પ્રકરણ ૨ "બી-૨૦૩ના નવા પડોશી"
સવારે લગભગ સાડા નવ વાગ્યા હતા.
આનંદનગરના મુખ્ય ગેટ પાસે એક મોટો મૂવિંગ ટ્રક આવીને ઊભો રહ્યો.
સોસાયટી કમ્પાઉન્ડ માં ઉભેલા તમામ લોકોનું ધ્યાન e ટ્રક અને ટ્રક ની સાથે આવેલ લોકો તરફ હતું.
"બી-૨૦૩...!"
સિનિયર વોચમેન બાબુલાલે રજિસ્ટરમાં ફ્લેટ નંબર જોઈને આસિસ્ટન્ટ વોચમેન અરજણભાઈને કહ્યું,
"ચાલ, સામાન ઉપર ચડાવવામાં મદદ કરવી પડશે."
ટ્રકનું પાછળનું શટર ખુલ્યું.
સૌથી પહેલાં એક સફેદ SUVમાંથી લગભગ પિસ્તાળીસ વર્ષના એક સજ્જન નીચે ઉતર્યા. સફેદ શર્ટ, બ્લૂ જીન્સ, આંખે ચશ્મા અને ચહેરા પર હળવું સ્મિત.
એમની પાછળ એક મહિલા અને લગભગ સોળ-સત્તર વર્ષની એક દીકરી પણ નીચે ઉતર્યાં.
ગેટ પાસે બેઠેલા કાંતિભાઈ પેપરવાળાની નજર તરત જ ત્યાં નવા આવેલ લોકો ઉપર પહોંચી.
"અરે બાબુલાલ... નવા લોકો લાગે છે."
બાબુલાલ હસ્યા.
"બપોર સુધી આખી સોસાયટીને ખબર પડી જશે."
"એ તો શાંતાબેનને છે ને... પાંચ મિનિટમાં ખબર પડી જશે. કોણ છે... ક્યાંથી આવ્યા છે... કેવા છે ને કોણ કોણ છે..."
બંને હસી પડ્યા.
એટલામાં ઘરકામ કરવા આવેલી શાંતાબેન ત્યાં પહોંચી જ ગયા .
"કેમ બાબુલાલ ... કોણ આવ્યું?"
"હજુ તો નામ પણ નથી પૂછ્યું."
"પણ...એ કામ તમે કરો... બાકી આખી માહિતી હું સાંજ સુધી આપી દઈશ."
શાંતાબેન એ તરફ જોતા જોતા ધીમે પગલે સોસાયટી ની અંદર ચાલતા થયા .
ત્રીજા માળની બાલ્કનીમાંથી જાગૃતિ પટેલ બધું જોઈ રહી હતી.
"હિતેશ... સાંભળો ને... આપણી સોસાયટી માં નવા પડોશી આવ્યા લાગે છે."
હિતેશભાઈ લેપટોપમાંથી નજર ઉઠાવી બોલ્યા,
"હું નીચે જઈને મળું. સોસાયટીમાં નવું કોઈ આવે એટલે સ્વાગત તો કરવું જ જોઈએ."
એટલામાં બગીચામાં રમતા બાળકોની નજર પણ ટ્રક પર પડી.
રુદ્ર (ટીનીયો) બોલ્યો,
"અરે... સોસાયટી માં નવા લોકો."
વિવાને તરત કહ્યું, "ચાલો તપાસ કરીએ."
"તું તો CID છે." આરવે હસીને કહ્યું.
બાળકો આખી ટોળકી સાથે ગેટ તરફ દોડી.
ટ્રકમાંથી એક પછી એક વસ્તુઓ ઉતરવા લાગી.
સોફા...ફ્રિજ...ટીવી.. ફર્નિચર ને પુસ્તકોથી ભરેલા બોક્સ...
એક મોટું પિયાનો...અને...
એક વિશાળ ટેલિસ્કોપ.
બાળકોની આંખો આ બધુંય જોઈને ચમકી ગઈ.
