રૂમ નંબર ૧૦૪ માં એક વિચિત્ર શાંતિ પથરાઈ ગઈ હતી. દીવાલ પર લટકતી ઘડિયાળના કાંટા રાતના ૧૨ વાગ્યા પર સ્થિર થઈ ગયા હોય તેવું લાગતું હતું. ચોવીસ વર્ષનો અથર્વ પોતાના જ ૫૦ વર્ષ પછીના ભવિષ્યના સ્વરૂપ, એટલે કે કપાડિયા સરની સામે બેઠો હતો. રૂમમાં ગણિતના સમીકરણોથી ભરેલા જૂના પડી ગયેલા પાનાઓની ગંધ હવે તેને ગૂંગળાવી રહી હતી. અથર્વ માટે અહીં બેઠા રહેવું ભારે લાગતા તે ઊભો થઈ રૂમમાં આંટા મારવા લાગ્યો.
"તો... આનો કોઈ અંત જ નથી?" અથર્વે ગંભીર અવાજે પૂછ્યું. "હું ગમે તે કરું, આ લૂપ ક્યારેય તૂટશે નહીં? આપણે આ બ્રહ્માંડના કેદી બની ગયા છીએ?". કપાડિયા સર ખુરશીમાંથી ઊઠ્યા, તેમની આંખોમાં ૫૦ વર્ષનો થાક અને અસહ્ય પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. સમીકરણોથી ભરેલી દીવાલને સ્પર્શ કરતાં તેમણે હળવું સ્મિત કર્યું, "મેં હજારો વખત આ સ્પેસ-ટાઇમ ફેબ્રિકની ગણતરી કરી છે, અથર્વ. દરેક વખતે ઇક્વેશનનો જવાબ શૂન્ય જ આવે છે. સમયને બદલવાનો પ્રયાસ જ આપણને આ લૂપમાં ધકેલે છે."
પણ યુવા અથર્વનું લોહી જુદું હતું. તે હજુ હાર માનવા તૈયાર નહોતો. તે રૂમમાં રાખેલા બ્લેકબોર્ડ તરફ વળ્યો, જ્યાં સમયની ગતિને દર્શાવતી રેખાઓ એક વર્તુળમાં આવીને મળી જતી હતી. તેણે બોર્ડ પર લખેલા ક્વોન્ટમ થિયરીના સમીકરણોને ધ્યાનથી જોયા. અચાનક, તેના મગજમાં એક વીજળી ઝબકી.
"સર... કપાડિયા સર, તમે એક બહુ મોટી ભૂલ કરી રહ્યા છો!" અથર્વ ઉત્તેજીત થઈ બોલ્યો. કપાડિયા સરે આશ્ચર્યથી ભ્રમરો સંકોચી, "મેં ભૂલ કરી? મેં આખી જિંદગી આ રિસર્ચ પાછળ વિતાવી છે...અને મેં ભૂલ કરી???" તેમણે અકળામણમાં માથું હલાવ્યું. અથર્વ એમની નજીક જઈ એમને બોર્ડ પાસે લઈ આવ્યો, "તમારી ભૂલ એ છે કે તમે માત્ર વિજ્ઞાનના નિયમો ને જોયા, પણ પત્રો લખવા પાછળની ભાવનાને ભૂલી ગયા!" અથર્વએ બોર્ડ પર ચોકથી વર્તુળની મધ્યમાં એક સીધી રેખા ખેંચી. "તમે દર વખતે ભૂતકાળને બદલીને પરિણામ બદલવાનો પ્રયત્ન કરો છો. તમે ધારો છો કે જો હું હોસ્પિટલ જઈશ તો મા બચી જશે અને લૂપ તૂટી જશે. પણ નિયતિ એ થવા નથી દેતી. જો આપણે પરિણામ બદલવાને બદલે, આપણી પસંદગી બદલી નાખીએ તો?". "તું શું કહેવા માંગે છે?" કપાડિયા સર ખુરશીમાં બેઠા.
"આ પત્રનો હેતુ શું છે? આ પત્ર એ પસ્તાવો છે, જે તમે ૫૦ વર્ષ સુધી ભોગવ્યો. જો આ પત્ર મને હોસ્પિટલ જવા માટે નહીં, પણ માત્ર મા સાથે છેલ્લી ક્ષણો વિતાવવા માટેની હિંમત આપવા લખાયો હોત તો?" અથર્વ શ્વાસ લેવા થોડું અટક્યો અને પછી પાછો બોલવા લાગ્યો,"વિજ્ઞાનનો નિયમ છે કે તમે ભૂતકાળની ઘટનાને ભૂંસી નથી શકતા, પણ તમે એ ઘટના પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ તો બદલી શકો છો. માની તબિયત એટલી ખરાબ છે કે તેમનું જવું નિશ્ચિત છે, પણ મારો પસ્તાવો એ વાતનો છે કે હું તેમની પાસે નહોતો!"
