Mind knot in Gujarati Fiction Stories by Dhamak books and stories PDF | મનની ગાંઠ

The Author
Featured Books
Categories
Share

મનની ગાંઠ

પીઢીઓની ગાંઠ

એક મોટો અને ભર્યો-ભાદર્યો કુંભારનો સંસાર. ઘરમાં દાદા-દાદી, પતિ-પત્ની, નાના કાકા-કાકી, નણંદો અને આવતા-જતા મહેમાનો... કુલ મળીને દસ-બાર જણાનો રોજીંદો કલોલ. આ બધા વચ્ચે ઘરની વહુ, લક્ષ્મીનો આખો દિવસ સૂરજ ઊગે ત્યારથી શરૂ થઈને મોડી રાત સુધી રસોડાના ધુમાડા, કપડાંના ઢગલા અને ઘરકામમાં જ પૂરો થઈ જતો.

એવામાં લક્ષ્મીએ પહેલી દીકરીને જન્મ આપ્યો—રાધા. રાધા હજી માંડ નાની હતી ત્યાં તો એક પછી એક બીજા ચાર સંતાનોનો જન્મ થયો. ઘરમાં કુલ પાંચ-પાંચ બાળકો! લક્ષ્મી માટે બધાને સંભાળવા અશક્ય બની ગયા. ઘરમાં દસ-બાર માણસોનું ખાવા-પીવું, મહેમાનોની સરભરા અને સાથે પાંચ નાના બાળકો. લક્ષ્મી રાત-દિવસ કામમાં ઘેરાયેલી રહેતી, પણ એનાથી પોતાના બાળકો પર પકડ ન રહી શકી.

આ પરિસ્થિતિ જોઈને દાદા-દાદીએ મોટી દીકરી રાધાને પોતાની પાસે લઈ લીધી. દાદા-દાદી રાધાને પોતાની દીકરીની જેમ જ સાચવવા લાગ્યા અને ખૂબ પ્રેમ આપવા લાગ્યા. રાધા પણ દાદા-દાદી સાથે જ મોટી થવા લાગી. ધીરે-ધીરે રાધા માટે એના દાદા-દાદી જ એની આખી દુનિયા બની ગયા.

ક્યારેક રાધા માના ઘરે જાય તો એને પોતાની મા નહોતી ગમતી અને લક્ષ્મીને પણ રાધા એનું કહ્યું ન માને તો ગમતું નહીં. લક્ષ્મીના મનમાં થતું કે સાસુ-સસરા દીકરીને મારી સામે ચડાવે છે, પણ અસલમાં રાધા હજી નાની હતી અને લક્ષ્મી પાસે એટલો સમજવાનો સમય કે સવલત નહોતી.

કામનો બોજ એટલો વધી ગયો કે રાધા પછીની બીજી નાની દીકરી પણ તોફાની હોવાથી એને પણ દાદા-દાદીને સોંપી દેવામાં આવી કે 'એ સંભાળી લેશે'.

દિન-પ્રતિદિન સમય વીતતો ગયો. દાદાનું અવસાન થયું. ત્યારબાદ નાના કાકા-કાકી પણ કામધંધા અર્થે બીજે રહેવા ચાલ્યા ગયા. દાદી બંને દીકરીઓને લઈને દેશમાં ચાલ્યા ગયા. હવે ઘરનું બધું કામ દાદીના શિરે આવી ગયું. પૈસાની બહુ તાણ નહોતી, પણ સામાન્ય માણસની જેમ રહેતા હોવાથી ખેંચતાણ તો રહેતી જ. બે ઘરના ભાડા આવતા અને ક્યારેક મોટો છોકરો પૈસા મોકલે તો ક્યારેક ન પણ મોકલે. પણ દાદી સમજદાર હતા; એમણે બચત કરીને બંને દીકરીઓને ભણાવી અને એમની બધી જરૂરિયાતો પૂરી કરી.

રાધા નાનપણથી જ અનુભવથી પીઢ થઈ ગઈ હતી અને બધું સમજવા લાગી હતી. પણ એના મનમાં એક ગાંઠ બેસી ગઈ હતી—"મારી માએ મને પોતાની પાસે કેમ ન રાખી? મને કેમ ન સાચવી?" એને મા પ્રત્યે કોઈ ખરાબ ભાવ નહોતો, પણ એણે મનમાં એક રક્ષણાત્મક વિચાર બેસાડી દીધો હતો કે, "સારું થયું હું મા પાસે ન રહી, એનો સ્વભાવ જ એવો છે." એ ક્યારેય માને મોઢેથી ખરાબ નહોતી બોલતી, પણ એનો ચહેરો અને વર્તન કહી દેતા કે એનું મન અંદરથી ખૂબ ઘવાયેલું છે.

