પ્રકરણ ૧
શૂન્યતાનો નકશો
અરબી સમુદ્રની લહેરો જ્યારે મુંબઈના કિનારાને સ્પર્શે છે, ત્યારે જાણે કોઈ જૂની મિત્રતાનો એક નવો અધ્યાય શરૂ થતો હોય તેવું લાગે છે. મુંબઈ એટલે માત્ર સિમેન્ટ-કોંક્રિટની ઈમારતોનો સમૂહ નહીં, પણ કરોડો આંખોમાં અંજાયેલાં સપનાઓનું સરનામું!!
રાત્રિના સમયે જ્યારે આખું જગત નિદ્રાધીન હોય છે, ત્યારે મરીન ડ્રાઈવ પર ટમટમતા દીવાઓ જાણે પૃથ્વી પર ઉતરી આવેલા તારાઓની હારમાળા 'ક્વીન્સ નેકલેસ' બનીને શોભે છે!!
સવાર પડતાં જ, લોકલ ટ્રેનના પૈડાંના અવાજ સાથે શહેરના ધબકારા તેજ બને છે. પ્લેટફોર્મ પર દોડતા હજારો પગલાંઓ પાછળ કોઈ મંજિલની શોધ છે, તો કોઈના હાથમાં રહેલા ગરમાગરમ વડાપાઉંમાં આખા દિવસનો સંતોષ છે.
ગેટ વે ઓફ ઈન્ડિયાની ભવ્યતા અને ધારાવીની સાંકડી ગલીઓ વચ્ચે આ શહેર એક વિચિત્ર છતાં સુંદર સંતુલન જાળવી રાખે છે. અહીં મધરાતે પણ રસ્તાઓ સૂમસામ નથી હોતા, કારણ કે આ શહેર 'થાક' શબ્દથી અજાણ છે. મુંબઈ એક એવી રંગભૂમિ છે જ્યાં દરેક વ્યક્તિ પોતાનો કિરદાર પૂરી શિદ્દતથી નિભાવે છે.
એવું કહેવાય છે કે, મુંબઈ ક્યારેય ઊંઘતું નથી, પણ કુર્લાની એ સાંકડી ગલીઓમાં જાણે અંધકારે કાયમી વસવાટ કરી લીધો હતો. આ એવો અંધકાર નહોતો જે સૂરજ ઉગતા દૂર થઈ જાય, પણ એવો અંધકાર હતો જે ભીંતોમાં, કપડાંમાં અને લોકોના શ્વાસમાં વણાઈ ગયો હતો.
૨૬ વર્ષનો આર્યન પોતાની દસ-બાય-દસની ખોલીમાં લોખંડના જૂના, કાટ ખાધેલા પલંગ પર ચત્તોપાટ પડ્યો હતો. ઉપર સીલિંગ ફેન એક વિચિત્ર, કર્કશ અવાજ સાથે ફરી રહ્યો હતો. પંખાના દરેક આંટા સાથે એવો અવાજ આવતો હતો જાણે તે પણ આ નાનકડી રૂમની ગૂંગળામણ અને ભેજવાળી હવા સામે વિરોધ પ્રદર્શિત કરતો હોય. ભીંતો પરથી સિમેન્ટના પોપડા ઉખડીને નીચે પડતા હતા, જાણે રૂમ પોતાનું અસ્તિત્વ ખંખેરી રહ્યો હતો.
ચોમાસું હજી પૂરેપૂરું ગયું નહોતું. છત પરથી ટપકતા પાણીએ ભીંત પર એક વિચિત્ર નકશો બનાવી દીધો હતો. એક એવો નકશો જેનો કોઈ છેડો નહોતો અને જેનો કોઈ મંઝિલ સુધીનો રસ્તો નહોતો. આર્યનની નજર એ ટપકતા પાણી પર જ અટકેલી હતી.
ટપ... ટપ... ટપ...
