2. સૂઝે નહીં લગીર કોઈ દિશા જવાની..
હા મિત્રો, એ જિંદગી હું સાચેજ જીવ્યો છું. કોઈ માને નહીં, મને આ રીતે જીવી આવેલો બીજો કોઈ કહે તો હું પણ માનું નહીં પણ એ જીવન એક હકીકત છે. હવે ક્યારેક મને પણ એ એક સ્વપ્ન લાગે પણ હું જીવ્યો છું. એક અગોચર દુનિયામાં જઈને જીવ્યો અને પાછો પણ આવ્યો. હું મારી સાચી વાર્તા કહી રહ્યો છું, સર! મારી એ વિચિત્ર યાત્રાની વાર્તા. કોણે કલ્પના કરી હશે કે તે આવી અકલ્પ્ય, અંત વિનાની મુસાફરી હશે!
તો સાંભળો મારી આ વાત.
આપ સહુ હવે જાણો છો તેમ હું ભારત સરકારના સર્વે વિભાગ અને સેન્ટ્રલ બોર્ડર એન્ડ રોડ ફોર્સમાં એન્જિનિયરિંગ ઓફિસર છું, હતો અને ફરી છું. એમ કેમ? વાત સાંભળશો એટલે પામી જશો.
હમણાં આપણી કેન્દ્ર સરકારે ઉત્તર પૂર્વ રાજ્યોના વિકાસ માટે પૂરતી તાકાત લગાવી છે. આપણાથી વીસ પચીસ વર્ષ અગાઉની પેઢીને તો એવું ભૌગોલિક કારણ પૂછાતું કે આસામમાં રેલ્વે નથી અથવા રોડ ઓછા છે. હવે છેક ચીન અને તિબેટની સરહદ સુધી રોડ અને ક્યાંય અંતરિયાળ જગ્યાઓ સુધી રેલ વિસ્તરી છે. ઉત્તરપૂર્વને સાચી રીતે ભારત સાથે જોડવા અને ચીન સામે સજ્જ થવા.
એ બધા માટે આ પહાડી અને ગીચ જંગલોથી છવાયેલી ભૂમિનો એક એક ઇંચનો સર્વે કરવો પડે, ક્યાં પહાડ છે, ક્યાં ઊંચાઈ છે પણ જમીન પોચી છે, ક્યાંથી ક્યાં એક સરખી સીધી ઊંચાઈનો રસ્તો મળે જેથી રેલવેના પાટા નાખી શકાય - એ બધું જોવા અને સરકારને રિપોર્ટ કરવા, મને ગર્વ છે કે મારી પસંદગી થયેલી.
તો મને પ્લેનમાં અમદાવાદથી ગુવાહાટી અને ત્યાંથી એ ઓફિસ જેનું ઠેકાણું તમને નહીં કહું, ત્યાં બાય ટ્રક લઈ જવામાં આવ્યો. હમણાં જ આપણા બહાદુર સૈનિકોએ ચીનના ઘુંસણખોરોને મારી હટાવ્યા તે તવાંગ નજીક એકલી એક ટેકરી પર એકાંત જગ્યાએ એ ઓફિસ હતી. બોલો, તેમનો સ્ટાફ પણ હતો!
મને મારાં અહીંનાં હમણાં કહ્યું તેમ અતિ ગોપનીય અને અગત્યનાં કામે મોકલ્યો હતો. અત્રે રહેતી ટીમના હેડે મને સત્કાર્યો અને મેં ત્યાં તેઓ સાથે મોટી જાડી તારપોલીનના તંબુમાં રાત્રે આરામ લીધો.
તેમણે કહ્યું કે તમારું કામ ખૂબ લાંબુ અને ચીવટ માગી લે તેવું છે તો પ્હો ફૂટતાં જ નીકળી જવું અને બપોરે મોડામાં મોડા ત્રણેક વાગ્યા સુધી આવી જવું.
મને અહીં સવાર વહેલી પડે છે તે તો ખ્યાલ હતો પણ કેટલી વહેલી એ ખબર નહોતી. મેં તંબુમાંથી સવારે સવા છ વાગે ડોકું કાઢ્યું ત્યાં તો તડકો નીકળી ચૂકેલો.
હેડ સાહેબે મને તાત્કાલિક નીકળી જવા કહ્યું. અમુક જગ્યા સુધી તે ઓફિસની જીપ મને મૂકી ગઈ. હવે મારે મારું કામ સિક્રેટ રીતે, પૂરી ચોકસાઈથી અને બને તેટલી ઝડપથી કરવાનું હતું.
મેં કામ શરૂ કર્યું ત્યારે સૂર્ય માથે આવી ગયો હોય એમ લાગ્યું. ઘડિયાળમાં હજી દસ વાગેલા.
માથે સૂર્ય સાથે મારી વસ્તુઓના ડાયલમાં જોવામાં પણ મુશ્કેલી પડતી હતી છતાં મેં મારું કામ તે વસ્તુઓ ઉપર હાથનું છજું કે મારી નોટબુકનું જ છાપરું કરી રીડિંગ્સ લીધાં.
ત્રણ તો વાગી ગયા. કામમાં મને લંચનું પણ યાદ રહ્યું નહીં. ઘડિયાળમાં સાડાત્રણ જોઈ મેં એક ખડક પર બેસી ફટાફટ સેન્ડવીચો ખાઈ લીધી અને થર્મોસમાંથી હવે ઠંડી થઇ ચૂકેલી કોફી પી લીધી.
હજી થોડું અંતરિયાળ જઈ, ઊંચાઈ ચડી, શિખર પરથી રીડિંગ લઈ ફોટા પાડી હજુ કેટલું જવાશે તેનો અંદાજ કાઢવા આજુબાજુ જોયું. લે, સૂર્ય પશ્ચિમ ક્ષિતિજે ખાસ્સો એવો ઢળી ચૂકેલો. હજી તો ચાર વાગેલા.
