Back to the Past Days - 1 in Gujarati Fiction Stories by Dhamak books and stories PDF | પાછા વળ્યા પાછલા દિવસો - 1

The Author
Featured Books
Categories
Share

પાછા વળ્યા પાછલા દિવસો - 1

વાર્તા પરિચય 

​૩૬ વર્ષની સિંગલ મધર જાનવી એકલા હાથે પોતાના ૪ વર્ષના દીકરાને સાચવવામાં ભાંગી પડે છે અને તેને પોતાની સ્વર્ગસ્થ મા ખૂબ યાદ આવે છે. એક અકસ્માતમાં તે અચાનક ૧૫ વર્ષ પાછળ ૨૧ વર્ષની ઉંમરમાં પહોંચી જાય છે. શું તે પોતાની માના પ્રેમની એ પળો ફરીથી જીવી શકશે? અને શું એક મા તરીકે તે પોતાના દીકરા પાસે પાછી ફરી શકશે?

એપિસોડ ૧: પાછા વડીયા પાછલા દિવસો.

સવારના સાડા છ વાગ્યાનો

અલાર્મ વાગતાની સાથે જ જાનવીની આંખો ખુલી ગઈ. આંખોમાં ઊંઘનો ભારેપો હજીયે અકબંધ હતો, પણ સિંગલ મધરના જીવનમાં 'પાંચ મિનિટ વધારે ઊંઘી લેવું' એ એક વૈભવ ગણાય, જે જાનવી પાસે નહોતો. તે પથારીમાંથી ઊભી થઈ. બાજુના પલંગમાં તેનો ચાર વર્ષનો દીકરો કબીર ઊંઘમાં હાથ-પગ પહોળા કરીને શાંતિથી સોઈ રહ્યો હતો. જાનવીએ તેના માથે વહાલથી હાથ ફેરવ્યો અને તેના નાના ગાલ પર કીસ્સ (ચૂબન) કર્યું.

જાનવીનું વર્તમાન જીવન એટલે એક જટિલ ચક્રવ્યૂહ. બે વર્ષ પહેલાં પતિ સાથે સતત થતી ખટપટ, માનસિક અશાંતિ અને કમ્યુનિકેશન ગેપના કારણે આખરે છૂટાછેડાનો રસ્તો પસંદ કરવો પડ્યો હતો. અદાલતના કાગળો પર સહીઓ થઈ ગઈ અને જાનવી સિંગલ મધર બની ગઈ. શરૂઆતમાં લાગતું હતું કે આઝાદી મળી ગઈ છે, પણ વાસ્તવિકતા તો ત્યાર પછી સામે આવી. ૩૬ વર્ષની ઉંમરે એકલા હાથે ઘર ચલાવવું, પોતાની ફ્રીલાન્સ આર્ટ અને ડીઝાઇનિંગની ડેડલાઇન્સ પૂરી કરવી, અને સાથે સાથે ચાર વર્ષના બાળકનો ઉછેર કરવો—આ બધું એક સાથે સાંભળવું એ કોઈ પણ સ્ત્રીની શારીરિક અને માનસિક ક્ષમતાની કસોટી કરી લે તેવું હતું.

રસોડામાં જઈને તેણે એક બાજુ ચાનું તપેલું મૂક્યું અને બીજી બાજુ કબીર માટે દૂધ ગરમ કરવા મૂક્યું. એટલામાં કામવાળી બહેનનો મેસેજ આવ્યો કે 'આજે કામ પર નહીં અવાય.' જાનવીના મુખમાંથી એક ઊંડો નિસાસો સરી પડ્યો. કચરા-પોતા, વાસણ, કબીરનું ટિફિન, અને સવારે અગિયાર વાગ્યાની ક્લાયન્ટ મીટિંગનું પ્રેઝન્ટેશન—આ બધું હવે તેણે એકલીએ જ પતાવવાનું હતું.

"મમ્મી! મારે દૂધ નથી પીવું, મારે તો કાર્ટૂન જોવું છે!" કબીર આંખો ચોળતો રસોડામાં આવ્યો અને જિદ્દ કરવા લાગ્યો.

"બેટા, પહેલાં દૂધ પી લે, પછી આપણે રેડી થવાનું છે. સ્કૂલનો ટાઈમ થઈ જશે," જાનવીએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

"ના! મને પહેલાં કાર્ટૂન જ ચાલુ કરી આપ!" કબીરે પગ પછડાટ કરી દૂધનો ગ્લાસ દૂર ધકેલ્યો અને ગ્લાસ જમીન પર પડીને ઢોળાઈ ગયો.

દૂધ આખા ફ્લોર પર ફરી વળ્યું. જાનવીનો ગુસ્સો સીમા વટાવી ગયો, પણ ક્ષણવારમાં ગુસ્સાની જગ્યાએ આંખોમાં પાણી આવી ગયા. તે જમીન પર જ બેસી પડી. દૂધ સાફ કરતાં કરતાં તેની સબુરીનો બંધ તૂટી ગયો. તે મનોમન બોલી ઉઠી: "હું એક નાનકડા બાળકને નથી સાચવી શકતી! મારી સાથે જ કેમ આવું થાય છે?"

