"એ આ શું છે?" અમિત પારેખ ગુસ્સે થઈ જાય છે.
"વ્યક્તિગત સવાલો ન પુછો પ્લીઝ.." મહેચ્છા કહે છે.
"નવનીત જી પણ એક ખુબ જ મહત્વપૂર્ણ સરકારી અધિકારી છે. એ આજે ઉદયપુર માં પ્રોપર્ટી વિઝિટ કરવા માટે ગયા છે. " રોનક શ્રીવાસ્તવ કહે છે.
"ઓકે સર. પણ તેમણે ખબર તો પુછી ને?" પત્રકાર પુછે છે.
"તમને કીધું ને નો પર્સનલ લાઇફ.." મહેચ્છા ગુસ્સે હતી.
"મેડમ ની તબિયત ઠીક નથી. ગુસ્સે ન કરાવો." રોનક શ્રીવાસ્તવ મીડિયા સામે હાથ જોડીને કહે છે.
મહેચ્છા હવે કારમાં જ સીધી નીકળી જાય છે. તેને નવનીત પર ખુબ ગુસ્સો આવી રહ્યો હતો પણ પોતાની જાતને સંભાળી લે છે અને રોનક શ્રીવાસ્તવ તેમજ અમિત પારેખ સામે કંઈ કહેતી નથી.
મહેચ્છા આખા રસ્તે ચુપચાપ જ રહે છે. પછી તેના બંગલામાં તેની સાથે એક ચોવીસ કલાક ની કેયર ટેકર રાખી રોનક શ્રીવાસ્તવ અને અમિત પારેખ નીકળી જાય છે.
"અરે વાહ સર તમારે તો નેતા હોવું જોઈએ. તમે ગઈકાલે રાત્રે જ મહેચ્છા ને પારખી ગયા. તેના ચહેરા પર જે ગુસ્સો હતો એ તમે આજે જ ખુબ સારી રીતે વાપરી નવનીત અને મહેચ્છા વચ્ચે આગ તો લગાડી જ દીધી." અમિત પારેખ કહે છે.
"શું અમિત પારેખ? મીડિયા ના તો તમે માસ્તર છો. એક તરફ આપણી છબિ સુધરતી જ જાય છે અને બીજી તરફ નવનીત ગમે તે કરે પણ મહેચ્છા ના મનમાં એ હવે સ્વાર્થી બની ગયો." રોનક શ્રીવાસ્તવ કહે છે.
"પણ સર આ નવનીત શું કરે છે?" અમિત પારેખ પુછે છે.
"નવનીત ખોટી લાઈન પર ચઢી ગયો છે. ઉદયપુર ની એક પ્રાઈવેટ પ્રોપર્ટી પર તેણે અચાનક જ રેડ કરી ત્યાં જમીન ના નમુનાઓ એકઠા કર્યા છે અને હાલમાં ત્યાં નજીકના ગામ લોકો સાથે વાતચીત કરી રહ્યો છે.
એ શું કરવા માંગે છે એ સમજાતું નથી." રોનક શ્રીવાસ્તવ કહે છે.
"નવનીત તો આપણી જ લાઈન નો છે. પણ કોણ જાણે એ શું કરવા માંગે છે?" અમિત પારેખ કહે છે.
" નવનીત અને મહેચ્છા જ એકબીજાની સામસામે જો આવી જાય તો ?" રોનક શ્રીવાસ્તવ હસે છે.
" અરે સર.." અમિત પારેખ કહે છે.
" જો જરૂર પડે તો." રોનક શ્રીવાસ્તવ કહે છે.
આ તરફ નવનીત ગામના સરપંચ સાથે બેસીને વાતચીત કરવાની શરૂઆત કરે છે:
" હું આ રાજય નો રેવન્યુ અધિકારી છું. મને આ પ્રોપર્ટી ની જગ્યા થોડી વિચિત્ર લાગી. એટલે જ મેં જાતે આ પ્રોપર્ટી પર વિઝિટ કરવાનો નિર્ણય કર્યો. મારી જવાબદારી છે એ મારે જાતે જ નિભાવવાની છે. જો આપને કોઈ રજુઆત કરવી હોય તો આપ કરી શકો છો."
ગામના સરપંચ સાથે એક બે ખેડૂતો પહેલા તો કંઈક બોલવા નથી માંગતા. પણ પછી કહે છે:
" આ પ્રોપર્ટી ખુબ જ સરસ મજાની જગ્યાએ બની રહી છે. આ વિસ્તારનો પણ ધીમે ધીમે વિકાસ થશે. અંહી પણ નજીક જ શાળાઓ અને કોલેજો ચાલુ થતાં અમારા બાળકો પણ આગળ વધી જશે."
નવનીત ને આ વસ્તુ સાંભળવી ન હતી. પણ કોઈને મજબુર થોડું કરી શકાય? નવનીત હજી વાતચીત પુરી થાય તેની રાહ જોતો હતો ત્યારે જ એક વૃધ્ધ વ્યક્તિ રડતો રડતો અને કરગરતો આવે છે. ગામનો સરપંચ તેમને આવતા રોકે છે પણ નવનીત તેને આવવા માટે કહે છે.
"શું કરું સાહેબ? મને કોઈ આવવા દેતું નથી. કોઈ મને ગાંડો કહે છે તો કોઈ ગામનો દુશ્મન?"
" અરે એમ કેમ?" નવનીત પુછે છે.