પાણીનું દરેક ટીપું જ્યારે નીચે મૂકેલા પ્લાસ્ટિકના વાદળી ડબ્બામાં પડતું, ત્યારે થતો અવાજ આર્યનના કાનમાં હથોડાની જેમ વાગતો હતો. તેને લાગતું હતું કે, આ અવાજ તેના જીવનની ક્ષણો જેવો છે. ધીમો..., નિરર્થક...., અને વેડફાઈ જતો....!!
બહાર રસ્તા પર ગાડીઓના હોર્નનો શોરબકોર હતો, પણ આ અંધારી ખોલીઓની અંદર એક અલગ જ સંગીત વાગતું હતું....અભાવનું સંગીત..!!
અહીં ઘરની દીવાલો એટલી પાતળી હતી કે, પડોશીનો નિસાસો પણ તમારા હૃદયને હચમચાવી જાય!
આર્યન હજુ તો પોતાનો થેલો ખૂણામાં મૂકીને આ નવા વાતાવરણને સમજવા મથી રહ્યો હતો, ત્યાં જ બાજુના રૂમમાંથી સંવાદોના તીખા અંશ હવામાં તરવા લાગ્યા.
"કહું છું સાંભળો છો? દૂધવાળાના ત્રણ મહિનાના પૈસા બાકી છે. ક્યાંથી લાવીશ હું?" એ સ્ત્રીનો અવાજ કોઈ ધારદાર છરીની જેમ હવામાં વીંઝાયો.
એ અવાજમાં માત્ર ગુસ્સો નહોતો, પણ વર્ષોથી દબાયેલી લાચારીનો ચિત્કાર હતો!
સામેથી આવતો પુરુષનો અવાજ કોઈ જૂના, થાકેલા રેડિયો જેવો હતો, જે હવે સાચું સાંભળવાની શક્તિ ગુમાવી બેઠો હતો, "થઈ જશે... આવતા અઠવાડિયે શેઠ પગાર આપશે એટલે ચૂકવી દઈશું."
એ 'આવતું અઠવાડિયું' મુંબઈના હજારો પરિવારો માટે એક એવું મૃગજળ હતું, જેની પાછળ આખું જીવન દોડવામાં જ વીતી જતું..!!
આર્યનને ત્યારે થયું કે, મુંબઈ માત્ર રોશની અને દરિયાકિનારો જ નથી પણ મુંબઈ એ લોખંડના ચણા ચાવવા જેવી જીદ પણ છે. એ જ ક્ષણે તેને અહેસાસ થયો કે, તેની લડાઈ માત્ર નોકરી શોધવાની જ નથી, પણ આ 'આવતા અઠવાડિયા'ના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાની પણ છે.
આર્યને પોતાના કાન પર ઓશીકું મૂકી દીધું. આ સંવાદો કંઈ તેના માટે નવા નહોતા. આ ચાલીની દરેક દીવાલ આવી જ અનેક લાચારીઓથી ભરેલી હતી!
તે પોતાના પલંગ પરથી ઊભો થયો અને બારી પાસે ગયો. એણે બારીની બહાર નજર કરી. એણે જોયું તો બહાર બારીમાંથી દેખાતું દ્રશ્ય કદરૂપું અને ભયાનક હતું.
સામેની ચાલીની ગંદી ગલીઓ, લપસણી જમીન, ઉપર લટકતા વીજળીના વાયરોનું ગૂંચળું અને હવામાં ફેલાયેલી ભેજવાળી વાસ...
દૂર લોકલ ટ્રેનનો વ્હિસલનો અવાજ સંભળાયો.
"લાખો લોકો સપના પૂરા કરવા આવે છે..." આર્યન મનમાં બબડ્યો અને ટેબલ પર પડેલી ફાઈલો તરફ જોયું.
તેના ટેબલ પર પડેલી પસ્તી જેવી ફાઈલોમાં તેના સપના દટાઈ ગયા હતા. ગ્રેજ્યુએશન પૂરું થયાને ચાર વર્ષ વીતી ગયા હતા. જ્યારે તે ગામડેથી મુંબઈ આવ્યો હતો, ત્યારે તેની આંખોમાં એક અલગ જ ચમક હતી. તેને લાગતું હતું કે, તેની પાસે ડિગ્રી છે, પ્રતિભા છે, તો આ આખું આકાશ તેનું છે. પણ આજે, એ જ આકાશ તેને 'ખાલી' અને નિર્દય લાગતું હતું.
