Password - 2 books and stories free download online pdf in Gujarati

પાસવર્ડ પ્રકરણ – ૨

પાસવર્ડ ૦પ્રકરણ – ૨

-વિપુલ રાઠોડ

શહેરના પોલીસ વડા અભય કુમાર મધરાતે લગભગ દોઢેક વાગ્યે પોતાના મોબાઈલ ફોનમાં વાત કરી રહયા હતા. સામા છેડે સેન્ટ્રલ જેલમાંથી જેલર બોલી રહયા હતા. થોડી વાર વાતચિત ચાલ્યા બાદ તુર્ત જ અભય કુમારે પોલીસ કંટ્રોલ રૂમ અને હેડ ક્વાર્ટરને આદેશ આપ્યો અને તે સાથે જ સંખ્યાબંધ હથિયારધારી પોલીસ જવાનો સાથે અનેક પોલીસ વાન સડસડાટ ગતિએ સેન્ટ્રલ જેલ તરફ રવાના થઇ.

અભય કુમારે ઘટનાની ગંભીરતા સમજી નાયબ પોલીસ વડા, તેમજ અન્ય કેટલાક પોલીસ અફ્સરોને પોતે જ ફોન કર્યો અને તેઓને તાબડતોબ સેન્ટ્રલ જેલ પહોંચવા સૂચના આપી પોતે પણ જેલની વાટ પકડી. ડ્રાઈવર હાજર નહી હોવાને કારણે જાતે જ કાર ડ્રાઈવ કરી રહેલા અભય કુમારને જેલમાં ચાલી રહેલી કેટલીક ભેદી પ્રવૃતિઓ વિશે એકવાર તેના ખબરીએ ગુપ્ત પ્રાથમિક માહિતી આપી હતી. આ વાત સાંભળીને અભય કુમાર ડઘાઈ ગયા હતા. ઘડીભર તો તેને વિશ્વાસ પણ ન્હોતો બેઠો. જોકે આજે જેલરે જે કામ સબબ પોલીસની મદદ માંગી હતી તેના પરથી અભય કુમાર એટલું તો ચોક્કસ સમજી ગયા હતા કે, જેલમાં કશુંક રંધાઈ રહયું છે.

વિવિધ પોલીસ મથકોએથી વછૂટેલી પોલીસ જીપ અને વાન સમગ્ર શહેરમાં કાળી મધરાત્રીના સંપૂર્ણ નીરવ માહોલને ચીરી નાંખતા સાઈરનના અવાજ સાથે તેજ રફતારથી સેન્ટ્રલ જેલ તરફ આગળ ધપી રહી હતી....વાયરલેસ સેટ્સ ઘોઘરા અવાજમાં જે તે પોલીસ અફસર માટે કંઈક ને કંઈક મેસેજ પસાર કરી રહયા હતા....ને વાયરલેસ ઇન્ચાર્જ " રોજર......રોજર..."નો વળતો પ્રત્યુત્તર આપી રહયો હતો.

**********************

બરોબર એ જ સમયે ઘસઘસાટ ઊંઘી રહેલા અધિરાજનો ફોન પણ રણકી ઉઠ્યો. તેની નિંદર તૂટી ગઈ. સામે છેડેથી તેને જે સમાચાર મળ્યા એ તેની કલ્પના બહારના હતા. રાજેશ્વરના જેલગમનના દિવસથી જ જેલમાં કંઈક નવા જુનીનો પ્રારંભ થઇ ગયો હતો. અધિરાજને એવી અપેક્ષા ન્હોતી. તે એવું જ માનતો હતો કે રાજેશ્વર જેલમાં પહોંચે તેના થોડા દિવસો બાદ કંઈક નવી હિલચાલના વાવડ મળશે, જોકે આ તો તેની સમજ બહારની ઝડપથી નવી ઘટના આકાર લઇ ચુકી હતી. અલબત્ત અધિરાજને એક વાતે સંતોષ થયો કે, જેલની અંદર ૩૦ ફૂટ ઊંચી અને ૩ ફૂટ પહોળી દિવાલોની વચ્ચે શું ચાલી રહયું તેની રજે રજની માહિતી પુરી પાડવામાં તેના સાથીઓ સફળ રહયા હતા.