બપોરે કબીર સ્કૂલે ગયો અને ઘરનું કામ પતાવીને જાનવી તેના લેપટોપ સામે બેસી. પણ તેનું મન કામમાં ચોંટતું નહોતું. તેને પોતાની મા 'સુમિત્રાબેન' ખૂબ યાદ આવતી હતી. સુમિત્રાબેનનું અવસાન થયાને પાંચ વર્ષ થઈ ગયા હતા. જાનવી વિચારવા લાગી: "હું તો એક બાળક અને આ નાનકડું ઘર સાચવવામાં ભાંગી પડું છું, જ્યારે મા કેવી રીતે આ બધું કરી લેતી હતી? બે-બે બાળકોનો ઉછેર, બાપુજીનો સ્વભાવ, ઘરમાં મહેમાનોની સરભરા, અને છતાંય માના ચહેરા પર હંમેશાં એક મીઠું સ્મિત રહેતું. મા ક્યારેય થાકેલી કે કંટાળેલી નહોતી દેખાતી. હું કેમ મારી મા જેટલી ક્ષમતાવાળી ન બની શકી?"

રાત્રે નવ વાગ્યા સુધીમાં કબીર જમીને સોઈ ગયો હતો. આખું ઘર શાંત થઈ ગયું હતું. જાનવી પોતાની સ્ટડી રૂમમાં ગઈ. કબાટનો નીચેનો ખાનો ખોલ્યો જ્યાં તેણે માની જૂની વસ્તુઓ એક પ્લાસ્ટિકની બેગમાં સાચવીને રાખી હતી. તેણે માની જૂની ડાયરી, તેમનું રેશમી સ્કાફ અને તેમના ચશ્મા બહાર કાઢ્યા. ડાયરીના પાના ફેરવતા ફેરવતા તેના નાકમાં માના ઓઢણાની એ જ પરિચિત સુગંધ ભરાઈ ગઈ.

માના સરસ અક્ષરો જોઈને જાનવીની આંખોમાંથી આસુડ સરી પડ્યા

. "મા... મને તારી ખૂબ જરૂર છે. હું એકલી પડી ગઈ છું. મને રસ્તો બતાવ કે હું એક સારી મા કેવી રીતે બનૂં?"

તે ડાયરીને પોતાના છાતીએ સરસી ચાંપીને રડવા લાગી.

રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યા હતા. આંખો લૂછીને તે પથારી તરફ જવા ઊભી થઈ. રૂમમાં અંધારું હતું. કબીરે સાંજે રમેલા પ્લાસ્ટિકના મિની કાર-રમકડાં જમીન પર વેરવિખેર પડ્યા હતા. જાનવીનો ધ્યાન ન રહ્યો અને તેનો જમણો પગ એક રમકડાં પર પડ્યો.

તેનો પગ લપસ્યો!

"ઓહ!" જાનવીના મોંમાંથી ચીસ નીકળી ગઈ. તે હવામાં સંતુલન ગુમાવી બેઠી અને ધડામ દઈને જમીન પર પડી. પડતી વખતે તેનું માથું સોફાના લાકડાના મજબૂત હેન્ડલ સાથે જોરથી અથડાયું.

માથામાં એક તીવ્ર ઝણઝણાટી અને અસહ્ય દુખાવો થયો. તેની આંખો સામે અંધારા છવાઈ ગયા. તેને લાગ્યું કે આખી દુનિયા ગોળ ગોળ ફરી રહી છે. ધીમે ધીમે કબીરના રડવાનો કે આજુબાજુનો કોઈ અવાજ સંભળાતો બંધ થઈ ગયો અને તે ગાઢ બેભાન અવસ્થામાં સરી પડી.

કેટલો સમય વીત્યો એ જાનવીને ખબર નહોતી.

ધીમે ધીમે તેને ભાન પાછું આવવા લાગ્યું. માથાનો તીવ્ર દુખાવો હવે ઓછો થઈ ગયો હતો. પણ તેને એક નવી જ અનુભૂતિ થઈ—તેના નાકમાં હોસ્પિટલની દવાઓની વાસ નહોતી, પણ રસોડામાંથી આવતી ગરમાગરમ ચા, શેકાતી મસાલા ભાખરી અને વઘારેલા રાઈ-લીમડાની મીઠી સુગંધ આવી રહી હતી!

તેણે ધીમેથી પોતાની આંખો ખોલી.

સામે સીલિંગ ફેન ગોળ ગોળ ફરી રહ્યો હતો—પણ એ તેના ફ્લેટનો ફેન નહોતો! એ તો જૂનો, પીળો પડી ગયેલી પાંખિયાવાળો ઉષા કંપનીનો પંખો હતો. તેણે આજુબાજુ નજર દોડાવી. રૂમની દીવાલો પર તેનો જૂનો સ્ટડી ટેબલ, કોલેજના પોસ્ટર્સ અને લાકડાની જૂની બારીઓ હતી. આ તો તેનું ૧૫ વર્ષ જૂનું પિતૃક ઘર હતું!

તે આશ્ચર્યથી ઊભી થઈને બેસી ગઈ. તેણે પોતાના હાથ જોયા. હાથની કરચલીઓ ગાયબ હતી. ત્વચા એકદમ મુલાયમ હતી.

એટલામાં રસોડામાંથી એક પરિચિત, કડક પણ અતિશય મીઠો અવાજ સંભળાયો: "જાનવી! એય જાનુ... હવે ઉઠ! આઠ વાગી ગયા છે, કોલેજ નથી જવું? રોજ સવારે તારે માટે ચા ગરમ કરી કરીને હું થાકી જાઉં છું!"

જાનવીનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. આ અવાજ... આ અવાજ તો તેની સ્વર્ગસ્થ મા સુમિત્રાબેનનો હતો!

To be continue..... Episode 1