રાધા વર્ષમાં એકાદ વાર રજાઓમાં મા-બાપના ઘરે આવતી. નાના ભાઈ-બહેનો મોટા થતા હતા, પણ લક્ષ્મી ચોવીસ કલાક કામમાં જ પરોવાયેલી રહેતી હોવાથી કોઈએ નાની બહેનને મોટી બહેનનો પરિચય કરાવવાની તસ્દી ન લીધી. સમય જતાં જ્યારે નાની બહેનને ખબર પડી કે આ મારી સગી મોટી બહેન છે, ત્યારે બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો. નાની બહેન ભણવામાં થોડી કાચી હતી, છતાં પોતાના ગડબડિયા અક્ષરે મોટી બહેનને પોસ્ટકાર્ડ લખતી અને રાધા પણ એને પ્રેમથી કાગળ લખતી.

વર્ષો વીતતા ગયા. બંને દીકરીઓ પરણી ગઈ. નાની બહેનને પણ ઘરે બે બાળકો થયા. પણ કિસ્મતનો ખેલ એવો બન્યો કે નાની બહેનને પણ પતિ સાથે અણબનાવ થયો અને અલગ થવાનો વારો આવ્યો.

પતિ પક્ષે કહ્યું કે બાળકોને અહીં જ મૂકીને જા. નાની બહેન એક બાળકીને ત્યાં મૂકીને બીજી નાનકડી દીકરીને લઈને માના ઘરે આવી ગઈ. માના ઘરે બધા એને અને બાળકીને બહુ સારી રીતે સાચવતા હતા, છતાં એ નાની દીકરીના મનમાં ગાંઠ પડી ગઈ કે મારી માએ મને એક વર્ષ સુધી મારા પિતાના ઘરે કેમ છોડી દીધી?

સમય જતાં એ દીકરી પણ મોટી થઈ અને પરણી ગઈ. એના ઘરે પણ બાળક આવ્યું. હવે જ્યારે એના બાળકને ઘરમાં બીજા કોઈ રમાડતા કે લેતા, ત્યારે એને અંદરથી દુઃખ થતું.

એક દિવસ એ જ દીકરીને પણ પોતાના પતિ સાથે ઝઘડો થયો અને એણે પણ ઘરે પાછા આવવાનું નક્કી કર્યું. બધાએ સલાહ આપી કે બાળકને પતિના ઘરે રહેવા દે અને તું એકલી આવ. પણ એની માએ ફોનમાં જ સ્પષ્ટ કહી દીધું, "બાળકને ત્યાં રાખવાની કોઈ જરૂર નથી. તારું બાળક તું સાથે જ લઈને આવજે. આ બાબતમાં કોઈ બાંધછોડ નથી કરવાની."

દીકરી પોતાના બાળકને લઈને ઘરે આવી ગઈ. ઘરમાં ચર્ચા શરૂ થઈ. દીકરીએ માને પૂછ્યું, "કેમ તેં બાળકને ત્યાં ન મૂકવા દીધું? એ લોકોને ખબર પડત કે સાચવવું કેટલું અઘરું છે!"

ત્યારે માએ આંખમાં આંસુ સાથે કહ્યું, "ના દીકરી... નાનપણમાં જ્યારે મેં મારી મોટી દીકરીને એક વર્ષ મારાથી દૂર રાખી હતી, ત્યારે મારું મન જાણે છે કે હું એનાથી કેમ દૂર રહી હતી અને એ મારાથી કેમ દૂર રહી હતી. એ પીડા હું ફરીથી નથી જોવા માગતી."

આ શબ્દો સાંભળીને પાસે ઊભેલી મોટી બહેન રાધાની આંખોમાંથી પણ અશ્રુ સરી પડ્યા. રાધાએ ભીના અવાજે કહ્યું, "હા મમ્મી... હું કાયમ વિચારતી હતી કે તું મને મૂકીને કેમ જતી રહી હતી? મને તારા પર ખૂબ ગુસ્સો આવતો હતો. પણ હવે હું પોતે માં બની છું ત્યારે સમજાય છે કે તેં શું કામ એવું કર્યું હતું."

એ દિવસે મા અને દીકરી વચ્ચે વર્ષોથી બનેલી દીવાલો પીગળી ગઈ, સંબંધો સુધરવા લાગ્યા. પણ અમુક ઘટનાઓ જીવનમાં એવી બની જાય છે જેને પછી ગમે તેમ કરો તો પણ સંપૂર્ણ સુધારી નથી શકાતી. મા અને દીકરી વચ્ચે પ્રેમ પાછો આવ્યો, પણ નાનપણમાં વાગેલો એ ઘા, મનની એ ઊંડી ગાંઠ, અંદરનો ખાલીપો અને ગુસ્સો આજીવન એક અનકહ્યા અફસોસ બનીને મનમાં રહી જ ગયા.

અને જ્યારે પણ કંઈ પીળા થાય છે ત્યારે તે મનની ગાંઠ 

અવારનવાર બારે ડોકિયા કરે છે.