"અરે... આ તો સ્પેસ માં જોવાનું હોય તે છે ને ."
તનિષ્કાએ કહ્યું.
"હવે રાત્રે સ્પેસ માં ચંદ્ર જોઈશું."
ગુરનૂરે ઉત્સાહથી કહ્યું.
એટલામાં હિતેશ પટેલ ત્યાં પહોંચ્યા.
"નમસ્તે... આનંદનગરમાં આપનું સ્વાગત છે."
સજ્જને સ્મિત સાથે હાથ મિલાવ્યો.
"આભાર... મારું નામ આદિત્ય વ્યાસ."
"હું હિતેશ પટેલ... સોસાયટીનો સેક્રેટરી."
હસતા હસતા થોડી ઔપચારિક વાતો થઈ.
આદિત્યભાઈએ કહ્યું,
"અમે અમદાવાદમાં નવા છીએ. આશા છે કે અહીં બધાનો સાથ મળશે."
હિતેશભાઈ હસ્યા.
"જરૂર.. જરૂર. અહીં પડોશી નહીં... પરિવાર મળે છે."
બાળકો હજુ પણ દૂર ઊભા રહીને નવા પરિવારને જોઈ રહ્યા હતા.
રુદ્ર ધીમેથી બોલ્યો,
"સાંજે ઓળખાણ કરવી પડશે."
વિવાને કહ્યું,
"હા... પણ સીધી નહીં."
"તો?"
"આનંદ ગેંગની સ્ટાઇલમાં."
બધાના ચહેરા પર શરારતી સ્મિત આવી ગયું.
સોસાયટીના બાંકડા પર બેઠેલા માણેકલાલ, મનોહર જોષી, અવધેશ શર્મા અને રૂસ્તમ દારૂવાલા ચા પીતા હતા.
માણેકલાલ બોલ્યા,
"નવો પરિવાર આવે એટલે સોસાયટીમાં ફરી નવી વાર્તાઓ શરૂ થાય."
રૂસ્તમ દારૂવાલાએ હસતાં જવાબ આપ્યો,
"હા... અને નવી વાર્તા શરૂ થાય એટલે શાંતાબેનની ન્યૂઝ ચેનલ પણ 24 કલાક ચાલુ થઈ જાય. લાઈવ અપડેટ ચાલુ થાય ને...."
ચારેય ખડખડાટ હસી પડ્યા.
બીજી તરફ...
શાંતાબેન પહેલેથી જ નવા મેમ્બર વિશે ચાર ઘરમાં કહી ચૂક્યાં હતાં...
"બી-૨૦૩માં બહુ મોટા લોકો આવ્યા છે... બહુ બધાં પુસ્તકો લાવ્યા છે... બહુ બધું ફર્નિચર દેખાયું અને એક મોટું મશીન પણ છે!"
જાગૃતિબેન હસીને બોલ્યાં,
"શાંતાબેન... તમે તો હજુ મળ્યા પણ નથી ને..."
"બેન... અનુભવ નામની પણ એક વસ્તુ હોય છે. અનુભવ પરથી અનુમાન કરું છું..."
સાંજ પડવાની તૈયારી હતી.
બાળકોની 'આનંદ ગેંગ'ની ઇમરજન્સી મીટિંગ બગીચામાં બોલાવવામાં આવી.
વિવાન બોલ્યો,
"આજે રાત્રે આદિત્ય અંકલના પરિવારનું આપણા સ્ટાઇલમાં સ્વાગત કરવાનું છે."
રુદ્રની આંખોમાં ચમક આવી ગઈ.
"અને પ્લાન હું બનાવી ચૂક્યો છું..."
બધા એકસાથે બોલી ઊઠ્યા...
"પ્લાન શું છે?"
રુદ્ર ફક્ત હસ્યો...
"સરપ્રાઇઝ..."
પ્રકરણ ૨ સમાપ્ત
આગામી પ્રકરણ – ૩
"આનંદ ગેંગનું અનોખું સ્વાગત અને પહેલી મસ્તી!"