"સાહેબ આમની વાત ક્યાં સાંભળો છો? એ તો જુના જમાનાના છે." સરપંચ કહે છે.
"વડીલો જ આપણને સાચી વાત સમજાવે છે." નવનીત કહે છે.
" સાહેબ મારી શું વિસાત ? પણ આજથી એક વર્ષ પહેલાં આ બધી જમીન ફળદ્રુપ હતી અને મારી સાથે જ બીજા ચાર પાંચ ખેડુતો ની હતી. પણ સરપંચ એક દિવસ કોઈ મોટા ઓફીસર સાથે આવીને અમને સમજાવવા લાગ્યા કે શહેરની પ્રગતિ કરવા અંહી મોટી બિલ્ડિંગ બનશે. એ બિલ્ડિંગ માટે તમારી જમીન પસંદગી પામી છે.
અમે લોકો ખુબ ના પાડતા રહ્યા પણ કોણ અમારી વાત માને? " એ વૃધ્ધ વ્યક્તિ કહે છે.
"તમને કેટલા પૈસા મળ્યા છે? " નવનીત પુછે છે.
" આ જમીન તો સરકારી છે. એટલે પાંચ લાખ જ મળ્યા." વૃધ્ધ કહે છે.
"શું સરકારી જમીન?" નવનીત પુછે છે.
" સાહેબ આ વૃધ્ધ વ્યક્તિ ની વાતોમાં ક્યાં આવો છો? એ બધું ભુલી ગયો છે." સરપંચ કહે છે.
"પણ મને બધું સમજાઈ ગયું. " નવનીત કહે છે.
ત્યારે જ ઉદયપુર શહેરના કલેકટર પણ પહોંચી જાય છે. નવનીત સાથે ગામના લોકો ને જોઈ એ બધું સમજી જાય છે. પછી તરત જ નવનીત ને આવકારે છે.
નવનીત આ પ્રોપર્ટી ની જમીન સંપાદન સંબંધિત બધા જ કાગળ કાલ સવાર સુધી તેને પહોંચાડવા માટે કહીને પછી પેલા વૃધ્ધ વ્યક્તિ ને નમસ્કાર કરી નીકળી જાય છે.
દિલ્હી
નવનીત ની આજની ગતિવિધિ ના પડઘા દિલ્હી સુધી પહોંચી ગયા હતા. કેન્દ્રીય નાણાં સચિવ નવનીત ના કામથી ખુબ ખુશ હતા.
" આ નવો યુવાન આઈ.એ.એસ અધિકારી તો આપણા માટે ખુબ જ કામનો છે. એણે બહુ મોટી વાત પકડી છે. જો એની ચકાસણી બરાબર નીકળી તો રાજ્ય સરકાર ની ખેર નથી."
સિરોહી
આ તરફ પ્રીતમ સિંહ નવનીત ને ફોન કરે છે.
"સર તમે કયારે આવવાના છો?"
" જો હું હમણાં જ રૂમમાં પાછો આવ્યો છું.સવાર થી બહાર હતો એટલે થાકી ગયો. કાલે પણ હજી મને થોડા સમય માટે અંહી જ રહીને તપાસ કરવાની છે. " નવનીત કહે છે.
" સર દિલ્હી થી મુખ્ય સચિવ રિપોર્ટ માંગતા હતા." પ્રીતમ સિંહ કહે છે.
" હા બે દિવસ પછી આખો રિપોર્ટ જ સાર્વજનિક કરવામાં આવશે." નવનીત કહે છે.
"સર તમે ગમે તેમ રિપોર્ટ સાર્વજનિક ન કરી શકો.પહેલા દિલ્હી મોકલવામાં આવશે પછી એની વિષે બધી ચકાસણી થાય અને એ લોકો હા પાડે તો જ સાર્વજનિક કરવામાં આવે." પ્રીતમ સિંહ સમજાવે છે.
" આ તો ખોટું કહેવાય. એમ દરેક વસ્તુ હું દિલ્હીમાં પુછીને જે કરીશ તો શું થાય?" નવનીત ગુસ્સે થઈ જાય છે.
" પણ એ જ ફાઈનલ છે." પ્રીતમ સિંહ હસે છે.
રાત પડી જાય છે પણ નવનીત મહેચ્છા ને કોઈ ફોન કરતો નથી. મહેચ્છા હવે તો બરાબર ગુસ્સે થઈ સામેથી જ નવનીત ને ફોન કરે છે.
" નવનીત તું ક્યાં છે? તને ખબર છે કે હું ઘરે પાછી આવી ગઈ. તે તો સવારથી એક પણ ફોન નથી કર્યો. " મહેચ્છા કહે છે.
" હા મને સમાચાર થી ખબર પડી કે તું પત્રકાર પરિષદમાં પણ ગુસ્સે થઈ હતી. તને હું રાત્રે ફોન કરવાનો જ હતો. હમણાં ઉદયપુર નો કલેકટર એક રિપોર્ટ મોકલશે." નવનીત કહે છે.
"તું ક્યારે આવીશ?" મહેચ્છા પુછે છે.
" હજી બે દિવસ તો લાગશે. આ તો શરૂઆત છે. આ રાજ્યના રેવન્યુ મોડલમાં ઘણો ભષ્ટ્રાચાર છે." નવનીત આખી વાત કહે એ પહેલાં મહેચ્છા ફોન કાપી દે છે.