Sarkari Prem in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 70 (અંતિમ ભાગ)

Featured Books
Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 70 (અંતિમ ભાગ)

બીજા દિવસે વહેલી સવારથી જ મહેચ્છા ખુબ વ્યસ્ત હતી. સવારે ૯ વાગ્યે તો મુખ્યમંત્રીશ્રી સિરોહી પહોંચી જવાના હતા. મહેચ્છા સાતેક વાગ્યે જ તૈયાર થઈ ઓફીસ પહોંચી આખા દિવસભરના કાર્યક્રમ વિષે માહિતી એકઠી કરે છે.

પછી ફટાફટ સિરોહી ના જ હેલીપેડ  પર પહોંચી જાય છે જ્યાં મુખ્યમંત્રીશ્રીનું આગમન થવાનું હતું. મહેચ્છા પોતાના મનમાં ખુબ જ આશ્વસ્ત હતી કે ઓછા સમયમાં પણ‌ સારી તૈયારીઓ થઈ હતી. 

આ તરફ આજે કોર્ટમાં રિતેશનો જુનો કેસ શરૂ કરી બધા જ આરોપો નવા પુરાવાઓની  પ્રમાણે ફરીથી આરોપો ઘડવાના હતા. નવનીત દ્વારા બધાજ મજુરોને પૈસા પાછા મળી જશે એવી લેખિત બાંહેધરી કોર્ટમાં દાખલ કરવાની હતી અને આ સમગ્ર પ્રક્રિયા પર પોલીસ નજર રાખવાની હતી.

એક કલાક પછી 
મહેચ્છા હેલીપેડ ખાતે મુખ્યમંત્રીશ્રી ના સ્વાગત માટે તૈયાર હતી. થોડીવાર પછી જ મુખ્યમંત્રીનું આગમન થયું. મહેચ્છા કદાચ પહેલીવાર જ કોઈ મોટા વી આઈ પી ની સરકારી મુલાકાત નું આયોજન કરી રહી હતી.

મુખ્યમંત્રીએ ઉતરવાની સાથે જ સિક્યોરિટી ગાર્ડ સાથે મહેચ્છા ને મળી ખુબ જ ઉત્સાહ સાથે હસ્તધૂનન કરી તેનો ઉત્સાહ વધાર્યો. મહેચ્છા ને એમ કે નવનીત ના લીધે તેની પાર્ટી ની ઈમેજ ખરાબ થઈ ગઈ હોવાથી મુખ્યમંત્રી તેની સાથે વ્યવસ્થિત રીતે વાતચીત નહીં કરે. પણ એનાથી ઉલટું મુખ્યમંત્રી તો મહેચ્છા ની તૈયારીઓ જોઈને ખુશ થયા.

"આજે તમે કોર્ટની કાર્યવાહીમાં સામેલ નહીં થઈ શકો. આજ તમારો આખો દિવસ મારી સાથે જ નીકળી જશે." મુખ્યમંત્રીએ મહેચ્છા ને કીધું તો એ હસી પડી.

" ના .સર આપની પાસેથી હું ઘણી બધી વાતો શીખી શકું છું." મહેચ્છા કહે છે.

"જો મહેચ્છા તું અને નવનીત બન્ને આઈ.એ.એસ ઓફીસર છો. તમે બન્ને યુવાન છો અને તમારી આગળ આખી કારકિર્દી પડી છે. મને ખબર છે કે નવનીત માફી માંગવા તૈયાર નથી. બાકી હું તેની સજા ઓછી કરવા માટે પ્રયત્ન કરતો." મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.

"સર હું આપનો આઈડિયા ન સમજી શકી?" મહેચ્છા પુછે છે.

"જો મહેચ્છા આ વખતે તો તમે અમિત પારેખ ને પોલીસ સાક્ષી બનાવી સત્ય પ્રજા સામે લઈ આવી શક્યા. પણ દરેક વખતે આ શક્ય ન પણ‌ બને. 

મને રાજનીતિ ના જગતમાં ૩૫ વર્ષનો બહોળો અનુભવ છે. આપણા દેશમાં બધા જ આઈ.એ.એસ અધિકારી ભષ્ટ્રાચારી નથી અને બધા જ પ્રામાણિક પણ‌ નથી. એ જ રીતે બધા જ રાજનેતાઓ પણ પ્રામાણિક નથી અને બધા જ ભ્રષ્ટાચારી પણ નથી.

નવનીતે ખુબ જ મોટું સાહસ કરીને કૌભાંડ જરૂર પકડી પાડ્યું પણ એના લીધે મારી જ પાર્ટીના આઠ કદાવર નેતાઓ આ કૌભાંડમાં સંડોવાયેલા છે. થોડા સમય પછી જ ચૂંટણી હોવાથી ‌મારે તેમને પાર્ટી થી કાઢવા પડશે. એક રાજનેતા અને તેનું સંગઠન બનતા વર્ષો નીકળી જાય છે. હું પ્રામાણિક હોવાથી તમને બન્નેને માન આપું છું અને એટલે જ એક ઓફર આપું છું."મુખ્યમંત્રી કહે છે.

"જી સર." મહેચ્છા કહે છે.

"નવનીત ને વધુમાં વધુ એક વર્ષની સજા ફટકારી શકાય છે. પછી એ ફરીથી નોકરી કરી શકે છે. એ સમય સુધી નવનીત સસ્પેન્ડ રહેશે. એક વર્ષમાં તારી પણ સિરોહી થી બદલી થઈ જશે. 

મેં પ્રધાનમંત્રી સાથે પણ વાતચીત કરી છે કે એક વર્ષ પછી તમને બન્નેને લાલ બહાદુર શાસ્ત્રી એકેડમી મસુરી ખાતે નિમણૂંક આપવામાં આવે અને તમે ‌બન્ને ત્યાં નવી આઈ.એ.એસ ની પેઢીને તૈયાર કરો એજ સૌથી મોટી દેશસેવા હશે. 

તમે બન્ને એકબીજાની સાથે રહી પણ શકશો અને પોતાના પરિવાર ને પણ આગળ વધારી શકશો. કારણકે જો તમે આમ જ જુદા જુદા રાજ્યોમાં ફરતા રહેશો તો કોઈ ન કોઈ ભષ્ટ્રાચારી આઈ.એ.એસ ઓફીસર કે મંત્રી તમને મળશે જ.

જે ઉધઈ આપણી વ્યવસ્થામાં ઘુસી ગઈ છે એનો નાશ કરવો અઘરો છે પણ જો આપણી નવી પેઢી તમારા જેવા આઈ.એ.એસ ઓફીસરો પાસેથી પ્રશિક્ષણ લેશે તો આવનાર સમય દેશ માટે સોનેરી સાબિત થશે." મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.

"સર હું તૈયાર છું. નવનીત ને પણ આ જરૂર ગમશે. પહેલીવાર જ કોઈ મુખ્યમંત્રી આટલી સરસ રીતે વાત કરે છે. ખુબ આભાર સર. " મહેચ્છા આભાર પ્રગટ કરે છે.

મુખ્યમંત્રીએ સિરોહી ખાતે પોતાના કાર્યક્મ દરમિયાન નવનીત અને મહેચ્છા ની ખુબ પ્રશંસા કરી અને કોર્ટ કેસમાં સંડોવાયેલા પોતાની પાર્ટી ના કોઈ પણ નેતાને ટીકીટ નહીં મળે એવું આશ્વાસન પ્રજાને આપ્યું.

રાત પડતાં મુખ્યમંત્રી જયપુર જવા નીકળી ગયા. આખો દિવસ મહેચ્છા તેમની સાથે જ હતી. મુખ્યમંત્રીએ આપેલી ઓફર મહેચ્છા ને ખુબ યોગ્ય લાગી. એ રાત્રે જ દિનકર દાસગુપ્તા સાથે પણ વાતચીત કરે છે.

" તને શું લાગે છે કે મુખ્યમંત્રી એકલો જ તને ઓફર આપે છે? " દિનકર દાસગુપ્તા પુછે છે.

"ના. આમ તો પ્રધાનમંત્રી નું નામ પણ લીધું હતું. એ પ્રમાણે કેન્દ્ર સરકાર ના મંત્રીઓ પણ આ કૌભાંડમાં સંડોવાયેલા હશે. એમ.એલ.એ એક પછી એક બધાના નામ કહેશે. પણ મને મુખ્યમંત્રી ની વાત વ્યવહારીક લાગી. ક્યાં સુધી સરકારી વ્યવસ્થા સાથે લડતા રહેશો? જો નવી પેઢીને આપણે સારા સંસ્કાર આપીએ તો આજે નહીં તો થોડા વર્ષો પછી સરકારી વ્યવસ્થા સુધરશે જ. " મહેચ્છા સમજાવે છે.