અથર્વ, કપાડિયા સરની બાજુમાં આવી તેમના ખભે હાથ મૂકી આગળ બોલ્યો, "આપણે પરિસ્થિતિને સ્વીકારી નથી શકતા અને બદલવા માંગીએ છીએ, ત્યાંજ બધી મુશ્કેલીઓ શરૂ થાય છે". તેણે કપાડિયા સરની આંખોમાં જોયું, જેના ઊંડાણમાં હવે આશાનું એક કિરણ દેખાઈ રહ્યું હતું, "સર, ક્વોન્ટમ ફિઝિક્સમાં એક થિયરી છે – 'ધ ઓબ્ઝર્વર ઇફેક્ટ'. જ્યાં સુધી ઓબ્ઝર્વર પોતાની દ્રષ્ટિ બદલતો નથી, ત્યાં સુધી કણો (particles) પોતાની દિશા બદલતા નથી. આપણે આ પત્રનો જવાબ બદલવો પડશે. હું હોસ્પિટલ જઈશ... પણ ઈતિહાસ બદલવા માટે નહીં, માત્ર માની છેલ્લી ક્ષણોમાં તેમનો હાથ પકડવા માટે!"
કપાડિયા સર સ્તબ્ધ થઈ ગયા. ૫૦ વર્ષમાં પહેલીવાર આ લૂપની અંદર કોઈ નવો વિચાર સ્ફૂર્યો હતો. સમયના આ ચક્રવ્યૂહમાં ક્યારેય એમણે આ રીતે વિચાર્યું નહોતું. યુવાન અથર્વએ તરત ટેબલ પર પડેલી પેન ઉઠાવી અને કપાડિયા સરના એ પત્રની નીચે પોતાનો જવાબ લખ્યો:
"સર મેં તમારો પત્ર ધ્યાનથી વાંચ્યો. આભાર મને અહેસાસ કરાવવા માટે કે મારે સમય સાથે લડવાનું નથી, પણ સમયની સાથે વહેવાનું છે. કામ અને સંબંધોમાં કોને પ્રાધાન્ય આપવું તે મને સમજાયું, હું મા ને બચાવી તો નહીં શકું, પણ તેમની વિદાય સમયે સાથે રહી તો શકું છું!" અને અથર્વએ કપાડિયા સર તરફ જોયું. કપાડિયા સરના ચહેરા પર હવે કોઈ પસ્તાવો નહોતો, માત્ર એક પરમ શાંતિ હતી. "તેં સમયને હરાવ્યો નથી અથર્વ, તેં સમયને સ્વીકારી લીધો છે! હવે તું મુક્ત છે."
તરત જ અથર્વ સન્માન ઓલ્ડ એજ હોમના ગેટની બહાર આવ્યો. આકાશમાં તારા ચમકી રહ્યા હતા, લૂપ તૂટી ગયું હતું અને સમય ફરીથી પોતાની સીધી રેખામાં આવી ગયો હતો. અથર્વ આઈસીયુમાં દાખલ થતા તેની માતા તરફ ધસી ગયો...તેઓ પોતાના દીકરાની જ રાહ જોઈ રહ્યા હતા. અથર્વ તેમની નજીક ગયો અને ધીમેથી તેમનો હાથ પોતાના હાથમાં લીધો. તે બંનેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ એ આંસુઓમાં હવે કોઈ પસ્તાવો નહોતો. તેની માતાએ તેના ચહેરા પર હાથ ફેરવ્યો અને એક છેલ્લું સ્મિત આપીને હંમેશા માટે આંખો બંધ કરી દીધી. અથર્વના દિલમાં વર્ષોથી ઘર કરી ગયેલો એક બહુ મોટો બોજ હવે ઉતરી ગયો હતો. તે તેની માતાની છેલ્લી ક્ષણોમાં તેમની સાથે હતો. આ જ તેની સાચી પસંદગી હતી...
અથર્વએ બે-ત્રણ દિવસ પછી સન્માન ઓલ્ડ એજ હોમમાં ફોન કરી કપાડિયા સર વિષે પૂછાવ્યું, તો જાણવા મળ્યું કે ૨૮મી સપ્ટેમ્બરની રાત પછી તે બધું લઈને ક્યાંક જતા રહ્યા હતા. તેમને શોધવાના બહુ પ્રયત્નો કર્યા પણ ક્યાંય કશું હાથ જ ન લાગ્યું...
૫૦ વર્ષ પછી, વર્ષ ૨૦૭૬ ની એક સાંજે, પક્ષીઓ કિલકિલાટ કરતાં પોતાના માળા તરફ જઈ રહ્યા હતા અને સમય પોતાની મસ્ત ગતિએ વહી રહ્યો હતો. ૭૪ વર્ષના અથર્વ કપાડિયા પોતાના ઘરનાં બગીચામાં બેઠા હતા. તે કોઈ ઓરડીમાં સમીકરણો વચ્ચે કેદ નહોતા, પણ મુક્ત હતા... અને બહારથી એક યુવાન ગેટની અંદર આવ્યો અને એમની પાસે આવીને બોલ્યો, "દાદા, તમારી સાથે ચેસની એક ગેમ રમું?"
વૃદ્ધ અથર્વએ સ્મિત કર્યું અને ચેસના રાજા પર હાથ મૂકતા કહ્યું, "ચોક્કસ વિનમ્ર, પણ યાદ રાખજે... જિંદગીની જેમ ચેસમાં પણ ક્યારેક જીતવા કરતાં, સામે વાળાની ખુશી માટે હારી જવું વધુ અનિવાર્ય હોય છે."