાત કરી રહ્યો હતો.

હવે કુંડાળામાં બાકી રહેલી લખોટીઓ એવી અઘરી જગ્યાએ પડી હતી કે ત્યાંથી બીજું સચોટ નિશાન લેવું અશક્ય હતું. જો આર્યન ત્યાંથી જ ખોટો શૉટ મારવા જાય, તો તેની પોતાની કિંમતી લાલ લખોટી કુંડાળાની નજીક જ અટકી જાય અને પછીના દાવમાં બીજો કોઈ ભાઈબંધ તેને આરામથી નિશાન બનાવીને આઉટ (કિલ) કરી દે. આર્યનમાં ગજબની રમત સૂઝ હતી. તેણે જોયું કે હવે વધારે જોખમ લેવા જેવું નથી. એટલે તેણે કુંડાળામાં ખોટું નિશાન લેવાને બદલે, ખૂબ જ ચબરાકીથી પોતાની લાલ લખોટીને કુંડાળાથી સાવ વિરુદ્ધ દિશામાં, ઓટલાના એકદમ છેવાડાના ખૂણા તરફ ધીમેથી મોકલી દીધી!

આમ કરીને તેણે પોતાની લખોટીને એકદમ ‘સેફ’ (સુરક્ષિત) જગ્યાએ લોક કરી દીધી જેથી હવે પછીના દાવમાં કોઈ પણ મિત્ર તેને આસાનીથી નિશાનમાં લઈને આઉટ ન કરી શકે. પોતાની આ સેફ ગેમ રમીને આર્યને ગર્વથી કીધું, "ચલો ભાઈઓ, હવે મારો વાર પૂરો. હવે જેની હિંમત હોય એ દાવ લે!"

"અરે યાર આર્યન! તારું નિશાન તો પેલી સંજુની જાદુઈ પેન્સિલ જેવું છે, જ્યાં ધારે ત્યાં જ વાગે!" બિશને આશ્ચર્યથી કહ્યું.

બપોરના બાર વાગ્યા અને આખી સોસાયટીમાં કરફ્યુ જેવો સન્નાટો પથરાઈ ગયો. લૂ વાવાઝોડાની જેમ ફૂંકાઈ રહી હતી. મમ્મીઓએ પોતપોતાના ઘરની બારીઓમાંથી બૂમો પાડવાની શરૂ કરી દીધી હતી. આર્યન, જુગલ અને બિશન ભારે હૈયે ઓટલા પરથી ઊભા થયા. વેકેશનનો નિયમ હતો—બપોરે બારથી ચાર ઘરની અંદર કેદ રહેવું, જમવું, ઊંઘવું અથવા ટીવી જોવું અને ચાર વાગ્યા પછી ફરી પાછું મેદાન સર કરવું.

બપોરના એ ચાર કલાક આર્યન માટે ભારે હતા. ઘરમાં પંખો ફૂલ સ્પીડમાં ફરતો હતો છતાં ગરમ હવા ફેંકતો હતો. આર્યને જમીને પપ્પાની સીવેલી રફનોટ ખોલી. તેમાં હવે પરીક્ષાના દાખલા નહોતા, પણ તેણે આજના દિવસની લખોટીના હિસાબ લખ્યા હતા. થોડીવાર તે પલંગ પર આડો થયો અને આંખો બંધ કરીને સાંજના પ્લાન વિચારવા લાગ્યો. સાંજે તો અસલી ધમાલ થવાની હતી, કારણ કે સાંજના સમયે સોસાયટીની આખી વાનરસેના ભેગી થતી હતી. જેમાં સોસાયટીની છોકરીઓ અને છોકરાઓ બંને ભેગા મળીને રમતા હતાં.

બરાબર ચાર વાગ્યાનો ટકોરો થયો અને આર્યન ઘરમાંથી બહાર દોડ્યો. ચાર વાગ્યે તડકો થોડો નરમ પડ્યો હતો અને આકાશમાં હળવો પીળો રંગ પથરાઈ રહ્યો હતો. કમ્પાઉન્ડમાં પહોંચતા જ તેને એક અજીબ નજારો જોવા મળ્યો. બિશન અને જુગલ ક્યાંકથી એક જૂની સાયકલનું અને સ્કૂટરનું નકામું ટાયર શોધી લાવ્યા હતા! તેમના હાથમાં લાકડાના બે નાના ટુકડા હતા.