અધિરાજ મનો મન ખુશ થતા એવું વિચારી રહયો હતો કે, પોલીસને તો જેલમાં પહોંચ્યા પછી ખબર પડશે કે શું બન્યું છે? અહીં મારે પાસે તો એ ભેદભરમના આંટાપાટા વચ્ચે ગુંથાયેલી ડરામણી અને ભયાનક ઘટનાનો પ્રાથમિક રીપોર્ટ આવી પહોંચ્યો છે. ડીટેઇલ્ડ રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે કે આ ભેદી ચક્કર છે શું? જોકે એમાં કોઈ શંકા ન્હોતી કે, અધિરાજ ચોક્કસપણે આ ઘટનાથી હલબલી ગયો હતો.

**********************

જેલમાં સાઈરન વાગી ઉઠતા જાગી ગયેલો રાજેશ્વર બેરેકના દરવાજાના લોખંડના સળિયાની આરપાર જોવાનો પ્રયાસ કરી રહયો હતો. તેની બાજુમાં અન્ય કેદીઓ પણ ડોકાં તાણી રહયા હતાં પરંતુ તેઓને કશુંય સમજમાં આવતું ન્હોતું કે આ બધું ચાલી શું રહયું છે? બેરેકની પાસેથી જ પસાર થઇ રહેલી ૧૦ ફૂટ પહોળી લોબીમાં જેલના ગાર્ડઝ દોડાદોડી કરી રહયા હતા. લોબી પાસેની લોખંડની જાળીમાંથી બહાર જેલના વિશાળ કમ્પાઉન્ડમાં પણ એવી જ અફડાતફડીનો માહોલ હતો. જેલના ચારેય ખૂણે ઉભા કરાયેલા વોચ ટાવર પરની જંબો કદની ફોક્સ લાઈટના દુધિયા શેરડા અને જમીન પર બની રહેલા પ્રકાશના વિશાળ ચકરડામાં જેલના હથિયારધારી ગાર્ડઝની ઝલક જોવા મળતી હતી. તેઓ બેરેક નંબર ૧૦ તરફ ભાગી રહયા હતા. જ્યારે આ અફડાતફડીનો બીજા કોઈ કેદી ગેરલાભ ના ઉઠાવી જાય તે માટે અન્ય કેટલાક ગાર્ડઝને કમ્પાઉન્ડમાં તથા બેરેક પાસેની લોબીમાં ખડેપગે કરી દેવાયા હતા. જેલરે તુર્ત જ જેલનો એકે એક ખૂણો ઝળહળી ઉઠે તેવી દિવાલ પરની તમામ હાઈ વોલ્ટેજ લાઈટો ચાલુ કરાવી દીધી હતી. મેદાન ઝળહળી ઉઠ્યું.

થોડી વારમાં જ જેલ કેમ્પસની બહાર જ એક સાથે સંખ્યાબંધ વાહનોની સાઇરનોના અવાજ આવવા લાગ્યા. જેલના દરવાજા ખુલતા જ પોલીસ વડા અભય કુમાર તેમના વિશાળ કાફલા સાથે જેલની અંદર આવી પહોંચ્યા. જેલરે તુર્ત જ તેમની પાસે જઈ સેલ્યુટ મારી અને કહ્યું કે, " બેરેક નંબર ૧૦, ૧૧ અને ૧૨ તથા તેની આજુબાજુમાં ધમાલ મચી છે. આ ત્રણ બેરેકમાં કુલ ૩૦૦ જેટલા કેદીઓ છે. આ ત્રણેય બેરેકના દરવાજા ખુલ્લા છે અને તેમાંના કેટલાક કેદીઓ તેમાંથી બહાર નીકળી ચુક્યા છે. તેઓ અહીં તહીં ભાગા ભાગી કરી રહયા છે. કેટલાક કેદીઓ ક્યાંક ખૂણે ખાંચરે છુપાઈ પણ ગયાં હશે. "

અભય કુમારે તુર્ત જ પોલીસ જવાનોને અલગ અલગ ટુકડીમાં વહેંચી પરિસ્થિતિ કાબુમાં લેવા માટે આદેશ કર્યો. તેમજ તેમણે માઈકની મદદથી કેદીઓને જ્યાં હોય ત્યાંથી પોતપોતાની બેરેકમાં ચાલ્યા જવા સૂચના આપી. જો કોઈ કેદી પ્રતિકાર કરે તો યોગ્ય પગલાં પણ લેવાશે એવી તાકીદ પણ કરી.

