તરસ - કિસ્મત પાલનપુરી
[ ભાગ 1 ]
માર્ગે વયા જતાં રાજુનેય લાગતું હતું, જાણે એના પગમાં આજે જોવનાઈનું જોર હતું. એનાં અંગો પરસેવે રેબઝેબ હતાં, તોય એ ઝડપથી ચાલી રહ્યો હતો. આજે આંબલીવાળે જવા રાજુનું મન અધીરું હતું. ત્યાં એની કોઈ રાહ જોતું બેઠું હતું. એ કોણ હતું, એની તો ખુદ રાજુનેય ખબર નહોતી, પણ એટલું તો ચોક્કસ હતું કે એને આ વાત સાથે થોડીક લેવડદેવડ જરૂર હતી.
ચાર-પાંચ મહિના પહેલાં, પોતાના ખેતરમાંથી ઘઉંનો પાક લેવાઈ જતાં રાજુ ત્યાં હળ ખેડી રહ્યો હતો. ચારે બાજુ ઘઉંના મોલમાંથી છૂટાં થયેલાં ખેતરો કોઈ ખીલેલા બાગ જેવાં લાગતાં હતાં. ઉનાળાનું આગમન થઈ રહ્યું હતું, એટલે ઠંડો પણ મંદ પવન આવીને ક્યારેક મનને તરબતર કરી જતો.
કાબર અને ચકલાં પોતાનું ગાન ગાવામાં મશગૂલ હતાં, તો કાગડાઓ પણ પોતાનો ‘ક્રો… ક્રો…’ અવાજ કાઢીને આનંદ વ્યક્ત કરી રહ્યા હતા. બપોરના બારેક વાગ્યા હશે, ત્યારે બાજુના ખેતરમાંથી બોરડીની આડશ લઈને કોઈ રાજુને તાકી રહ્યું હતું. હળ ખેડતો રાજુ ક્યારેક એ તરફ જોઈ લેતો, પણ બોરડીનું થડ આડું હોવાથી એની નજરે કોઈ ચડ્યું નહીં. કેવળ લેલા નામનાં પંખીઓની ટોળી ત્યાં બોરડીના ઝાળામાં કલશોર કરતી દેખાઈ અને હળની પાછળ કાબરોનો કોલાહલ હતો.
રાજુનાં માબાપ વૃદ્ધ હતાં અને પોતે ભરજવાનીમાં હતો, એટલે ઘરની જવાબદારી એના શિરે હતી.
ક્યારેક બળદોને ડચકારતો, તો વળી ક્યારેક પરોણો ઉગામતો, હાથથી હળને સ્થિર રાખવા મથતો રાજુ પણ બોરડીના ઝાળાની આડશે ઊભી રહીને જોતી સવલીથી અજાણ હતો. એ આમ તો બાજુના પસાભાઈ પટેલની દીકરી હતી, પણ મામાને ત્યાં રહીને ભણતી હોવાથી એને કોઈ ઓળખતું નહોતું. એ હમણાં કૉલેજના છેલ્લા વર્ષમાં હતી. થોડા દિવસની રજા હોવાથી પોતાના ઘરે મળવા આવી હતી.
કમળનાં ફૂલ જેવા ગાલ અને ગુલાબની પાંખડી જેવા એના હોઠ! એની નમણી કાયા કેળીના વૃક્ષ જેવી લાગતી હતી. આકર્ષક શરીરસૌષ્ઠવ અને સુંદર ચહેરો ધરાવતી સવલી અત્યારે બોરડીની આડશેથી રાજુને જોઈ રહી હતી.
હર્યાંભર્યાં ખેતરો, ખીલેલા બાગ, ટહુકતાં પંખીઓ અને કલકલ વહેતાં ઝરણાં—કુદરતની આ બધી સુંદરતા સવલીને ખૂબ ગમતી. ધરતીને તૃપ્ત કરીને એમાંથી ભીની માટીની મીઠી સોડમ ફેલાવતા ખેડૂતો જોવા પણ એને બહુ ગમતા. રાજુ કેવી રીતે હળ ખેડે છે એ જોવા અને એની અસરો સમજવા સવલી બોરડીની આડશ છોડી. ખુલ્લામાં આવીને ધીમેથી વાડ પર પગ મૂક્યો અને રાજુના ખેતરમાં કૂદકો માર્યો.
એના અચાનક થયેલા આગમનથી બોરડી પર બેઠેલી હોલીઓ ઊડી ગઈ અને પંખીઓ ઘડીભર ચોંકી ઊઠ્યાં. વાડ પર પગ મૂકવાથી થયેલા ખડખડાટથી લેલા પંખીઓનું ટોળું ઊડીને દૂર જઈ બેઠું અને ત્યાંથી જોવા લાગ્યું. એ સાથે રાજુ પણ આ તરફ જોઈને થંભી ગયો. ઠંડા પવનમાં સામેથી આવતી કોઈ દેવી કે અપ્સરાને જોઈ હોય એમ રાજુ પોતાની આંખો પર વિશ્વાસ ન થતો હોય એ રીતે સવલીને જોવા લાગ્યો. ખેડેલા ખેતરમાં ઊંચી એડીનાં સેન્ડલને મહામહેનતે સ્થિર રાખતી સવલી રાજુ પાસે આવીને ઊભી રહી.
"તમે કોણ છો ને ક્યાં રહો છો?" રાજુએ પૂછ્યું.
સામેથી એટલો જ મીઠો જવાબ મળ્યો.
"હું પસાભાઈની સવિતા છું."
પછી તો સવલીએ મામાને ત્યાં રહીને બાળપણથી ઉછરવા અને ભણવા સુધીની બધી વાતો કહેવા માંડી. વાતની વચ્ચે જ અટકાવીને સવલીએ ફરી સવાલ કર્યો.
"તે તમને હળ હાંકતાં આવડે છે?"
"હા, ચમ?"
"એ તો અમસ્તું જ! લો, હું તો ભૂલી જ ગઈ. તમારું નામ શું છે? એ તો મેં પૂછ્યું જ નહીં."
"અરે, કોઈ વાંધો નહીં. હવે તો પૂછ્યું ને! મારું નામ રાજિયો."
"બહુ સરસ નામ છે," સવલીએ પ્રશંસા કરી.
સૂર્ય મધ્યાહને આવ્યો હતો. જમીન તપી ચૂકી હતી અને પંખીઓ વૃક્ષોમાં સંતાઈ ગયાં હતાં. એટલે રાજુ હળ છોડીને વડલાની નીચે આવ્યો. એની પાછળ સવલી પણ આવી. બળદોને ચારો નીર્યા પછી રાજુ વંડા પર આવીને બેઠો. બંને અલકમલકની વાતો કરવા લાગ્યાં. વાતોમાં ને વાતોમાં સમય વીતતો ગયો. ખરી બપોર થઈ ચૂકી હતી, એટલે રાજુ ઊભો થયો.
" લો, હવે તો આપણે પાછા ભેળા થઈશું. અત્યારે તો ભૂખ લાગી છે. ઘરે ખાવા જવું પડશે." સવારની ચા અને ટિફિન લેતા રાજુએ કહ્યું. હવાની આછી લહેરખીમાં કાન પાસે આવેલી વાળની લટને હાથથી કાન પાછળ ગોઠવતાં સવલીએ, "હા હો..." કહીને જવાબ આપ્યો. અચાનક આવેલા પવનથી સુકાઈને નીચે પડેલાં વડલાનાં પાંદડાં થરથરી ઊઠ્યાં અને રેતીના કણો જાણે સજીવન થઈને ચાલવા લાગ્યા. ધોરાની રેતાળ ધરતી હોવાથી દૂર રેતીની ડણક ઊઠી. વંટોળિયો બરાબરનો જામ્યો. એ વંટોળિયાની સીધમાં રાજુને જતો જોઈ સવલી ઊભી થઈ. દૂર વંટોળિયામાં રાજુ ઓઝલ થયો ત્યાં સુધી એ એને જોતી રહી. પછી એણે નજર ફેરવી. બળદો હજીયે ચારો ખાઈ રહ્યા હતા. વડલો શૂન્યભાવે એને જોતો ઊભો હતો. એના પરથી ઊઠતો ખિસકોલીનો એકધારો અવાજ સવલીના હૈયામાં સપનાં જગાડતો હતો. એય પાછી પોતાના ખેતર ભણી ચાલી નીકળી.
ક્રમશ.
બીજો ભાગ આવતીકાલે....