૧૯૯૦ના દાયકાની આ એક સૌથી પ્રખ્યાત અને મફતની રમત હતી—ટાયર દોડાવવું. ટાયરની વચ્ચે લાકડી ભરાવીને તેને બેલેન્સ કરતા કરતા આખી સોસાયટીના ચક્કર મારવાના. જેનું ટાયર વગર પડ્યે સૌથી ઝડપી ફરે અને લાંબુ અંતર કાપે, તે વિજેતા!

"એલા જુગલ, તારું આ સ્કૂટરનું ટાયર બહુ ભારે છે, મારી સાયકલના ટાયર સામે તું નહીં ટકી શકે!" બિશને ટાયરને લાકડીથી ફટકારતા દોડવાનું શરૂ કર્યું.

"અરે તું જોતો જા બિશનિયા! આ સ્કૂટરનું ટાયર ભલે નાનું છે, પણ એની ગ્રીપ જોરદાર છે!" જુગલે પણ તેની પાછળ દોટ મૂકી.

આર્યન અને નિખિલ ઓટલા પર બેસીને આ દેશી રેસની મજા લઈ રહ્યા હતા. બિશન અને જુગલ ટાયર દોડાવતા દોડાવતા સોસાયટીના ગલી-કૂંચીઓમાં ફરી રહ્યા હતા. "હટજો... હટજો... ગાડી આવી... એક્સપ્રેસ આવી!" બિશને બૂમો પાડતા સોસાયટીના એક ઉંમર લાયક દાદાની નજીકથી ટાયર પસાર કર્યું. દાદાએ લાકડી હલાવીને ગુસ્સો કર્યો, "એલા મુઆઓ! શાંતિથી બેસવા દો ને, સવારના જાગ્યા છો તે હજુ સુધી થાક્યા નથી?"

પણ આ વાનરસેનાને થાક શબ્દનો અર્થ જ ખબર નહોતો. ટાયરની રેસ પૂરી થઈ ત્યાં સુધીમાં સોસાયટીના બીજા છોકરા-છોકરીઓ પણ કમ્પાઉન્ડમાં ભેગા થઈ ગયા હતા. હવે સંખ્યા પંદર જેટલી થઈ ગઈ હતી. સાંજ ઢળવાની તૈયારીમાં હતી અને આટલા મોટા ગ્રૂપ માટે એક જ રમત સૌથી બેસ્ટ હતી—થપ્પો (હાઈડ એન્ડ સીક).

"ચલો, દાવ કોણ આપશે?" નિખિલે પૂછ્યું.

ચિઠ્ઠીઓ ઉછાળવામાં આવી અને પહેલો દાવ બિશનના ભાગે આવ્યો. બિશને લીમડાના ઝાડના થડ પર મોઢું રાખીને આંખો બંધ કરી દીધી અને મોટેથી ગણતરી શરૂ કરી—"એક... બે... ત્રણ... ચાર... પાંચ... દસ... વીસ... ત્રીસ... ચાલીસ... પચાસ... એંસી... નેવું... સો! રેડી, હું આવું છું!"

જેવો બિશને પચાસ પછી સીધો એંસીનો કુદકો માર્યો, આખી વાનરસેના સોસાયટીના જુદા જુદા ખૂણામાં સંતાઈ ગઈ. આર્યન બહુ ચબરાક હતો. તે સોસાયટીના ધાબા પર જતી સાંકડી સીડીઓની પાછળ રહેલી અંધારી જગ્યામાં ભરાઈ ગયો. જુગલ પેલા જૂના સ્કૂટરની પાછળ સંતાયો હતો. નિખિલ પોતાના ઘરના વરંડાની નીચી દીવાલ પાછળ છુપાયો હતો.

બિશન ધીમે પગલે, શંકાસ્પદ નજરે ચારેય તરફ જોતો જોતો આગળ વધ્યો. તેને સ્કૂટર પાછળ જુગલના ચંપલનો આછો ભાગ દેખાયો. તે જોરથી દોડ્યો અને લીમડાના ઝાડ પર હાથ અડાડીને બોલ્યો, "જુગલ થપ્પો!"

"અરે યાર! આ ચંપલે મારો દાવ બગાડ્યો," જુગલ નિરાશ થઈને બહાર આવ્યો.