આ સુચનાની ધારી અસર થઇ. મોટાભાગના કેદીઓ તેમની બેરેકમાં પાછા ચાલ્યા ગયા. જે કોઈ બે પાંચ કેદીઓ બાકી રહી ગયા હતા તેઓને પણ પકડી પકડીને બેરેકમાં લઇ જવાયા. જે તે બેરેકના જવાબદાર ગાર્ડે કેદીઓની સંખ્યા ગણાતા ખ્યાલ આવ્યો કે ચાર કેદીઓ ગાયબ છે. ગાર્ડ્ઝે તુર્ત જ જેલર અને શહેર પોલીસ વડાને આ વાતની જાણ કરી. પછી શોધખોળ શરૂ થઇ. ગુમ થઇ ગયેલા કેદીઓને ઝડપી લેવા અનેક ગાર્ડઝ અને પોલીસ જવાનો જેલના ખૂણે ખૂણે જઈ આવ્યા. તેઓનો ક્યાંય પત્તો ના લાગ્યો. દરેક બેરેક પાસે ગાર્ડઝની સાથો સાથ હથિયારબંધ પોલીસ જવાનોને પણ ગોઠવી દેવામાં આવ્યા હતા.

" સર.....જલ્દી અહીં આવો...." બેરેક નંબર ૧૧ ની પાછળથી એક સાથે ત્રણ ગાર્ડઝે રાડ પાડી.

અભય કુમાર અને જેલર પોતપોતાના અધિકારીઓને લઈને ત્યાં દોડી ગયા. સ્થળ પર પહોંચતાની સાથે જ તેઓની આંખો ફાટી પડી. ગાર્ડઝ થર થર કાંપી રહયા હતા. ત્રણ કેદીઓની ગરદન વાઢી નંખાયેલી લાશો પડી હતી. ત્રણેય કપાયેલા માથા પણ દૂર પડ્યા હતા. અધિકારીઓ કાંઈ સમજે વિચારે એ પહેલા તો વધુ એક બૂમ સંભળાઈ......

" સાહેબ.....જલ્દી ફાંસી ખોલીમાં આવો...."

અભયકુમાર અને જેલરે ત્યાં જવા દોટ લગાવી. બેરેક નંબર ૧૧ ની પાછળથી અંધારી સાંકડી ગલી જેવા રસ્તા પર હડી મેલતા તેઓ સોએક મીટર છેટે આવેલી ભૂતિયા બંગલા જેવી ફાંસી ખોલી પાસે પહોંચ્યા. ત્યાં બહાર ત્રણ ગાર્ડઝ અને બે પોલીસ મેન ઉભા હતા.

" શું થયું?" અધિકારીઓએ પુછ્યું.

" સર.....અંદર...." ધ્રુજતા અવાજે એક ગાર્ડ માંડ આટલું જ બોલી શક્યો.

અભયકુમાર અને જેલરે ફાંસી ખોલીની અંદર જઈને જોયું તો ત્યાં એક કેદી અને એક જેલ ગાર્ડને ફાંસીના માંચડે ટીંગાડી દેવાયા હતા. એકદમ ઝાંખા પ્રકાશમાં બિહામણી દેખાતી બન્નેની લાશો પર જેલરે ટોર્ચનો પ્રકાશ ફેંકતા તેમના દિલની ધડકન થંભી ગઈ. બંને લાશોના વસ્ત્રો લોહીથી પણ ખરડાયેલા હતા. બન્નેની આંખો ફોડી નાંખવામાં આવી હતી. શરીર પર કોઈ ધારદાર વસ્તુથી કરાયેલી ઇજામાંથી તેમજ ફૂટી ગયેલી આંખોમાંથી હજુ પણ થોડું થોડું લોહી ટપકી રહયું હતું. નીચે લાદી પર લોહીના પાટોડા ભાઈ ગયા હતા.

ઘડીભર તો અભય કુમાર પણ થડકી ગયા. જેલરની હાલત તો કાપો તો લોહી પણ ના નીકળે એવી ખરાબ થઇ ગઈ હતી. તે રીતસરનો ધ્રુજી રહયો હતો. અભયે અન્ય પોલીસ અફસરોને ત્યાં બોલાવ્યા. તાત્કાલિક કોઈ કેમેરામેન નહી હોવાથી મોબાઈલ ફોનના કેમેરાથી જ બંને લાશોના ફોટા ખેંચાવ્યા. એક પોલીસ ઇન્સ્પેકટરે એ વખતની સ્થિતિ વિશે કાગળમાં જરૂરી નોંધ ટપકાવ્યા બાદ કોન્સ્ટેબલોની મદદથી બંને લાશોને દોરડાના ગાળીયામાંથી છોડાવી નીચે ઉતરાવી બેરેક નંબર ૧૧ પાસે પડેલી ત્રણ લાશ પાસે મુકાવી. થોડી વારમાં એમ્બ્યુલન્સ આવી પહોંચી. પોલીસે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી પાંચેય લાશ અને કપાયેલા ત્રણ માથા એમ્બ્યુલન્સમાં મુકાવી પોસ્ટમોર્ટમ માટે ફોરેન્સિક લેબમાં મોકલવા પ્રબંધ કર્યો.

એક તરફ આ ધમાલ ચાલતી હતી ત્યારે બીજી બાજુ બેરેક નં.૮માં રાજેશ્વર અને અન્ય કેટલાક કેદીઓએ લોબીમાં ઝડપથી આવ જા કરી રહેલા ગાર્ડઝ અને પોલીસમેનો પાસેથી આ ખોફનાક ઘટનાની અલપ ઝલપ માહિતી મળતા જ તેઓના હોંશ ઉડી ગયા. રાજેશ્વર માટે તો જેલની આ પ્રથમ રાત હતી અને એ આવી ડરામણી હશે એવી તો તેને કલ્પના પણ ક્યાંથી હોય? વિચારોમાં ડૂબી ગયેલા રાજેશ્વરના કાને અચાનક જ કેટલાક કેદીઓ વચ્ચે ચાલી રહેલી વાતોના શબ્દો સંભળાયા. રાજેશ્વરના કાન બઠા થઇ ગયા.

બીજી તરફ અભય કુમારે પરિસ્થિતિને અત્યંત ગંભીરતાથી લઇ રાજ્ય સરકારના ડી.જી.(પ્રિઝન)ને આ ઘટનાની અત્યાર સુધીની માહિતીથી વાકેફ કરી દીધા. ત્યારબાદ તેમણે દરેક બેરેકમાં કેદીઓની ઝડતી લેવા અને બેરેકનો ખૂણે ખૂણો તપાસવાનો આદેશ કરતા જ પોલીસમેનો અને જેલના ગાર્ડઝ દ્વારા ચકાસણી શરૂ કરવામાં આવી. આ દરમ્યાન અભય કુમારે જેલર અને બેરેક નંબર ૧૦, ૧૧ અને ૧૨ ની દેખભાળ કરતા તમામ ગાર્ડઝની પોતે જ પુછપરછ શરૂ કરી દીધી. એક પોલીસ ઇન્સ્પેકટર તેની ડાયરીમાં અગત્યના મુદ્દાઓ લખી રહયો હતો. આ કાર્યવાહી ચાલુ હતી તે દરમ્યાન ઝડતી પૂર્ણ કરીને ત્યાં આવેલા પોલીસ અફસરોએ બેરેક નંબર ૧૧ અને ૧૨ માંથી સીમ કાર્ડ વગરના ત્રણ મોબાઈલ રેઢા મળ્યાની વાત કરી. આ સિવાય તેઓને બીજું કશું મળ્યું ન્હોતું. જ્યારે માથા વગરની લાશો પડી હતી ત્યાં નજીકમાં આવેલી ઝાડીમાંથી ત્રણ મોટા છરા મળી આવ્યા હોવાનું તપાસ કરનારા કેટલાક ગાર્ડઝે જણાવ્યું. જ્યારે ફાંસી ખોલીમાંથી કે બહારની સાઈડમાંથી તેઓને લોહીથી ખરડાયેલા જુદા જુદા વસ્ત્રો મળી આવ્યા હતા.

અભય કુમારે જાતે જ સુપરવિઝન કરી સમગ્ર ઘટનાની ઝીણામાં ઝીણી વિગતોની નોંધ કરાવડાવી હતી. વહેલી સવારના પાંચ વાગવા જઈ રહયા હતા. તેણે ત્યાંથી રવાના થતા પૂર્વે આ કેસની તપાસ નાયબ પોલીસ વડા સૂર્યજીતને સોંપી હતી. આ ઉપરાંત તેમણે જેલર સાથે વાત કરી પોતાના કેટલાક પોલીસ અફસરો અને જવાનોને થોડા દિવસો માટે ત્યાં જ તૈનાત કરાવ્યા હતા. અભય સંબંધિત પોલીસ અફસરોને જરૂરી સૂચનાઓ આપી ત્યાંથી પોતાના બંગલે જવા નીકળી ગયા.