"હા તો કાલે નવનીત સાથે વાતચીત કરી ફેંસલો લઈ લે."દિનકર દાસગુપ્તા કહે છે.

બીજા દિવસે જ મહેચ્છા વિશેષ પરવાનગી લઈને નવનીત ને મળવા જાય છે અને તેને આખી વાત સમજાવે છે. નવનીત શરૂઆતમાં તો આનાકાની કરે છે પણ‌ રિતેશને ન્યાય મળશે એમ હોવાથી મહેચ્છા ની વાત માની લે છે.

બે વર્ષ પછી 
કોર્ટમાં રિતેશનો જુનો કેસ ફરીથી ચાલુ કરવામાં આવ્યો અને નવા પુરાવાઓ ના લીધે રોનક શ્રીવાસ્તવ તેમજ એમ.એલ.એ પર રિતેશની હત્યા નો આરોપ લગાવવામાં આવ્યો અને તેમને જન્મટીપની સજા આપવામાં આવી.

અમિત પારેખ પોલીસ નો સાક્ષી બની ગયો હોવાથી તેની સજા ઘટાડીને એક વર્ષ જ કરી દેવામાં આવી. એ હાલમાં જયપુર ખાતે સમાજ કલ્યાણ વિભાગના સચિવ તરીકે કામ કરે છે.

નવનીત ને પણ કોર્ટમાં રાહત આપતા છ મહિના ની સજા સાથે પચાસ હજાર રૂપિયાનો દંડ ભરવાનો ઓર્ડર આપ્યો. સજા કાપી લીધા પછી નવનીત ફરીથી નોકરીમાં જોડાઈ ગયો છે અને હાલ મસુરી ખાતે મહેચ્છા ની સાથે જ નવા આઈ.એ.એસ ઓફીસરો ને પ્રશિક્ષણ આપે છે.

મહેચ્છાએ પણ નવનીત ની સાથે જ મસુરી ખાતે બદલી લઈ લીધી હતી. તે બન્નેની દેખાદેખી ઐયર અને મારિયા પણ હવે મસુરી ખાતે જ નવા આઈ.એ.એસ ઓફીસરો ને પ્રશિક્ષણ આપે છે.

દિનકર દાસગુપ્તા આજે પણ રાજીવ નગર ખાતે આઈ.એ.એસ બનવા માટે થનગની રહેલા યુવાનોને મહેચ્છા અને નવનીત નું ઉદાહરણ આપી તેમને પ્રેરણા આપે છે.

"જ્યાં સુધી આ દેશની રાજનીતિમાં ગુનેગારો નો પ્રવેશ બંધ નહીં થાય અને જાતિ કે ધર્મ આધારિત રાજનીતિ જીવશે ત્યાં સુધી બાહોશ આઈ.એ. એસ અધિકારીઓ જ પ્રજાનું હિત રાખી શકશે.

આપણે એક બે નવનીત અને મહેચ્છા નહીં ‌પણ અગણિત એવા પ્રામાણિક ઓફીસરો ની જરૂર છે કે જે દેશને આગળ લઈ જઈ શકે.આપણા દેશની સૌથી અઘરી અને કરોડોની સપનાની લાલબત્તી વાળી નોકરી તમારા જેવા આશાસ્પદ યુવાનો અને યુવતીઓ ની રાહ જોવે છે."

આ વાર્તા ખાસ કરીને યુવાનો તેમજ યુવતીઓ ને આઈ.એ.એસ ઓફીસર બનવા માટેની પ્રેરણા આપવાના આશય થી લખાઈ છે.રાજનીતિ કેવી રીતે તેમના જીવનમાં અસર કરે છે એ બતાવવા નો પણ‌ પ્રયત્ન છે. આશા છે આપ સૌને આ પ્રયાસ ગમ્યો છે.

આપ જરૂરથી આપના પ્રતિભાવ જણાવજો.

મૌલિક વસાવડા