તેના ખિસ્સામાં રહેલો જૂનો મોબાઈલ વાઈબ્રેટ થયો. આર્યને આશા સાથે ફોન ઉઠાવ્યો, કદાચ કોઈ કંપનીનો ઈન્ટરવ્યુ માટેનો કોલ હોય? પણ સ્ક્રીન પર બેંકનો મેસેજ હતો: "Dear Customer, your account balance is below minimum. Please maintain..."
આર્યન મોટેથી હસ્યો, પણ એ હાસ્યમાં આનંદ નહીં, કારમી વેદના હતી. તેણે ખિસ્સામાં હાથ નાખ્યો. કરચલી વળેલી પચાસની એક નોટ તેના હાથમાં આવી.
"બસ? પચાસ રૂપિયામાં આખું અસ્તિત્વ?" તેણે પોતાની જાતને પૂછ્યું.
એટલામાં ફોન રણક્યો. સ્ક્રીન પર 'મમ્મી' લખેલું આવ્યું. આર્યનના ચહેરા પરના હાવભાવ બદલાઈ ગયા. તેણે ગળામાં ફસાયેલો ડૂમો ઉતાર્યો અને અવાજને સ્વસ્થ કરી ફોન ઉપાડ્યો, "હા મમ્મી! બોલ."
"બેટા, કેમ છે? જમી લીધું? આજે અવાજ થોડો ઢીલો લાગે છે, તબિયત તો ઠીક છે ને?" મમ્મીનો ચિંતાતુર અવાજ સાંભળી આર્યનની આંખો છલકાઈ આવી.
"ના મમ્મી, બધું બરાબર છે. બસ હમણાં જ જમીને બેઠો છું. આજે થોડો થાક છે એટલે અવાજ આવો લાગે છે."
"નોકરીનું શું થયું બેટા? તારા પપ્પા આજે પૂછતા હતા. પેલા શર્માકાકાનો છોકરો તો ક્યારનોય ગોઠવાઈ ગયો, તું કેમ હજી...??"
આર્યને મમ્મીની વાત કાપી, "મમ્મી! આજે જ એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં ઈન્ટરવ્યુ આપ્યો છે. સાહેબ બહુ ખુશ હતા. બસ રિઝલ્ટ આવવાની જ વાર છે. એકવાર ત્યાં ગોઠવાઈ જઈશ ને, પછી તમારી બધી ચિંતા દૂર કરી દઈશ."
"ભલે બેટા, ભગવાન તને સુખી રાખે. સાચવજે હો."
ફોન કપાયો અને આર્યન પલંગ પર બેસી પડ્યો. આ 'વાર' હવે વર્ષોમાં બદલાઈ ગઈ હતી. જૂઠું બોલવું હવે તેના માટે દૈનિક ક્રિયા બની ગઈ હતી. પિતાની આશાભરી આંખો અને માતાનો વિશ્વાસ તેના પર બોજ બની રહ્યા હતા.
તેને રૂમમાં ગૂંગળામણ થવા લાગી. તે ચંપલ પહેરીને બહાર નીકળ્યો. કુર્લાની સાંકડી ગલીઓમાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. આ સાંકડી ગલીમાં ચાલતા બે માણસો સામસામે મળે તો પણ અથડાઈ જતા. લોકોની ભીડ તેને ગૂંગળાવતી હતી. દરેક ચહેરો ઉતાવળમાં હતો, દરેકને ક્યાંક પહોંચવું હતું. કોઈને ઓફિસ પહોંચવું હતું, કોઈને ઘરે, તો કોઈને ટ્રેન પકડવી હતી.
માત્ર આર્યન જ હતો જેની પાસે કોઈ લક્ષ્ય નહોતું, કોઈ દિશા નહોતી. તેને લાગતું હતું કે, તે એક એવી ટ્રેનમાં બેસી ગયો છે જેનું કોઈ સ્ટોપ નથી અને જેના પાટા પણ આગળથી તૂટેલા છે.