હું થાય તેટલી ઝડપે મારો સામાન ખભે રાખી એક લાકડીના સહારે ઝૂકીને લગભગ દોડતો ટેકરી ઉતરવા લાગ્યો. અમુક મજૂર બાઈઓ પણ મારાથી વધુ ઝડપે પીઠે ઝોળીમાં કોઈક લાકડીઓ, કદાચ અહીં થતી તજ લવિંગની લાકડીઓનો ભારો બાંધી ઉતરી. બે ચાર મજૂરો ઉતાવળે અહીંની કોઈ ખેત પેદાશ સાથે માથે લાકડાંના ભારા સાથે ઉતર્યા અને કોઈ કેડી ઉપરથી અલોપ થઈ ગયા.
ઓચિંતો સૂર્ય આથમી ગયો. હું હવે સાવ નિર્જન કેડી પર હતો અને જોતજોતામાં અંધારું થઈ ગયું. મને હું પોતે જ ન દેખાઉં તેવું ગાઢ અંધારું. પેલા લોકો દોડતા કઈ કેડીએથી નીચે ઉતર્યા હશે! મને કેડી દેખાતી બંધ થઈ ગઈ.
મને મારા વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે વહેલી તકે કામે પહોંચી જવું અને જેમ બને તેમ જલ્દી કામ પૂરું કરી પરત ફરવું, બપોરે લંચ આસપાસ જ પાછા આવી જવું. પણ એ અહીં કોને ખ્યાલ હતો કે આટલું વહેલું અંધારું થતું હશે! અને એ પણ સૂર્યાસ્ત થયા પછી તરત જ આવું એકદમ ઘોર અંધારું થઈ જશે, જ્યારે મારા ગાંધીનગરમાં તો વર્ષના આ સમયે સાંજે સાત વાગ્યે સૂર્યાસ્ત થાય છે!
ટીમ હેડનું કહ્યું માન્યું નહીં તે મારી ભૂલ હતી. હું ઉત્તરપૂર્વ ભારતના આસામ મેઘાલય વચ્ચેનાં ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હજુ તો સાંજે 4.45 વાગ્યા હતા! એકદમ ઘોર અંધારું અને સર્વત્ર નિરવ શાંતિ. મારા વતન ગુજરાતમાં તો હજુ બપોરનો ધોમધખતો તાપ પડતો હશે.
હું ડરી ગયેલો અને ખભે સાધનો સાથે ઝડપથી ઉતરતો હતો તેથી હાંફવા લાગેલો. મારા જ શ્વાસનો અવાજ મને મોટો થઈ સંભળાતો હતો. ચારે બાજુ જે ભેંકાર વાતાવરણ હતું તેનું વર્ણન શબ્દોમાં કરી શકાય તેમ નથી.
એમ ઝડપથી ઉતરતાં એક પથ્થર મારા પગ સાથે અથડાયો અને હું એક ગડથોલું ખાઈ ગયો. માંડ મારી જાતને સંભાળી. હું નજીકની એક અનંત ઊંડી ખીણમાં પડતાં બચ્યો. સ્વાભાવિક રીતે, મેં મોટેથી બૂમ પાડી, 'અરે બચાઓ.., કોઈ છે..?'
મેં જોરથી બૂમ પાડી,"કોઈ છે..?"
મારા અવાજના પડઘાઓ સામે ઊંચા પર્વતો પર પડઘાઈ રહ્યા. 'કોઈ છે.. કોઈ છે.. કોઈ છે..'
સામે ઊંચા પર્વતો મોટા રાક્ષસો જેવા લાગતા હતા. હવા ગાઢ હોઈ મારો અવાજ ખૂબ દૂર સુધી જતો હતો. શિયાળામાં ખૂબ દૂરથી જતી ટ્રેનનો અવાજ નજીક સંભળાય તેમ. સામેથી સ્પષ્ટ પડઘા પડતા હતા.
હમણાં જ ચંદ્ર ઉગ્યો હતો. તેના પ્રકાશમાં આસપાસની ગીચ વનરાજી વચ્ચે એક કેડી દેખાઈ. નજીક ખૂબ ઊંચાં, સો ફૂટથી વધુ ઊંચાઈ હશે તેવાં સરુ કે ક્રિસ્ટમસ ટ્રી જેવાં વૃક્ષો વચ્ચેથી સાંજે પાંચ કે સવા પાંચનો લગભગ પૂર્ણ ચંદ્ર ચમકી રહ્યો હતો. હું તેના પ્રકાશે એ કેડી પર આગળ જવા લાગ્યો. મારા પગે કાંઈક વળગ્યું. હું ઉભો રહી ગયો. એક વિશાળ, એકદમ કાળો, અજગર જેવો જાડો અને નહીંનહીં તો ત્રીસેક ફૂટ લાંબો સાપ મારા પગની પીંડીઓ પર વળગી રહ્યો હતો. ચંદ્રપ્રકાશમાં તેની આંખો ભુરો પ્રકાશ બતાવતી ચમકી રહી. તેણે લાંબી, આગળથી ત્રિશૂળ આકારની જીભ કાઢી અને આમથી તેમ લબકારવા માંડી. તે મારી ગંધ લઈ રહ્યો હતો.
મેં પુરી તાકાતથી બૂમ પાડી - ના. પડાઈ ગઈ. મારી માતૃભાષા ગુજરાતીમાં જ. "બચાવો.. મરી ગયો.. સાપ.. કોઈ છેએએ … "
ક્રમશ: