"આપ થી અમે એ જ અપેક્ષા રાખીએ છીએ. અમે બધા જ જરૂરી દસ્તાવેજો સાથે કેસ દાખલ કરી દઈએ." એક વ્યક્તિ કહે છે.
"આપ મારા સચિવ સાથે વાતચીત કરી આગળ ની કામગીરી હાથ ધરી શકો." મહેચ્છા કહે છે.
બન્ને જણા બહાર નીકળી જાય છે. આ તરફ મહેચ્છા પોતાની જાતને રડતા રોકી શકતી નથી. મહેચ્છા નવનીત ને યાદ કરી બે મિનિટ માટે તો ખુબ જ લાગણીશીલ બની જાય છે પણ પછી તેને બારી ની બહાર સામાન્ય માણસો દેખાય છે.
"શું ખરેખર નવનીત આ કૌભાંડમાં સંડોવાયેલો છે? શું એને જરાય પણ લાજ ન આવી? જ્યારે તેણે આ નિમણૂક લીધી હતી ત્યારે જે શપથ લીધી એનું શું થયું?" મહેચ્છા બબડે છે.
આ તરફ નવનીત હજી પણ ઘરમાં જઈને કેવી રીતે મહેચ્છા નો સામનો કરશે એ વિચાર કરી રહ્યો હતો ત્યારે જ સમાચારમાં તેની પર પોલીસ કેસ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે.ગમે તે ક્ષણે વોરંટ મેળવ્યા પછી તે સસ્પેન્ડ થઈ જતો અને જેલમાં જતો.
"મારે ગમે તેમ મહેચ્છા ને મળવું જ પડશે." નવનીત કહે છે અને ફટાફટ પોતાની ટીમ સાથે ઘર તરફ નીકળી જાય છે.
આ તરફ મહેચ્છા પોતાના કામ પુરા કરીને સાંજે જ્યારે ઘર તરફ જવા નીકળી તો મીડિયા તેને ઘેરી વળે છે.મહેચ્છા ગમે તેમ મીડિયા ના પ્રશ્નો નો જવાબ આપ્યા વગર જ નીકળી જાય છે.
મહેચ્છા નવનીત ને ફોન પણ નથી કરતી. એ સમાચારો જોવે છે કે શું પોલીસ નવનીત ની ધરપકડ નું વોરંટ મેળવી શકે છે?
મહેચ્છા હજી તો ઘરમાં પ્રવેશ જ કરી રહી હતી કે નવનીત આવીને મહેચ્છા ને વળગી જાય છે અને કોઈ નાના છોકરા ની જેમ રડવા લાગે છે. મહેચ્છા તેને પોતાના થી દૂર રાખવા માટે પ્રયત્ન કરે છે પણ નવનીત હવે તો રોકાઈ જાય એમ શક્ય ન હતું.
"નવનીત સંભાળી લે પોતાની જાતને..આ શું કરે છે? બધા જોઈ રહ્યા છે." મહેચ્છા કહે છે.
"તું જ મને બચાવી શકે છે. મને ફસાવવા માં આવી રહ્યો છે." નવનીત કહે છે.
"શું તે ખાણ મજુરો ની સાથે અન્યાય કર્યો છે? " મહેચ્છા પુછે છે.
"હા. હું એ યોજના હેઠળ લાભાર્થીઓને ખોટું બોલ્યો હતો. પણ હું એકલો નથી. હું , રોનક શ્રીવાસ્તવ અને એમ.એલ.એ પણ ભળેલા છે. મારે એમનું બીજું એક કૌભાંડ બહાર લાવવા માટે તેમનો સાથ આપવો પડ્યો. "નવનીત કહે છે.
"હું તારી કોઈ વાતો માનતી નથી." મહેચ્છા કહે છે.
ત્યારે જ સિક્યોરિટી ગાર્ડ માહિતી આપે છે કે પોલીસ વિભાગ નવનીત નું ધરપકડ વોરંટ મેળવ્યા બાદ તેની ધરપકડ કરવા માટે આવી પહોંચી હતી.
"પોલીસ ને રોકી દે. તું સિરોહી ની કલેકટર છે. મને એક દિવસ નો સમય આપ." નવનીત કરગરે છે.
"હું કલેકટર તરીકે નિયમો સાથે બાંધછોડ ન કરી શકું. આવડી મોટી ભુલ કરતા પહેલા વિચાર કરવો જોઈએ.તારી બધી વાતો હવે અદાલતમાં જ કહેજે." મહેચ્છા કહે છે.
"પોલીસ ટીમ ને બોલાવી લો." મહેચ્છા આદેશ આપે છે.
"ના. મહેચ્છા ના. હું તારો પતિ છું." નવનીત કરગરે છે.
"એ ગમે તે હોય પણ કાયદો બધાની માટે સરખો જ છે. જો એમ.એલ.એ અને રોનક શ્રીવાસ્તવ પણ સંડોવાયેલા છે તો એ પણ નહીં બચી શકે." મહેચ્છા કહે છે.
પોલીસ ટીમ ઘરની અંદર પ્રવેશ કરી પછી નવનીત ને ચારે બાજુ ઘેરી વળે છે. ધરપકડ વોરંટ મહેચ્છા ને બતાવી દીધા પછી પોલીસ નવનીત ને જીપમાં બેસાડી પોલીસ સ્ટેશનમાં લઈ જવા માટે જેમ જ બંગલા ની બહાર નીકળે છે તો મીડિયા ની મોટી સંખ્યામાં હાજરી હોય છે.
"જી હા દર્શકો આ હમણાં ની જ બ્રેકિંગ ન્યુઝ છે. સિરોહી ના જીલ્લા કલેકટર મહેચ્છા મોહન ના પતિ અને રાજ્યના રેવન્યુ અધિકારી નવનીત ની સિરોહી પોલીસે કોર્ટ પાસેથી ધરપકડનો વોરંટ મેળવ્યા પછી હમણાં જ ધરપકડ કરી છે.
હજી ગઈકાલે જ સમગ્ર રાજ્યમાં શાસક રાજ્ય સરકાર ની ગેરરીતિઓ વિષે માહિતી આપતી રિપોર્ટ બનાવવા માટે મીડિયામાં હીરો બની ચુક્યા નવનીત અચાનક જ પોતે સિરોહી ના ખાણ મજુરોને સરકારી યોજના ના નામે સરકારી જમીન પર મકાન ની યોજના હેઠળ નાણાંકીય ગેરરીતિઓ આચરવાના આરોપ હેઠળ વિલન બની આજે જેલમાં જઈ રહ્યા છે.
સૌથી વધુ કઠણાઈ જો કે કોઈ વ્યક્તિ ને હશે તો એ તેમની પત્ની મહેચ્છા ને હશે કારણકે એ આજે જ સિરોહી ના કલેકટર તરીકે નિમણૂંક પામ્યા હતા.કેવા કઠોર મને તેમને પોતાના પતિ ના ધરપકડ વોરંટ પર સહી કરી કોર્ટના ઓર્ડર ને માન્ય રાખ્યો હશે?
અમારી ટીમ તેમને ઈન્ટરવ્યુ કરવા માટે પ્રયત્ન કરી રહી છે પણ એ ઓફીસ થી પણ કેમેરા સામે કંઈ બોલ્યા વગર જ નીકળી ગયા હતા."
આ તરફ મહેચ્છા પોતાનો રૂમ બંધ કરી ધડધડ ટપકી રહેલા આંસુઓ સાથે જોરદાર રડી પડી. મહેચ્છા ની સામે વારંવાર નવનીત નો કરગરતો ચહેરો આવી જતો. મહેચ્છા ધારીને પણ નવનીત ની મદદ ન કરી શકતી.
"શું ફાયદો આ ભણતર અને ઊંચી સરકારી નોકરી નો? આખરે તો કોઈ ભષ્ટ મંત્રી અને વ્યવસ્થાની સામે કોઈ પણ બાહોશ આઈ.એ.એસ ઓફીસર એક કઠપૂતળી જ છે ને?" મહેચ્છા બબડે છે.
ત્યારે જ દિનકર દાસગુપ્તા મહેચ્છા ને ફોન કરે છે.મહેચ્છા ને પણ આ સમયે તેના ગુરુ અને માર્ગદર્શક એવા દિનકર દાસગુપ્તા ની ખાસ જરૂર હતી.
મહેચ્છા ફોન ઉપાડતા જ રડી પડી. દિનકર દાસગુપ્તા મહેચ્છા ને હિંમત આપતાં કહે છે :
"હું ઘણા સમયથી તારી અને નવનીત ની જીંદગી પર નજર રાખી રહ્યો હતો. પણ સાચા સમય ની જ રાહ જોતો હતો.
આ તારી અગ્નિ પરીક્ષા નો સમય છે. નવનીતે આ ભુલ કરી દીધા પછી મને માહિતી આપી હતી પણ નવનીત કેન્દ્ર સરકાર પર ભરોસો કરીને મોટી ભૂલ કરી બેઠો.
નવનીત રાજ્ય અને કેન્દ્ર સરકાર ની રાજનીતિ અને કિન્નાખોરી નો શિકાર બની ગયો. એણે ભુલ કરી છે પણ હવે તારે જ એની મદદ કરવી પડશે.
તમે લોકો આટલી અઘરી આઈ.એ.એસ પરિક્ષા પાસ કરી આવા અભણ અને લુચ્ચાઈ થી ભરપુર રાજનેતાઓ સામે હારી જાવ એ થોડું ચાલે.
હું જાણું છું કે તું કેવી વેદના સહન કરી રહી હોઇશ? પણ આ જ વેદના જેણે નવનીત સાથે મળીને આ કૌભાંડ આચર્યું છે એમને પણ મળવી જોઈએ."
"પણ સર. હું એકલી છું. હું નિયમો થી બંધાયેલી છું. હું નવનીત ની શું મદદ કરી શકું?" મહેચ્છા પુછે છે.
"નવનીત ની સામે પ્બલિક પ્રોસીકયુટર એટલે કે સરકારી વકીલ જ કેસ દાખલ કરી આગળની કાર્યવાહી કરશે. તારે સરકારી તપાસ ની અંદર બીજા સાગરિતો ને પકડવાના છે. " દિનકર દાસગુપ્તા કહે છે.
"પણ મારા વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે હું શું કરી શકું?" મહેચ્છા પુછે છે.
"તારી મદદ પ્રીતમ સિંહ કરશે. એ નવનીત નો મુખ્ય સચિવ હતો." દિનકર દાસગુપ્તા સમજાવે છે.
"ઠીક છે." મહેચ્છા જણાવે છે.
આ તરફ એમ.એલ.એ ન્યુઝ ચેનલ પર નવનીત ની ધરપકડ જોઈને ખુશ થાય છે. પછી મુખ્યમંત્રી ને ફોન કરે છે.