ચાલતા ચાલતા રસ્તામાં વડાપાઉંની એક લારી આવી. ગરમ વડાપાઉં અને લસણની ચટણીની સુગંધ હવામાં ભળેલી હતી. આર્યનના પેટમાં ફાળ પડી. સવારથી તેણે માત્ર ચા અને બિસ્કિટ પર કાઢ્યું હતું. તેણે ખિસ્સામાં રહેલી પચાસની નોટને સ્પર્શ કર્યો.
જો અત્યારે વડાપાઉં ખાઈ લઈશ, તો કાલે સ્ટેશને જવાના પૈસા નહીં રહે, તેણે વિચાર્યું.
તેણે નજર ફેરવી લીધી. આત્મસન્માન અને ભૂખ વચ્ચેનો જંગ તેના માટે રોજની રમત હતી. આજે તેણે ભૂખને હરાવવાનું નક્કી કર્યું હતું.
તે ચાલતો રહ્યો, ભીડને ચીરતો, ગંદકીને વટાવતો. અચાનક તેને વિચાર આવ્યો, "જો આજે હું આ ભીડમાં ગાયબ થઈ જાઉં, તો આ શહેરને શું ફરક પડશે? શું લોકલ ટ્રેનો થોભી જશે? શું આ લારીઓ પરના ભીડ ઓછી થશે?"
જવાબ 'ના' હતો. મુંબઈ એક મહાસાગર હતું અને તે માત્ર એક ટીપું. તેના હોવા કે ન હોવાથી આ સમુદ્રની ભરતી-ઓટમાં કોઈ ફેર પડવાનો નહોતો. આ સત્ય કોઈપણ હથિયાર કરતા વધુ ધારદાર હતું.
તે એક જૂના બ્રિજ પાસે ઉભો રહ્યો. ઉપર આકાશ તરફ જોયું. કાળા વાદળો ફરી ઘેરાઈ રહ્યા હતા. ઠંડો પવન ફૂંકાયો, જે મુંબઈના ભેજને પોતાની સાથે લાવ્યો હતો. તેને લાગ્યું કે, ફરી વરસાદ પડશે. તેની ખોલીમાં ફરી પેલા વાદળી ડબ્બામાં પાણી ટપકશે.
પણ હવે તેને ભીંજાવાનો ડર નહોતો. તેને ડર હતો એ શૂન્યતાનો, જે તેના આત્મામાં ધીમે ધીમે પ્રસરી રહી હતી. તેને લાગતું હતું કે, આ સાંકડી ગલીઓ તેને જીવતી ગળી જવા માંગે છે. તેની પાસે કોઈ ઢાલ નહોતી, કોઈ આશરો નહોતો.
રાત વધુ ઘેરી બની રહી હતી. સ્ટ્રીટ લાઈટો ચાલુ થઈ, જે ગલીના કાદવને વધુ ચમકદાર બનાવતી હતી. આર્યન પાછો પોતાની ખોલી તરફ ફર્યો. આ સફરની શરૂઆત ક્યાંથી થઈ હતી એ તેને યાદ નહોતું, પણ અંત કેવો હશે એ વિચારીને તેના શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ.
પરંતુ, એ રાત્રે કુર્લાના એ 'ખાલી આકાશ' નીચે ઊભેલા એ યુવાનને ખબર નહોતી કે અંધકાર જ્યારે ચરમસીમાએ હોય છે, ત્યારે જ સવાર પડવાની શરૂઆત થતી હોય છે. આ અત્યંત કઠિન અને પીડાદાયક રસ્તો તેને ક્યાં લઈ જશે, એ તો સમયના ગર્ભમાં હતું.
તેણે પોતાની ખોલીનો દરવાજો ખોલ્યો. અંદર એ જ અવાજ આવી રહ્યો હતો...
ટપ... ટપ... ટપ...
આર્યને ટેબલ પર પડેલી ફાઈલ ખોલી અને એક કોરા કાગળ પર પેન મૂકી. તેના જીવનના અંધકારને તેણે શબ્દોમાં ઉતારવાનું નક્કી કર્યું.