**********************

સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો હતો. જે કોઈ અખબારને આ ઘટનાની મોડી મોડી જે કાઈ વિગતો મળી હતી તેમાં મીઠું મરચું ભભરાવી સનસનાટી સર્જતા અહેવાલો પ્રસિધ્ધ કરી નાંખ્યા હતા. ટી.વી. ન્યુઝ ચેનલો તો મધરાતથી જ જે કાઈ માહિતી હાથ લાગી તેને બ્રેકિંગ ન્યુઝ સ્વરૂપે બતાવવાનું શરૂ કરી દીધું હતું. તેના કેમેરામેન અને રિપોર્ટરો મધરાતથી જ જેલના કેમ્પસમાં પહોંચી ગયા હતા. જોકે તેઓને વિસ્તૃત વિગતો મળી શકી ન્હોતી. ત્રુટક ત્રુટક વિગતો તેમને મળી રહી હતી. આખરે સવારે ૯.૦૦ વાગ્યે શહેર પોલીસ વડાની કચેરી ખાતે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી. જેમાં અભય કુમારે પોતે જ સમગ્ર ઘટનાની પ્રથમ દર્શનીય પ્રાથમિક તપાસની વિગતો મીડિયા સમક્ષ જાહેર કરી.

આ ઘટના માત્ર કેદીઓની અંદરો અંદરની સંભવિત માથાકૂટનું પરિણામ તો ના જ હોઈ શકે, તો પછી હવે પોલીસ કઈ કઈ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરશે એવો સવાલ પત્રકારોએ વારંવાર દોહરાવ્યો હતો; પરંતુ હવે તપાસનો તબક્કો મહત્વનો હોઈ તપાસ કાર્યના હિતમાં અભય કુમારે વિશેષ વિગતો જાહેર કરવાનો ઇન્કાર કરી દીધો હતો અને પોલીસને સહકાર આપવા મીડિયાને અનુરોધ પણ કર્યો હતો.

જોકે મીડિયાને માત્ર આટલી વાતથી સંતોષ ના થયો હોય તેમ તેઓએ પોત પોતાની રીતે આ હત્યા કાંડની તપાસ શરૂ કરવાનું નક્કી કરી લીધું હતું. કેટલાક પત્રકારોએ તેઓના ખાનગી બાતમીદારોને કામે લગાડી દીધા હતા.

**********************

વહેલી સવારથી જ રાજેશ્વરના ઘેર પણ ચિંતાનો માહોલ સર્જાઈ ગયો હતો. અખબારો અને ટી.વી. ચેનલોમાં રાજેશ્વરને જેલ હવાલે કરાયો હોવાના સમાચારનું સ્થાન જેલના ક્રૂર હત્યા કાંડે લઇ લીધું હતું. રાજેશ્વરની માતા સુલોચના – પિતા જ્યોતિન્દ્ર કુમાર અને પત્ની શીતલ ખુબ જ ચિંતિત બની ગયા હતા. જોકે મીડિયાના અહેવાલોમાં મૃતકોના નામો વાંચ્યા બાદ તેમણે રાહતનો શ્વાસ જરૂર ખેંચ્યો હતો.

જ્યોતિન્દ્ર કુમારે તેમના ફોનમાંથી ધારાશાસ્ત્રી કાર્તિકને ફોન જોડ્યો.

" હેલ્લો સર જ્યોતિન્દ્ર બોલું છું."

" હા બોલો...બોલો..."

" આપને સમાચાર તો મળી જ ગયા હશે.....જેલમાં..."

" હા મને જાણકારી મળી છે. આપણે આજે રાજેશ્વરની મુલાકાત લઇ નહીં શકીએ. "

" હા મને પણ એમ જ લાગે છે."