હવે બિશન આર્યનને શોધવા નીકળ્યો. તે સીડીઓ તરફ આગળ વધી રહ્યો હતો. આર્યનની નજર બિશનની દરેક હલચલ પર હતી. જેવો બિશન થોડો આગળ નીકળ્યો અને તેની પીઠ ઝાડ તરફ થઈ, આર્યને ચિત્તાની ઝડપે અંધારામાંથી દોટ મૂકી. તેના પગ હવામાં ઉડતા હોય તેમ તે સીધો લીમડાના ઝાડ તરફ ભાગ્યો. બિશને પાછળ ફરીને જોયું, "અરે આર્યન... ઊભો રહે!" પણ મોડું થઈ ચૂક્યું હતું. આર્યને ઝાડના થડ પર જોરથી હાથ પછાડ્યો—"થપ્પો!"

"યસ! આર્યન જિંદાબાદ!" સંતાયેલા બાકીના છોકરાઓએ પોતપોતાની જગ્યા પરથી બૂમો પાડી. આર્યનની આ એક જીતે આખી વાનરસેનામાં ફરીથી જોશ ભરી દીધો.

થપ્પો પૂરી થઈ ત્યાં સુધીમાં સોસાયટીની સ્ટ્રીટ લાઈટો ચાલુ થઈ ગઈ હતી. સાંજના સાડા સાત વાગ્યા હતા. હવામાં હવે શિયાળા જેવી ઠંડક નહોતી, પણ ઉનાળાની નવશેકી સાંજનો અનોખો રોમાંચ હતો. પણ રમત હજુ પૂરી નહોતી થઈ. વેકેશનના દિવસોમાં સાડા સાત વાગ્યે ઘરે જવું એ ગુનો ગણાતો.

હજુ અડધો કલાક બાકી છે, ચલો સત્તોળિયું રમીએ!" જુગલે ક્યાંકથી ગોતી લાવેલા સાત ચપટા પથ્થરોના ટુકડા બતાવતા કહ્યું.

સત્તોળિયું એ ગલીઓની અસલી રાષ્ટ્રીય રમત હતી. સાત પથ્થરોને એકબીજા પર ગોઠવીને ઊંચો ટાવર બનાવવાનો. નિયમ એવો હતો કે એક ટીમ બોલથી એ ટાવર પાડે અને પછી એને ફરીથી એ જ સ્થિતિમાં ગોઠવવાનો પ્રયત્ન કરે, જ્યારે બીજી ટીમ એ પથ્થરો પાછા ગોઠવવાનો પ્રયત્ન કરતા અટકાવે અને પથ્થરો ગોઠવવા આવતા સામેની ટીમના ખેલાડીઓને પોતાના હાથમાં રહેલા બોલ વડે મારીને આઉટ કરવાની કોશિશ કરે!

રમતમાં ભારે હોબાળો મચ્યો. નિખિલે ક્રીઝ પર ઊભા રહીને જોરથી ટેનિસ બોલ માર્યો અને પથ્થરોનો એ ટાવર વેરવિખેર થઈ ગયો—ખડખડધડ! ટાવર પડતાં જ નિખિલની ટીમ પથ્થરો ગોઠવવા માટે મેદાનની વચોવચ દોડી.

બીજી બાજુએ ફિલ્ડિંગ ભરીને ઉભેલી આર્યનની ટીમ પણ એલર્ટ થઈ ગઈ. બિશને ચપળતાથી જમીન પરથી બોલ પકડ્યો અને પથ્થર ગોઠવવા માટે દોડતા જુગલની પીઠ પર બરાબર નિશાન સાધીને જોરથી બોલ માર્યો—ધબાક!

"આઉટ... જુગલિયો આઉટ!" આખી ગલીમાં જોરજોરથી રાડારાડ થઈ ગઈ.

છોકરા-છોકરીઓનો આ કાન ફાડી નાખે તેવો હોબાળો સાંભળીને પડોશના ઘરમાંથી એક કાકીએ ગુસ્સામાં આવીને તેના ઘરની બારી ખોલી અને ઉપરથી જ ટોકવાનું શરૂ કર્યું, "એલા છોકરાઓ, હવે તો ઘરે જાઓ! આખો દિવસ ધમાલ-મસ્તી કરીને આખી સોસાયટી માથે લીધી છે. તમારા પપ્પાઓનો કામ પરથી ઘરે પાછા  આવવાનો સમય થઈ ગયો છે અને હવે તો રાત પડી, હવે ઘરમાં ભરાઈ જાઓ! બધી વાનરસેના ઝડપથી વિખેરાઈ ગઈ અને આ ચાર મિત્રો ફરી પાછાં પેલા ઝાડ નીચે ઓટલા પર આવીને બેસી ગયા.

"કાલે સવારે શું પ્લાન છે આર્યન?" બિશને હાંફતા હાંફતા પૂછ્યું.