" આમ છતાં હું પ્રયાસ કરી જોવ છું. સાથો સાથ જેલમાં આજનો માહોલ કેવો છે તેની વિગતો પણ મેળવી લઉં છું. આપ કોઈ ચિંતા ના કરો. હું થોડી વાર બાદ આપને ફોન કરૂ છું. "

" સારૂ સર ....આપનો ખુબ ખુબ આભાર " નિ:શાસો નાંખતા જ્યોતિન્દ્ર કુમારે વાત પુરી કરી સુલોચના અને શીતલને આખી વાત કહી સંભળાવી પરંતુ આ તો જેની માથે પડી હોય એને ખબર પડે કે આવા સમયની ચિંતા કેવી હોય. તેઓ એકબીજાને આશ્વાસન આપી રહયા....

**********************

રાજ્ય સરકારના ગૃહ મંત્રીએ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસને આપેલા કેટલાક આદેશ અનુસાર અભય કુમારે શહેરથી દૂર પોતાના એક બીજા જ ખાનગી નિવાસ સ્થાને સાંજના સમયે પોતાના અતિ વિશ્વાસુ એવા ચાર પોલીસ અફસરોની એક ગુપ્ત બેઠક બોલાવી હતી.

અભય કુમાર સામે બે વિરાટ કાય પડકારો ખડા થયા હતા. એક તો મલ્ટી નેશનલ પી.આર. કન્સલ્ટન્સી કંપનીના ચેરમેન અશ્વિનીકુમાર અને એમ.ડી. મયુરકુમારના અપહરણ થઇ ચુક્યા હતા. આ ઘટનાની તપાસ કોઈ ચોક્કસ દિશામાં ઉપડે એ પહેલા સેન્ટ્રલ જેલનો ભયાનક હત્યા કાંડ પણ સર્જાયો હતો. અભય કુમાર માટે આ કઠીન પરીક્ષાની ઘડીઓ હતી.

પોતાના નિવાસ સ્થાને આવી પહોંચેલા ચારેય અફસરોને અભય કુમારે સૌ પ્રથમ એ વાત કરી કે, "સત્તાવાર રીતે તો આ બંને ઘટનાઓમાં જે તે પોલીસ મથકનો સ્ટાફ તો તપાસ કરી જ રહયો છે પરંતુ મારે તમારી ખાનગી મદદની જરૂર છે. મારી સિક્સ્થ સેન્સ એમ કહે છે કે, આ અપહરણ અને હત્યા કાંડ વચ્ચે કોઈ ને કોઈ ભેદી અનુસંધાન જરૂર હોઈ શકે છે. તમારે ચારેયે હવે પછી શું કરવાનું છે તે વિશે તમને વખતો વખત માહિતી મળી રહેશે."

અભય કુમારને એ ખ્યાલ ના રહયો કે તેઓ જે રૂમમાં બેઠા હતા તેની કાચની બારી ઉપરનો કાપડનો પડદો પંખાની હવાથી લહેરાતો હતો ત્યારે તેની આડમાંથી કોઈ વ્યક્તિ તેમને નિહાળી રહી હતી. જોકે તેને રૂમની અંદર પાંચેય જણા વચ્ચે શું વાતો થઇ રહી છે તે કેમેય સાંભળી શકાતું ન્હોતું. અભય કુમાર ચારેયને કશીક સૂચના આપી રહયા હતા.

**********************

સરકારમાં મોભાદાર સ્થાન ધરાવતા વરિષ્ઠ મંત્રી અનંતરાય તેમના કેટલાક ખાસ મિત્રોને શહેરથી ઘણે દૂર પોતાના ફાર્મ હાઉસમાં એક ખાસ કામ માટે લઇ ગયા હતા. મિત્રોને એ ખબર ન્હોતી કે મંત્રીજી તેઓને કયા કામે લઇ જઈ રહયા છે. લગભગ સાઈઠેક કિ.મી. રસ્તો પસાર કરીને તેઓ ફાર્મ હાઉસમાં એન્ટર થયા એ સાથે જ તેઓની આંખો પહોળી થઇ ગઈ.......

" આ બધું શું છે મંત્રીજી ????" એક મિત્રે અગાધ આશ્ચર્ય સાથે સવાલ કર્યો.

પ્રત્યુત્તરમાં નેતાજી માત્ર ખંધુ હસ્યા અને એમ કહીને સવાલ હસવામાં ઉડાવી દીધો કે હજુ અંદર આગળ તો વધો તમને દરેકને તમારા પ્રશ્નનો ઉત્તર મળી જશે.....

( વધુ આવતા અંકે....)

**********************