આર્યને પોતાના ખિસ્સામાં રહેલી લખોટીઓ રણકાવી અને ક્ષણભર માટે ઊંડા વિચારમાં ડૂબી ગયો, ત્યારે નિખીલે કહ્યું "કાલે સવારે વહેલા જાગીને આપણે સાયકલની લાંબી ટૂર પર જઈશું. સોસાયટી થી પાછળ થોડેક દુર જતા જે મોટું તળાવ છે ને, ત્યાં આંટો મારી આવીશું."

"હા, અને સાંજે પાછું ક્રિકેટ!" નિખિલે પોતાની ચમકતી સાયકલના પેડલ પર પગ મૂકતા ઉત્સાહથી ઉમેર્યું.

પરંતુ, નિખિલનો આ ઉત્સાહ સાંભળીને જુગલ અને બિશને નિરાશ થઈને એકબીજા સામે જોયું અને નીચા અવાજે કહ્યું, "અરે ભાઈ, પણ અમારી પાસે તો સાયકલ જ નથી! અમે વળી તળાવ સુધી કેવી રીતે આવીશું?"

ત્યાં જ આર્યને પણ માથું ખંજવાળતા થોડા ખચકાટ સાથે પોતાની અસલી વાસ્તવિકતા જાહેર કરી, "અરે ભાઈ, તમારી પાસે તો સાયકલ નથી, પણ મને તો સાયકલ ચલાવતા જ આવડતી નથી! પપ્પા પાસે હજુ એટલી સગવડ નથી કે નવી સાયકલ લાવી આપે, એટલે મારો ક્યારેય કોઈ મેળ જ પડ્યો નથી."

આર્યનની આ વાત સાંભળીને નિખિલ આશ્ચર્યમાં પડી ગયો. ૨૦૦૦ ના એ દાયકામાં ધોરણ ૫ માં ભણતા છોકરાને સાયકલ ન આવડતી હોય એ નિખિલ જેવા ઉચ્ચ મધ્યમવર્ગીય છોકરા માટે અજીબ હતું. આ નવી મુશ્કેલી સામે આવતા જ ચારેય મિત્રો લીમડા નાં ઝાડની નીચે ઊભા-ઊભા પોતાના માથા ખંજવાળવા લાગ્યા કે હવે કાલે સવારની ટૂરનું શું કરવું? નિખિલ પાસે એક જ સાયકલ હતી અને બાકીના ત્રણેય સાયકલ વગરના હતા.

છેવટે એક ઊંડો નિસાસો નાખીને, આવતીકાલે સવારે જ મેદાન પર કંઈક નવો જુગાડ વિચારીશું તેમ નક્કી કરી, ચારેય મિત્રોએ એકબીજાને હાથ મિલાવ્યા અને પોતપોતાના ઘર તરફ વળ્યા.

આર્યન જ્યારે સીડીઓ ચડીને પોતાના બે રૂમના મકાનમાં પ્રવેશ્યો, ત્યારે રસોડામાં પ્રાઈમસ પર મમ્મીએ બનાવેલી ગરમાગરમ ખીચડી અને દૂધની પવિત્ર સુગંધ હવામાં લહેરાતી હતી. મમ્મી રસોડામાં વાસણો ગોઠવતી તેની જ રાહ જોઈ રહી હતી. પપ્પા પણ કામ પરથી પાછાં આવીને બેઠક રૂમમાં આરામથી બેઠા હતા. આર્યને પલંગ પર પોતાનું શરીર ઢીલું મૂક્યું. તેના ગાલ પર ધૂળના ડાઘ હતા અને પગ કાળા થઈ ગયા હતા, પણ મનની અંદર વેકેશનની અદભુત મુક્તિ અને આવતીકાલના નવા સપનાઓ રમતા હતા.

આર્યને હાથ-પગ ધોઈને કાચની સામે જોયું. તેના ગાલ પર ધૂળના ડાઘ હતા અને વાળ અસ્તવ્યસ્ત હતા. પણ તેને મનોમન સમજાયું કે આ ધૂળ અને આ પરસેવો જ બાળપણના અસલી રંગો છે. ૨૦૦૦ની સાલનું આ ઉનાળાનું વેકેશન હજુ તો શરૂ જ થયું હતું, અને આ વાનરસેના પોતાની મસ્તીના અગણિત નવા પ્રકરણો લખવા માટે એકદમ તૈયાર હતી.

​​


પ્રકરણ ૯  નો અંત. (ક્રમશ: )